તારાપણાના શહેરમાં/એ બ્હાને
એ બ્હાને
વૃક્ષ સૂકું પડ્યું આંખ ભીની તો થઈ
આંગણાને વિકલ્પોની લ્હાણી તો થઈ
એક રસ્તો થયો બંધ તો શું થયું
કૈં દિશાઓ નવી સાવ ખુલ્લી તો થઈ
અહીં તરસ પણ વધી ઝાંઝવાં પણ વધ્યાં
ચાલ એ બ્હાને રણમાંય વસ્તી તો થઈ
ભીડમાં પણ હવે એકલો હોઉં છું
તમને ખોયા પછી મારી હસ્તી તો થઈ
ઘર કિનારા ઉપરનાં છો તૂટી ગયાં
પણ ‘ફના’ એમ દરિયામાં ભરતી તો થઈ