તારાપણાના શહેરમાં/ક્યાં છે?


ક્યાં છે?

એને મળવાની મને ના ક્યાં છે?
પહેલાં જેવી હવે ઇચ્છા ક્યાં છે?

હું તો ફસડાઈ પડ્યો છું અહિંયાં
એય જઈ જઈને જવાના ક્યાં છે?

એમની ખૂબ નિકટ પહોંચી ગયો
એમની પાસેની દુનિયા ક્યાં છે?

એ ખુલાસા તો ઘણા આપે છે
આપણે એને સમજવા ક્યાં છે?

અણગમાના ઘણા પથ્થર છે પણ
ભીંત બાંધી શકે એવા ક્યાં છે?

નહિ તો શું એને ભૂલી જાઉં નહીં
આ પ્રયત્નો બધા સાચા ક્યાં છે?

એ ‘ફના’ દાદ ન આપે તો શું?
પ્રેમનાં કારણો ઓછાં ક્યાં છે?