તારાપણાના શહેરમાં/ઘરની બહાર


ઘરની બહાર

જે વિતાવી ના શક્યા એકેય ક્ષણ ઘરની બહાર
સાંભળ્યું છે કે વસ્યાં છે એનાં રણ ઘરની બહાર

બારી, દરવાજા, હવાજાળીય વાસેલી હતી
તે છતાં સરકી ગયું વાતાવરણ ઘરની બહાર

આમ પણ ઘરમાં ન જાણે ઊંઘ ક્યારે આવશે
તો પછી ચાલોને કરીએ જાગરણ ઘરની બહાર

ઝાંઝવાઓ જેમ આવ્યાં તેમ પાછાં નીકળો
દોડતું ચાલ્યું ગયું હમણાં હરણ ઘરની બહાર

મેં બીજાનો ખ્યાલ રાખ્યો હોય તો કહેવાય નહિ
કેમ જુદું હોય છે મારું વલણ ઘરની બહાર

આ ઉપેક્ષિત બારણાંને કાંઈ કહેશો નહિ ‘ફના’
એમને જોવા દે કોઈનાં ચરણ ઘરની બહાર