તારાપણાના શહેરમાં/ચલો


ચલો

ચલો કે આપણો અવકાશ સાંકળી લઈએ
ચલો કે એકબીજા સુધી વિસ્તરી લઈએ

કહો તો ક્યાં સુધી વાગોળીએ હવાઓને
ચલો કે આપણે એકાંતને ભરી લઈએ

મિટાવી દઈએ બધી શૂન્યતાનું અસ્તિત્વ
ચલો કે આંખમાં અંધારું પાથરી લઈએ

વહાવી દઈએ વિલંબિત દૂરતાને ચલો
ચલો કે ક્ષણની નિકટતાને કોતરી લઈએ

ચલો, ચલો કે હવે શ્વાસ શ્વાસ મૂંગા છે
ચલો કે એકબીજા સુધી વિસ્તરી લઈએ