તારાપણાના શહેરમાં/ઝરૂખામાં


ઝરૂખામાં

બધા વિકલ્પ પુરાઈ ગયા છે કિલ્લામાં
ફર્યા કરે છે સંબંધ એકલો ઝરૂખામાં

હજી સુધી તો તમારી અસર અધૂરી છે
હજીય જોવું ગમે છે મને અરીસામાં

તમારા આવવાની શક્યતાઓ ફેલાવી
વિરહને ફેરવી નાખું છું હું પ્રતીક્ષામાં

આ લાગણી હવે ઘર માથે લઈને ભટકે છે
હવાની જેમ જે કાલે પડી’તી ખૂણામાં

ફક્ત અતીત સિવાય આવતું નથી કૈં પણ
હું હાથ નાખું છું જ્યારે સમયના ખિસ્સામાં

‘ફના’ મેં સાંભળ્યો નહિ કેમ કોઈ છમકારો!
બધા કહે છે કે સૂરજ ડૂબ્યો છે દરિયામાં