તારાપણાના શહેરમાં/તું જ


તું જ

તું જ ભૂરાશ છે સ્વચ્છ આકાશની, તેં જ દીધી તરસ વિસ્તરીને
ચાંદની રાતનો સોમરસ તું જ છે, તું જ પિવડાવ પ્યાલા ભરીને

તું જ મલયાનિલોમાં વહીને મને મત્ત રાખે મહક પાથરીને
દૂરથી દે નહીં દાવ સંબંધના, શ્વાસમાં આવ શ્વાસો ભરીને

તું જ દર્પણ નગરમાં બધાને છળે દૃશ્ય અદૃશ્ય ચહેરા ધરીને
આજ દૃષ્ટિને ઇચ્છા અસલ રૂપની, આંખડી મીઠી કર નીતરીને

એક વેળા તને ઓળખીને પછી કોઈ પણ ભય નથી ભૂલવાનો
હર સમય, હર સ્થળે છદ્મવેશે મળે, જાઉં ક્યાં હું તને વિસ્મરીને

તું જ છે નાદ, ઉન્માદ પણ તું જ છે, વાદ-વિવાદ છોડી ગઝલ થા
શબ્દના તેજમાં, ભાવના ભેજમાં, સ્હેજમાં ઢળ હવે અક્ષરીને