તારાપણાના શહેરમાં/દર્પણનું ઘર


દર્પણનું ઘર

દર્પણનું ઘર તૂટી ગયું સૂરજના તેજમાં
ચ્હેરાઓ વિસ્તરી ગયા આખા શહેરમાં

જન્મોજનમ હું ફૂલ થઈ ઊગતો રહ્યો
પ્હોંચ્યો નહીં પવન કદી તારા શહેરમાં

રસ્તા ઉપરથી તારું નીકળવું ક્ષણિક હતું
પાછી અવરજવર શરૂ થઈ ગઈ શહેરમાં

પથ્થર પડી રહ્યા છે છતાં વાગતા નથી
ડૂબી ગયો છું તારા વિચારોના ઘેનમાં

આજે તો ક્યાંક એમનો ભેટો થઈ જશે
આંખો મીંચીને આવી ચડ્યો છું શહેરમાં