તારાપણાના શહેરમાં/પડાવ છલકે


પડાવ છલકે

દરિયો છલકે તળાવ છલકે
ક્યાં ક્યાં ભીનેરો ઘાવ છલકે

સઘળે ખાલીપણું ભર્યું છે
જાણે તારો અભાવ છલકે

તારે કાયમ રહે ઉપેક્ષા
અહીંયા કાયમ લગાવ છલકે

ચાલું તો લય છલક છલક છે
બેઠો રહું તો પડાવ છલકે

પહોંચું તારી ગલી સુધી… ને
સાવ અચાનક સ્વભાવ છલકે

આજે દર્પણ છે સ્હેજ ભીનું
જો તું આવે, તો સાવ છલકે