તારાપણાના શહેરમાં/મીણનાં શહેર


મીણનાં શહેર

ચકમકના પથ્થરોમાં તિખારા રહ્યા નથી
ને મીણનાં શહેર હજી પીગળ્યાં નથી

પડછાયા એકસામટા તૂટી પડ્યા છતાં
ફાનસના ગર્મ શ્વાસ હજી પણ ઠર્યા નથી

માથાને પટકી પટકીને શબ્દો મરી ગયા
ને ભીંતના તો પોપડાઓ પણ ખર્યા નથી

આકાશ છદ્મવેશે કશે ઊતર્યું તો છે
કિંતુ હજી સુધી તો અમે આથડ્યા નથી

સૂરજને સાવ પાણીમાં બેસાડી દો નહીં
કિરણોય ન્હાઈને હજી પાછાં ફર્યાં નથી