તારાપણાના શહેરમાં/મોજું સભાનતાનું


મોજું સભાનતાનું

દર્પણ બિચારું કૈં કરી શકતું નથી હવે
અંધારું એના ચ્હેરા બદલતું નથી હવે

આંખોને ઢાળી હું હવે આપું છું આવકાર
શણગાર એટલે કોઈ કરતું નથી હવે

આખો દિવસ હું એ જ ઘરે રહેતો હોઉં છું
આખો દિવસ એ ઘર રહી શકતું નથી હવે

તારા વિચારમાંય કોઈ તડ પડી ગઈ
મોજું સભાનતાનું અટકતું નથી હવે

શ્વાસોમાં વિસ્તરી છે ઘટાદાર સ્તબ્ધતા
શબ્દોનું એક ચકલું ફરકતું નથી હવે