તારાપણાના શહેરમાં/લિસોટો


લિસોટો

અરીસાની વચ્ચે જ ઊભો લિસોટો
પ્રતિબિંબથી તોય અળગો લિસોટો

ઘણીયે હતી હસ્તરેખા તો સારી
નડ્યો એક એની ઉપરનો લિસોટો

જમાનો વખાણે છે જેમાં કલાને
એ દોર્યો હતો મેં અમસ્તો લિસોટો

હવે ફાટશે અર્થના રાફડાઓ
હવે કાંચળીમાંથી છૂટ્યો લિસોટો

કહ્યું નહિ કે ઉજ્જવળ સિતારો ખર્યો’તો
કહ્યું કે હતો બહુ મજાનો લિસોટો

શું આગળ શું પાછળ તમિસ્રો તમિસ્રો
જીવન શું મરણ શું લિસોટો લિસોટો