તારાપણાના શહેરમાં/સાંઈ


સાંઈ

અંધ જગતને હું નહિ આંજું સાંઈ
વેશ નહીં, વૃત્તિ પહેરું છું સાંઈ

મેલું ઘેલું પણ આ માણસ હોવું
ગંગાના પથ્થરથી સારું સાંઈ

તોપણ ખાલી ગઈ પોકાર નગરમાં
શ્રદ્ધા જેવું સહુએ દીધું સાંઈ

પડછાયા બહુ લાંબા લાંબા નીકળ્યા
ઘર છોડ્યું તો જંગલ વળગ્યું સાંઈ

રસ્તા ઉપર અંતે રાત વીતી ગઈ
અંધારું ઘરમાં જઈ સળગ્યું સાંઈ

શોધ કરી ચકમકની, પામ્યો પારસ
યાદ કરું તો સોનું સોનું સાંઈ

લે આ વૃત્તિ પણ સહુ છોડી દીધી
કેવળ હું ને અઢળક હોવું સાંઈ