તારાપણાના શહેરમાં/હજી પણ


હજી પણ

મને મારી નજરનો ભ્રમ હજી પણ યાદ આવે છે
પછીનો બુદ્ધિ પર સંયમ હજી પણ યાદ આવે છે

મેં જે પહેલા પ્રણય વખતે હવાને ભેટ આપી’તી
આ સન્નાટામાં એ સરગમ હજી પણ યાદ આવે છે

ત્વચાની ઝણઝણાટી પાતળો પર્દો બની થીજે
જો તારા સ્પર્શનું રેશમ હજી પણ યાદ આવે છે

અજબની તાલાવેલી ને કોઈની ચુપકીદી પાછી
ભલે વીતી ગઈ મોસમ હજી પણ યાદ આવે છે

મને સમજણ પડી ન્હોતી ‘ફના’ એ વાત જુદી છે
કહેલું તેં કશું મોઘમ, હજી પણ યાદ આવે છે