દક્ષિણાયન/કન્યાકુમારી


કન્યાકુમારી

કન્યાકુમારીને રસ્તે! ભારતભૂમિના ચરણના અંગુષ્ઠની તરફ! પ્રવાસમાં સદા ઉત્સુક રહેતું હૃદય વધારે ઉત્સુક બન્યું! પણ રાતની અધૂરી રહેલી ઊંઘ પાંપણો ઉપર પલાણ માંડવા લાગી. એ ઝોકાંની સ્થિતિમાં પડખે દબાવેલો કામળો ક્યારે નીચે સરી પડ્યો તેનો ખ્યાલ ન રહ્યો. પાછળની બેઠક પર બેઠેલી બેએક વિધવાઓ કામળાને પડતો જોઈ બૂમ પાડી ઊઠી. મોટર અટકી. બસવાળો દોડીને કામળો લઈ આવ્યો. મેં પાંપણો પરથી ઊંઘ ખંખેરી. અમારા વેશપહેરવેશથી જુદાં પડી આવતાં અમે આ કામળાના બનાવથી આકર્ષણનું વિશેષ કેન્દ્ર બન્યાં. વિધવાઓ મલયાલમ ભાષામાં અમને પ્રશ્નો પૂછવા લાગી. એમની આગળ મારે હિંદીને પણ ભાંગી ભાંગીને બોલવી પડી, નાનાં છોકરાંને લાડવો ખવડાવીએ તે પ્રમાણે! મેં ‘ગુજરાત’નું નામ ઉચ્ચાર્યું. અહીંની જનતામાંથી કોઈ ગુજરાતને નથી ઓળખતું. આપણે ત્યાંનો ખેડૂત પણ ક્યાં કન્યાકુમારીને ઓળખે છે! મેં મહાત્મા ગાંધીનું નામ દીધું. ‘મહાત્મા ગાંધીના દેશના અમે છીએ.’ તેઓએ પરિચિત સ્મિત કર્યું; પણ ગુજરાતની ભૌગોલિક સ્થિતિ તો તેમને અજાણ જ રહી. મહાત્મા ગાંધી! હિંદુના ભિન્ન ભિન્ન પ્રાંતોના હૃદયને સાંધનારી સાંકળ! હજાર હજાર માઈલ દૂર પડેલા, લાખો ગામડાંઓમાં કરોડોની સંખ્યામાં વસતા, સેંકડો ભાષાઓ બોલતા અને અનેક વિશિષ્ટતાઓ ધરાવતા આપણા લોકોને માટે સર્વમાન્ય જીવનતત્ત્વ કયું છે? એ ભિન્નતાના ખડકોમાં પણ સંસ્કાર અને શ્રદ્ધાની એક સળંગ સરિતા વહી રહી છે. વળી એ ખડકોની ઉપર મેઘની પેઠે વરસી, આ સરિતાને અનેક રીતે પુષ્ટ કરી તેની અખંડિતતાને ટકાવનાર વ્યક્તિઓ આપણને આપણી સંસ્કૃતિના આદિ કાળથી મળતી રહી છે. ભિન્નતાના ખડકોથી ઊંચે ચઢીને આપણી માનવ-ધરતી પર આકાશના મેઘ જેવી ઝળૂબતી એ વ્યક્તિઓ સૌને પોતાની ઉપર જ ઝૂકી રહી લાગે છે. જેમનું વ્યક્તિત્વ હિંદની ચતુઃસીમાને સ્પર્શી અને રંગી આવ્યું છે એવી એ વિભૂતિઓમાં આજે છેલ્લામાં છેલ્લું નામ મહાત્મા ગાંધીનું છે. મહાત્માજીને પોતાને માટે આ મોટી જીત છે, એ દૃષ્ટિએ આ ઉલ્લેખ નથી કરતો; પણ આપણી ભિન્નતાને કેવી પ્રભાવકતાથી એમણે સાંધી આપી છે તે દૃષ્ટિથી આ લખું છું. એ વિધવાઓ તથા ત્યાંનો પ્રાકૃત સમાજ અને અમે પરસ્પરથી અપરિચિત હતાં, છતાં પરિચિત પણ હતાં. મહાત્મા ગાંધીનું નામ જે ભાવનાનું પ્રતીક છે તે અમારા બંનેમાં હતી. મને ‘મહાત્મા ગાંધીની જય!’બોલવાનું મન થઈ ગયું. આ મુખેથી કેટલીય વાર મહાત્મા ગાંધીની જય પોકારી છે; પણ જય પોકારવાની આટલી સાર્થ ઇચ્છા કદી થઈ નહોતી. વારુ. મેં પાંપણો પરથી ઊંઘને ખંખેરી કાઢી અને ઊઘડેલી આંખે પ્રભાતનું વિકસતું સૌંદર્ય જોવા માંડ્યું. આકાશના જેવો જ તેજનો એક પૂરો ઉજાસ તમામ પદાર્થોને કોમળતાથી વ્યક્ત કરતો હતો. મલબારનું સૌંદર્ય ચાલુ જ હતું. રસ્તાની રાતી માટી, બાજુ પરનાં છાજેલાં ઝૂંપડાં, નાળિયેર તથા પાલમાયરાનાં ભરચક થડ અને ઝૂકતાં પાંદડાંમાંથી થતી વિવિધ આકૃતિઓ અમારી સાથે સાથે ચાલુ જ હતાં. ક્ષિતિજનું દર્શન તો અહીં પણ થતું ન હતું. આ સમૃદ્ધિમાં ડાબી બાજુએથી પર્વતની એક હારમાળા ધીમે ધીમે સ્વપ્નમાં આવતી પરી જેમ નજીક સરી આવી. અત્યાર લગી પૂર્વમાં દૂર સરેલી પશ્ચિમઘાટની ગિરિમાળાની નજીક અમે આવી ગયાં. સપાટ જમીન પરથી સીધી જ ઊઠતી એ શિખરાવલિ ઉદ્દીપ્ત થતી થતી આકાશમાં પોતાના ધનશ્યામ વર્ણથી મનોહર ચિત્ર ઊભું કરતી હતી. એ ઘનશ્યામ ટેકરીઓને માથે સૂર્ય એના ભરપૂર સુવર્ણમય ઝળહળાટમાં આવીને બેઠો. પૃથ્વીએ પણ પોતાના અધિદેવતાને પ્રસન્ન હૃદયે ‘આવો મારા માથાના મુગટ!’કહીને માથે ચડાવી લીધો. આબુ, નીલિંગિર અને હિમાલયમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાને માટે ઘણાં જાણીતાં સ્થળ છે; પણ સૂર્યોદયનું આવું અણધાર્યું અતિ સુભગ દર્શન જવલ્લે જ થતું હશે. મોટરમાં એક સ્ત્રીએ મારું ખાસ ધ્યાન ખેંચેલું. આધેડ ઉંમરની સફેદ સાડી પહેરેલી એ સ્ત્રીના કાનમાં અદ્દભુત લોળિયાં હતાં. કાનની બૂટ કાન કરતાં પણ લાંબી હતી અને તેમાં સોનાના જેવા લાગતા પાશેરેક વજનના વીંટલા, જાડા સળિયાને એકબીજા પર વળ આપીને બનાવ્યા હોય તેવા આકારના લટકતા હતા. આ દૃશ્ય પ્રથમ તો કુતૂહલપ્રેરક નીવડ્યું; પણ એ કુતૂહલને ઓસરતાં વાર ન લાગી. થોડા જ વખત પછી નાગરકોઈલમાં એવી અનેક સ્ત્રીઓ જોવા મળી. આગળ મદુરા અને ત્રિચિનાપલ્લીમાં તો એ જોઈને ઊલટી થવા જેટલી દશા પણ આવી ગયેલી. નાગરકોઈલમાં જ્યાં મોટર ઊભી રહી હતી ત્યાં જ કૂવો હતો. એ કૂવે અહીંની શ્યામાઓ તેમના કટિકુંભ લઈને પાણી ભરવા આવતી હતી. કેડ ઉપર સાંકડા મોંનો મોટા દેગડા જેવડો આ ઘડો લઈ જવો આ લોકોને કેમ ફાવતો હશે? શહેરની ગંદકી અને ધમાલ, દરિદ્રતા અને નફટાઈ બધું અહીં હતું. નાગરકોઈલમાંથી નાસી જવાનું મન થયું. કન્યાકુમારી હવે બાર જ માઈલ હતું. કેવું સ્થળ હશે? ત્યાં શું હશે? મનમાં પ્રશ્નો ઊઠતા હતા. મારી આતુરતાને પૂરી કરવા જ જાણે મોટર વેગથી દોડતી હતી. ઉત્તરમાં હજી ટેકરીઓ ચાલુ જ હતી; પણ તે હવે નીચી અને છૂટીછવાઈ. દક્ષિણે નાળિયેરીઓ પણ હવે ઘટવા લાગી હતી. કન્યાકુમારીની ભૂશિર તરફ અમે જતાં હતાં. સિંધુ અને ગંગાના મુખ આગળથી શરૂ થતા હિંદના પશ્ચિમ અને પૂર્વ કિનારા હજાર માઈલથી પરસ્પરને મળવા ધસી આવતા આવી રહ્યા હતા. જમણી બાજુની ઊંચીનીચી છતાં રેતાળ થતી જમીન સમુદ્રિકનારાનું સૂચન કરતી હતી. બે ડગલાંમાં સામે કિનારે જઈ શકો એવી એક નાની નદી પણ પશ્ચિમમાંથી વહી આવતી રસ્તામાં મળી ગઈ. હવે રસ્તાની માટી પણ ધોળી બની હતી, ધૂળ પણ ઠીક ઊડતી હતી અને જોતજોતાંમાં કન્યાકુમારીના નાનકડા ગામની શેરીઓમાં વાંક લેતી મોટર ધર્મશાળાના ચોગાનમાં ચક્કર લઈને થંભી ગઈ. ધર્મશાળાના વ્યવસ્થાપકે અમારું હેતથી સ્વાગત કર્યું અને એક પંડ્યાને અમારી સેવામાં યોજી દીધો અથવા અમને પંડ્યાના પંજામાં મૂક્યા એમ કહીએ તોપણ ચાલે. જોકે આ પંડ્યામાં શિકારદૃષ્ટિ અતિ ગૌણ હતી અને અમારી ઇચ્છા વિરુદ્ધ કંઈ કરાવવા તે આગ્રહ રાખતો ન હતો. પાંચ અંગ્રેજી ભણેલો એ ઊંચો જુવાન મીઠા અવાજનો પંડ્યો અમને મંદિરમાં લઈ ગયો. ત્યાંથી સ્નાનના વાટે લઈ ગયો અને રસ્તામાં કન્યાકુમારી દેવીની કથા પણ તેના રાબેતા મુજબ તેણે કહી બતાવી. ધર્મશાળાના આંગણામાંથી સમુદ્ર નથી દેખાતો. કન્યાકુમારીનું મંદિર પૂર્વ ક્ષિતિજનો ભાગ રોકે છે. મંદિર તરફ જતા-આવતા સુંદર પહોળા રસ્તા ઉપર નાનકડાં ઘરોની હાર હતી અને ઠેકઠેકાણે ‘Meals for Brahmins’-‘બ્રાહ્મણો માટે ભોજન’નાં પાટિયાં હતાં. અમારી નજરને પકડતાંવેંત એ ઘરોમાંથી કોઈ ને કોઈ બોલી ઊઠતું: ‘Sir, meals? Three annas!’પણ ભાતની ઉપાસના અમારે હજી મોડી કરવાની હતી. નાનકડા ગોપુરમાંથી અમે મંદિરમાં પેઠાં. પદ્મનાભની પેઠે જ અહીં પણ અમારે અંગવસ્ત્રો ઉતારવાં પડ્યાં; કારણ કન્યાકુમારીમાં પણ ત્રાવણકોરના અધિદેવ પદ્મનાભનું જ રાજ્ય છે. ઉત્તરાભિમુખ બેઠેલો કુમા ૨ીની સન્મુખનો મંદિરભાગ દ્રાવિડ સ્થાપત્યશૈલીનાં અલંકરણોનો સાધારણ નમૂનો છે. મંદિરના પૂર્વ અને વાયવ્યના ભાગો તો ઉજ્જડ અને હવડ જેવા છે. ત્યાં થાંભલા ઉપરનાં દેવદેવીઓ ધૂળ ખાતાં બેઠાં છે અને મંદિરમાં આવેલું એક તીર્થ અત્યારે તો અંધારો કૂવો બની બેઠું છે! છત તદ્દન નીચી હતી. બહારથી પ્રકાશ કે હવા ક્યાંયથી ન આવી જાય તેની બરાબર સાવચેતી રખાઈ હતી; છતાં અહીં સંકડામણ લાગતી ન હતી. ભાવિકોની ભીડ ઓછી હોવાને લીધે પણ એમ લાગતું હોય. મુખ્ય દ્વારથી માંડીને દેવીના સ્થાનકવાળા ગર્ભાગાર સુધીના રસ્તાને બે પડખે દીવાઓની બે હાર ટમકતી હતી. દીવાઓથી ઉજ્જવળ બનેલા ગર્ભાગારમાં દેવી પૂજારીને હાથે શણગાર ધારણ કરી રહ્યાં હતાં. હિમધવલ આરસની નમણી દેવીનું એ દર્શન કેવું મોહક મનોહર હતું! દેવીને દીઠા પછી આ અંધકાર અને હવાના અભાવની યાતના સાર્થક લાગી. દેવી સાચે જ હિમાલયતનયા લાગતાં હતાં. એમના ગૌરીત્વનો પૂરો પ્રભાવ જોઈ શકાય તે માટે જ જાણે આ અંધારું તેમની આજુબાજુ ગોઠવવામાં આવેલું હતું. શાંત મંદિરમાંની આ રમણીય પ્રતિમા અંતરમાં અપૂર્વ પ્રસન્નતા પ્રેરી રહી; પણ કન્યાકુમારીનાં ખરાં દર્શન હજી બહાર કરવાનાં હતાં. મંદિર બહાર નીકળ્યાં અને ખરેખરું ભૂશિરદર્શન થયું. નાનપણથી જેને ભણતા આવ્યા છીએ અને ભારતમાતાનો મહિમા વર્ણવતાં જેનું નામ અનેકશઃ ઉચ્ચાર્યું છે તે જ આ કન્યાકુમારી! નકશામાં જે રીતે જોઈએ છીએ તેવી જ રીતે ભૂમિનો ત્રિકોણાકાર છેડો બંને બાજુથી સંકોડાતો અણીદાર થતો આવતો હતો. એ છેડા ઉપર કન્યાકુમારીનું મંદિર અને ત્યાંથી થોડે પૂર્વમાં જમીનનો છેલ્લો છેડો. હિંદુભૂમિનું દક્ષિણતમ બિંદુ. આ બાજુ ઉત્તરે બંગાળનો ઉપસાગર, સામે હિંદ મહાસાગર અને દક્ષિણે અરબી સમુદ્ર. ત્રણે જલરાશિઓ ત્રણ બાજુથી આવીને ભૂમિનાં ચરણ ધોઈ રહ્યા હતા. નીલ સિન્ધુઓનાં જલથી ધૌતચરણ બનેલી ભુવનમનમોહિની દેવી મારા મનમાં પ્રત્યક્ષ થયાં. ખરે જ, ત્રિભુવનોનાં મનને મોહ પમાડે તેવું આ દર્શન હતું. ત્રણે સમુદ્રો પોતાનું જુદું જુદું વ્યક્તિત્વ જાળવી રહ્યા હતા. ઉત્તર વાયવ્યમાં ચડતી જતી કિનારાની રેખા સાથે વિસ્તરતો બંગાળાનો ઉપસાગર શાંત સૂતો હતો. એનાં પાણી કેટલા પ્રકારની લીલાશ ધરી રહ્યાં હતાં! સૂર્યનાં કિરણોથી આછી ચળકતી સપાટી ઉપર આછા અને ઘેરા, લીલા અને જાંબલી, વાદળી અને કીરમજી રંગોના જાણે કુંડ, ખેતરો અને પહોળા પટ પથરાયાં હતાં. સામે હિંદી મહાસાગર ક્ષિતિજમાં સમાઈ જતો હતો. પ્રભાતસૂર્યનાં ઉગ્ર થતાં કિરણોએ એ આખા પૂર્વ ભાગને ઝળહળાવી મૂક્યો હતો. પવન થોડો જ હતો છતાં એનાં પાણી ઊછળ્યા વિના રહેતાં ન હતાં. આમેય એવા એ મહાસાગરને આંખમાં સમાવવો અશક્ય હતો. આ હિંદી મહાસાગર! અહીંથી હવે જમીન નહિ આવે. ઠેઠ દક્ષિણ ધ્રુવ સુધી આઠ હજાર માઈલના પ્રસ્તારમાં પડેલો આ સાગર અહીંથી પોતાનું સામ્રાજ્ય આરંભે છે! આઠ હજાર માઈલ લગી! એટલું ઊડવા જતાં કલ્પના પણ થાકી જતી હતી. અને આમ દક્ષિણ તરફ અરબી સમુદ્ર. એ ખૂબ જ પરિચિત લાગ્યો. એ તો મુંબઈ ઇલાકાનો જ દરિયો ને! સાવ નાનપણથી ગોખેલો અને મુંબઈમાં જોયેલો. બંગાળાના ઉપસાગર કરતાં એ મોટો એટલે પોતાની શક્તિ જરા બતાવે તો ખરો જ. ગર્જના તો એના તરફથી જ આવતી હતી. ત્રણ ભાઈ જેવા આ ત્રણ જલનિધિઓ ભારતમાતાનાં ચરણોમાં અનાદિ કાળથી બેઠા છે. એમનાં માતૃસ્તોત્રો અખંડ ગુંજ્યાં કરે છે. અમે મંદિરની બહાર નીકળ્યાં અને રેતીમાં ચાલતાં સ્નાનઘાટે પહોંચ્યાં. પંડ્યો પોતાની સાથે હાથમાં તુલસીપત્રાદિ લઈ આવ્યો હતો. તેને બતાવી અમને સંકલ્પ કરાવવા તે તૈયાર થયો. ‘કયો સંકલ્પ?’ મારું મન વિકલ્પે ચડ્યું. ‘મારા કરવાના સંકલ્પો તું નહિ કરાવી શકે!’તેને કહેવાનું મન તો થઈ આવ્યું, પણ મેં કેવળ ટૂંકામાં ના પાડી. લેશ પણ રોષ દાખવ્યા વિના તે સંમત થયો અને માત્ર દક્ષિણા માગી. દક્ષિણા લઈ તે ચાલતો થયો અને અમારાં કપડાં અને પૈસા સાચવવાની શિખામણ આપતો ગયો! શું આ તીર્થક્ષેત્રમાં પણ માણસને ચોરી કરવાની જરૂર રહે છે? અને યાત્રીઓને પણ પોતાની સંપત્તિના સ્વામિત્વનો મોહ અવિચળ રહે છે? એ ગયો અને હું છૂટ્યો. જતાં જતાં દરિયામાં ઊંડે જવાની પણ એ મનાઈ કરતો ગયો. વળી તદન કમ્મર જેટલા પાણીને ઓળંગી કોરે અંગે સામેના ખડક પર જઈ શકાય તેવું હતું છતાં તે તરફ મને જતો જોઈ તેણે તો ચીત્કાર જ કરી મૂક્યો! છતાં હું તો ચાલ્યો જ. સવારના દસેકનો સુમાર હતો. રેતી ઉપર સૂર્યનાં કિરણો તેમની સવારની સુનેરી ઝાંય તજી તપેલી ચાંદી જેવા વર્ણનાં બની પથરાતાં હતાં. ઉત્તરે, દક્ષિણે અને પૂર્વે ઉપસાગર, સાગર અને મહાસાગર પથરાયા હતા. મલબાર કિનારાથી લીલા રંગની બધી છટાઓ જમીન ઉપરથી ઊતરીને સમુદ્રમાં આવી સમાઈ હતી અને સમુદ્રનો રાતો ભૂખરો વર્ણ જમીન પર પહોંચી ગયો હતો. હાથમાં કૅમેરા લઈ એક ધોતિયાભેર હું સ્નાનઘાટને ઓળંગી સામેના ખડક ઉપર પહોંચ્યો. નાનાં છોકરાં પણ જઈ શકે એવા આ ખડક પર જવાની પંડ્યો કેમ ના પાડતો હતો તે મને ન સમજાયું. ઉત્તરમાં એક મોટા ગજરાજ જેવો બીજો ખડક હતો અને તેની આસપાસ તેનાં બચ્ચાં જેવા બીજા ખડકો હતા. આ જ ‘વિવેકાનંદ રૉક’. સ્વામી વિવેકાનંદ તેમના બે વરસના ભારત પર્યટનમાં અહીં આવેલા ત્યારે દરિયો તરીને આ ખડક ઉપર બેઠેલા. ત્યાં તેમને ભારતમાતાનું દર્શન થયું. ત્યાંથી તે ઊઠ્યા અને કન્યાકુમારીના મંદિરમાં જઈ સાષ્ટાંગ પ્રણામ કરી તેમણે ભારતમાતાની આજીવન સેવાનો સંકલ્પ કર્યો. એ ખડક તો દૂર હતો. ત્યાં એકલા તરીને જવા જેટલી આપણામાં હિંમત ન હતી અને દરિયામાં હોડી ન હતી કે જે ત્યાં લઈ જાય. મારી સામેના દૃશ્યનો હું ફોટોગ્રાફ લેવાનો વિચાર કરવા લાગ્યો. સામે પગથિયાં પર મંગળા નહાતી હતી. એકલી એક ગુજરાતની લાલ સાડી પહેરેલી, એક રક્તબિંદુ જેવી એની આકૃતિ આ ચિત્રમાં એક પાત્રરૂપે ગોઠવાઈ જતી હતી. થોડેક ઉપર કન્યાકુમારીના મંદિરના લાલ અને સફેદ ઊભા પટા દેખાતા હતા. બંને બાજુએ રેતી હતી અને સૂર્યનાં કિરણ પણ રેતી જેવાં રાતાં હતાં. આમ ઉત્તરે અને દક્ષિણે એ સ્નાનઘાટ આગળથી કિનારો સીડીનાં પગથિયાં પેઠે બંને દિશામાં આગળ આગળ વધતો જતો હતો. ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ, આમ ગંગાના મુખ સુધી, આમ સિંધુના મુખ સુધી, સળગતી જામગરી પેઠે દૃષ્ટિ જો સડસડાટ ચાલી શકે તો અને હજી આગળ, હજી આગળ. એશિયા ખંડ, સુમાત્રા અને ઇસ્ટ ઇંડીઝને બાદ કરીએ તો આથી નીચે હવે દરિયામાં બીજો કોઈ ભૂભાગ નથી. આ બાજુ પશ્ચિમે: આ ત્યાં તો પેલો આફ્રિકા ને? જલધિજલમાં ઝબોળાયેલા ભારતમાતાના અંગુષ્ઠનખ જેવા એ ખડક ઉપર ઊભા રહી ભારતમાતાનું દર્શન સુરેખ અને સ્પષ્ટ થવા લાગ્યું. પૃથ્વીની સપાટી ઉપર પથરાયેલી ભૌગોલિક વિશેષતાઓવાળી હિંદની પાર્થિવ આકૃતિનું સમગ્ર આકલન વિશદ રીતે જેટલું અહીંથી કરાય છે તેટલું અન્યત્ર નહિ થતું હોય. જ્યાં સુધી ભૂમિ ઉપર હોઈએ છીએ ત્યાં સુધી તેમાંથી પોતાની જાતને દૂરસ્થ કરીને દેશને જોવાની કલ્પના કરવી સહેલી નથી. અહીં, આ દક્ષિણતમ બિંદુએ જમીનથી પચાસેક હાથ દૂરના ખડક ઉપર પણ ઊભા રહેતાં જમીનથી સર્વથા દૂર થઈ ગયાનું ભાન અનુભવી શકાય છે. બંને બાજુએ સરખી રીતે તોળાઈ રહેલો કિનારો નજર આગળ વધતો જાય છે. અને વધતાં વધતાં હિમાલયનાં શિખરો સુધી પહોંચતાં વાર નથી લાગતી. આ હિંદ. મારી જન્મભૂમિ! એની અંદર હતો ત્યારે જે નહોતો સમજી શકતો તે હવે સમજી શકું છું. આજે તેના તરફ ખરો ભૌગોલિક, ભૌતિક પ્રેમ અનુભવી શકું છું. મારું મકાન જેવી રીતે વહાલું લાગે છે, તેવી જ રીતે આ ભૂમિ મને વહાલી લાગે છે. એનાથી ભિન્ન થતાં જ આંચળેથી વછોડાયેલા વાછડાની પેઠે, એની સાથેના અવિચ્છેદ્ય સંબંધનું ભાન થાય છે, હૃદય પીગળે છે. માતા! આ તારાં ચરણ; ત્યાં આળોટવાનું મન થાય છે. નમો નમઃ ભગવતી!... પૃથ્વીના પાદાંગુષ્ઠ સદેશ આ સ્થાન ઉપરથી ભારતની જીવતી સમૃદ્ધિ પ્રત્યક્ષ કરતાં હવે મુશ્કેલી પડતી નથી. આમ પશ્ચિમ કિનારે ચાલ્યા જઈએ. મલબાર, કેરળ, કોંકણ, મહારાષ્ટ્ર, ગુજરાત, સિંધ, આમ પૂર્વ કિનારે જઈએ: તામિલનાડ, આંધ્ર, ઓરિસા, બંગાળા અને આમ સીધી નજર નાખીએ તો કર્ણાટક, મધ્ય પ્રાંત, રાજપૂતાના, વરાડ, યુક્ત પ્રાંતો, પંજાબ અને કાશ્મીર, આ ભિન્નભિન્ન અંગોનાં વિશિષ્ટ લક્ષણો જેવાં ઊંચી ગિરિમાળાઓ, સપાટ ગિરિપૃષ્ઠો, ભરચક લીલોતરીના કિનારાઓ, લુખ્ખી જમીનો, રેતાળ પ્રદેશો નજરે દેખાય છે. એ જમીનમાં ઊગતી વનસ્પતિ અને એ ખેતી નૈઋત્ય અને ઈશાનના પવનોથી ડોલતી દેખાય છે અને એ બધાંમાં સ્થળ સ્થળના વતનીઓ જાણે તે જમીનની વિશિષ્ટ પેદાશ હોય તેવા, તેમની ભાષા, તેમના વર્ણ અને તેમની દિનચર્યામાં પ્રત્યક્ષ થાય છે. એ બધી ભિન્નતાની પાછળ વ્યાપેલું એક અભિન્ન પ્રાણતત્ત્વ પણ જોઉં છું. પૂર્વમાં ઊઠેલો બુદ્ધિનો રણકાર, હૃદયનો ઉચ્છ્વાસ કે કર્તવ્યનું આહ્વાન પશ્ચિમમાં પહોંચી જાય છે. પશ્ચિમમાં ઊઠે છે તો પૂર્વમાં પહોંચી જાય છે. હરદ્વારનાં પાણી રામેશ્વર પહોંચે છે અને રામેશ્વરના શંખ કાશ્મીરમાં પૂજાને માટે વપરાય છે. હિંદુ એક છે, અભિન્ન છે. ભૌગોલિક ઐક્યવાળા હિંદમાં સાંસ્કારિક ઐક્ય એથીયે વધારે છે, છતાં હજી કંઈક ખૂટે છે. શું ખૂટે છે? એ જવાબ મને અહીં કોણ આપશે? આર્ય પ્રાણના ફુવારા જેવા સ્વામી વિવેકાનંદને એ જવાબ અહીંથી લાધ્યો હતો. આજે અર્ધી સદી પછી એ જ જવાબ મળે છે. હિંદનો પ્રાણ દરિદ્ર છે. ત્યાં નારાયણની સ્થાપના કરો. દરિદ્રો ભણી હૃદય વાળી તેમાં નર-નારાયણ પ્રગટાવો. એ પ્રગટીકરણની જડીબુટ્ટી સાગર પારથી તરતી તરતી હિંદમાં આવે છે. આપણી જડીબુટ્ટીઓ મંદ લાગી છે. જોઈએ છીએ કે એ નવી જડીબુટ્ટી પણ કેટલી કામ આવે છે. પીઠ તપે છે. અહીંથી વિષુવવૃત્ત બહુ દૂર નથી. આ ખડકની નીચે સાગરમાં કૂદવાનું મન થાય છે અને ઘોડા જેવી ઊંચી ગર દન ૫૨ સફેદ ફેનિલ કેશવાળી ધુણાવતું એક મોજું ધડાક કરીને ખડકના પગમાં અફળાય છે. ના, ના, આ સૌંદર્ય તો નિહાળવા માટે જ છે. વળી કદી સાગરબચ્ચા જન્મીશું તો એ લહાવ લઈશું. હાલ તો હિંદી મહાસાગર પાસેથી મોજાં ઉઠાવવાનો પાઠ ભણતો હોય તેમ અરબી સમુદ્ર નાનાં નાનાં મોજાં કિનારા પર લઈ આવે છે તે જ જોઈએ. અને કાકાસાહેબને કેટલો ઠપકો આપું! ખડકની પૂર્વ બાજુમાં એક નાનકડો ગોખ છે. ત્યાં બેસીને તેઓએ ધ્યાન ધર્યું હતું, એ વાત તેમણે મને, હું પ્રવાસે નીકળતાં પહેલાં એમને મળ્યો ત્યારે કેમ ન કહી? ખડકને સીધો પાણીમાં ઊતરતો ધારી મેં આ બાજુ ઝાઝી નજર ન કરી. કૅમેરાને ખભે ટીંગાવી હું નીચે ઊતર્યો. પેલા નીચા રસ્તા પર મોજાંનું કદ વધતું જતું હતું. મારે ઉતાવળ કરવી જોઈએ. અમે સ્નાન કરીને ઉપર ચડ્યા. આ રહ્યો એક મંડપ. નાના ઓટલા ઉ ૫૨ થોડાક પથ્થરના થાંભલા છે અને તે ઉપર નાનું પથ્થરનું સપાટ છાપરું છે. અહીં પાર્વતી લગ્ન માટે વાટ જોઈને બેઠાં હશે. દક્ષિણને રંજાડનાર બંડાસુરનો ધ્વંસ કરવાને પાર્વતીને કુંવારી કન્યાનું રૂપ લેવું પડ્યું. હિરણ્યકશ્યપની પેઠે એ દાનવે પણ બહુ ચતુરાઈથી વરદાન માગ્યું હતું: હું આથી ન મરું, તેથી ન મરું પણ કુંવારી કન્યાનું નામ એ ભૂલી ગયો. પાર્વતી કન્યાકુમારી બન્યાં. રાક્ષસને હણ્યો અને શિવની સાથે લગ્નની વાટ જોતાં બેઠાં. લગ્નનું મુહૂર્ત આવ્યું છતાં શિવ ન આવ્યા. મુહૂર્ત વીતી ગયું. દેવી ચિડાયાં. લગ્નનાં ચોખા-કંકુ દરિયામાં ફેંકી દીધાં અને એ જન્મ કુંવારાં રહીને જ વિતાવ્યો. પાર્વતીના એ ચોખા હજી પણ દરિયામાંથી મળે છે. એ ચોખા પિવડાવ્યાથી સ્ત્રીને પ્રસૂતિ સરળ બને છે, એમ માની પથ્થરના આ ચોખા જેવા કણ ઘણા લઈ જાય છે અને કંકુ જેવી રેતી તો અહીં બેશુમાર છે જ. ઇતિહાસ કહે છે કે બંડાસુરે જેવી રીતે અહીંની પ્રજાને હેરાન કરી હતી તેમ આ શાંત, ડાહ્યા સીમાનું ઉલ્લંઘન કદી ન કરનાર સમુદ્રે પણ એકાદ ભૂમિને આક્રાન્ત કરવા માંડેલી. તેવે વખતે દક્ષિણનું આધિપત્ય ભોગવતા પાંચ રાજા પરાન્તકે સમુદ્રને રોક્યો હતો. ક્યાં રોક્યો હતો? કેવી રીતે રોક્યો હતો? પણ આપણે ઇતિહાસની અટવીમાં બહુ દૂર નહિ જઈએ. આ સ્થળ જ કાળને ભુલાવે તેવું છે. નિઃસીમ સાગર અને નિઃસી_ ભૂમિના આ સંગમસ્થાને એ બે મહાભૂતો સિવાય બીજું બધું ભૂલી જવાય છે. સાગરની ગંભીરતાને અપમાનતાં અહીં વેપારી વહાણો નથી, માછીમારોની હોડકીઓ પણ નથી, જમીન ઉપર મોટું નગર નથી અને ભૂમિ ઉપર અત્યાચાર જેવાં લાગતાં કારખાનાં કે ગોદામો નથી. અક્ષુબ્ધ પ્રગલ્ભ નિર્મળ પ્રકૃતિ, પૃથ્વી અને પાણી અહીં પથરાયાં છે અને તેમના પર ભૂત માત્રને પ્રસવનાર સવિતા કિરણોની ડાળીઓ ઝુકાવતા ઝળૂબી રહ્યા છે. વીસમી સદીના આ કાળમાં પણ અહીંથી જગતની આદિમાં સહેલાઈથી પહોંચી જવાય છે. પ્રકૃતિ પણ પરિવર્તન પામે છે એ જાણવા છતાં સૃષ્ટિની અનાદિ અનંત દશાનો ઉચ્છ્વાસ અહીં લઈ શકાય છે. જાણે આ જોયા જ કરીએ. આ બાજુ ઊછળતાં પાણી અને આ બાજુ ક્રમશઃ આકારાતી ધરતી. જીવનમાં બીજું કશું જાણે હવે જોઈતું નથી. આ નિરાલંબ નિર્વિકાર સ્થિતિ! હૃદયમાં એક પ્રકારનો પ્રસન્ન ઉલ્લાસ રમી રહે છે. આમ ને આમ જ જીવન ચાલ્યું જાય તો? પ્રથમ દર્શનની આ પ્રસન્નતા આજીવન ટકી રહે તો? આ હિમાલયની ગુફાઓ કે શિખરો પેઠે આ સ્થળ પણ ચિરકાળ વસવાટ કરવાનો યોગ્ય લાગે છે; પણ બીજા તાંતણાઓ મનને ખેંચી રહ્યા છે. પ્રસન્નતા અહીં આવતી કાલે આવા જ પ્રકારે અનુભવાશે કે કેમ તેની શંકા છે. છતાં ઇચ્છા થાય છે કે આ ઘડી જીવનવ્યાપક થઈ જાય, આ જ દશામાં પલાંઠી મા ૨ીને બેસી જાઉં અને આ જિંદગી પૂરી કરી નાખું; પણ એવો નિરવધિ અક્ષુબ્ધ આનંદ પ્રાકૃત માણસ માટે શક્ય હોઈ શકે? હાલ તો એની વિદાય જ લેવાની રહે છે. પણ એક ચિરલાભ તો અહીં થયો જ છે. જીવનમાં એક ક્ષણે તદ્દન મુક્ત પ્રસન્ન અક્ષુબ્ધ ઉલ્લાસ અનુભવવાનું આ સ્થળે શક્ય બન્યું હતું એ સ્મરણ કદી ભુલાવાનું નથી. ગમે ત્યાં, ગમે ત્યારે પણ આ સમુદ્ર, આ પૃથ્વી, આ સૂર્ય અને તે વચ્ચેની હૃદયની એ સ્થિતિ મને પ્રત્યક્ષ જેવાં લાગે છે. મારી યાત્રા સફળ થઈ છે. જીવવા માટે એટલીક કાયમની મૂડી મળી ચૂકી છે એ એક મોટું આશ્વાસન છે. ચાલો, મોટર ઊપડવાની વેળા થઈ છે. ફરીને દેવીનાં દર્શન કરી લીધાં. પેલા ‘સર, મીલ્સ?’ પૂછતાં માણસોને ડોકું ધુણાવી ના પાડતાં પાડતાં અમે ધર્મશાળામાં આવ્યાં. અહીંના વિવેકાનંદ પુસ્તકાલયના સંચાલકે ફાળો માગ્યો તે આપ્યો. એ આર્યસમાજી બંધુ અહીં જામેલા અને ફાવતા જતા ખ્રિસ્તી ધર્મપ્રચારકોની સામે કમર બાંધીને બેઠા છે. મુશ્કેલીઓ પારાવાર છે, છતાં શ્રદ્ધાથી ઝૂઝે છે. ગુજરાતનું નામ સાંભળી તેમના મનમાં અહોભાવ જાગે છે. અમે ભેગા મળી મહાત્મા ગાંધીનું નામસ્મરણ કરીએ છીએ. ક્વિલોનમાં મિલવાળા અમદાવાદી શેઠ ગિરધરલાલ અહીં દસેક દિવસ રહી ગયા અને ગુજરાતીઓની પ્રતિષ્ઠા વધારતા ગયા છે. દક્ષિણના ગુજરાતી વેપારીઓ અહીં વારંવાર આવતા લાગે છે. થોડો વખત અહીં ગાળવામાં પણ મજા આવે તેવું છે. અમે થોડાક કલાક ગાળીને જ અહીંથી નીકળી પડ્યાં. હજી ઘણે દૂર જવાનું છે.