દક્ષિણાયન/કુર્તાલમ્
કન્યાકુમારી છોડ્યું અને આનંદોત્સવ પછી અનુભવાતી ગ્લાનિ જેવો ભાવ હૃદયમાં થવા લાગ્યો. માતૃભૂમિનો છેક છેવટનો દક્ષિણ છેડો જોઈ લીધો. એક સાક્ષાત્કાર તો થયો; પણ હવે? કન્યાકુમારીનાં દર્શનનો પ્રસન્ન ઉલ્લાસ તો મનમાં વ્યાપેલો જ હતો. છતાં એક મ્લાન પ્રશ્ન થયો: ‘હવે ફરીને આ ક્યારે જોઈશું?’ પણ જીવનની ક્ષણભંગુરતા અને ભાવિની અનિશ્ચિતતાનો વિચાર કરવાનો ઝાઝો વખત ન હતો. હજી મદ્રાસ લગીનો આખો પૂર્વ કિનારો, મહાન તીર્થધામોથી ભરપૂર એવો જોવાનો હતો. વહેલામાં વહેલું બીજે સ્થળે ક્યારે પહોંચાય તેની ગોઠવણ વિચારતાં અમે રેલવેનાં ટાઇમટેબલો ઉથલાવવા માંડ્યાં. વળતાં નાગરકોઈલમાં ખૂબ થોભવું પડ્યું અને એટલે સાંજે તેન્કાશી પહોંચવાની યોજના પાર ન પડી. નાગરકોઈલથી ઉત્તરે ૪૩ માઈલ આવેલા તિનેવેલીમાં જ અમારે રાત પડી ગઈ અને ત્યાં કેટલીક મઝાની મુશ્કેલીમાં ઊતરવું પડ્યું. હવે અમારો પ્રવાસ ઉત્તરાભિમુખ બન્યો. હરિત વનરાજિથી વિભૂષિત મલબાર છોડીને અમે જરા સૂકા છતાં લાક્ષણિક સૌંદર્ય ધરાવતા પ્રદેશમાં પ્રવેશ કર્યો. આખા દક્ષિણમાં પૂર્વ અને પશ્ચિમ કિનારે પોલા થડની જાતિનાં વૃક્ષો નાળિયેર, ખજૂર, તાડ, પાલમાયરા, કેળ, સોપારી પુષ્કળ પ્રમાણમાં છે. નાના નાના પર્વતો અને ટેકરીઓ કે સપાટ જમીન સાથેનું તેમનું પલટાતું સૌંદર્ય એક મહામધુર દર્શન થઈ પડે છે. પ્રવાસનાં સંસ્મરણો તાજાં કરતાં અહીં જોયેલાં તીર્થધામો અને સ્થાપત્યસમૃદ્ધિના જેટલાં જ અહીંની કુદરત અને તેના રસ્તા પણ યાદ આવ્યા કરે. પચાસ પચાસ કે સો-બસો માઈલના મુસાફરીના મોટા મોટા ગાળાઓમાં ઝડપથી જતી મોટર કે ટ્રેન પણ છેવટે મંદગતિ બની જતી લાગે છે. તેમાં બેઠાં બેઠાં આજુબાજુની ભૂમિનું દર્શન નિરાંતે કરી શકાય છે. અહીંની ભૂમિની વિવિધતા એટલી બધી છે કે વેગથી વધતું યાન પણ તેને ખલાસ કરી શકે તેમ નથી. આ દક્ષિણમાં જતાં રહેલાં પેલાં શિખરો. એમના પર વનસ્પતિ નથી. એમની નિર્વસન કાયા ખાખી બાવા જેવી લાગે છે. અણીદાર ઊંચાં શિખરોવાળી એ ટેકરીઓ મનોરમ શંકુઓ જેવી, શેતરંજની જાતજાતની સોગઠીઓ જેવી લાગે છે. વાદળાંમાં ઢંકાતો અને ખુલ્લો થતો સૂર્ય તેમની નીલિમાને ઘડીકમાં ચળકતી તો ઘડીકમાં ઘેરી કરી મૂકે છે. એમના પર કોઈ ઢોરઢાંખર જતું નથી. કોઈ દેવસ્થાન પણ ત્યાં નથી, ત્યાં જઈને તેના પર ચડવાથી કશી પ્રાપ્તિ પણ નથી થવાની એમ જાણવા છતાં આ ટેકરીઓ કેવીક ચુંબક જેવી આકર્ષી રહી છે! અહીંથી દોડીને ત્યાં ચડી જવાનું મન થાય છે; પણ એ શક્ય નથી. ત્યાં જવાથી ઊલટું હૃદય ઉદાસ થશે એમ ખાતરી છે. ત્યારે આ આકર્ષણ શાનું? મને મુગ્ધ કરનાર પેલાં સ્ત્રીઓના કાનમાંના નાળિયેરના ઝૂમખા જેવાં લોળિયાં હવે વિશેષ દેખાવા લાગ્યાં. લોકોના શરીરમાં સૌષ્ઠવ બહુ થોડું દેખાતું હતું. પુષ્ટ કે જાડાં માણસો પણ બહુ થોડાં જ મળતાં. આ બાજુની ઘણી ખાસ કરીને હલકી જાતિની સ્ત્રીઓ-કાંચળી-ચોળી કશું પહેરતી નથી. એમના ખભાનાં હાડકાં અને પહોળાં મોંમાંના પુષ્કળ પાન ખાવાથી કર્બુરવર્ણા બનેલા વાંકાચૂકા દાંત આંખને અળખામણાં લાગે છે. અંગને વિકૃત કરીને સૌંદર્ય સાધવાની આ ટેવ માનવજાતિમાં ક્યાંથી આવી હશે? અહીંથી સર્વવ્યાપી અરૂપતામાં કોઈક નજરે ચડતી સૌષ્ઠવવાળી આકૃતિ મનમાં ચોંટી જતી. ઝડપથી ચાલતી મોટરમાંથી જોઈ લેવાયેલી રસ્તાની બાજુએ ઊભેલી ભરાઉ ડિલની અને સુરેખ આકારની એક જુવાન સ્ત્રીની મુખાકૃતિ હજી મગજમાંથી ભૂંસાઈ નથી. અંધારું થયે તિનેવેલીમાં પ્રવેશ કર્યો. આખી રાત અહીં ગાળવાની હતી. અહીંની ઉત્તમ ગણાતી હોટલ પણ સંડાસથી વધારે સારી ન લાગી અને ભાડું રોજનો રૂપિયો. છેવટે લોકલ બોર્ડના છત્રશ્નો આશરો લીધો. ત્યાં સૂવાને ખુલ્લી અગાસી તો મળી જ; પણ મચ્છરોએ ઠીક ત્રાસ આપ્યો. સવારે અઢી વાગ્યે એક કોલાહલથી જાગી પડું છું અને સાંભળું છું તો શુદ્ધ કાઠિયાવાડીમાં બે જણ વાતો કરે છે, ખાસી બૂમો પાડીને! મને નવાઈ થઈ. એ તો મદ્રાસમાં રહેતા વેપારી જુવાન નીકળ્યા અને તેય ઓળખીતા. ઓળખીતા એ રીતે કે તેઓ ‘સુન્દરમ્’ને ઓળખતા હતા. તે જ હું, એમ મેં કહ્યું ત્યારે તેઓ જરા આશ્ચર્યચકિત બન્યા. એમણે મારી ઊંઘ ભાંગી તે માટે એમને દોષ દેવાનું હવે મન ન રહ્યું. ગુજરાતીઓનું અહીં દર્શન એ જ મોટું આશ્વાસન હતું. જોકે એમાં જરા વધારે લાગણીવેડા હતા. કારણ, આ વેપારીઓને તો અહીં બધું ઘર જેવું જ છે. આ તો એમના વેપારનાં ખેતર; પણ એમને હવે અફસોસ એ હતો કે અહીં હવે પહેલાંના જેવો હાથ વાગતો નથી. સવારના પહોરમાં જ અમે નીકળ્યાં. અમારું લક્ષ્ય હતું અહીંથી પશ્ચિમમાં ૪૫ માઈલ પર આવેલા કુર્તાલના સ્નાન કરવા યોગ્ય ધોધ. આપણા કાઠિયાવાડની ગાડીઓની બહેન જેવી ગાડી ઠચૂક ઠચૂક કરતી ચાલતી હતી. ઉત્તરપશ્ચિમમાં જતી ગાડીની સાથે એક ગિરિમાળા પણ શરૂ થઈ. કન્યાકુમારી જતાં જેના માથે સુવર્ણમુગટ જેવો સૂર્ય ઊગતો જોયો હતો તે જ મહેન્દ્રગિરિ અહીં લંબાયો હતો. સવારથી જ ધુમ્મસ ફેલાયું હતું. હવામાં ભેજ હતો અને લંબાયેલી ગિરિમાળાનાં શિખરો ઉપર વાદળો અને ધુમ્મસની વિવિધ લીલા ચાલુ હતી, મોટું ટીપણું ઉખેળાતું હોય તેમ પાલમાયરા વૃક્ષોની વિવિધતાથી ભરપૂર એવો ભૂમિપટ ઊધડવા લાગ્યો. કોઈ મોટા બગીચામાં જાણે બાબાગાડીમાં બેસાડીને અમને કોઈ ફેરવતું ન હોય! ગિરિમાળા ક્યાંક દબાતી હતી તો ક્યાંક જરા દૂર જતી રહેતી. એની ભૂખર કાયા કદીક વાદળ કરતાંય શ્યામ બની જતી અને તેના પરનાં વાદળની કાળી ધવલતા મનોહર બની જતી. ક્યાંક તો પર્વત અને વાદળના રંગ એવા મળી જતા કે પર્વતનું શિખર ક્યાં છે કે વાદળ ક્યાં છે તે શોધવું અશક્ય થઈ પડતું. વાદળોને આ પર્વતની ટોચ પર રમવાની કેવી મઝા પડતી હશે! મેં જેટલી આવે તેટલી બાલિશ કલ્પનાઓને મારા પર સવાર થવા દીધી. ગાડીનો ધીરો વેગ, હવામાં ભેજ, સૂર્યનું અદર્શન, કશી પ્રવૃત્તિનો અભાવ અને પ્રકૃતિની માદક રમણીયતા; આટલું બધું ભેગું થયું હોય ત્યાં નર્યા ભૂતાર્થવાદી કેમ કરીને રહી શકાય? તેત્કાશી આવ્યું. નામનો અર્થ છે દક્ષિણનું કાશી, પણ કાશીનો મહિમા આ સ્થળને નામ પૂરતો જ મળ્યો છે. એનો ખરો મહિમા ધારણ કરનાર તો જરા ઉત્તરમાં આવેલું કાંજીવરમ્ છે. ગામમાં એક જીર્ણ મંદિર છે. એક ‘વંડી’વાળો ‘એટ આના, એટ આના’કરતો અમને લઈ ગયો. વંડી એટલે ગાડી, એ અર્થ ઠેઠ ત્રિચિનાપલ્લીમાં સમજાયો. વંડીવાળો ન સમજે હિંદી કે અંગ્રેજી. અમે સહેલામાં સહેલું હિંદી બોલીએ તોપણ કેવળ ડોકું હલાવે. કુર્તાલમ્ અહીંથી સાડાત્રણ માઈલ હતું. આ વંડીએ જેટલો કંટાળા-રસ પાયો તેટલો બીજા કોઈએ આ પ્રવાસમાં પાયો નથી. ધીરે ધીરે કશી ઉતાવળ વિના ચાલતા આ ગાડામાં એક કલાક જતાં ને એક કલાક આવતાં મહામુશ્કેલીએ ગાળ્યો. તામ્રપર્ણી નદી એક ઢીંચણવા ઊંડી હતી. નાનકડા ગામને પશ્ચિમ છેડે એક દોઢસો-બસો ફૂટ ઊંચી ટેકરી પરથી નદી નીચે ભૂસકો મારે છે. આપણે ઓટલા પરથી કૂદતા હોઈએ તેવું લાગે છે. જોગનો ધોધ જોયા પછી હિંદમાં એકે એવો ધોધ નથી રહેતો કે જેનું સૌંદર્ય ન જોવા માટે તમારે પસ્તાવાનું રહે. હાથીનાં પગલાંમાં બધાંનાં સમાઈ જાય. પણ કુર્તાલની મઝા જુદી જ જાતની છે. અહીં મઝા છે અંદર નાહવાની. બસોએક ફૂટ ઊંચા એક ઓટલા જેવા ખડકની કિનારા પરથી તામ્રપર્ણી સરી આવતી દેખાય છે. અધવચ બીજા ઓટલા પર તે ઘડી થંભે છે અને હવામાંથી ઊતરતી પરીની પેઠે પોતાનાં હિમધવલ ઉત્તરીય ફેલાવતી હોય તેમ ફરીને નીચે ઊતરે છે. આછો મીઠો અવાજ અહીં થાય છે. અહીં રાજા ધોધની ગર્જના કે પ્રચંડ પ્રતાપ નથી. કાળા ખડક પર સફેદ વર્ણની તામ્રપર્ણીનો પ્રવાહ શિવ ભભૂતિ લગાવીને બેઠા હોય તેવો લાગે છે. ખડકના મૂળમાં પડેલા પથ્થરોમાં લાંબો ઓટલો બનાવી તેની આગળ એક લોખંડનો કઠેડો બનાવ્યો છે. કઠેડા અને ખડકની વચ્ચેના આ ભાગમાં સ્નાન કરવાનું. ચાળીસેક ફૂટના આ લાંબા ગાળામાં વચ્ચોવચ્ચ પાણીનો વધારે મારો છે અને છેડે નાના નાના ધૂંધવા છે. ચોમાસામાં આ પાણીના પ્રવાહ વધારે પુષ્ટ અને પ્રબળ બનતા હશે. પણ આ તામ્રપર્ણીને તથા તેના નાનકડા ધોધને યાદ કરું છું તે માત્ર તેના સ્નાનને લીધે. જોગનો ધોધ ભલે ને મહા ધોધરાજ રહ્યો, પણ તેણે સ્નાન કંઈ થોડું કરાવ્યું હતું? એક પડખે પડતા નાના ધૂંધવા નીચે હું ઊભો. પડતું પાણી ઠીક ઠીક વાગતું હતું. ત્યાંથી જરા આગળ ચાલ્યો. પાણીની સેર ધડધડાટ કરતી દસેક ફૂટમાં ફેલાઈને પડતી હતી. ખડકના મૂળમાં પાણી ઓછું હતું. ત્યાંના રોજ નાહનારા તો અંદર પેસી નિરાંતે ઊભા હતા. હું હિંમત કરી અંદર ધસ્યો. આંખ મીંચાઈ ગઈ હતી. કઠેડાને પકડી હું ચાલ્યો. પાણીનો માર વધવા લાગ્યો. ઉપરથી પડતાં પાણી મારો ઉપહાસ કરતાં હોય તેમ ‘નાસ, નાસ!’ કહેતાં મારા પર તૂટી પડતાં હતાં. પીઠ પર જાણે કોઈ કૂબા ટીપવા લાગ્યું. આંખ મીંચીને રૂંધાતા શ્વાસે પેલી બાજુ નીકળી ગયો. એક શ્વાસ લીધો. હજી આ બાજુ આવવાનું હતું. આંખ મીંચી ઝુકાવ્યું. બીજી વાર એટલું મુશ્કેલ ન લાગ્યું. ધોધથી ચામડી ટેવાઈ જાય તો પછી આટલું મુશ્કેલ ન લાગે. જુઓ ને, પેલાં અહીંનાં લોકો તો જાણે શાવરબાથ લઈ રહ્યાં છે મને વિચાર આવ્યો. લોકોએ અગ્નિનું દિવ્ય જેવી રીતે યોજ્યું છે તેવી રીતે જલનું પણ કેમ નહિ યોજ્યું હોય? માણસના સતની કસોટી કરવી હોય. તો રાજા ધોધ જેવા ધોધની નીચેથી તેને પસાર થઈ જવા કહેવું! તામ્રપર્ણીનાં પાણી પીઠ પર ઝીલતાં ઝીલતાં રાજા ધોધને જન્મ આપતી શરાવતી યાદ આવી. કોઈ દૈવી વરદાન મળે, શરીર વજ્ર જેવું બની જાય અને પછી રાજાના મૂળમાં નાહવાની શી મઝા આવે! સ્ટેશન આવ્યાં. ગાડીને હજી વાર હતી. નાસ્તો કરવાની શરૂઆત કરી, પણ શું આશ્ચર્ય! ખાધું, ખાધું, અરે કેટલુંય ખાધું પણ કેમે કરી પેટ ભરાય જ નહિ. આ શું? સાંજે મદુરા પહોંચ્યાં ત્યારે ત્યાંથી જાણી શકાયું કે એ પ્રતાપ તો કુર્તાલના ધોધના પાણીનો. યાત્રીઓ ધોધનું પાણી પીવાનું અને સાથે ભરી લેવાનું ચૂકતા નથી. એમાં ભૂખ પ્રગટાવવાનો એવો પ્રબળ ગુણ છે.