દક્ષિણાયન/ત્રિવેન્દ્રમ્


ત્રિવેન્દ્રમ્

સુસમૃદ્ધ ત્રાવણકોરની રાજધાનીનાં છાજેલાં ઝૂંપડાં અને નીચાં માટીનાં ઘરોનાં બનેલા ગરીબ પરામાં થઈને અમારી મોટર જતી હતી. પ્રભાત થયું અને લોકોનો નિત્ય વ્યવહાર શરૂ થઈ ગયો હતો. પોતપોતાની પાકપેદાશ લઈ લોકો શહેર તરફ એકધારા ચાલ્યા જતા હતા. કોઈના હાથમાં કેળનાં કાપેલાં પાન હતાં, કોઈ નાગરવેલનાં પાન લઈ જતું હતું. નાનાં નાનાં ગાડાં પણ કંઈ ને કંઈ ભરીને જતાં હતાં. મલબારના તાપે તપાવી તપાવી કાળાં કરેલાં તેમનાં ઉઘાડાં શરીર લીલી ભૂમિમાં જીવતાં છાયાચિત્રો જેવાં લાગતાં હતાં. નગર તરફ ઘસડાતા આ માનવપ્રવાહમાં સૌથી આકર્ષક હતા માછીમારો. એ એકલદોકલ જ દેખાતા. માથે નાનકડા કંડિયામાં ભરેલી માછલીના બેશુમાર વજનથી દબાતો તે કમાનની પેઠે શરીરને ઉછાળતો ઉછાળતો, પક્ષીની પેઠે કૂદતો કૂદતો ચાલ્યો જતો હતો. એની કાળી ચામડી પરથી પરસેવાના ચળકતા રેલા ઊતર્યે જતા અને એના અધખુલ્લા મોંમાંથી ધમણ પેઠે ફૂંકાતો તેનો શ્વાસોચ્છ્વાસ નીકળ્યે જતો. સૂર્ય ઊગીને સમો થયો. તેનો તડકો વૃક્ષોની ભૂલભુલામણીમાંથી રસ્તો કરી જમીન ઉપર પથરાવા લાગ્યો. હવે ઝૂંપડાંને બદલે મોટાં મકાનો આવવા લાગ્યાં. ત્રિવેન્દ્રના મધ્ય ભાગમાં મોટર થોભી. મલબારમાંના પોતાના વેપારથી સમૃદ્ધ થયેલા મૂળજી જેઠાએ બંધાવેલી ધર્મશાળામાં અર્થાત્ છત્રમાં પહોંચ્યા. અહીંની મૂળજી જેઠાની ધર્મશાળા નાનકડું ગુજરાત જ છે. અહીંનો જ એક વતની તેમાં નોકર તરીકે છે. એનો દેખાવ અને ભાષા પણ ગુજરાતી જેવાં જ થઈ ગયાં છે. મૈસૂર છોડ્યા પછી ખરી નિરાંત અમને અહીં મળી. કપડાં ધોયાં, ગરમ પાણીએ નાહ્યાં અને મોટા ઓરડામાં મોટા ખાટલા પર લાંબા થઈને ખાસ્સી ઊંઘ લીધી. ત્રિવેન્દ્રમ્ ત્રાવણકોરની રાજધાની છે. મલબારિકનારાનું એ સંસ્કારધામ છે, તીર્થધામ છે. કાલિકટે મલબારની વેપારી પ્રવૃત્તિઓ હાથ કરી છે અને ત્રિવેન્દ્રમે બધી સંસ્કારપ્રવૃત્તિઓ પોતાની કરી છે. અહીં આર્ટ્સ, સાયન્સ અને લૉ કૉલેજ છે, ટ્રેનિંગ કૉલેજ છે, સ્કૂલ ઑફ આર્ટ્સ પણ છે. ત્રાવણકોર રાજ્ય એની સ્ત્રીકેળવણી માટે જાણીતું છે. સ્ત્રીઓની પણ અહીં ખાસ કૉલેજ છે. મલબારમાં સ્ત્રીનું સામાજિક સ્થાન વિશેષ પ્રકારનું છે એટલે તેની કેળવણીને સ્વાભાવિક રીતે અહીં મહત્ત્વનું સ્થાન છે. ઘણી જ્ઞાતિઓમાં ગૃહનું કેન્દ્ર સ્ત્રી જ હોય છે. પતિ પરણીને પત્નીને ઘેર આવી રહે છે. પુરુષ પોતાની આવકનો ઘણો ભાગ સ્ત્રીના દરદાગીના પાછળ જ ખર્ચે છે. કુટુંબની મિલકત પણ પુત્રીને જ વારસામાં મળે છે. અહીં ધ્યાન દઈને જોવા લાયક બે વસ્તુઓ છે: નેપિયર મ્યુઝિયમમાંની આર્ટ ગૅલરી અને પદ્મનાભનું મંદિર. ત્રાવણકોરનો ખરો રાજા તે અહીંનો રાજ્યકર્તા પુરુષ નહિ પણ શ્રી પદ્મનાભ પોતે છે. અઢારમી સદીમાં અહીંના મહાપ્રતાપી રાજા માર્તણ્ડવર્માએ પોતાનું રાજ્ય દેવને સમર્પણ કરી દીધું ત્યારથી અહીંના રાજાઓ દેવના પ્રતિનિધિ તરીકે રાજ્ય કરતા આવ્યા છે. શ્રી પદ્મનાભ એ પશ્ચિમ કિનારા પરના એક પરમ મહિમાવંત દેવ તો છે જ; પણ તેમાં આ દેવત્વ ઉપરાંત રાજત્વ આવી મળવાથી એમનો દમામ પુષ્કળ વધી ગયેલો છે. રાજાની પેઠે દેવની મુલાકાત પણ અહીં દુર્લભ થઈ પડે છે. દેવના ખાસ હજૂરિયા એકાદ પંડ્યા સાથે ગોઠવણ કરીને જ તમે દેવનાં દર્શન કરવા જઈ શકો. તમને દર્શનલાભ અને તેને દ્રવ્યલાભ. યોજના પ્રમાણે અમને દર્શન સાંજે લભ્ય થવાનાં હતાં, એટલે ત્યાં સુધીમાં અમે મ્યુઝિયમ જોવા ઊપડ્યાં. નાનકડા બાગની અંદર આવેલું મ્યુઝિયમ તો છે બધાં મ્યુઝિયમો જેવું જ. તેનું આકર્ષણ છે વચલો ભાગ, જેમાં મલબારની સંસ્કૃતિના મુખ્ય પદાર્થોને એકત્રિત કરવામાં આવ્યા હતા. જાણે આખું મલબાર જ અહીં મૂર્તિમંત બન્યું છે. આ ખંડના મુખ્ય દ્વાર આગળ જ હાથમાં ચાંદીના થાળમાં અર્ધ્ય લઈને ઊભેલી એક ગૌરદેહા આર્યસ્ત્રીની મૂર્તિ મૂકવામાં આવી છે. શ્યામાઓના આ મુલ્કમાં આવી ગૌરી ક્યાંથી? કહે છે કે આ આયર બ્રાહ્મણ જાતિ મૂળ ગુજરાત તરફથી આવેલી છે. એનો ચહેરો, વર્ણ બધું અહીંનાં લોકોથી ભિન્ન છે. એવી સ્ત્રીઓ અહીં સામાન્ય રીતે રસ્તા ઉપર ક્યાંય જોવામાં ન આવી. એ અહીંનો સૌથી વધારે ધનિક, સંસ્કારી અને અમીર વર્ગ છે. એમની સ્ત્રીઓ જાહેરમાં શાની હરેફરે? રવિવર્માએ પોતાનાં ચિત્રોમાં જે ઉર્વશીઓ અને મોહિનીઓ ચીતરી છે તે આ આયર સ્ત્રીઓ પરથી જ છે. ચિત્ર કરતાં પણ તેમનું સદેહ સૌંદર્ય વધારે જ માદક હશે. રવિવાર્માએ તેમનાં ચિત્રમાં જે કદીક જ પાડ્યું છે તે છે તેમની કટિમેખલા. ચાંદી કે સોનાની બે આંગળ પહોળી પટ્ટીનો કંદોરો એ આયર સ્ત્રીના આભૂષણનું શિખર છે. દક્ષિણી ઢબે પહેરેલા સાળુ ઉપર કમ્મરે પહેરાતો એ કંદોરો શરીરને અજબ ઉઠાવ આપે છે. એવી જ બીજી મૂર્તિઓ અહીંની જુદી જુદી જાતિના લોકોની હતી. મલબારની શુદ્ધ દ્રાવિડ જાતિના શ્યામવર્ણા અને કપાળ તથા ગાલનાં ઊપસેલાં હાડકાંવાળા લોકોની પ્રતિમાઓ પોતપોતાની ઢબે આકર્ષક હતી. નાળિયેરી તથા પાલમાયરામાંથી ઉત્પન્ન થતી અનેકાનેક વસ્તુઓનું પ્રદર્શન બહુ કુતૂહલપ્રેરક હતું. ખરેખર એ વૃક્ષ કલ્પતરુ જ છે. પાલમાયરામાંથી ખાંડ થાય છે એ જાણી મને જરા નવાઈ લાગી. રાજયની ખનિજોનો સંગ્રહ, સિક્કાનો સંગ્રહ પણ અભ્યાસી માટે ઉપયોગી છે. એક ભીંત ઉપર નાટ્યશાસ્ત્ર પ્રમાણે હાથની મુદ્રાઓનો નકશો પણ હતો. ત્રિવેન્દ્રમ્‌ની પહેલી દર્શનીય વસ્તુ ચિત્રશાળા અહીં પાસે જ હતી. ભારતીય ચિત્રકળાને જ લક્ષમાં રાખીને યોજાયેલી આવી ચિત્રશાળા કદાચ આખા હિંદમાં તો આ એક જ છે એમ કહેવું જોઈએ. જાણીતા કલામર્મજ્ઞ એચ. કઝિન્સનો આ ચિત્રશાળાની યોજના, ચિત્રપસંદગી અને ચિત્રપ્રાપ્તિ પાછળ હાથ છે. ભારતીય ચિત્રકળાના પ્રાચીનમાં પ્રાચીન અવશેષથી માંડી અર્વાચીનમાં અર્વાચીન ચિત્રો ત્યાં સંગૃહીત થયાં છે. હિંદનો એક પણ અગ્રગણ્ય ચિત્રકાર ત્યાં બાકી રહ્યો નથી. ગુજરાતને પણ ત્યાં ગૌરવભર્યું સ્થાન મળેલું છે. આપણા માટે ખાસ આકર્ષણ તો અહીંના વતની રવિવર્માનાં મૂળ ચિત્રો છે. પુરાણોને ચિત્રરૂપે જીવતાં કર્યાં હોય તો રવિવર્માએ. ચિત્રકળાનો ચેપ પ્રજાને લગાડ્યો હોય તો તેણે. કળાની ઊંચી મૌલિક પ્રતિભાની દૃષ્ટિથી નહિ પણ લોકભોયતાની દૃષ્ટિએ ભારતની ચિત્રકળાના વિકાસમાં તેનો ફાળો મોટો છે. રવિવર્મા અહીંનો રાજયાશ્રિત ચિત્રકાર હતો. અહીંના રાજવંશના પુરુષોનાં ઘણાં ચિત્રો તેણે બનાવેલાં છે. તેણે મુખ્યત્વે ધાર્મિક વિષયો જ લીધા છે; પણ તેણે લોકજીવનનેય થોડો હાથ અડાડ્યો છે. મૈસૂરની ચિત્રશાળામાંનું હિંદની નારીઓનું તેનું રમણીય ચિત્ર આ ચિત્રો જોતાં મને યાદ આવ્યું. અહીં પણ એવાં કેટલાંક હતાં. તેમાંનું એક ભટકતા ગાનારાઓનું ચિત્ર તો શિકાગોના વિશ્વમેળામાં ઇનામ જીતી આવ્યું હતું. એનાં છ છ ફૂટ ઊંચાઈનાં ધાર્મિક આલેખનો તેમની આબેહૂબતાથી હૃદયમાં એકદમ વસી જાય છે. ચિત્રશાળા જોઈને અમે મુકામ તરફ પાછાં ફર્યાં. નિશાળો છૂટી હતી. મોટરબસ એક કન્યાશાળાની પાસે થઈને જ નીકળી અને છોકરીઓનું એક ટોળું મોટરમાં ઘૂસ્યું. મોટરવાળો ઉદાર હતો. બધાં જેમતેમ ગોઠવાયાં. આમ અકસ્માતે અહીંના મધ્યમવર્ગના નારીસમુદાયનાં દર્શન થઈ ગયાં. આપણા જેવી જ સુધડતા અને સંસ્કારિતા અહીંના આ વર્ગમાં લાગી. નાની છોકરીઓનાં ફ્રૉક, મોટીના કબજાની બાંય, સાડીની ઢબ, બધું પ્રગતિશીલ છતાં સંયમી હતું. આપણે ત્યાંના પંખાળા વાળ અને બાંય વિનાના કબજા અહીં હજુ બહુ પ્રચારમાં આવ્યા નથી. ઘડીભર મને ગુજરાત યાદ આવી ગયું. ગુજરાતથી દોઢેક હજાર માઈલ દૂર હતાં છતાં પણ જીવનમાં એટલાં દૂર ન હતાં. અમે સાંજે મંદિરે ગયાં. આ સમયે અહીં દર છ વર્ષે આવતો અને આવે ત્યારે ૫૬ દિવસ લગી ચાલતો મુરજપમ્ અને લક્ષદીપણ્ મહોત્સવ ચાલી રહ્યો હતો. મંદિર બહારના પદ્મતીર્થમાં બ્રાહ્મણો કમર સુધી પાણીમાં ઊભા રહી મંત્રો જપતા હતા અને એમના ક્રિયાકાંડમાં વિઘ્ન ન આવે માટે હંમેશ કરતાં પણ વિશેષ જાપ્તો, બેશક રાજ્ય તરફથી, અહીં હતો. દક્ષિણને દરવાજે ભક્ત મંડળ ભેગું થયું હતું. બેએક ભાટિયા બંધુઓ એમની ગૌર જાડી ઉઘાડી કાયા પર ઉપરણું કે ટુવાલ નાખીને હાથમાં પૂજાની સામગ્રી લઈ ઊભા હતા. ‘જલદી કરો! જલદી કરો!’ પંડ્યાના ઍસિસ્ટન્ટ જેવો એક જણ બોલી ઊઠ્યો. ‘કપડાં કાઢી નાખો!’ મારા અભક્ત મોંમાંથી નીકળી ગયું: ‘હરે રામ! હરે રામ!’ અહીંના રાજાએ કરેલા નિયમ મુજબ અમને આ સૂચના અપાતી હતી. કોઈ પણ પુરુષ અંગ ઉપર ધોતિયા સિવાય બીજું વસ્ત્ર ધારીને દેવનાં દર્શને જઈ ન શકે. ઉપવસ્ત્ર રાખવાની છૂટ છે પણ તે પણ કમ્મરે વીંટાળી લેવું જોઈએ. અમને વિશેષ સૂચના મળી: ‘કપડાં કાઢી નાખો અને પૈસા-પાકીટ હોય તે સાથે લઈ લેજો!’ઠીક ઠીક કપડાં નહિ પણ ચામડું લઈ જવાની છૂટ ખરી! ધર્મ અને તેના નિયમો કેટલા ઉદાર! ખાસ કરીને લક્ષ્મીની બાબતમાં! એ તો હંમેશાં સ્પૃશ્ય ગણાઈ છે! અને ગ્રાહ્ય પણ કેટલી બધી! મોઢામાં પાનતમાકુ ચાવતો, ઉઘાડી કાયા પરથી કાળીધોળી રુંવાટીનું પ્રદર્શન કરતો પંડ્યો એની આધેડ વયના પ્રમાણમાં વધારે પડતી દેખાતી ચપળતાથી આવ્યો અને અમને બધાંને લગભગ અંદર હાંકી ગયો એમ કહીએ તો ચાલે. મંદિરમાં પેસતાં તેણે અમને બધી સૂચનાઓ આપી. ‘દેખના બાવા, અંગ કે ઉપર ખેસરૂમાલ ન રખના. દરસન કે લિયે દૌડાદોડ ન કરના. ચલો, આઓ!’ મંદિર બહુ ગૂંચવણભરેલું ન. હતું. ઊંચા કોટની અંદર ખુલ્લો વિશાળ ચોક હતો અને એ ચોકમાં જ વચ્ચે મંદિર હતું. અમે પશ્ચિમમાં વળ્યાં. ત્યાં પશ્ચિમના દરવાજાની સીધમાં જ પિત્તળના બે દીપસ્તંભ દેખાયા અને તે કેટલા બધા ઊંચા! નાનકડી પથ્થરની વેદી ઉપર પિત્તળનિર્મિત બે બૃહત્કાય કાચબા પોતાની કાયા ઉપર આ બે ઊંચા સ્તંભોને ધારણ કરીને પૂર્વાભિમુખે બેઠા હતા. એમને જોઈ મને કૂર્માવતાર યાદ આવ્યો. કાચબાનું પૃષ્ઠ જ એટલું બધું કઠણ છે, ભારક્ષમ છે કે કોઈ પણ ભારેખમ પદાર્થની નીચે તેના ધારક તરીકે તેને મૂકી દેવાનું મન થાય. આ પીતસ્તંભો ઉપર દીવાઓ માટે હાથ હાથને ગાળે ગોળ દીપસ્થલીઓ ગોઠવેલી હતી. આ આખો સ્તંભ દીપકોથી ઝળહળતો હશે ત્યારે કેટલો રમણીય હશે! પરંતુ અત્યારે પણ એ નિસ્તેજ નિર્દીપક સ્તંભ સૂર્યના તેજને ઝીલતો અને મંદિરપ્રાંગણનો સૌથી રમણીય પદાર્થ બની રહ્યો હતો. આપણી સંસ્કૃતિમાં દીપકનો મહિમા અપૂર્વ છે. પણ આપણાં ગુજરાતનાં મંદિરોમાં એને એટલું બધું સ્થાન નથી અપાતું જેટલું દક્ષિણમાં અપાય છે. આપણે રોશની કરીએ છીએ પણ તે આ દીપોત્સવના જેવી નહિ. દક્ષિણનો દીપોત્સવ જોઈએ ત્યારે જ ખબર પડે કે દીપોત્સવ એટલે શું! મંદિરની દીવાલો પર સીધી પટ્ટીઓ પર દીવા ટીંગાવવાને બુદ્ધિપૂર્વક યોજનાઓ કરી હતી. આખી દીવાલ ઉપરથી તે નીચે લગી દીવાઓથી ખચિત હતી. સંધ્યાકાળ નજીક આવતો હતો એટલે દીવાઓને રાતે પ્રગટવા માટે સજ્જ કરવાની ક્રિયાઓ શરૂ થઈ ગઈ હતી. એ લાલ દીવાઓ જ્યારે સળગતા હશે, પેલી ત્રીસ ફૂટ ઊંચી બે દીવીઓ પર ગોળ આકારમાં ગોઠવેલા દીવા જયારે પ્રગટતા હશે. ત્યારે અહીંનું દૃશ્ય કેટલું મનોરમ બનતું હશે! અમે ઉત્તરમાંથી મંદિરમાં પ્રવેશ્યાં. પંડ્યો બધાંને ફરી ફરીને સૂચનાઓ આવ્યે જતો હતો. અમારી સાથેના પેલા લુહાણા મિત્રો પોતાની ઉઘાડી કાયાથી શરમાતા હતા અને કમરે બાંધેલું ઉપરણું વારે વારે છોડીને પીઠ પર ઓઢી લેતા હતા અને પેલો પંડ્યો પાછો વારે વારે તેને ઉતરાવતો હતો! નાનકડા બારણામાંથી અમે એક નીચી છતવાળા ભાગમાં આવ્યાં. પૂર્વાભિમુખના એક ઊંચા ખંડમાં ત્રણ સાંકડાં બારણાંની સામેની ખુલ્લી જગ્યામાં અમારાં બધાંની હાર કરવામાં આવી. દેવને વધાવવાનું નૈવેદ્ય અને દક્ષિણાદિ એક પૂજારીએ ઉઘરાવી લીધાં અને અમને થોડી થોડી સંખ્યામાં ઉપર પેલાં ત્રણ બારણાં પાસે લઈ જવામાં આવ્યાં. આ ત્રણ બારણાંઓવાળા ખંડમાં અનંતશાયી વિષ્ણુ શ્રીપદ્મનાભરૂપે શયન કરતા હતા. ત્રિલોકના પતિનો મહિમા અપાર છે. એના ગૌરવનું દર્શન માણસ એક જ દૃષ્ટિપાતથી કેવી રીતે કરી શકે? માટે સોળેક ફૂટ લાંબા ખંડમાં એટલી-જ લાંબી વિશાળ લંબાયમાન દેવમૂર્તિનાં દર્શન માટે ત્રણ ત્રણ બારણાં કરવામાં આવ્યાં છે. દક્ષિણે મસ્તક અને ઉત્તરે પગ કરીને સૂતેલા પદ્મનાભ ભવ્ય તો. હતા જ. દક્ષિણ તરફના દ્વારમાંથી અમને દેવના મસ્તકનાં દર્શન થયાં. ઘોર અંધારા ગર્ભગૃહમાં કૃષ્ણદેહી દેવ પ્રથમ તો દેખાયા જ નહિ. ધીરે ધીરે અંદરના દીપકના આછા ઉજાસથી શ્યામ આકૃતિ આકાર ધરવા લાગી. એમનો પ્રલંબ દક્ષિણ હસ્ત ઊંઘમાં સૂતેલા માણસના હાથની પેઠે અમારી સામે લંબાયેલો. પડ્યો હતો. તેની ઝૂકતી આંગળીઓ ઉપર વેઢવીંટી શોભી રહ્યાં હતાં. મૂર્તિ ખાસી ઊંચી પણ હતી. લગભગ ત્રણેક ફૂટ ઊંચા કપાળ ઉપર ફૂલની માળા દેખાતી હતી. દેવના સુરેખ નાક અને ઓઅે માનુષી મનોહરતા ધારણ કરી હતી. વચલે બારણેથી અમે પદ્મનાભની નાભિનાં દર્શન કર્યાં; પણ નાભિમાંથી નીકળતું પદ્મ ક્યાં? એ ક્યાંય અંદર હોવું તો જોઈએ અને તેના પર બ્રહ્મા પણ બેઠેલા હોવા જોઈએ. અહીં વચ્ચે પદ્મનાભની આખી સોનાની મૂર્તિ પણ મૂકેલી હતી. ત્રીજા બારણામાંથી અમે વિષ્ણુનાં ચરણારવિંદ દીઠાં. પગનો આકાર પણ સરસ હતો. દેવને પૂરીને ઊભેલાં પિત્તળચાંદીનાં બારણાંની શોભા પણ સારી હતી. પંચો પૂજા-અર્ચનાના ભાવતાલ સમજાવવા લાગ્યો; પણ મેં તો મારી રીતે માનસિક, કહો કે બૌદ્ધિક પૂજા શરૂ કરી દીધી. અરે બિચારા દેવ! ત્રિલોકના પતિની આ દશા? ત્રણ બારણાં પાછળની કેદ? ના, મને દેવની દશા કેદી કરતાં પણ વધારે દયાજનક લાગી. મને થયું કે માંદા પડ્યા છે અને અહીં સૂઈ ગયા છે અને આપણી રૂઢ વૈદિક દૃષ્ટિ પ્રમાણે એમના ઘરનાં બારીબારણાં બંધ કરી દેવામાં આવ્યાં છે! હવે દેવ જ્યારે સાજા થશે અને આળસ મરડી બેઠા થશે ત્યારે એમના માથાના અડવાથી જ ઉપરનું છાપરું ઊડી જશે અને આળસ ખાતા લંબાવેલા હાથથી આ બારણાં અને થાંભલા અને બીજું બધું મલોખાંના મહેલ પેઠે ઊડી જશે. એવા તંદુરસ્ત દેવનાં દર્શનથી જ માનવતાને મુક્તિ મળશે કે પછી તંદુરસ્ત અને મુક્ત માનવતા આવીને જ દેવને મુક્ત કરશે? મારી આ માનસિક પૂજા પંડ્યાએ જાણી હોત તો એણે મને જીવતો રહેવા દીધો ન હોત. ના, ના, પણ મારે એમ ડરવાનું હતું જ નહિ. પંડ્યાને તો એની દક્ષિણાની અને અહીંના નિયમોની પડી હતી. કમરે બાંધેલો ટુવાલ પેલા લુહાણા મિત્રે ફરીથી પીઠ પર ઓઢી લીધો હતો! પંડ્યાએ હાથ જોડ્યા. ‘અજી શેઠજી! આપ ક્યા કર રહે હૈં? ખુદ રાજા કા હુકમ હૈ...’ ‘લે ભાઈ લે.’કહી શેઠજીએ ટુવાલ ખભેથી ઉતાર્યો. દર્શન પત્યા પછી તરત જ અમને બહાર ધકેલવામાં આવ્યાં. ત્રિખંડબદ્ધ મૂર્તિનાં સમગ્ર દર્શન તો ન જ કરવાનાં મળ્યાં. બાકી મૂર્તિ તો સુંદર અને ભવ્ય હતી જ. શ્રવણબેલગોડાના ગોમટેશ્વર પેઠે આ મૂર્તિ પણ જો ખુલ્લામાં હોત તો તેની ભવ્યતા તેટલી જ હૃદયહારી બનત; પણ બિચારા વિષ્ણુ! એમને દેવ ઉપરાંત રાજા પણ અહીં બનાવેલ છે. દેવ બનવાની અને રાજા બનવાની બેવડી સજા એ અહીં સૂતાં સૂતાં ભોગવી રહ્યા છે. એ માંદગીમાંથી જીવલેણ રાજરોગ લાગુ ન પડે તો સારું. પણ ભક્તહૃદયોની આસ્થાને વિચલિત કરે એવા વિચારો અહીં નહિ કરું. પંદર વર્ષની ઉંમરના મુગ્ધ કિશોરકાળમાં સેવેલી હૃદયની ભક્તિભીની તમન્ના આજે મારામાં હોત તો મારે માટે જીવનની એ એક પરમ ક્ષણ બની જાત! તે વેળા તો ડાકોરના ઠાકોરનાં દર્શન પણ સ્વર્ગ જેટલાં દૂર હતાં. તેની શ્યામસુંદર પ્રતિમાને મેં સ્વહસ્તે ચીતરીને મારી પૂજાનું પાત્ર બનાવેલી. અફસોસ કે એ જ પ્રતિમા, એ દેવના મહોત્સવને દિવસે માણેકઠારી પૂનમે તેમને ધરાવવામાં આવેલી મીણબત્તીની આંચથી જ મારી ગેરહાજરીમાં ભસ્મીભૂત થઈ ગઈ! મારામાંની મુગ્ધ ભક્તિ પણ ત્યારથી ભસ્મ થઈ ગઈ એમ કહું તો ચાલે. તે પછી કોઈ દેવની પ્રતિમાને મેં સંઘરી નથી, પૂજી નથી, ઝાંખી નથી. દેવનું દેવત્વ મૂર્તિથી અન્યત્ર ખોળવાનો જ પ્રયત્ન હવે તો કરું છું. એ દેવત્વ, એ ભાવના, એ તમન્નાનાં રૂપ હવે જુદાં જ છે, જેની ચર્ચા અત્ર અસ્થાને છે; પણ સર્વભૂતહિતની લોકગમ્ય ભાવનાથી આ મંદિરોની કલ્યાણધામ તરીકે કસોટી કરવાનું મન થયા વિના રહેતું નથી. જે સ્થળે ઇહલોકનો વિચાર જ નથી અને છે તો તે પૂજારીને થતી દ્રવ્યપ્રાપ્તિના પૂરતો જ, ત્યાં માનવજાતિને કયું કલ્યાણ પ્રાપ્ત થવાનું તે પ્રશ્ન છે. ગર્ભાગારની પૂર્વમાં પેરૂરમાં જોયેલો અને બધાં દ્રાવિડી મંદિરોમાં હોય છે તેવો ઊંચા ભવ્ય થાંભલાની બે હાર વચ્ચે વિશાળ માર્ગ હતો. અહીં માર્ગની બંને બાજુએ દરેક થાંભલાના પગ આગળ હાથનો સંપુટ કરી તેમાં દીપક ધારણ કરીને ઊભેલી, સુસ્તની અને સુમુખી એવી એકેક સ્ત્રીમૂર્તિ હતી. પદ્મનાભની વેદીને ફરતે તેમ અન્યત્ર પણ આવી અસંખ્ય દીપકધારિણીઓ ઊભી હતી. એમના ભક્તિસ્થિર કરસંપુટમાં દીપપાત્રો મૂકવામાં આવ્યાં હતાં. તેમાંથી ઢળેલું તેલ તેમનાં નીચલાં મનોહર અંગોને સ્નેહાર્દ અને સાથે સાથે ધૂલિસિક્ત પણ કરી રહ્યું હતું! આજનાં ઘણાંખરાં તીર્થોમાં સૌંદર્ય છે, કલા છે, ધનસમૃદ્ધિ છે, પણ માનવહિતનું ચિંતન નથી, સ્થાપના નથી. તીર્થના સ્નાનથી, દેવનાં દર્શનથી કે જપતપ અને દ્રવ્યદાનથી જીવનને કૃતાર્થ ગણના ભલે પોતાનાં જન્મભરનાં સારાંનરસાં કર્મોમાં આ તીર્થયાત્રાના પુણ્યના આંકડા ઉમેરવાનો પ્રયત્ન કરે; પણ એમાં સાચી સાધના કે સિદ્ધિ શી છે તે ભગવાન જાણે! અમારા ભક્તમંડળમાં પુણ્યપ્રાપ્તિ અર્થે આવેલાં અનેક પ્રાંતનાં લોક હતાં. દેવનાં દર્શન કરી એ ટોળું વિદાય થયું અને હું લટાર મારવા સહેજ બીતો બીતો નીકળી પડ્યો. મંદિરમાં સ્થાપત્યની જે થોડીક પણ મૂલ્યવાન સમૃદ્ધિ છે તેને યાત્રીઓ તો જવલ્લે જ જોતા લાગે છે અને અહીંના રોજના રહેવાસીઓને તો આ ઘર કી મુર્ગી જેવી છે. એમ ન હોત તો આવી પરમ રમણીય સૌંદર્યમૂર્તિઓ પર તેલના આવા ઓઘરાળા અને તે ઉપર ધૂળના થર જામ્યા ન હોત. મંદિરની આ વિથિઓમાં ફરતાં એક બહુ અલૌકિક વસ્તુ જોવા મળી: શરીર પર એકલું ધોતિયું પહેરી જાણે પૂજા કરવા આવ્યા હોય તેવા કેટલાક માણસો મંદિરનાં મુખ્ય દ્વારોની પડખે ઊભા હતા; પણ જરા નજીક જતાં જણાયું કે તેમના હાથમાં સંગીનમંડિત બંદૂકો હતી! ઓ, આ તો પોલીસ હતી! મંદિરના પવિત્ર યુનિફૉર્મમાં! આમાં રક્ષક પોલીસની દયા ખાવી કે રક્ષણીય એવા દેવની! અમે બહાર નીકળી ધર્મશાળા તરફ વળ્યાં. જે રસ્તેથી અમે આવ્યાં હતાં તેની પાસે એક નાનકડી સુઘડ સડક હતી. તેની આસપાસ હવે પોલીસ ગોઠવાયેલી જોવામાં આવી. થોડી વારમાં સમજાયું કે અહીંના રાજાજીને પગે ચાલીને મંદિરની પરિક્રમા કરવાનો આ રસ્તો છે. અમે થોડુંક થોભ્યાં હોત તો રાજાનાં દર્શન થઈ શકત; પણ જેણે પોતાનું રાજ્યત્વ દેવને આપી દીધું છે તેવા રાજાનાં તો કોણ દર્શન કરે! બીજે દિવસે સવારમાં વહેલાં અમે કન્યાકુમારી જવા માટે નીકળી પડ્યાં. મોટર અમને ધર્મશાળામાંથી જ ઉપાડી લઈ, સૂતેલા શહેર ના શાંત રાજમાર્ગોને પોતાના ધમધમાટથી ઉન્નિદ્ર કરતી દક્ષિણ તરફ વધી રહી.