દક્ષિણાયન/મલબારકાંઠો
અહીંથી અમે કોઇમ્બતુર પહોંચ્યાં. કોઇમ્બતુર પાસેના પેરૂરનું શિવમંદિર જોઈ અમારે સીધા ત્રિવેન્દ્રમ્ પહોંચવાનું હતું. દક્ષિણ હિંદના આ બસો માઈલના પશ્ચિમ ગાળામાં મંદિરો કે સ્થાપત્યની દૃષ્ટિએ અગત્યનાં શંકરાચાર્યની જન્મભૂમિ કાલડી સિવાય બહુ થોડાં સ્થળ આવે છે. પણ દક્ષિણનો પ્રવાસ કરવા ઇચ્છનારે આ પશ્ચિમ કિનારો તો ચૂકવો ન જ જોઈએ. ત્રિવેન્દ્રમ્ પહોંચતાં સુધીમાં આવતાં મોટાં શહેર અન્નકુલમ્, કોચીન, એલેપ્પી અને ક્વિલોન વ્યાપારની દૃષ્ટિએ અગત્યનાં સ્થળ છે. પણ વેપારી પાસેથી આપણે વેપાર સિવાય બીજી કશી આશા રાખી ન શકીએ તેવું એ શહેરોનું પણ છે. ત્યાં બીજું કળાત્મક જોવાની આશા વધારે પડતી કહેવાય. નિસર્ગનાં શુદ્ધ રમણીય રૂપો એ જ અહીંનું ઉત્તમ દૃશ્ય છે. પશ્ચિમ ઘાટને પડખે લંબાયેલી તાપીના મુખથી તે કન્યાકુમારી સુધીની હજાર માઈલની પટ્ટીનો ઉત્તર ભાગ તે કોંકણ અને દક્ષિણ ભાગ તે મલબાર. નૈઋત્યમાંથી આવતા પવનોને રોકીને પશ્ચિમ ઘાટ તેમનું બધું પાણી અહીં પડાવી લે છે. વિષુવવૃત્ત નજીકનો સૂર્ય પોતાની ઉષ્મા પણ પુષ્કળ વરસાવે છે. એ બંને સંયોગથી આ ભૂમિમાં વનસ્પતિની અજબ ખિલાવટ થઈ છે. એ તાલીવનોનું અને લીલાં ખેતરોનું સૌંદર્ય પોતે જ દેવના જેવી એક પરમ દર્શનીય વસ્તુ છે. અમારી આ ભાગની યાત્રા કોઈ દેવદેવાલય કે નગરની નહિ પણ કેવળ ભૂમિની જ હતી. અમારું પરિક્રમણ કેવળ પ્રકૃતિનું જ હતું. અમારી પર્યુપાસના પ્રકૃતિની જ હતી. પેરૂર જોવાને માટે અમારી પાસે પાંચેક કલાક હતા. કોઇમ્બતુરની પશ્ચિમમાં ત્રણેક માઈલ ૫૨ આવેલા આ નાનકડા ગામમાં નટરાજનું ભવ્ય મંદિર છે. મૈસૂરના રસ્તાઓ પછી અહીંના ખરબચડા રસ્તા વસમા લાગ્યા. આ તો બ્રિટિશ હદ હતી ને? મૈસૂરની રતૂમડી જમીન પણ જતી રહી હતી. ધોળી ધૂળ, રસ્તામાં ખાડા, રસ્તા પાસેનાં ખજૂરીઓનાં ઝુંડ, દિવસનો ઓસરતો પ્રકાશ અને એ બધાંમાં પૈડાં નીચે પથ્થરોને કચરકચર કચડતો જતો અમારો ઝટકો. એ બધાંનો વિષમ સંવાદ પણ અલૌકિક હતો. અમે લગભગ સંધ્યા વખતે પેરૂર પહોંચ્યાં. દ્રાવિડી સ્થાપત્યના પ્રકારનું પુરભપકાદાર મંદિર અમે પહેલ-પ્રથમ અહીં જોયું. બેલૂર અને હળેબીડના ચાલુક્ય ઢબના સ્થાપત્યથી આ પ્રકાર તદ્દન જુદો પડી આવે છે. પેલાં ચાલુક્ય ઢબનાં મંદિર જાણે સૌંદર્યનો હાથમાં લઈ સૂંઘી શકાય તેવો સુરેખ સુચિત મઘમઘમતો ફૂલગુચ્છો. આ દ્રાવિડ ઢબનાં મંદિર મહાવટવૃક્ષના જેવાં; વિશાળ, ભવ્ય, બાથમાંય ન માય, દૃષ્ટિમાંયે ન માય. બેલૂર હળેબીડનાં મંદિરમાં દેવના ઉંબર પાસે પહોંચતાં પૂરી બે મિનિટ પણ ન થાય. અહીં તો દેવ કોઈ કિલ્લેબંધ નગરમાં રહેતા રાજા જેવા અનેક રીતે દુષ્પ્રાપ્ય છે. મંદિરનું પ્રથમ દર્શન કિલ્લા જેવું જ લાગે છે. વિશાળ ચતુષ્કોણ કોટમાં કોટ, તેમાં કોટ, પછી વિશાળ ઊંચા થાંભલાની કમાનોવાળો રસ્તો અને તેને છેડે નાનકડા અંધારિયા ગર્ભાગારમાં દૂર દૂર માત્ર ઘીના દીવાના પ્રકાશમાં અસ્પષ્ટ દેખાતા દેવ. મુખ્ય દેવગૃહનું શિખર કોટનાં ગંગનચુંબી ગોપુરોમાં ક્યાંય દટાઈ જાય. છતાં એ શિખરનું દર્શન તો ભક્તોએ કરવું જ જોઈએ. તો તે માટે આજુબાજુના કોટમાં એકાદ બારી મૂકી શિખરદર્શન જ્યાંથી પૂરેપૂરું થઈ શકે એવા ભોંય પરના સ્થળ પર એકાદ ચિહ્ન કરવામાં આવે છે. આ દ્રાવિડી રચનામાંયે વિવિધતા હોય છે; પણ તેનાં મુખ્ય લક્ષણો કોટ-પ્રાકાર, ઊંચું ગોપુર અને ભવ્ય થાંભલાનો રસ્તો; એટલાં તો સર્વસામાન્ય હોય છે જ. ગોપુરમાં અમે પેઠાં. જોડા અને પગનાં મોજાં તથા બીજી ચામડાની વસ્તુઓ દરવાજામાં જ મૂકવી પડી. આ બાબતમાં આ બાજુ બધે જ ખૂબ આગ્રહ છે. ઝાઝાં મંદિર ફરવાનું હોય ત્યાં તો જોડા વિના જ જવામાં સવડ છે. ગોપુર પાસેથી જ ઊંચા થાંભલાની સીધી હાર રસ્તાની બંને બાજુ શરૂ થઈ. થાંભલાની ઊંચાઈ અને જાડાઈ ખાસ આકર્ષક હતી. થાંભલાઓ પથ્થરનાં મોટા ચોરસ બીમ જેવા, માત્ર સહેજ સહેજ શણગારેલા હતા; પણ તેની ઊંચી ટોચ પરના ઝૂકતા ટેકા અને છતો વગેરે જોવા માટે ડોકને ઠીક ઠીક પાછળ નમાવવી પડતી. આ વિશાળ ઊંચા સ્તંભમાર્ગની બાજુમાં સ્તવન કરતા ઊભેલા ભક્તવૃંદ જેવા બીજા અનેક થાંભલાઓ હતા. શિવલિંગનાં દર્શન કરી અમે ઉત્તર તરફના ભાગમાં વળ્યા. ત્યાંયે સ્તંભમાર્ગને છેડે પાર્વતી-૫ રમેશ્વરની ભોગમૂર્તિઓ વસ્ત્રાલંકાર ધારણ કરીને વિરાજતી હતી. સંધ્યાનો વખત હતો. આરતીની તૈયારી થતી હતી. થોડાક પૂજારીઓ આરતી લઈને આવ્યા અને સ્તોત્રો ઉચ્ચારવા લાગ્યા; પણ આરતી વખતે મારું ધ્યાન તો દેવ કરતાં આ રસ્તાની બે બાજુના થાંભલાની મૂર્તિઓ પર રમ્યા કર્યું. થાંભલાઓ ઉપર છ છ ફૂટની માણસના કરતાંયે વિશાળ આકારની એકેક મૂર્તિ રૂપે શંકર પોતે અને તેમનો આખો પરિવાર વિરાજમાન હતો. કૂતરા જેટલા કદના ઉંદર ઉપર બેસી ગણેશ પોતાના વિશાળ ઉદરની શોભા દર્શાવતા હતા. મોં ફેરવીને આડા ઊભેલા મોર ઉપર કાર્તિકેય છ મુખોમાંથી કયું પહેલું બોલે તેની દ્વિધામાં શાંત બેઠા હતા. કાલિ પોતાના અનેક હાથથી રુદ્ર બનવાનો પ્રયત્ન કરવા છતાં લલિત બની જતી હતી. બધી મૂર્તિઓ સુરેખ અને મનોરમ અંગસૌષ્ઠવવાળી હતી. પણ સૌથી સુંદર અને આકર્ષક મૂર્તિ હતી શંકરની નટરાજમૂર્તિ. એ મૂર્તિ આપણને પરિચિત એવા એક પગે અંગનો ત્રિભંગ કરીને ઊભેલા નટરાજની સ્થિતિની નહિ પણ એથીયે વિશેષ રોમાંચક સ્થિતિની ‘કપાળતિલક’ નામે જાણીતા નૃત્યભંગની હતી. અહીં નટરાજે પોતાનો જમણો પગ ઊંચકીને માથે અડાડ્યો હતો અને એ પગ નીચેથી બે હાથ બહાર કાઢી તે વડે ડમરુ વગાડી રહ્યા હતા. આરતી થઈ રહ્યા પછી પણ એક સ્ત્રી ઊભી ઊભી હાથમાં થાળીમાં ઘીનો દીવો લઈ સ્તવન કર્યા કરતી હતી. એનો કોમળ છતાં દૃઢ સ્વર મંદિરની કમાનોમાં રમતો આછો પ્રતિઘોષ પામતો હતો. મને શિવની સ્તુતિ કરતી મહાશ્વેતા કાદંબરી યાદ આવી. નીલગિરિથી માંડી કન્યાકુમારી સુધી પહોંચી પશ્ચિમઘાટની ગિરિમાળામાં એક નાનકડો સોળેક માઈલ પહોળો ગાળો આવે છે. એ છે મલબારનો પ્રખ્યાત પાલઘાટ. એટલામાં થોડીક ડૂબકી ખાઈને ગિરિમાળ પાછી ઊંચી થતી થતી ત્રાવણકોરની સરહદ પાસે ઇલાગિરિ-કારડેમોમ હિલ્સના નામે ૯૦૦૦ ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. આ રમણીય ગાળો અમારે ઊંઘમાં જ ગયો. નહિ તોય એ અંધારી રાતે સૂસવતા ઠંડા પવનમાં બારી બહાર ડોકું કાઢીને નજર માંડવાનું શક્ય પણ ક્યાં હતું? સવાર થયું ને મલબારની હૃદયસ્થ ભરચક પ્રકૃતિનું દર્શન, ઈશ્વરી લીલાના કોક અપ્રતિમ આવિષ્કાર રૂપે અમારી આગળ પ્રગટ થવા લાગ્યું. રેલગાડીનો માર્ગ મલબારની પટીની અધવચમાં સીધી લીટી જેવો આગળ વધ્યે જતો હતો. સમુદ્ર અહીંથી બહુ દૂર નથી. કાને લગાડતાં દૂરનો નાદ સંભળાવે તેવું કોઈ દૂરબીનના જેવું દૂરશ્રાવક યંત્ર હોય તો સમુદ્રની ગર્જના બહુ સહેલાઈથી સાંભળી શકાય તેમ હતું. સોપારી, ખજૂરી, નાળિયેરી અને કેળનાં મોટાં મોટાં ગીચ ઝુંડ આવ્યે જતાં હતાં. વચ્ચે વચ્ચે ડાંગરનાં વિશાળ ખેતરો આવતાં હતાં. ક્ષિતિજ સુધી પથરાયેલાં ડાંગરનાં ખેતરોના ચમકદાર લીલા રંગની ઝલક, ક્યારાક્યારાની જુદી જુદી ઝાંયોની રંગછટા તો ચિત્રકારની પીંછી જ બતાવી શકે. પણ જોવામાં રમણીય એવી આ પ્રકૃતિ માણસ પાસેથી કાળી મહેનત માગી લેતી હતી. કદાચ ડાંગરની ખેતી બધી ખેતી કરતાં વિકટ છે. ખેતરોમાં પાણી ભરાયેલું હોય ત્યારે એને ખેડવાનાં, પાણીમાં જ ધ ઉગાડવાનું અને રોપવાનું અને છોડને પાણીમાં રાખીને જ ડાંગર પકાવવાની. વરસાદનું પાણી ખૂટે તો નહેરનું લેવાનું કે કૂવામાંથી સીંચીને પાવાનું. જમીન ખેડવાથી માંડીને તે પાક લણવા સુધી લગભગ કાદવમાં ને કાદવમાં જ ખેડૂતને કામ કરવાનું રહે છે. ભેજ અને શરદીવાળા એ સવારે અમે ગાડીમાં જયારે થથરતા હતા ત્યારે નીચેનાં ડાંગરનાં ખેતરોમાં ઉઘાડે શરીરે લોકો કામ કરી રહ્યા હતા. કેટલાક અતિશય ઝડપે ઢેકવા વતી પાણી કાઢી રહ્યા હતા. કેટલાક ખેતરને ખેડી રહ્યા હતા. એક ઠેકાણે એક અણવવાયેલા ખેતરમાં એક હળ ચાલી રહ્યું હતું. ખેતરની કાળી જમીન પાણીથી તરબોળ થઈ ગઈ હતી. ખેડનારાઓના પગ અર્ધા ઢીંચણ સુધી જમીનમાં ગરકતા હતા તે પરથી કાદવ કેટલો હશે તેની કલ્પના સહેજે કરી શકાય તેમ હતું. એ ચીકણા કાદવમાં બે મુડદાલ જેવી ભેંસો યા પાડાને જોતરી તેમના જેવા જ રંગના અને દેખાતાં હાડકાંપાંસળાંવાળા બે માણસને ખેતર ખેડતા જોયા. એ ચાલતા હતા કે ઊભા હતા તે નક્કી. કરવું મુશ્કેલ હતું. પાડા ચાલવાની ના પાડતા હતા. તેમને હાંકનાર પરોણા વડે માનુષી શક્તિથી શક્ય તેટલી પ્રેરણા આપતા હતા અને કદમે કદમે પોતે પણ મહાપ્રયત્ને કાદવમાંથી પગ ખેંચી આગળ વધતા હતા. કુમાર સિદ્ધાર્થે ખેતરમાં ખેડૂતનું જે કરુણ દૃશ્ય જોયેલું તે કંઈક આવું જ હશે, જોકે તે ખેતર આટલું વિકટ તો નહિ જ હોય. આમ સમૃદ્ધ પ્રકૃતિમાં દરિદ્ર પુરુષનાં દર્શન કરતાં અમે આગળ વધ્યે જતાં હતાં. ખેતરોની ખૂબી અને કુંજોની કમનીયતા વારાફરતી દૃશ્યપટને બદલતી રહેતી હતી. મેં પણ જીવનકલહમાંથી મેળવેલી થોડી મુક્ત ક્ષણોમાં તટસ્થ બની આ પ્રકૃતિનો આસ્વાદ લેવા પ્રયત્ન કર્યો; પણ વિચારશીલ, કલ્પનાશીલ અને ભાવનાશીલ માણસને જંપ નથી. તેને તો કલહ, પોતાનો કે પારકાનો બધા સરખા જ આઘાતકારક છે, વિચારપ્રેરક છે. અર્નાકુલમ્ પહોંચતાં પહેલાં આવતા ચોથા સ્ટેશને ઊતરીને જ્યાં જવાય. છે તે કાલડીનું સ્મરણ અહીં કરી લેવું જોઈએ. આદિ શંકરાચાર્યની એ જન્મભૂમિ. હવે અમે રેલ માર્ગના છેડે અર્નાકુલમાં આવી પહોંચ્યા. ત્યાંથી જલમાર્ગ શરૂ થતો હતો. રિક્ષાવાળાઓએ અમને ઝડપ્યા. બંદર બેએક માઈલ દૂર હતું. રિક્ષાનો આ પહેલો અનુભવ હતો. હિમાલયનાં ગિરિનગરોની તેમ જ રંગૂનમાંની રિક્ષાઓની વાત સાંભળી હતી. રંગૂનમાં કાકાસાહેબે રિક્ષામાં બેસવા જતાં પોતાને થયેલા અનુકંપાયુક્ત જે વિચારો વર્ણવેલા છે તે યાદ આવ્યા. મોટી બાબાગાડી જેવી રિક્ષામાં દૂધ જેવી સફેદ ગાદી ઉપર બેસતાં મને તો નાનપણમાં દાદાને ખભે બેસતાં જેવું થતું તેવું કંઈક થવા લાગ્યું. બાલ્યકાળનું નિર્લેપ કુતૂહલ પણ હૃદયમાં રમી રહ્યું અને અમને મઝાની કમાન ઉપર ઝુલાવતાં, મોટર કે ઘોડાગાડીના જેવા કશાય અવાજ વિના રિક્ષાવાળાએ જ્યારે અમને ઉપાડ્યા ત્યારે એની નિઃશબ્દ ગતિથી બાલસહજ આનંદ પણ ઘડીક થયો. પણ આ બાલભાવ બહુ વખત ન ટક્યો. રિક્ષાવાળું મારા કરતાં પણ નાની ઉંમરનો હતો. પોતાના એકવડા શરીર પર એક પાતળું તસતસતું ગંજીફરાક તેણે પહેર્યું હતું. તે જાણે કોઈ બીજી ચામડી જેવું જ લાગતું હતું. શરીરને કમર આગળથી ઝુકાવી તે આછી ગતિએ ધપ્યો જતો હતો. એના જીવનમાં કાર્ય-અકાર્યની ફિલસૂફી ડહોળવાનો એને ઝાઝો વખત ન હતો. સાંજ પડ્યે રોટલો મળે તેટલા પૈસા તેણે મેળવવાના હતા. રિક્ષામાં માણસોને ખેંચવાથી તે મળતા હોય કે લારીમાં લાકડાં કે લોઢું ખેંચવાથી મળતા હોય તે સરખું જ છે ને? રિક્ષામાં મુકાયેલા પદાર્થની સજીવતાથી તેણે શા માટે મૂંઝાવું? તેણે ભારવાહી બનીને જીવન વિતાવવાનું છે તો યદચ્છાપ્રાપ્ત સજીવનિર્જીવ જે કોઈ ભાર આવ્યો તે વહી નાખવો એ જ સારું છે ને? લૉંચ ઊપડી અને એક નવી જ દુનિયા શરૂ થઈ. અર્નાકુલથી ક્વિલોન વચ્ચે સો માઈલનો ગાળો છે; બેની અધવચે એલેપ્પી આવે છે. અહીંથી મલબારનો ધોરી જલમાર્ગ શરૂ થાય છે. જમીનની નીચાઈનો લાભ લઈ સમુદ્ર અંદર પેસી ગયો છે. પોતાના કિનારા નજીક નાનકડા બેટો અને જમીનની લાંબી પટ્ટીઓ રચતો રચતો તે આગળ વધી એલેપ્પી નજીક તો એક મોટા સરોવરરૂપ બની ગયો છે. પાણીએ સમુદ્રની ખારાશ તો ટકાવી રાખી છે; પણ ત્યાં તોફાન તજી દીધું છે. ખજૂરી અને નાળિયેરીનાં ઝૂકતાં ઝાડોથી ભરચક કિનારાઓ વચ્ચે એક શાંત સરોવર જેવાં મહાસાગરનાં પાણી પડ્યાં છે. સાંકડાપહોળા થતા જતા કિનારા, તે પરનાં વૃક્ષો, સૂર્યનાં કિરણોથી ઝગઝગતી પાણીની લીલી શાંત સપાટી અને તે પર અલ્પજીવી ચાસ પાડતી જતી હોડીઓ કે સ્ટીમલૉંચો. આખું એક રમણીય સ્વપ્ન જેવું લાગે છે. મલબારનો લીલો પ્રદેશ તો સુંદર જ છે; પણ તેમાંયે આ બેંકવૉટર્સ તો સુંદરતર છે. સ્ટીમલૉંચ ઊપડી. એન્જિનનો ધધડાટ ખૂબ કર્કશ ને કાનફોડિયો નીવડ્યો. પણ લોંચની ગતિ બહુ જ સ્વસ્થ હતી. રેલગાડી જેટલો આંચકો પણ ન આપે. એન્જિનના અવાજથી તો અમે થોડી વારમાં ટેવાઈ ગયાં અને લૉંચની સ્વસ્થ ગતિનો આનંદ સિલકમાં રહ્યો. જોકે એ ગતિ પણ છેવટે તેની મંદતાથી કંટાળો આપવા લાગી ગઈ. ક્વિલોન સુધીના સો માઈલ કાપતાં તો એને ૧૫ કલાક થયા! રસ્તા પર મોટરો અને ગાડીઓ ફરે તેમ અહીં સ્ટીમલોંચ અને હોડીઓ ફરતી હતી, ઊભરાતી હતી. સવારના તડકામાં ચળકતાં સમુદ્રપાણી પરનું એ કેવું મનોહર તગતગતું દૃશ્ય હતું! શરૂઆતમાં પાણી પશ્ચિમમાં ઠેઠ ક્ષિતિજ સુધી પહોંચતાં હતાં. મને થયું, હવે ખરો સમુદ્રપ્રવાસ કરવાનો મળશે. પણ લોંચ અમને પટાવીને દક્ષિણમાં વળી ગઈ. બેંકવૉટર્સનો ખરો ખ્યાલ હવે આવ્યો. જાણે અંતરાયેલા પાણીની સડક જ! બેત્રણ માઈલ લાંબા બેટ પર કોચીન આવેલું છે. ઘણા ગુજરાતી વેપારીઓ અહીં જામ્યા છે. હિંદમાં ઊતરેલી યુરોપી પ્રજાઓમાં પોર્ટુગીઝોએ સૌથી પહેલો વસવાટ અહીં ઈ. સ. ૧૪૯૬ માં સાડા ચારસો વરસો ઉપર કર્યો. કોચીને ઘણા રંગ જોયા છે. સૌથી પહેલાં પોર્ટુગીઝો, તે પછી દોઢસોએક વર્ષે વલંદા અને સવાસોએક વરસે અંગ્રેજો આ બેટના સ્વામી બન્યા. અત્યારે બેટ પર બ્રિટિશ કોચીન પણ છે. બાકીનું દેશી રાજય છે; યહૂદીઓ અહીં ચોથી સદીથી આવીને વસ્યા છે. ગુજરાતીઓ તો છે જ. લોંચ આગળ વધતી હતી અને એનાં ગુપ્ત હલેસાંની ગતિનો લિસોટો પાછળ પાણીમાં સમડીની પૂંછડી જેવો ફેલાતો હતો. શાંત પાણીમાંથી ગૂઢ લાંબાં લાંબાં મોજાં બેય બાજુ ઊભાં થતાં હતાં. દરિયો ખેડવો એમ શા માટે કહેવાય છે તે આ નાનકડી હોડીની હળ જેવી ચર્યાથી સમજાયું. પાણીના આ એકવિધ સૌંદર્ય સાથે કિનારાનું પલટાતું સૌંદર્ય તંબૂર ઉપર ગવાતા રાગ પેઠે ક્ષણે ક્ષણે નવી આહ્લાદકતા ધારણ કરવા લાગ્યું. કોચીનનાં છાપરાં થોડોક વખત જ ટક્યાં અને પછી ખજૂરી-નાળિયેરીની ગીચ વસ્તી આવવા લાગી. લોંચ જયાં કિનારાને અડતી ત્યાં નાનાં નાનાં છોકરાં નાનકડા મછવામાં ચડી નાળિયેર વેચવા દોડી આવતાં. અહીં મીઠું પાણી દુર્લભ છે. તરસ છિપાવવા નાળિયેરનો જ ઉપયોગ સહેલો અને સરસ છે. સામેથી સ્ટીમલૉંચો પસાર થતી હતી. નાનાં નાનાં વહાણ પણ જતાં. એમાંનાં ઘણાંને તો તાડછાંનાં છાપરાં પણ હતાં. જાણે જંગમ ઘર જ. પણ અહીંનું ખાસ આકર્ષણ તો એક જ માણસથી હંકારાતી નાનકડી હોડકી હતી. ખજૂરીનાં પાંદડાંની બનાવેલી મોટી ઢાલ જેવી એક છત્રી માથે ઓઢીને પોતાની કૃષ્ણકાયા ઉપર એક લંગોટી ધારણ કરીને બેઠેલો એ નૌકાપતિ એકલે હાથે વેગથી હોડકી હંકારતો હતો. આજુબાજુની યાંત્રિક સંસ્કૃતિને પડકાર આપતો. હોય તેવો એ માછી પ્રાથમિક માનવનું ચિત્ર જ ન હોય જાણે! હોડકીમાં પડેલી એની સાંકડા મોઢાની તાડછાંની માછલાં ભરવાની ટોપલી એના દારિત્ર્યની કરુણ મૂર્તિ જેવી હતી. મોટાં વહાણોની કંઠાર પર ચાલીને વાંસથી વહાણને દાંત ભીંસીને ધકેલતા ખારવાઓનાં સ્નાયુબદ્ધ કાળાં શરીરો તડકામાં જયારે ચળકતાં ત્યારે એક મઝાનું ચિત્ર ઊભું થતું. પેલા કાળા કાદવમાં ખેડ કરતા ખેડૂત જેવા આ પણ દરિયાના ખેડૂત જ હતા. લૉંચના અનેક રીતે આકર્ષક એવા અનેક ઉતારુઓમાંથી એક વચલે બંદરેથી આવી બેઠેલી એક બાઈ અને તેના બે છોકરાની વાત કર્યા વગર ચાલશે નહિ. એક જમીનદારની એ સ્ત્રી કોકના લગ્નમાં જતી હતી. એના ઊંચા જાડા શરીર પર એણે પહેરાય તેટલાં ઘરેણાં પહેર્યાં હતાં. તેની સાથેના નાના બાળકને અદ્ભુત કહી શકાય. રવિવર્માએ બાળકૃષ્ણનાં તોફાનનાં કેટલાંક ચિત્રો પાડેલા બાળક જેવો જ એ બરાબર. એ જોઈ મને થયું કે ચિત્રોનો બાળકૃષ્ણ ત્યારે રવિવર્માની કેવળ કલ્પના જ ન હતી. રવિવર્માની આલેખેલી. સ્ત્રીઓ પણ કલ્પનાની નથી જ. બેશક, એ પ્રકારના દેહ બહુ જવલ્લે જોવા મળે છે. પણ રવિવર્માએ એ રીતે કેટલાક ઉત્તમ આકારોને ચિત્રિત કર્યા છે એમાં શંકા તો નથી જ. તેની વિશાળ આંખો વડે પેલો બાળક અમારી તરફ જોયા કરતો હતો. રવિવર્માચિત્રિત એ જ લાંબું મોઢું, આગળ પડતું કપાળ, કેડે કંદોરી અને પડછંદ કાયા. એનાં તોફાન પણ બાળકૃષ્ણનાં જેવાં જ હતાં. એની માએ જયારે સાથે લાવેલા લોટામાંથી કૉફી પાવાની કાઢી ત્યારે કૉફી પીવા માટેની એની હઠ કૃષ્ણની માખણ માટેની હઠથી જરાયે ન ઊતરે તેવી હતી. એને મોઢે પ્યાલું વળગાડી કૉફી પીતાં પીતાં વિશાળ આંખોથી એની મા તરફ જે રીતે તે તાકી રહેતો એ તો ગાંડા કરે તેવું દૃશ્ય હતું. માનવજાતિમાં વસેલી તમામ ઉત્સુકતા અને આતુરતા જાણે ત્યાં આવીને ઠરી હતી. એ કેટલું અનુપમ દેવદુર્લભ દૃશ્ય હતું તેની એ માતાને ખબર હશે? અમારા થોડાક સહપ્રવાસીઓએ એમનાં ગપ્પાષ્ટક પત્યા પછી વાર્તાની એક નાની હિંદી ચોપડી કાઢી. મને જરા નવાઈ થઈ પણ તરત જ અહીંની હિંદી પ્રચારક સભાનું સ્મરણ થયું અને તેને મેં મૂંગો ધન્યવાદ આપ્યો. પેલા લોકોએ બાળપોથીની ઢબે તેને વાંચતાં વાંચતાં હસ્યાં કર્યું. અમારો જલમાર્ગ ક્યાંક સાંકડો ને ક્યાંક પહોળો થતો જતો હતો. કિનારો કેટલીક વાર દૂર ચાલ્યો જતો. એલેપ્પી પહોંચતાં પહેલાં તો આ જલમાર્ગ એક વિશાળ સરોવરરૂપ બની ગયો. ઝગારા મારતી એ વિશાળ જલભૂમિ ઉપર સામી દિશાએથી આવતી સ્ટીમલૉંચો અને કદીક નાનકડી સ્ટીમરો માથે ખોસેલાં પીંછાં જેવા ધુમાડા કાઢતી અમારી પાસેથી પસાર થઈ જતી. એ ઠીક ઠીક વેગે જતી હતી છતાં જાણે કાચની સપાટી પર એક જીવડું ચાલી રહ્યું હોય તેમ લાગતું હતું. એલેપ્પી આવતાં જલમાર્ગ વધુ રમણીય બન્યો. હવે તો જાણે પાણીની નાની નાની સડકો અને ચૌટાંચકલાં આવવા લાગ્યાં. એ નમતા પહોરે પશ્ચિમ કિનારાનાં ખજૂર વૃક્ષોની છાયા અર્પી સડકને ઢાંકતી અને પૂર્વ કિનારાનાં તરુવૃંદ નીલા પ્રકાશમાં ઝળહળી રહેતાં. ઝાડનાં પ્રતિબિંબ પાણીમાં પડતાં, અમારી લોંચે ઉપજાવેલી લહેરોથી જરા ક્ષુબ્ધ બની ડોલી ઊઠતાં અને પાછાં પૂર્વરૂપ ધારણ કરી લેતાં. અહીં પાણી બહુ ઊંડાં ન હતાં. પાણીમાં ઊગેલા, સીધાં યા કમળ જેવા પાંદડાંના છોડ પાસેથી પસાર થતા હતા. તે પરનાં રાતાં ફૂલ પાણી પર કંકુનાં છાંટણાં જેવાં શોભી રહેતાં અને આ શોભા વચ્ચે બેઠેલાં નાનાં ઝૂંપડાંનાં ગામડાં માણસની પ્રાથમિક દશાનો ખ્યાલ આપતાં ધીરેથી પસાર થયે જતાં. પાણીની સાંકડી ગલીમાં પ્રવેશી લૉંચ એલેપ્પીના બંદરે થોભી. એલેપ્પીની પ્રતિષ્ઠા વેપારી તરીકેની છે. નાળિયેર અને કાથાની સરસ સાદડીઓ, આસનો, પગલૂછણિયાં વગેરે બનાવટો અહીંથી પુષ્કળ બહાર જાય છે. નાનકડી બજારમાં ફરતાં ફરતાં પ્રદેશની નવીનતા, લોકોની નવીનતા, વેપારની નવીનતા મારા મન ઉપર વધારે અસર કરવા લાગી. લુંગી અને અર્ધું ખમીસ પહેરી ફરતા આ લગભગ કાળા લોકોમાં મોજાં, ચડ્ડી અને કોટવાળા પ્રવાસના પોશાકમાં હું જુદો પડી આવતો હતો. મારી પાછળ લોકોની નજર દોડવા લાગી. ગુજરાતથી હું કેટલે દૂર આવ્યો હતો! બાંધ્યો હિસાબ કરતાં મનમાં મેં દોઢેક હજાર માઈલ ગોઠવ્યા. અહીં બોલાતી ભાષા તો સમજવી મુશ્કેલ હતી. દુકાનોનાં પાટિયાં કોક કોક અંગ્રેજીમાં હતાં. ઘણાખરા દુકાનદારો અંગ્રેજીમાં વાત કરી શકતા. પાટિયાંનાં નામ અને લોકોનાં મોઢાં જોતો હું આમ જતો હતો ત્યાં વિચિત્ર ગુજરાતી અક્ષરમાં એક પાટિયું દેખાયું: ‘શ્રી ભવાની ગુજરાતી હોટેલ.’ અંધારામાં એકાએક દીવાસળી સળગે તેમ મને થયું, અહીં ગુજરાતી? અને તેનીયે હોટેલ? અંદર ગયો તો જામનગરના એક દુર્ગાશંકર શુદ્ધ ગુજરાતી વીશીના બ્રાહ્મણની ઢબનું પોતિયું પહેરી, કાળી જનોઈમાં શોભતા દેખાયા. વાતચીત કરી. હું ખૂબ રાજી થયો. એ શ્રીમાન પહેલાં અહીં નોકરી કરતા હતા. તેમાંથી તેમણે છૂટા થઈ વીશી – હોટેલ કાઢી. એમની પાસેથી જાણ્યું કે અહીં ત્રણસોએક ગુજરાતી કુટુંબો છે. કોચીનમાં પણ પુષ્કળ વેપારીઓ છે અને હવે આવનારા ક્વિલોનમાં તો છે જ એ મને ખબર હતી. એમણે હોટેલની રીતે પણ મારું સારું સ્વાગત કર્યું. બોટમાં પથારી કરીને સૂતાં તે વહેલું આવે ક્વિલોન. બોટ ઊપડવાની થઈ તેટલામાં ઉતારુઓ તો ઘણા આવી ગયા. મને થયું, આમાં ઊંઘવાનું કેમ બનશે? પણ રાત વીતતી ગઈ તેમ તેમ એક ઉપર બીજા અને બીજા ઉપર ત્રીજા એમ અદ્ભુત રીતે આડાઅવળા થઈ બધાએ નિદ્રાસન માટે સગવડ કરી લીધી.