દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૦૨. પાણી પહેલાં ચણીએ પાળ


૧૦૨. પાણી પહેલાં ચણીએ પાળ

ચોપાઈ


કરિયે દિવસે એવું કામ, રાતે રહિયે કરી વિરામ;
સાલે નહિ અંતરમાં સાલ, પાણી પહેલી ચણિયે પાળ.

જોબનમાં રાખીને જોર, કરિયે ઉદ્યમનો અંકોર;
હોય ન વૃદ્ધપણે બેહાલ, પાણી પહેલી ચણિયે પાળ.

જીવ શરીરનો છત્તાં જોગ, એવો કરિ લઈએ ઉદ્યોગ;
સ્વર્ગ વિષે સુખ મળે વિશાળ, પાણી પહેલી ચણિયે પાળે.

ઉનાળે શિયાળે એમ, તેવો ઉદ્યમ કરિયે તેમ;
વસિયે સુખમાં વર્ષાકાળ, પાણી પહેલી ચણિયે પાળ.

લાગે જ્યારે ઘરમાં લ્હાય, ખોદે કૂવો નહિ ખોદાય;
સદા પ્રથમ કરિયે સંભાળય, પાણી પહેલી ચણિયે પાળ.

ચોમાસે પાસે ને દૂર, પ્રવાહ પાણી ચાલે પૂર;
તે ટાણે ખોદાય ન ખાળ, પાણી પહેલી ચણિયે પાળ.

શિયાળે રજનીને અંત, તાઢ પડે તે તો અત્યંત;
તે જ વખતે ન વણાયે શાલ, પાણી પહેલી ચણિયે પાળ.

ઉનાળે વનમાં આથડે, પછી પુરો તડકો જ્યાં પડે;
ત્યાં ન મળે છત્રીનો તાલ, પાણી પહેલી ચણિયે પાળ.

આમ કર્યાથી થાશે આમ, એમ વિચારી કરિયે કામ;
એકે તરફ ન આવે આળ, પાણી પહેલી ચણિયે પાળ.

અવસર ચૂક્યો આવે નહીં, વેળાનાં ફળ મળવાં કહીં;
ફેર-રતે ફાલે નહિ ફાલ, પાણી પહેલી ચણિયે પાળ.

રગ રગમાં રુંધાણો રોગ, જાય નહિ ઓષડ સંજોગ;
કરિયે આગળથી જ નિકાલ, પાણી પહેલી ચણિયે પાળ.

પછી થશે કેવો પરિણામ, દિલમાં દેખી દલપતરામ;
ગતિ કરિયે તો નાવે ગાળ, પાણી પહેલી ચણિયે પાળ.