દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૦૪. પિતાની સેવા


૧૦૪. પિતાની સેવા

ભુજંગી છંદ


છડો હું હતો છોકરો છેક છોટો,
પિતા પાળી પોષી મને કીધ મોટો.
રૂડી રીતથી રાખતા રાજી રાજી,
ભલા કેમ આભાર ભુલું પિતાજી.

ચડી છાતીએ જે ઘડી મુછ તાણી,
કદી અંતરે રીસ આપે ન આણી,
કહ્યું મેં મુખે તે કર્યું હાજી હાજી,
ભલા કેમ આભાર ભુલું પિતાજી.

મને સારી શિક્ષા શિખાવી સુધાર્યો,
વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો;
ભલી વાતના ભેદ સીધા દીધાજી,
ભલા કેમ આભાર ભુલું પિતાજી.

કદી કોટી કોટી સહી કષ્ટ કાયા,
મને છાતીમાં લૈ કરી છત્રછાયા;
અતિ પ્રાણથી પ્યાર જે આણતાજી,
ભલા કેમ આભાર ભુલું પિતાજી.

મને દેખી અત્યંત આનંદ લેતા,
મુખે માગી વસ્તુ મને લાવી દેતા;
પુરો પાડ તે તો ભુલે પુત્ર પાજી,
ભલા કેમ આભાર ભુલું પિતાજી.

વડા વાંકમાં આવું તો રાંક જાણી,
દીધો દંડ દેતાં દયા દિલ આણી;
તજી સ્નેહ દેહે ન દીધી પીડાજી,
ભલા કેમ આભાર ભુલું પિતાજી.

ભણાવી ગણાવી કીધો ભાગ્યશાળી,
તથા તુચ્છ જેવી બુરી ટેવ ટાળી;
જનો મધ્ય જેથી રહી કીર્તિ ગાજી,
ભલા કેમ આભાર ભુલું પિતાજી.

લીધો લાવ ને લૈશ જે લાવ સારો,
ગણું-ગુણ હું તાત તે તો તમારો,
સદા સુખ સારું ઉપાયો સજ્યાજી
ભલા કેમ આભાર ભુલું પિતાજી.

મને નિર્ખતા નેત્રમાં નીર લાવી,
લઈ દાબતા છાતી સાથે લગાવી;
મુખે બોલતા બોલ મીઠા મીઠાજી,
ભલા કેમ આભાર ભુલું પિતાજી.

હતો બાળ હું આજ સુધી અજાણ્યો,
ઉરે આપનો ગુણ એકે ન આણ્યો;
હવે હું થયો જાણીતો આજ આ જી,
ભલા કેમ આભાર ભુલું પિતાજી.

જગંનાથજી જીવતો રાખશે જો,
હયાતી તમારી અમારી હશે જો;
કરું સેવના દિલ સાચે સદાજી,
ભલા કેમ આભાર ભુલું પિતાજી.

ભણે ભાવથી જો ગણે છંદ સારા,
પિતુ ભક્તિ પામી ન થાશે નઠારા;
રૂડું જ્ઞાન લૈ લાગશે શુભ કામે,
રચ્યા છે રૂડા છંદ દલપત્તરામે.