દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૮૯. નરસિંહ મહેતાના ઓટા વિષે
૮૯. નરસિંહ મહેતાના ઓટા વિષે
સવૈયા
છત્ર નથી શિર છાપરું છે નહિ છતમાં પણ છેક જ છોટો;
તોપણ છે ત્રણલોક પ્રસિદ્ધ સુમેરુ થકી મહિમા બહુ મોટો,
તત્ત્વ અનેકનું તત્ત્વજથા પ્રગટે મહત્ત્વ તણો પરપોટો,
આ મહેતા નરસિંહ તણો અઘનાશક પુણ્ય પ્રકાશક ઓટો.
જો નહિ સોરઠ દેશ ફર્યો પરદેશ વિશેષ ફર્યો ન ફર્યો;
જો ગિરનાર પ્રવેશ કર્યો ન પ્રયાગ પ્રવેશ કર્યો ન કર્યો;
જો ન દામોદરકુંડ તર્યો સરિતા જલ સર્વ તર્યો ન તર્યો,
જો ધરિ જન્મ ગયો ન જુનેગઢ તો જન જન્મ ધર્યો ન ધર્યો.