દલપત પઢિયારની કવિતા/ભલી તમારી ભેટ, દલુભા
ભલી તમારી ભેટ દલુભા, ભલો તમારો ભાલો,
તીર ઉપાડી તેતર નાઠું, સતનો મારગ ઝાલો!
રણમેદાને રણશિંગું, જ્યાં એક ઝાટકે જુદું,
નાહક ભૂંક્યું ગામ-ગધેડું, ઊડ્યું ના એક ફૂદું!
વળ દેવાનું મેલો, મૂછનો મટી ગયો હવાલો....
ભલી તમારી ભેટ...
ખટસવાદી જીભ અને ખોંખારો ખીણની ભાષા,
ભેલાડ્યું ખેતર, બાપુને ઊભા પાકની આશા,
નાગરવેલનાં નામ અને કંઈ ચરવો ભાજીપાલો...
ભલી તમારી ભેટ...
બહુ ખેલ્યા ચોપાટ, ડાયરે બહુ ખાધા ખોંખારા,
રંગઢોલિયે રહરહ તારા, નાથ વિશે નોંધારા
ઊઠો હવે આ પાથરણેથી, પાછો પડે પિયાલો.....
ભલી તમારી ભેટ..
ફળા વગરની મૂઠ એકલી ફે૨વવાનું મેલો,
ઊંચી ડાળીએ દોરો બાંધે હોલી ને એક હોલો,
જે શ્રીકૃષ્ણ બોલો જીવણ, વિઠ્ઠલ વ૨ બસ, વહાલો....
ભલી તમારી ભેટ...