દિવ્યચક્ષુ/૮. સામીપ્ય

૮. સામીપ્ય

યોગીઉરે કંટક આ હશે શું ?
આ રાગ ત્યાગી ઉરમાં રહ્યો શું ?
બુદ્ધિ મહીં આ દિલનો ઝરો શું ?
પાષાણમાં રોપ ઊગ્યો હશે શું ?

કલાપી

સવારમાં ઊઠીને ચારે જણે નાસ્તો લીધો. અંગ્રેજી ઢબની ચા એકલી પિવાતી નથી; તેની સાથે બિસ્કિટ, ટોસ્ટ, કેક વગેરે હોવાં જ જોઈએ. જેને જેમ ફાવે તેમ બેસીને એ ચા પી શકાય નહિ; સફેદ વસ્ર પાથરેલા મેજની આસપાસ ગોઠવેલી ખુરશીઓ ઉપર પગ નીચે મૂકી બહુ ટટાર નહિ એવી ઢબે બેસવું જોઈએ. સામું મેજ આરામ લેવાનું સાધન છે એમ માની તેના ઉપર કોણી ટેકવવાની ભૂલ કદી તેમાં થવી ન જોઈએ.

એ ઢબમાં ચાના પ્યાલા ઘરના કોઈ ગુપ્ત ખૂણામાંથી ભરાઈ ભરાઈને બહાર આવતા નથી. ચા, દૂધ અને સાકર જુદી જુદી ઠરી ચૂકેલી સુશોભિત આકૃતિવાળાં કાચનાં વાસણોમાં મેજ ઉપર મુકાય છે, અને જેને જે જોઈએ તે તેમાંથી લઈ શકાય છે. પ્યાલાની નીચે મૂકવામાં આવતી રકાબી એ ચા ભરવાનું તળાવ નથી એમ સહુથી પ્રથમ જ્ઞાન થવાની જરૂર છે. પ્યાલો એ પાંચે આંગળીએ પકડવાની વસ્તુ નથી, તેમ તેની દાંડી એ આંગળીએ ટીંગાડવાનું વર્તુલ નથી એ ખાસ સમજવું જોઈએ, આસપાસનાં પચીસ ઘર ગાજી ઊઠે એવા સુસવાટા સાથે ચા પીવાની ટેવ જેને હોય તેને અંગ્રેજી ઢબની ચા પીવાનો અધિકાર નથી એમ સિદ્ધ થઈ ચૂક્યું છે. પ્યાલા; રકાબી અને ચમચાના કિણકિણાટ સિવાય બીજો અવાજ થાય નહિ એ પ્રમાણે ધીમે ધીમે રમતે ઘૂંટડે ચાનું પાન લંબાવવું જોઈએ. નાની નાની રમૂજી વાતચીતનો પ્રવાહ આદિથી અંત સુધી ચાલ્યા જ કરવો જોઈએ. પુરુષોએ બનતા સુધી અંગ્રેજી ઢબમાં વસ્રો – અથવા ઉપવસ્રો – જો પોતાનું જ ઘર હોય તો – પહેરેલાં હોવાં જોઈએ; પરંતુ હિંદમાં કોઈ પુરુષે દેશી ઢબનાં વસ્રો પહેરેલાં હોય તો હવે તે નભાવી લેવા જેટલું સ્વદેશાભિમાન વધી ગયું છે.

રંજન ધારતી ત્યારે છટાદાર વાર્તાલાપ કરી શકતી : વર્તમાન સમય બહુશ્રુતપણું માગી લે છે. છાપ પાડવી હોય તો ઘણી વાત જાણવી જોઈએ, અને કહેવી જોઈએ. તેણે ઘણી વાતો કરી. કૃષ્ણકાંતમાં પણ એ આવડત હતી જ. યુરોપીય સમાજમાં ફરેલો માણસ તેની સ્વસ્થ, સંકોચ રહિત અને સહજ સ્વભાવની ઝાંખી કરાવતી વાતચીત ઉપરથી તરત ઓળખાઈ આવે છે.

‘ભાઈ ! અંગ્રેજો વિષે અરુણભાઈના વિચારો બદલાય ખરા કે નહિ?’ વાતમાં ને વાતમાં રંજને પૂછયું.

‘કદાચ ન બદલાય. હું માનતો હતો કે જો અરુણ યુરોપની મુસાફરી કરે અગર અહીંના યુરોપીય સમાજમાં ફરે તો તેના વિચારો બદલાય. એ માટે તો હું એને અહીં લાવ્યો છું; પરંતુ મેન હવે શંકા પડે છે.’ કૃષ્ણકાંતે કહ્યું.

‘ત્યારે અરુણભાઈ ખરા અને તમે ખોટા, નહિ ?’

‘એમ પણ બને.’

અરુણ આ વિષયની વાત અહીં થશે એમ ધારતો નહોતો. પોતાના ક્રાંતિવાદ વિષે કૃષ્ણકાંતને ખબર હતી જ. કૃષ્ણકાંત મૂડીવાદના પૂતળારૂપ હતા. તેને નવાઈ લાગી : શા માટે કૃષ્ણકાંત અરુણના વિચારો તગરફ ઢળતા હતા ! ગઈ રાતે જ તેમણે યુરોપીય અમલદારને ખાણું આપ્યું હતું. તે ચા પીતાં પીતાં જરા અટક્યો અને વિચારમાં પડયો.

‘તમે તો કાંઈ ખાતા જ નથી !’ રંજને અરુણને ટોકી વિચારમાંથી જાગૃત કર્યો. અરુણે એક બિસ્કિટ ઉપાડયું.

‘હા…પણ તેમ ચાની વિરુદ્ધ હશો !’ રંજને પૂછયું.

મહાત્માજીએ દેશસેવાના આદર્શમાં એટલો બધો ફેરફાર કરી નાખ્યો છે કે દેશસેવકમાં સહુ કોઈ સંપૂર્ણતા જોવાને જ ઈચ્છે છે. બાર-પંદર વર્ષ ઉપર વિદેશી વસ્રો પહેરી સ્વદેશીના લાભ સમજાવવાનું બની શકતું હતું; સાહેબનાં કપડાં પહેરી અંગ્રેજોને માર્મિક ચાબખા મારનારને હર્ષપૂર્વક સાંભળી શકતો; ખાસ સલૂન જોડાવી મુસાફરીની મોજ કરતા દેશસેવક, વકીલ કે લક્ષાધિપતિ મિલમાલિકને હિંદના ગરીબ બિચારા ખેડૂતોનું કરુણાજનક વર્ણન કરવાનો સંપૂર્ણ હક્ક હતો; પરંતુ હવે તે સમય રહ્યો નથી. દેશસેવક કહેવરાવનારને તલવારની ધાર ઉપર રહેવું પડે છે. ધોળી ટોપી પહેરનાર ચા પીએ તોપણ લોકોને તે ખૂંચે છે, તે બીડી પીએ તો તેના તરફ ઉત્પન્ન થયેલો પૂજ્યભાવ ઓછો થઈ જાય છે. અને ઘણી વખત લોકો મોઢે ચડીને પણ કહે છે :

‘કેમ ભાઈ ! ધોળી ટોપી પહેરો છો ને ચા-બીડી છોડતા નથી ?’

વળી એ મહાપુરુષનો વિરાટ પડછાયો આખા દેશ ઉપર ચડી રહ્યો છે. દેશોન્નતિના કોઈ પણ પ્રશ્ન ઉપર વાત નીકળતાં હિંદીની તરફેણમાં અગર અંગ્રેજોની વિરુદ્ધમાં બોલનાર ગમે તે વ્યક્તિ હોય તોપણ તેને ગાંધીજીનો અનુયાયી ધારવામાં આવે છે. પૂર્વના નેતાઓ ખૂણે પડી ગાયા છે, ને પ્રજાના સ્વીકૃત નેતાઓ સઘલા ગાંધીજીના અનુયાયી બની ગયેલા છે. એટલે ‘નવજીવન’ હાથમાં રાખી ફરતો ખાદીધારી ગામડિયો અગર સભાઓ ધ્રુજાવતો શહેરી ગ્રેજ્યુએટ ગાંધીજીની વ્યાપક મૂર્તિ ખડી કરે છે.

અરુણને એ મહાપુરુષની આવી વ્યાપકતા ગમતી નહિ. ગાંધીજી એક સમર્થ પુરુષ અને ત્યાગી લોકનેતા છે એમ તે અવશ્ય માનતો; પરંતુ તેમના અહિંસાના સિદ્ધાંત અને સંયમની અતિશયતામાં તે વિસારે પાડવા યોગ્ય ધર્મભાવનાના પુનરાવતારની કલ્પના કરતો. તે પોતે દેશસેવક હતો – પરંતુ ગાંધીપંથનો નહિ, એમ માનવા સર્વદા આતુર રહેતો. ગાંધીયુગથી આગળ વધેલો સામ્યવાદી પોતે છે એમ તેની માન્યતા હતી; ગાંધીજીને સામ્યવાદની ફિલસૂફી બરાબર સમજાતી નથી એમ તે ધારતો.

‘હું ચાની વિરુદ્ધ હોઉં એમ શા ઉપરથી માન્યું ?’

‘કારણ ઘણા દેશસેવકો ચા પીએ છે અને ચાની વિરુદ્ધ બોલે છે.’

‘મને તો સુખનો શોખ છે. હું ગાંધીમતનો નથી.’

‘ત્યારે કોઈ સારી નોકરી કેમ ન સ્વીકારી ?’

‘રાજ્ય આપણું નહિ ત્યાં સુધી આપણને પૂરું સુખ નહિ મળે.’

‘ગાંધીજી પણ એ જ કહે છે ને ?’

‘મારો અને તેમનો માર્ગ જુદો છે. તેઓ માત્ર મરવામાં માને છે; હું મારીને મરવામાં માનું છું.’ અરુણ જરા ખંચાયો. તેને લાગ્યું કે ગાંધીજી સાથેનો પોતાનો મતભેદ દર્શાવવામાં તેણે મિથ્યાભિમાન બતાવ્યું હતું. તઓ સમગ્ર જગતું ધ્યાન ખેંચતા મહાપુરુષ છે, અને પોતે ક્ષણજીવી – થોડા દિવસની વાહવાહ ભોગવી ભુલાઈ જનારો યુવક માત્ર છે. જ્યાં સુધી હિંસાત્મક ક્રાંતિવાદનો વિજય ન થાય ત્યાં સુધી કોઈની પન સરખામણી ગાંધીજી સાથે કરવાનું અશક્ય છે.

પરંતુ એ અશક્ય પરિસ્થિતિ તેને સર્વદા બળ અને પ્રેરણા આપ્યા કરતી હતી. વિજય મળશે તો તે અહિંસાને નહિ, હિંસાને જ, એમ તે ખાતરીપૂર્વક માનતો હતો.

તેનું વાક્ય સાંભળી કૃષ્ણકાંત તેની સામું જોઈ જરા હસ્યો અને બોલ્યો :

‘That’s it.’

આ બધી વાતચીતમાં સુરભિ કાંઈ રસ લેતી નહિ. જગતમાંથિ આનંદ શોષાઈ ગાયો હોય એમ સારામાં સારો દેખાવ પણ તેનામાં ઉત્સાહ પ્રેરતો નહિ. માત્ર તેને આજે સહજ નવાઈ લાગી. કેવળ યુરોપિયનોનાં જ વખાણ કરનાર કૃષ્ણકાંત આજે પોતાના ભાઈની તરફેણમાં કેમ બોલતા હશે ?

ચા પીવાનો લાંબો વિધિ પૂરો થયો એટલે રંજને અરુણને સંભારી આપ્યું કે જનાર્દનને ત્યાં જવાનો સમય થયો છે. અરુણ તૈયાર હતો. દરેક નાનામોટા કાર્યને જુદાં જુદાં કપડાં હોવાં જોઈએ એવી માન્યતાનો તે ભક્ત નહોતો. ગાંધીયુગમાં ઉત્પન્ન થયેલી અનેક સરલતાઓમાં પોશાકની સરલતા બહુ ઉપયોગી થઈ પડે છે. ખર્ચ અને છટાની અનેક મુશ્કેલીઓ ઊભી કરતો પોશાક, અમલદાર અને અમલદારની ઓથ શોધતા સભ્ય અને સન્માનપાત્ર રાજ્યભક્તો સિવાયની સઘળી પ્રજા માટે હવે જરા પણ વિકટ રહ્યો નથી. ધોળું ધોતિયું, ધોળું પહેરણ અને ટોપી : એટલામાં આ યુગની આખી વસ્રમીમાંસા સમાઈ જાય છે.

અરુણને ગાંધીમત સાથે અહિંસા સંબંધમાં વિરોધ હતો. તથાપિ એ મતમાં રહેલા શુભ અંશો સ્વીકારવા તે તૈયાર રહેતો. ખાદીની તેને ઘેલછા લાગી નહોતી; તકલી અને રેંટિયાની શક્તિમાં તેને શ્રદ્ધા નહોતી; છતાં પરાધીન ગરીબ દેશને માટે પ્રજાએ ઝીલેલી ગાંધીજીની વસ્રભાવના તેને સ્વીકારવા સરખી લાગી હતી. એટલે હિંદમાં ઊભરાતા ખાદીધારી માનવસાગરનું તે પણ એક બિંદુ બની ગયો હતો.

અરુણને તો માત્ર માથે ટોપી જ મૂકવાની હતી – ઘણી વખત પોતાની સહજ જુદાઈ બતાવવા તે ટોપી પણ પહેરતો નહિ; પરંતુ રંજનથી ચા પીતી વખતનાં કપડાં સાથે બહાર નીકળી શકાય એમ નહોતું. તેણે મોટર તૈયાર કરવા હુકમ કર્યો અને નવીન કપડાં પહેરવાની તૈયારી કરી.

કપડાં પહેરી તે બહાર નીકળી અને અરુણ તેના તરફ જોઈ જ રહ્યો. ગઈ કાલનાં ઝાકઝમાળ કિંમતી રેશમી કપડાંનાં ફૂલકાં, સઢ અને વળ આજે અરુણની નજરે પડયાં નહિ. તને બદલે સફેદ બાસ્તા સરખાં ધોળાં કપડાંમાં રંજન સજ્જ થઈ હતી. અલબત્ત, ગઈ કાલના પોશાક કરતાં આ ધોળો પોશાક વધારે સંયમભર્યો હતો; પરંતુ એ સાદા પોશાકમાં પણ કાંઈ અવનવી છટા અરુણે નિહાળી. કિંમતી પોશાક કરતાં આ સાદો પોશાક તેને ઓછો શોભતો નહોતો.

‘ત્યારે એ છટા શાની ? કપડાંની કે દેહની ?’ અરુણે પહેલી જ વાર રંજનને ધારી નીરખી.

‘સ્વદેશી મિલનાં કપડાં તો હું ઘણી વખત પહેરું છું. પણ ભાઈસાહેબ! તમારી ખાદી નથી પહેરતી. શરીરમાં વાગે છે.’ રંજન બોલી. પોતાના સાદા પોશાકથી જ અરુણ વિસ્મય પામ્યો હતો એ તેમણે સમજી લીધું હતું. શરદુત્સવમાં જરીકિનાખાબ, નાટકમાં આછા રંગભર્યું રેશમ અને ભાષણમાં ધોળું મલમલી સૂતર એમ ત્રિવિધ વેશ ધારણ કરનાર લક્ષ્મીસંપન્ન લલનાઓ વર્તમાન જાહેરજીવનનું એક જીવંત ચિત્ર છે ! – કે હતું ?

‘હું પણ ખાદીનો આગ્રહ રાખતો નથી. સ્વદેશી વસ્ર હોય તો બસ છે.’ અરુણે જણાવ્યું.

બંને મોટરમાં બેઠા. અરુણ મોટરના એક ખૂણામાં ભરાયો – મોટરના ખૂણા ભરાવા માટે રચાયલા ન હોવા છતાં – તેણે સંસ્કારી તેજસ્વી યુવતીઓ જોઈ હતી; પરંતુ તે આટલી નિકટમાં નહિ. એકાંતમાં સ્રીઓ ભય ઉપજાવી શકે છે એ તેણે પહેલી વાર જાણ્યું. તેણે બોલવા માટે બે-ત્રણ પ્રયત્નો કર્યા, પણ તે નિષ્ફળ ગયા. કાંઈ મૂર્ખાઈ ભરેલું પોતાનાથી બોલાઈ જવાશે એવી તેને બીક લાગ્યા કરી.

રંજન પણ શાંત હતી. તેના મુખ ઉપર સ્વમાનભર્યું સ્મિત હતું. સવારમાં તેને પરિચિત સ્રી-પુરુષો બહુ મળ્યાં નહિ; છતાં તેનો ચહેરો તો હસમુખો જ હતો. આકશમાં તારા ઝગમગ થયા કરે તેમ રંજનના મુખ ઉપર સ્મિત ઝગમગ થયા કરતું અરુણને લાગ્યું.

એક યુરોપિયન જોડું સામેથી ચાલતું આવતું હતું. રંજને રૂમાલ કાઢી હવામાં હલાવ્યો. ગોરાં સ્રી-પુરુષે જોયું – ન જોયું કર્યું. મોટર હાંકનારે મોટરની ગતિ ધીમી પાડી અને યુરોપીય સ્રીપુરુષની પાસે મોટર ઊભી રાખી.

‘ગુડ મૉર્નિંગ !’ રંજને પેલા યુરોપીય યુગલને સંબોધી કહ્યું.

પુરુષે આડુંઅવળું જોયું; સ્રીએ જૂઠાણાભર્યું સ્મિત કરી જવાબમાં ડોકું એક બાજુ નમાવ્યું, અને બંને આગળ ચાલ્યાં ગયાં.

રંજનનું સ્મિત ઊડી ગયું. તેના મુખ ઉપર અતિશય લાલાશ તરી આવી. તેની રમતિયાળ આંખ સખત બની. મોટર આગળ ચાલી.

Monkey Brand !’ ધીમેથી તે બબડી.

‘એ કોણ હતાં ?’ હવે અરુણથી બોલી શકાયું.

‘અહીંના કલેક્ટરસાહેબ અને એમનાં મડમ !’

‘કેમ કોઈ થોભ્યું નહિ ? કલેક્ટર કાલે તો તમારે ત્યાં જમવા આવ્યા હતા !’

‘એમને અને ભાઈને જરા બોલાચાલી થઈ, એટલે તેઓ આમ અપમાન કરીને અણગમો બતાવે છે!’

‘શાની બોલાચાલી થઈ ?’

‘તમારા સંબંધમાં.’

‘મારા સંબંધમાં ? હું તો જમવામાં હતો નહિ.’

‘છતાં તમારા વિષે ચર્ચા ચાલી હતી.’

‘એ કેવી રીતે ?’

‘હસતાં હસતાં ભાઈએ કહ્યું કે, “સરકારના એક શકદારને તો મેં સંઘર્યો છે.” એટલે તેમણે પૂછપરછ કરી. ભાઈએ બધી વિગત કહી, એટલે કલેક્ટરસાહેબ કહે કે “તમે એવા શકદારને ઝડપથી દૂર કરો.” ભાઈએ ના કહી એટલે તેઓ જરા ગુસ્સે થયા. કોણ એની દરકાર કરે છે !’

અરુણ વિચારમાં પડી ગયો; હું પોતે પોતાના એક નજીકના સંબંધીને મુશ્કેલીમાં નથી નાખતો ?

ગુનેગારને કેદમાં પણ સ્થાન હોય; શકદારને રાજ્યમાં ઊભા રહેવાનું પણ સ્થાન ન મળે ! અને શક શી બાબતનો ? દેશસેવાનો ? શું ઈચ્છાવાયોગ્ય ; દેશદ્રોહ ? કે રાજ્યદ્રોહ ?