ધરમાભાઈ શ્રીમાળીની વાર્તાઓ/લેખકનો પરિચય

લેખકનો પરિચય

ધરમાભાઈ શ્રીમાળી અનુઆધુનિક સમયના પ્રતિષ્ઠિત વાર્તાકાર છે. ‘સાંકળ’ (૧૯૯૭) વાર્તાસંગ્રહથી જ વાર્તા સાથે પૂરી નિષ્ઠા-નિસબતથી પનારો પાડનારા આ સર્જક પાસેથી ‘સાંકળ’ ઉપરાંત ‘નરક’ (૨૦૦૩), ‘રવેશ’ (૨૦૦૫), ‘ઝાંખરું’ (૨૦૧૨) અને ‘પીઠી’ (૨૦૧૬) જેવા વાર્તાસંગ્રહો સાંપડ્યા છે. આ વાર્તાસર્જનોમાંથી પસાર થયા પછી અચૂક પ્રતીતિ થઈ આવે કે, વાર્તાકાર ધરમાભાઈ શ્રીમાળીને મુખ્ય અને દલિત બન્ને ધારાઓમાં વાર્તા રચવાની સારી ફાવટ છે. અને ૧૯૯૭થી શરૂ થયેલી તેમની વાર્તા સર્જનયાત્રા, તેમના છેલ્લા પડાવ ‘પીઠી’ સુધી પહોંચતાં વાર્તાના વસ્તુવૈવિધ્ય, પાત્રગત મનોયંત્રણાઓનું કલાત્મક નિરૂપણ, રચનારીતિમાં મૌલિક અને પોતીકી યુક્તિ-પ્રયુક્તિઓના વિનિયોગ અને સર્જનાત્મક ભાષાકર્મ વગેરેમાં ખાસ્સો વિકાસ અને પરિપક્વતા પમાય છે. ‘સાંકળ’, ‘રવેશ’ અને ‘પીઠી’ જેવા વાર્તાસંગ્રહોમાં મોટેભાગે મુખ્ય ધારાની વાર્તાઓ સમાવિષ્ટ થઈ છે. ‘સાંકળ’માં સ્ત્રી-પુરુષ સંબંધોની વાર્તાઓ વિશેષ છે, પરંતુ સર્જક દૃષ્ટિકોણ અને સૂક્ષ્મ માવજત રૂપે યોજાયેલા પાત્ર-માનસના ભાવપલટાઓને લીધે કલાત્મક અને વિશિષ્ટ ભાવ સંવેદનની રચનાની છાપ અંકિત કરે છે. જોકે બધી રચનાઓમાં આ બધું શક્ય નથી બનતું પરંતુ ‘સાંકળ’, ‘સણકો’, ‘મહારાજ’, ‘ભવાઈ’ અને ‘વીંછુડો’ જેવી વાર્તાઓ તેના નવ્ય વિષયવસ્તુ, વસ્તુગૂંથણી, સંકેતો તથા બોલી માવજતની દૃષ્ટિએ સર્જક ધરમાભાઈ શ્રીમાળીને સજ્જ વાર્તાકાર તરીકે સ્થાપે છે. ‘રવેશ’ની વાર્તાઓમાં વિષયવસ્તુનું નાવીન્ય વિશેષ છે. વિષયવસ્તુની મનોવિશ્લેષણાત્મક ઢબે વસ્તુગૂંથણી, પરિવેશ નિરૂપણ તથા પરિવેશમાંથી જ સંકેતો નીપજાવવાની સર્જકની ફાવટને લીધે આ સંગ્રહની ‘રવેશ’, ‘વસવાટ’, ‘રાવણ’, ‘આંતરસેવો’, ‘કૂબો’ અને ‘છેલ્લું ટાણું’ જેવી વાર્તાઓ સ્મરણીય બની રહે છે. તો ‘પીઠી’ વાર્તાસંગ્રહમાં માનવમનની આંટીઘૂટી, સંયુક્ત કુટુંબ તથા પારિવારિક સ્નેહને તાગતી રચનાઓ વિશેષ છે. તો ‘છોડ’, ‘જમણવાર’, ‘લોહી’, ‘મેળો’, ‘વળાંક’ તથા ‘છત્રી’ જેવી વાર્તાઓમાં વર્ણભેદ અને દલિત જીવનના પ્રશ્નો-સમસ્યાઓ નિરૂપાયાં છે. આ વાર્તાઓમાં ‘છોડ’ નૂતન દલિત ચેતનાની દૃષ્ટિએ, ‘પછડાટ’ પાત્રના મનઃ સંચલનોના નિરૂપણ તથા ચુસ્ત વસ્તુબંધની દૃષ્ટિએ, ‘પૂર્વજ’ પાત્રના ભાવસંવેદના તથા ગ્રામ્ય જીવનની શ્રદ્ધા-આસ્થાઓના વાસ્તવિક નિરૂપણને લીધે, તો ‘વળાંક’ વાર્તા તેની રસપ્રદ સંનિધિને લીધે ગમી છે. ‘નરક’ અને ‘ઝાંખરું’ દલિત વાર્તાસંગ્રહો છે. આ વાર્તાઓમાં ગ્રામ્ય વાતાવરણમાં જીવેલા સર્જકનો ગામ સાથેનો ઘરોબો તથા ઉજળિયાતો દ્વારા થતું દલિતોનું આર્થિક-શારીરિક શોષણ, શારીરિક-માનસિક અત્યાચાર, દલિતોના ગમા-અણગમા, વેદના-લાચારી અસરકારક રીતે મૂર્ત થઈ છે. દલિત જીવનની વાર્તાઓ હોવા છતાં આ વાર્તાઓમાં ઉજળિયાતો પ્રત્યેનો આક્રોશ કે વિદ્રોહ સ્પષ્ટ રીતે મુખર થતો નથી, પરંતુ દલિત જીવનના પ્રશ્નો-સમસ્યાઓ, લાચારી, વિડંબના સંવેદનમાં ઘૂંટાઈને વ્યક્ત થઈ છે. ‘નરક’માં દલિત જીવનની વાર્તાઓ હોવા છતાં તેમાં વિષયવસ્તુ કે કથયિત્વનું વૈવિધ્ય વરતાય છે. વિષયવસ્તુને અનુરૂપ યુક્તિ-પ્રયુક્તિઓની માવજત થઈ છે. તો વર્ણન, સંવાદ, કાકપદી, અંતની ચમત્કૃતિ તથા વ્યંજનાત્મક ભાષા એવા કથન પ્રકલ્પો વાર્તાઓનું પોત વણી આપે છે. આ સંગ્રહની ‘નરક’, ‘ભોગ’ અને ‘ભાત’ જેવી વાર્તાઓ તેના વસ્તુસંવિધાનની દૃષ્ટિએ સ્મરણીય બની રહે તેવી છે.’ વિષયવસ્તુની સૂક્ષ્મ માવજતની દૃષ્ટિએ ‘ઝાંખરું’ની વાર્તાઓ ‘નરક’થી જુદી પડી આવે છે. દલિત વિષયવસ્તુની અભિવ્યક્તિ માટે પ્રતીકો અને કલ્પનોનો વિનિયોગ થયો છે. વળી પાત્ર, પરિવેશ, સંવાદ, ભાષા અને અભિવ્યક્તિની સરસ માવજત થઈ છે. પાત્ર તેના માનસિક વલણોને લીધે ઘડાતું જાય, વાર્તાગત સમસ્યાઓ સ્વયંમ્‌ ઉઘડતી જાય તે પ્રકારની રચનારીતિ આ વાર્તાઓને વિશેષ કારગત બની છે. સમગ્ર દૃષ્ટિએ ‘આડવાત’, ‘પ્રવેશદ્વાર’, ‘કદડો’, ‘ઝાંખરું’, ‘રુદન’ અને ‘ઘોડેસવારી’ જેવી વાર્તાઓ ભાવકહૃદયને અપીલ કરી જાય તેવી છે. ધરમાભાઈ શ્રીમાળીના આ પાંચેય વાર્તાસંગ્રહોમાંથી મને જે વાર્તાઓ વાર્તા કલાની દૃષ્ટિએ ગમી છે તે તેનો મેં ઉપર ઉલ્લેખ કર્યો છે, પરંતુ આ બધી જ વાર્તાઓને આ સંપાદનમાં સમાવવી શક્ય નથી. તેથી મેં વિષય વૈવિધ્ય, રચનારીતિ અને વાર્તા ઘટકોના કળામય સમન્વયની દૃષ્ટિએ જે વાર્તા ઉત્તમ લાગી છે તેને આ સંપાદન માટે પસંદ કરી છે. વળી જે-તે વાર્તાની સંક્ષિપ્ત ચર્ચામાં મારી પસંદગીના કારણો પણ સ્પષ્ટ કર્યા છે. ‘ધરમાભાઈની શ્રેષ્ઠ વાર્તાઓ’ અંતર્ગત મેં કુલ ૧૦ વાર્તાઓ પસંદ કરી છે, જેમાં પાંચ વાર્તાઓ મુખ્ય ધારાની, તો પાંચ વાર્તાઓ દલિત ધારાની છે. ‘સાંકળ’, ‘વીંછુડો’, ‘કૂબો’, ‘રાવણ’ અને ‘પછડાટ’ મુખ્ય ધારાની વાર્તાઓ છે. ‘સાંકળ’ વાર્તાનાયિકા મેનીના મનના ભાવો અને આવેગોનું પ્રતિકાત્મક સૂચન કરતી નમૂનેદાર વાર્તા છે. અહીં મેનીના મનની વૃત્તિઓ, ભાવ આવેગોનું સહજ નિરૂપણ આસ્વાદ્ય છે. ઘટનામાંથી ખૂલતા રહસ્યોથી આ વાર્તા ઉત્તમ બને છે. સાંકળની વાર્તાનાયિકા મેની પરણેલી છે, પણ અણગમાને લીધે તેનો પતિ મેનીને તેડતો નથી. મેનીનો પ્રશ્ન થાળે પાડવા માટે તેના મા-બાપ તેની સાસરીમાં ગયાં છે. મેનીની ઉંમરની છોકરીઓ તેમની સાસરીમાં ઠરીઠામ થઈ ગઈ છે તેનોય મેનીને વસવસો છે. મેની લાઇટ જતાં દુકાને દીવાસળી લેવા જાય છે. અને પાછી વળે છે ત્યાં જ મેઘો તેને રોકતાં, મોડે મળવાનો વાયદો કરીને, સાંકળ નહીં વાસવાનું કહે છે. ખુશખુશાલ મેનીના પાછા ફર્યાં પછી મેનીની મનઃસ્થિતિને વાર્તાકારે આ રીતે પ્રગટ કરી છે : ‘પણ કામમાં જીવ ચોંટતો નહતો. શરીર ઝણઝણી રહ્યું હોય એવું લાગ્યું...’ (પૃ. ૨) અહીં મેનીનોે પ્રિયમિલનનો તલસાટ ભાવક જરૂર પામી શકે, પરંતુ ત્યાર પછી સર્જકે પડોશી રામીકાકી અને દાદીમાને વાતે વળગાડીને તેમના સંવાદો તથા મેનીની એકોક્તિઓ તથા પ્રતિક્રિયાઓ દ્વારા મેનીના ભગ્ન સંસારની વાત સરસ રીતે મૂકી વાર્તાનું પોત વણ્યું છે. સાથોસાથ ઉકળાટનું વાતાવરણ પણ મેનીની મનઃસ્થિતિને ઇંગિત કરે છે. ‘પવન રોકાઈ ગયો હતો અને ઉકળાટ વરતાતો હતો.’ (પૃ. ૪) રામી અને દાદીમાની વાતો દરમિયાન ડેલીના ઉંબર ઉપર બેઠેલી મેની પવનથી બારણાની સાંકળ ખખડતાં મેઘાના વિચારે ચડી જાય, ડેરી આજુ બાજુ જુએ... આ ક્રિયાઓ અને એકોક્તિ દ્વારા તેની એકલતા તથા મેઘા પ્રત્યેનું આકર્ષણ સહજ રૂપે વ્યક્ત થયું છે. ડેરીનો ખટારો રવાના થયા પછી, અને રામી કાકી ગયા પછી મેની કમાડ વાસીને ભેંસની પીઠે હાથ પસવારે, બળદની ગમાણમાં વેરાયેલી ચાર સરખી કરે. આ ક્રિયાઓ મેઘાની પ્રતીક્ષાની છે. વળી ગામમાં ચોરીઓ વધી છે તેનો ભય પણ છે. મેની અવઢવમાં મેઘાને મળવાનો સંકેત આપ્યા બદલ મનોમન ઠપકોય અનુભવે છે. મેનીનો મેઘાને મળવાનો તલસાટ અને ચોરનો ભય બન્ને અહીં બળદ દ્વારા પોતાના હાથે જીભ ફેરવતાં થયેલો રોમાંચ અને શિયાળવાંના અવાજ દ્વારા સહજ સૂચિત થયો છે. કૂતરાંનું ભસવું, શિયાળવાંના અવાજ ગામડાની જામતી રાતનો પરિવેશ રચી આપે છે. તો મેનીને બાપના કપડાં ધારણ કરાવીને સર્જકે સર્જનાત્મક અવકાશ ખડો કર્યો છે. જેમકે, દાદીમા મેનીને તેના બાપાના કપડાં પહેરવાની સલાહ આપે છે. મેની તેના બાપના કપડા પહેરે છે. પરંતુ કપડા પહેર્યા પછી સ્ત્રી હૃદય અને પુરુષના કપડા વચ્ચે તૃમુલ સર્જાય છે. કપડા પહેર્યાં પછી તેની દૃષ્ટિ બદલાઈ જાય છે. તેનામાં પુરુષ જેવી હિંમત સવાર થઈ આવે છે. ‘કૂની તાકાત સે કે ડેલીમાં પગ મૂકી શકે?’ પણ મેઘાને કરેલો વાયદો યાદ આવતા અને સાંકળ જોતાં, ‘નઅ આંમ હાંકળ હાંમુ જોવું સું ન ચ્યમ ઢીલી પડતી હોઉં એમ થાય સે?’ (પૃ. ૯) અને ત્યાર પછી કમાડ ખખડવાનો અવાજ આવતા મેનીની સાંકળ ભીડવાની ઇચ્છા, શરીરમાં વ્યાપી ગયેલી આળસ... રાત્રીનો સૂનકાર, મેઘાની લાગેલી બીક... વગેરેનું ઝીણું ઝીણું સરસ નિરૂપણ કર્યું છે. મેનીનું સ્ત્રીસહજ દુર્બળ મન મેઘાને મળવાની તલબમાં તો ક્ષણિક પુરુષ જેવી હિંમતમાં ઝોલા ખાય છે. અને તેણે ક્યારે સાંકળ વાસી તેનુંય તેને ભાન રહેતું નથી. મેનીને પવન ધીમો પડ્યો હોય તેવું લાગે છે, પરંતુ ડેલીના કમાડ હાલતાં ન અનુભવાતાં તેની નજર કમાડ સામે જાય છે અને ભીડેલાં કમાડ જોતાં જ ખુદને પ્રશ્ન થઈ આવે છે : ‘મૂઈ... હાંકળ ચ્યારે વહાંણી!’ સાંકળ અહીં મનના વિચારો-આવેગોનું શમન કરવાના પ્રતીક તરીકે યોજાઈ છે. તો વાર્તાનો ચમત્કૃતિભર્યો અંત પણ વાર્તામાં રજૂ થયેલા મેનીના મનોસંઘર્ષને લીધે સહ્ય-સહજ લાગે છે. ‘વીંછુડો’ પ્રતીકની માવજતને કારણે સ્પર્શી જાય તેવી રચના છે. અહીં કામલાલસાને કારણે પ્રગટ થતાં મનઃસંચલનો કળામય રૂપે પ્રગટ્યા છે. આ રચનાનો વાર્તાનાયક રાયસંગ તેની પત્નીના નિધન પછી મંત્ર તંત્ર, પાણી મંતરવું અને વીંછી ઉતારવાનું કામ કરીને ભગત તરીકેની નામના કમાય છે. આજ સુધી રાયસંગ ભગતે ઘણી સ્ત્રીઓના ઝેર ઉતાર્યા હોવા છતાં તેણે ક્યારેય વિકાર અનુભવ્યો નહોતો, પરંતુ રેવા નામની એક સ્ત્રીનું વીંછીનું ઝેર ઉતારતા રાયસંગ ભગતને રેવાની યુવાનીએ મારેલો ડંખ વાર્તામાં જુદી જ સ્થિતિનું નિર્માણ કરે છે. રેવાનું ઝેર ઉતાર્યા પછી ઘણા દિવસ સુધી રાયસંગ અસ્વસ્થ રહે છે, તેની સ્ત્રીઝંખના ઉપડે છે. રેવાનું ઝેર ઉતાર્યું ત્યારે તેણે રેવાના પગની પાની એક હાથે પકડી હતી, વળી એ સમયે રેવા સિસકારા કરી રહી હતી – એ દૃશ્યો રાયસંગ ભૂલી શકતો નથી. એટલે જ તો તેનું મન ભગવાનની માળા, ભક્તિ કે ભજન ભૂલી ગયું છે. ઓછામાં પૂરું રાયસંગ એક હોટલમાં પહોંચે છે અને ત્યાં ટેબલ ઉપર હિન્દી ફિલ્મના અંકમાં અર્ધનગ્ન તસવીર જુએ છે ત્યારે તો તેની સ્ત્રી લાલસા ઓર વધી પડે છે. રાયસંગ ચા પીવાના બહાને વારંવાર હોટલમાં પહોંચીને ફિલ્મી અંક જોવાની લાલસા સેવે છે, અને રેવાને જોવાની એકેય તક ચૂકતા નથી. રાયસંગ બરાબર ઊંઘીય શકતો નથી. તેની કામલાલસા અને અસ્વસ્થ મનોદશા ઊંઘી ન શકતા ભગત બીડી પીધા કરે અને આકાશમાં વીંછુડો જોઈને મનોમન બબડી પડે છે તેમાં સરસ પમાય છે જેમકે, ‘એક પા વીંછુડો દેખાણો, એને થયું, આ વીંછુડો ભારે ખતરનાક! એનો સંગ કર્યો ત્યારે તો આજ ઊંઘ હરામ થઈન?’ વળી રાયસંગ ભગત દ્વારા ખાટલાના વાણમાં આંગળી ખોસી આઘીપાછી કરવી તથા આડી-ઊભી દોરીઓ તથા ચોરસ ભાતમાં વીંછી-વીંછણની સ્મૃતિ થવી – આ વર્ણનમાં પાત્રનો મનોવિકાર સર્જનાત્મક ભાષામાં મૂર્ત થયો છે. રાયસંગ ભગત તો વીંછી ઉતારવાની વિદ્યા બીજા જણને શીખવીને જંજાળમાંથી મુક્ત થવાનું ઇચ્છે છે અને ઊંઘી જાય છે, પરંતુ સર્જકે તેની ઊંઘમાં સ્વપ્ન દર્શાવીને, તેમાં ફિલ્મી અંકના ચિત્ર તથા રેવાની સંનિધિ રચીને તથા છેલ્લે ભગતને જાગી ગયેલા દર્શાવીને જાગૃત અને અજાગૃત મનની અસ્વસ્થતાને કળાક્ષમ રૂપે મૂકી આપી છે. સમગ્ર રચનામાં વીંછુડાનું પ્રતીક ઓતપ્રોત બનીને આવ્યું છે. ‘રાવણ’ ગ્રામ્ય ચેતનાની ઉત્કૃષ્ટ રચના છે. આ વાર્તામાં સ્થાનિક રાજકારણને કારણે ગામમાં પેદા થયેલો રાગદ્વેષ અને વૈમનસ્ય દશેરાની ઉજવણીને પડછે બખૂબી રૂપે અનાવૃત્ત થયું છે. સંપથી જીવતા અને તહેવારોની ઉજવણીમાં ભાગ લેતા ઠાકોરોના ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લીધે ગામના ઊંચાડાવાસ અને નીચોડાવાસ એમ બે ભાગ પડી ગયા છે. છેક દશેરાના આગમન સુધી ગામમાં ચર્ચા ચાલી રહી છે કે, ‘ઉણ સાલ ગામમાં રાવણ નઈ નીકળે!’ દશેરાની ઉજવણીમાં વર્ષોથી રામ અને રાવણનો વેશ ભજવતા મથુરજી અને કાળુજી પાક્કા ભાઈબંધ હતા, પરંતુ સરપંચની ચૂંટણીએ તેમને પણ ગામના બે ભાગમાં વહેંચી દીધા છે. મથુરજીના દીકરાએ સરપંચનું ફોર્મ ભર્યું ત્યારે તેના હરીફ તરીકે નીચોડાવાસમાંથી ભીખો ફોર્મ ભરે છે. મથુરજીએ મિત્રના નાતે કાળુજી મારફત ભીખાને સમજાવવાનું કામ સોંપેલું, પરંતુ કાળુજી ફાવી શક્યા નહીં. અને ભીખો જીતે છે ત્યારે મથુરજીને કાળુજીનો તેમાં સાથ લાગે છે. ગામનું વાતાવરણ ક્લુષિત થાય છે, મથુર પણ વૈમનસ્યમાં રાચે છે. આ વખતની દશેરાની ઉજવણીમાં વર્ષોથી ખેલદિલીથી રામનો વેશ ભજવતા મથુરજી વિવેક ચૂકી જાય છે. તેઓ રાવણ સાથેના યુદ્ધ વખતે ચાલતી બાણબાજીમાં દર વખતે વપરાતા લાકડાના સાદા બાણની જગ્યાએ અસલ ચકચકતું ભાલોડું તાકે છે ત્યારે બે-ત્રણ લોકો વેશ વખતે જ તેને પકડી લે છે, ત્યારે મથુરજીની નિયત તેમની ઉક્તિ દ્વારા સચોટ પમાય છે : ‘છોડો મનઅ્‌... આજ હાચેહાચો રાવણ મારવો સે મારે... કઉં સું સોંડો મનઅ્‌...’ (પૃ. ૭૯) ઘરમાં અને વાસમાં ફરતા મથુરજીની અતીતની સ્મૃતિઓ તથા એકોક્તિઓથી સરસ વસ્તુગ્રથન સધાયું છે. દશેરા ઉત્સવ તથા રામ-રાવણની લડાઈના તાદૃશ વર્ણનોથી સરસ પરિવેશ ખડો થયો છે. વળી સર્જકે રામનું પાત્ર ભજવતા નાયકમાં રાવણવૃત્તિ મૂકીને વિપર્યાસ દ્વારા સઘન અર્થ પરિમાણ દાખવ્યું છે. લોકશાહીપર્વના રૂપાળા નામે થતી ચૂંટણીઓ ભાઈચારાથી જીવતા ગામડાઓમાં કેવું વૈમનસ્ય ઊભું કરે છે તે દૃષ્ટિએ આ રચના સાંપ્રતમાં પણ પ્રસ્તુત છે. ‘કૂબો’ વાર્તામાં કારમી ગરીબીને લીધે દેહવિક્રય અને સરકારી અધિકારીઓ દ્વારા થતું ગરીબ પ્રજાનું યૌનશોષણ વિષયવસ્તુ બનીને આવ્યું છે. વાર્તાનાયક માવજીનું અંતરિયાળ ગામડાઓમાં જીપ રીપેરીંગના બિલનું કામ પતી ગયું હોઈ, ઑફિસના માણસો તેને નવી સાઇટ જોવાના બહાને, જીપમાં બેસાડીને અજાણ્યા ગામ તરફ લઈ જાય છે. એક તરફ ગાંડા બાવળિયાથી છવાયેલા વાંકાચૂકા રસ્તામાં જીપ પસાર થઈ રહી છે. તો બીજી તરફ જીપમાં બેસેલા સુપરવાઇઝરો, સાઇટ કારકુન, અજાણ્યો જાડો માણસ અને ડ્રાઇવરની હસાહસી અને ક્રિયા-પ્રતિક્રિયાઓ માવજીથી અજાણી છે. માવજી તો જીપ અજાણ્યા ગામ સુધી પહોંચે ત્યાં સુધી હેરત પામતો જ રહી જાય છે. જીપ કૂબાની વસ્તીવાળા ગામમાં અટકતાં, કૂબા જોતાં જ માવજીને કૂબામાં પરણાવેલી પોતાની મૃત બહેનનું સ્મરણ થઈ આવતાં તે ભૂતકાળમાં ખોવાઈ જાય છે. ક્ષણિક ભૂતકાળમાં ખોવાઈ ગયેલો વાર્તાનાયક કદાવર માણસનો આદેશ સાંભળતા પુનઃ વર્તમાનમાં આવે છે. કદાવર માણસના હુકમથી અધિકારીઓ આગળ સ્ત્રીઓની લાઇન લાગી જાય છે, એક એક સ્ત્રીનું નામ બોલાય છે ત્યારે લીલકીનું નામ સાંભળતાં જ માવજી પોતાની બહેન લીલકીની યાદમાં ખોવાઈ જાય છે. સૌ કર્મચારીઓ સ્ત્રીઓ સાથે કૂબામાં છે તેમ માવજી પણ છે, પરંતુ તે તો ધુમાડામાં ખોવાઈ ગયો તેમ, બહેન લીલકીના ઘરે ગયેલો અને બહેનને અશ્રુભીની આંખે જોયેલી તે પ્રસંગ, સાસરીમાંથી આવેલી બહેનની દુર્દશા, મા દ્વારા સમજાવીને પુનઃ સાસરે મોકલવી, બહેનનું કૂબામાં ઢબુરાઈ જવું – વગેરે પ્રસંગોની ઝાંખી થઈ આવતાં માવજીનો કૂબો પણ તડતડ બોલી રહ્યો હોય, અણુ અણુમાં કારમી ચિચિયારી સાંભળી રહ્યો હોય તેવો અનુભવ થઈ આવતાં, જાણે કશુંક બચાવી લેવા માગતો હોય તેમ પોતાના હાથ આઘાપાછા કરે છે. અને કૂબામાં સ્ત્રીનો ‘સાએબ’ શબ્દ સાંભળતાં જ સફાળો ભાનમાં આવતાં, ઝડપથી કૂબાની બહાર નીકળી જાય છે. બાવળિયો રસ્તો, દૂરથી દેખાતું ગામ, કૂબા, કૂબાનું બહારથી દેખાતું રાચરચીલું, કૂબામાંથી ઊઠતો ધુમાડો... વગેરેના વર્ણનથી સરસ પરિવેશ રચાય છે. બાવળ, કૂબામાં ઢાળેલો ખાટલો, અરીસો, ખાટલા નીચેના આડાઅવળા ગ્લાસના વર્ણનો, પુરુષ સ્વભાવ, ગરીબ સ્ત્રીઓને કરવો પડતો દેહ વ્યવસાય વગેરેના સંકેતો છે. ધુમાડાનું વ્યંજનાત્મક વર્ણન સહજમાં અતીતમાં ખોવાતા માવજીનો અતીત તાદૃશ કરવામાં કારગત બની રહે છે. કથન, વર્ણન, સંવાદ અને સર્જન ભાષાનું એકત્વ તથા કૂબો તથા લીલકીની સંનિધિ વાર્તાને લાઘવસિદ્ધ-ચોટદાર પરિમાણ બક્ષે છે. ધરમાભાઈની મોટાભાગની વાર્તાઓમાં મુખ્ય પાત્રની મનોયંત્રણા સરસ ઝિલાઈ છે. પાત્રની મનોયંત્રણા અને મનોરૂગ્ણતાના આલેખનની દૃષ્ટિએ ‘પછડાટ’ નમૂનેદાર વાર્તા છે. બાળપણની સહેલીઓ એવી સરલા અને વિલાસને એક જ ગામમાં સાસરીનું સુખ સાંપડ્યું છે. સરલા અનાથ હતી, કાકીના કામના ત્રાસને લીધે નાછૂટકે મામાના ઘેર ઉછરેલી. એ રીતે સરલા અને વિલાસ બાળપણની બહેનપણીઓ છે. સરલાને સારા ઘરનું માંગુ આવતા તે પરણીને સાસરે ગયેલી, તો વિલાસને બે બે લગ્ન નિષ્ફળ જતા નાછૂટકે સરલાની સાસરીમાં અણદેખાવડા પતિ સાથે ઘર માંડવું પડ્યું છે. વિલાસનો પતિ આધેડ અને કાળો-કદરૂપો હોઈ વિલાસ હતપ્રભ અને નારાજ છે. જ્યારે જેને વિલાસે ગરીબડી દશામાં જોયેલી તે સખી સરલાનો પતિ દેખાવડો અને નોકરિયાત છે. ઓછામાં પૂરું સરલા અને તેના પતિનું પ્રસન્ન દામ્પત્યજીવન છે. વિલાસના સંઘર્ષના મૂળ સરલાના સુખી જીવનમાં જ છે. તે મનોમન સરલાના પતિ અને પોતાના પતિ તથા પરસ્પરના સુખની સરખામણી કર્યા કરે છે. ક્રમશઃ સરલા પ્રત્યેની ઈર્ષા-દ્વેષ અને અદેખાઈ વધતી જાય છે. તે રોગી મનોદશામાં પીડાય છે. સરલાને દુઃખી જોવા અને તેની સાથે ઝઘડા ટંટાનું નિમિત્ત શોધવા વિલાસ દરરોજ તેના ઘર આગળ કચરો ઠાલવે છે. સરલાને પીડા આપવામાં તે આનંદ અનુભવે છે. વિલાસને તો સરલા પોતાના ત્રાસથી ઘર છોડીને ચાલી જાય ત્યાં સુધીની દાઝ છે. આવો વિકૃત આનંદ અનુભવતી વિલાસ એક દિવસ સરલાના ઘરે તાળું જુએ છે જ્યારે ચચરાટ થાય છે. સરલા ઘણા દિવસ પછી એકવાર ઘરે આવીને પાછી ચાલી જાય છે ત્યારે પણ વિલાસ તેના ઘર આગળ કચરો ઠાલવી આવે છે. પરંતુ સરલા કેમ બહાર ગઈ છે તેના કારણ રૂપે સરલાના પતિને કેન્સર થયું છે – એમ સાંભળે છે ત્યારે વિલાસ ભાવપલટો અનુભવતા, બાળપણમાં દુઃખમાં ઉછરેલી સરલા પર મોટું દુઃખ આવી પડ્યાના સમભાવમાં પછડાટ ખાઈને કચરાના ઢગલા પર પડે છે. સરલાના બંધ ઘરના તાળાને ટીકીટીકીને જોઈને ભૂતકાળમાં સરકી જતી વિલાસની પ્રતિક્રિયાથી વાર્તારંભ થયો છે. આ અતીત દર્શનથી સરલા-વિલાસના બાળપણ, સરલાનો આછોબોલો સ્વભાવ, સરલા પ્રત્યે વિલાસની સહાનુભૂતિ, સરલાના લગ્ન, બબ્બે લગ્નની નિષ્ફળતા પછી પોતાના પણ સરલાના ગામમાં જ લગ્ન – એમ મોટે ભાગે કથન, વિલાસની એકોક્તિ, પાત્ર-સંવાદો રૂપે વાર્તાનું પોત બંધાતું આવે છે. સરલાનું સુખ જોઈ ક્રમેક્રમે મનોવિકૃત બનવાની દિશામાં સરતી જતી વિલાસની પ્રતિક્રિયાઓમાં તેની મનોલીલા સરસ અનાવૃત્ત થઈ છે. સરલાનું દામ્પત્યજીવન જોઈ ખિન્ન થઈને પિયર ભાગી જવાનો વિચાર કરતી, ઘરમાં પગ પછાડતી... પતિ સાથેની છણક ભણક... સરલાને પતિ સાથે ગમ્મત કરતી જોઈ પોતાના ઘરના કમાડ ભીડી દેવા, ફટાક દઈને બારી ભીડી દેવી, સરસ કપડાંમાં સજ્જ સરલાને કપડા અંગે અભિપ્રાય પૂછતી જોઈ અણગમો વ્યક્ત કરવો, ફળિયાની સ્ત્રીઓને હસતી જોઈ તેઓ પોતાને હસતી હોય તેવું અનુભવવું તથા અતડાપણું અનુભવવું. સરલાને સ્ત્રીઓથી ઘેરાયેલી જોઈ પોતે સરલાથી મોટી છે તેવો ભાવ અનુભવવો, અને છેવટે સરલા સાથે ઝઘડા ટંટાનું નિમિત્ત શોધવા દરરોજ તેના ઘર આગળ કચરો ઠાલવી આવવું – આ બધી જ ક્રિયાઓમાં અસૂયાગ્રસ્ત વિલાસનું રુગ્ણ મનોજગત સચોટ પ્રગટ્યું છે. પણ સરલાના પતિની માંદગી વિશે જાણ્યા પછી વિલાસનું બદલતું ભાવજગત પણ તેની ક્રિયાઓ, હાવભાવ, વર્ણન, એકોક્તિઓ અને કથનના સંયોજન દ્વારા સહજ અને સ્વાભાવિક રૂપે પ્રગટ થયું છે. ‘વિલાસના હાથમાંથી સાવરણો સરકી ગયો. એની આગળ વર્ષો પહેલા કાકીના ત્રાસથી મોસાળમાં દોડી આવતી સરલાનો રડતો, દયામણો ચહેરો હાલકડોલક થવા માંડ્યો. હત્‌ તારીની! મેં મૂઈએ આ બચારીને... આ તો પાછી નોંધારી!’ એ આગળ કશું વિચાર કરે ત્યાં ઉડી આવતો કચરો આંખમાં ભરાયો... આંખમાં લાલ પીળા ઝાવાં ઊઠ્યાં. ગઈ કાલે જોયેલો સરલાનો ચહેરો ઝાંખો માંખો ઊઘડવા માંડ્યો.... એ લથડિયું ખાઈ ગઈ. પેલી બાજીથી પસી ડોશી અને ચંપા ‘અલી આને વળી મૂઈને શું થયું એકદમ!’ કરતાં ટેકો આપવા દોડી આવ્યાં. વિલાસ કચરાના ઢગ વચ્ચે જ પછડાટ ખાતી બેઠી હતી.’ (પૃ. ૨૯) ‘પ્રવેશદ્વાર’, ‘આડવાત’, ‘ભાત’, ‘છોડ’ અને ‘કદડો’ વગેરે દલિત જીવનના ભિન્ન ભિન્ન વિષયવસ્તુને તાગતી રચનાઓ છે. સામાજિક સમરસની વાતો કરતા આજના સભ્ય સમાજમાં પ્રચ્છન્નરૂપે રહેલી અસ્પૃશ્યતાની ભાવના સમય આવ્યે કેવી રીતે હાવી થઈ જાય છે – તેનો અંદેશો ‘પ્રવેશદ્વાર’ અને ‘આડવાત’ વાર્તાઓમાં જુદી જુદી ભાતે વણાઈને આવી છે. પ્રથમ પુરુષ એકવચન કથનરીતિમાં યોજાયેલી આ બંને રચનાઓમાં સંકેતોથી વાર્તાનાયકની ઓળખ અપાઈ છે. અને બંને વાર્તાઓના અંતમાં ભાવકને આંચકો આપી જાય તેવી રીતે અસ્પૃશ્યતાનો પ્રશ્ન અનાવૃત્ત થયો છે. ‘આડવાત’માં વાર્તાનાયક અને તેના સાથી કર્મચારીઓ ગામડાઓમાં આડબંધની જાગૃતિ માટે ફરે છે. અને ગામે ગામ સરપંચ અને ગ્રામજનોને સાથે રાખીને સમજાવે છે. ત્રણ-ચાર ઉજળિયાત ગામોમાં કામ પતાવીને જીપમાં સરપંચ અને ગામલોકોએ કરાવેલી ખાણીપીણીના વખાણ કરતા કરતા જીપ એક ગામમાં પ્રવેશદ્વાર આગળ અટકે છે. વાર્તાનાયક તે ગામનું પ્રવેશદ્વાર રસથી જુએ છે. સાથી કર્મચારીઓ કથાનાયકને સરપંચને ઘેર જવાનું કહે છે, પરંતુ કથાનાયક તેમનો લીડર હોઈ તેની આજ્ઞાવશ સૌને જવું પડે છે. સરપંચ સૌ અધિકારીઓ માટે દુકાનેથી ઠંડુ મંગાવવાનું કહે છે, ત્યારે કથાનાયક ના પાડે છે અને ઘરમાંથી પાણી મંગાવીને આખેઆખો લોટો પાણી ગટગટાવી જાય છે. જ્યારે વ્યાસજી પાણી ન પીવું પડે તે માટે મોઢામાં ગુટખો નાખીને ટાળે છે. આ ગામના સરપંચ કરસનભાઈ સમરસ ગ્રામ્ય યોજનામાં ચૂંટાયો છે એ વાતે વાર્તાનાયક રાજી થાય છે. અને ચેકડેમની વાત ભૂલી જઈને હોંશે હોંશે લોકોની સુખાકારી, ગામ, મહોલ્લો, બાળ અભ્યાસ અને ગરીબીની આડવાતે ચડી જાય છે ત્યારે વ્યાસજી તેમને આડબંધની પણ વાત કરવા સૂચન કરે છે. વાર્તાનાયકને તેના અતીત દર્શનમાં પોતાના ગામનો જીવણ નામનો એક દલિત યુવાન ગ્રામ પંચાયતનો સભ્ય બનીને લોકસેવા કર્યા પછી સ્વરાજની શોધ માટે સરપંચ બનવાના ખ્વાબોમાં કેવો રહેંસાઈ ગયેલો તેની સ્મૃતિ થઈ આવે છે. વાર્તાનાયકને આ ગામમાં સાચા સ્વરાજના દર્શન થાય છે. તે તો ગામની વિદાય વખતે પણ પ્રવેશદ્વારને અભિભૂત ભાવે જોયા કરે છે. પરંતુ અગાઉના ગામોની મુલાકાત પછી સરપંચ અને ગ્રામજનોના ભોજન તથા સેવાભાવની વાહવાહી કરતા સ્ટાફમિત્રોમાં આ ગામની મુલાકાત પછી ચૂપકીદી છે – આ સંકેત ભણેલા અને સુસભ્ય ગણાતા ઉજળિયાત કર્મચારીઓના અસ્પૃશ્ય ભાવ અંગે ઘણું ઘણું સૂચવી જાય છે. પ્રવેશદ્વારની હકીકતો જાણ્યા પછી કથાનાયકનો ઉત્સાહ, સ્ટાફનો નિરુત્સાહ, કથાનાયકનું આડવાતે ચડી જવું, લોટો પાણી ગટગટાવી જવું, પાણી ના પીવું પડે એ માટે વ્યાસજી દ્વારા ગુટકો મોંમાં નાખી દેવો અને છેલ્લે સ્ટાફની ચૂપકીદી – આ બધી સૂક્ષ્મ ક્રિયાઓ દ્વારા દલિત નાયકનો ઉત્સાહ અને ઉજળિયાત કર્મચારીઓનો અછૂતભાવ ગોપિત રૂપે અસરકારક રીતે વ્યક્ત થયો છે. ‘પ્રવેશદ્વાર’ પણ નમૂનેદાર વાર્તા છે. આ વાર્તાનો નાયક સરકારી કર્મચારી હોઈ, વર્ષોથી સરકારી વસાહતમાં રહે છે. ગામડામાં પણ તેનું ઘર છે, જેને મા સુધારવાના સમાચાર આપ્યા કરે છે. તો પોપડા ખરતા સરકારી ક્વાર્ટર્સમાં કંટાળી ગયેલી પત્ની લોન લઈને પણ સોસાયટીમાં ઘર લેવાની જીદ લઈને બેઠી છે. પત્નીની જીદ આગળ નમી પડેલો વાર્તાનાયક એક બે જગ્યાએ મકાન જોયા પછી, કોઈને કોઈ કારણે તે ટાળીને છેવટે વસુધૈવમ ટાઉનશીપમાં મકાન જોવા જાય છે. ત્યાં વાર્તાનાયકને મોભાદાર ગણીને ઉમળકાભેર આવકાર મળે છે અને ચા-પાણી કરાવાય છે. તે મકાનનો પ્લોટ જુએ છે અને તેને મકાનોનું બાંધકામ, સિચ્યુએશન, રોડ, કમ્પાઉન્ડ, ગેટ વગેરે પસંદ પડતા મકાનનું નક્કી કરી, બીજા દિવસે મળવાનો વાયદો કરીને ટાઉનશીપના પ્રવેશદ્વાર આગળ આવે છે. ત્યાં જ બાઇક લઈને પસાર થતો સ્ટાફનો માણસ વાર્તાનાયકને જોઈ જતા બાઇક રોકે છે, તે વાર્તાનાયકને કહે છે : ‘તમે બીજી કંઈ ચિંતા ન કરતા સર... આપણે અહીં બી.સી. લોકોને મકાન નથી આપતા. મુસલમાનને પણ નહીં. એટલે તમતમારે નચિંત રહેજો. અહીં બધી સારી જાતના જ લોકોનું બુકિંગ થાય છે.’ (પૃ. ૧૩) અને વાર્તાનાયકના પગ પ્રવેશદ્વારમાં જ ખોડાઈ જાય છે અને ધુમાડાના ગોટા ગૂંગળાવા આવે તે પહેલા પ્રવેશદ્વારની બહાર નીકળી જાય છે. વાર્તાને અંતે વાર્તાનાયકની જેમ જ ભાવકને પણ આઘાતનો અનુભવ થાય છે. વાર્તાનાયક દલિત છે – એવી કશી ઓળખ વાર્તાકારે પ્રસ્થાપિત નથી કરી, પરંતુ ‘એ જોરદાર લાત સાથે કિક મારી બાઇક સ્ટાર્ટ કરતો સડસડાટ નીકળી ગયો’ – આવી ભાષા દ્વારા લાત તો વાર્તાનાયકને લાગી છે. અને તે પણ જ્ઞાતિવાદી વલણની એવો અર્થ સ્ફૂટ થાય છે. વાર્તાકારના ગામડાના વાસ, ઑફિસમાં થતી બેકલોગની વાતો, ગામડાના ઘરનું વર્ણન વગેરેના સૂચક વર્ણનથી વાર્તાનાયક દલિત વર્ગનો હોવાના સંકેતો મૂક્યા છે. વર્તમાન અને અતીતની સરસ સેળભેળ આખા લાઘવસભર સૂચક વર્ણનો, એકોક્તિ અને ઘરના ઘરની સંનિધિ વગેરેની વાર્તા સુઘડ અને ચુસ્ત રૂપે તાણાવાણા પામી છે. પ્રથમ પુરુષની કથનરીતિ પણ વાર્તાના વિષયવસ્તુને તથા ભાવ ક્ષણને સચોટરૂપે મૂકી આપવામાં સફળ બની છે. ‘ભાત’ નૂતન દલિત વિષયવસ્તુને વ્યક્ત કરી વ્યંજનાસભર વાર્તા છે. આ વાર્તામાં ઉજળિયાતોના વર્ષો જૂના આભડછેટ અને માનસિક અત્યાચારના પ્રશ્નો તો છે જ, પરંતુ ઉજળિયાત સ્ત્રી દ્વારા દલિત પુરુષના જાતીય શોષણની વાત સંયત ભાષા-ક્રિયાઓમાં અસરકારક રૂપે વ્યક્ત થઈ છે. અહીં જૂની પેઢીની સાસુ જેઠીડોસી અને નવી પેઢીની વહુ ઈજુ – આ બંને સ્ત્રીઓના દલિત શોષણ અને અત્યાચારના પ્રશ્નો પૃથક્‌ પૃથક્‌ રીતિએ નિરૂપાયા છે. જેઠી ડોસીની ખેતીમાં ભાગીયા તરીકે કામ કરતા દલિત વર્ગના રત્નાની ખેતરમાં ખાડો પૂરીને ઢાળિયો બાંધવાની ક્રિયાથી વાર્તારંભ થયો છે. જેઠી ડોસી કામ બાબતે સતત રત્નાને ટોક્યા કરે છે. જેવું તેવું ભોજન આપે છે. વળી આભડછેટથી વરતે છે. રત્નાની ઢાળિયો બાંધવાની ક્રિયા દરમિયાન જેઠી ડોસીની સ્મૃતિઓ તથા સંવાદોથી આભડછેટના ખ્યાલો તથા અત્યાચારોનું વસ્તુબીજ સરસ અંકુરિત થયું છે. જેઠી ડોસીની વહુ ઈજુ રત્ના માટે ભાત લઈને આવે છે અને મીઠા ટહુકામાં ભાત આવી ગયાનો અણસાર આપે ત્યાંથી વાર્તાનું પરિમાણ બદલાય છે. સર્જકે ભાત જમવા જતા પહેલા રત્નાને વિચારોમાં તલ્લીન થતો દર્શાવ્યો છે. જેમાં રત્નાની પત્ની પિયર ગયાનું, ગરીબ હોવા છતાં તેમના પ્રસન્ન દાંપત્ય જીવનનું સરસ સૂચન કર્યું છે. અહીં સંકેતોની માવજત પણ નોંધનીય છે. વરસાદભીનું ખેતર, ઈજુના કપડા ધોવાના ધબાકા, મોરના ટહુકા, ઢેલડીઓનું આઘુંપાછું થવું પરિવેશને તાદૃશ કરે છે. સાથોસાથ ઉદ્દીપન બનીને ભાવિ ઘટનાની ભોંય પણ રચી આપે છે. રત્નો ભોજન કરતા કરતા તેની પત્ની જેઠી ડોસી અને ઈજુની મનોમન તુલના કર્યા કરે છે અને સહજ રૂપે જ વાર્તાનો પિંડ બંધાતો આવે છે. જેમાંથી રત્નાનું પ્રસન્ન દાંપત્યજીવન, જેઠી ડોસીનો સ્વભાવ તથા ઈજુનો ભાગીયા પ્રત્યેનો સમભાવ પણ સ્પષ્ટ થાય છે. બાજરીના સરસ રોટલા અને શાક જમ્યા પછી ઈજુ રત્નાને ઘેંશ અને છાસ પીવાનો આગ્રહ કરે છે તે સંવાદ, અનુભાવો અને પ્રતિક્રિયાઓ રોચક અને સૂચક છે. ઈજુ તેને આગ્રહ કરતાં કહે છે ‘ખોવનઅ! ખાશો તો કોમ કરશો. આદમની જાતનઅ ખાવ તો જોવઅ... કહીને ઈજુનું મલકાવું, રત્ના સામું એકધારું જોઈ રહેવું એના રત્ના પ્રત્યેના જાતીય આકર્ષણને વ્યક્ત કરે છે. ત્યાર પછી મોરની ફરતે ઠેકડા ભરતી ઢેલડીનો સંદર્ભ પણ સુપ્ત મનોભાવોને સુપેરે વ્યક્ત કરે છે. રત્નો ઢાળિયા તરફ આગળ વધે ત્યાં જ ઈજુ તેને રોકાઈ જવા કહે છે. અટવાઈ ગયેલો રત્નો બીજું કશું ન સૂઝતાં ઈજુને તેના પતિ ઘેમર વિશે પૃચ્છા કરે છે. ઘેમરના આળસુ સ્વભાવ અને નશાખોરીની વાત ઈજુના મુખે દ્વિઅર્થી સંવાદ મૂકીને વાર્તાકારે તેનો ઇરાદો અને લાચારી બન્ને સચોટ સ્પષ્ટ કર્યાં છે : ‘સેતરમાં બોર નાશ્યો પસઅ હવ નફકરા થૈ જ્યા સી. બધું તમારા ઉપર જ નભઅ એવું સઅ અવઅ તો...’ (પૃ. ૨૯) ઈજુ રત્નાને બોર ચાલુ કરવા કહે, રત્નો ઓરડીનો બલ્બ શરૂ કરી મોટરનું બટન શરૂ કરવા જાય, ત્યાં જ ઓરડીનો બલ્બ બંધ કરીને ઈજુ બારણા પાસે ઊભી રહે – ઝડપથી બનતી આ ક્રિયાઓ પછી ઈજુની પુરુષભૂખ તેના શરીરની કંપારી અને પરસેવો જેવા અનુભાવો તથા રત્નાને બાઝી પડવાની સૂચક ક્રિયા તથા સર્જનાત્મક ભાષા દ્વારા સંયતરૂપે સરસ સ્ફૂટ કર્યું છે. રત્નો ઈજુથી બચવા હવાતિયાં મારે છે. કોઈ જોઈ જશે-નો ડર ઈજુ તેના કથન દ્વારા દૂર કરે છે. સર્જકે ગેલમાં આવી ગયેલી અને મોરની આસપાસ ઠેકડા ભરતી ઢેલડી અને નાકના ફોયણા ચડાવીને એકબીજાની ઘુરી કરતાં ઢોરનાં સંદર્ભ દ્વારા રત્ના-ઈજુના શારીરિક સંબંધને સચોટ સ્ફૂટ કર્યો છે. પણ જેઠી ડોસીનો અવાજ સાંભળીને, ઉતાવળમાં રત્નાના પગમાં ભાત અથડાય છે ત્યારે જેઠી ડોશીનો ‘મારા પીટ્યા ભાળતો નથી... ઘેમરનું ભાત અભડાયું ન’ (પૃ. ૩૦) આ દ્વિઅર્થી કથન પણ આભડછેટ અને શારીરિક સંબંધો બંનેને સચોટ વ્યંજિત કરે છે. લોકબોલીની તાકાત પણ આ વાર્તાનું જમા પાસું છે. કથન, પાત્ર ક્રિયા, સંવાદો, પાત્ર અનુભાવો, પરિવેશ અને વ્યંજનાત્મક ભાષા – આ સૌ ઘટકોના સંયત નિરૂપણ તથા ચુસ્ત સંવિધાનને લીધે પણ ‘ભાત’ રસાકર્ષક બની રહે છે. ‘કદડો’ દલિતશોષણ તથા સફાઈના વ્યવસાય સાથે સંકળાયેલા દલિત વર્ગની આર્થિક લાચારી, વેદના-કારુણ્યના વાસ્તવદર્શી નિરૂપણની વાર્તા છે. અહીં વર્તમાન-અતીતની ગૂંથણીથી વસ્તુગ્રથન થયું છે. પત્નીની માંદગી છતાં આર્થિક લાચારીને લીધે ઉજળિયાત કર્મચારીઓની જોહુકમીને તાબે થતા વાર્તાનાયક કણદાનું વેદના-કારુણ્યસભર વ્યક્તિત્વ સ્પર્શી જાય તેવું છે. કણદો મ્યુનિસિપાલિટીમાં સફાઈ કામદાર છે. તે ગટરો સાફ કરવાનું કામ કરે છે. તે ભલો માણસ છે. તેણે મગનજી ઠાકોરની આજીજીથી પીગળીને પોતાની ભલામણથી તેને સફાઈ કામદાર તરીકે રખાવ્યો છે, પણ નોકરી મળ્યા પછી મગનજી જાણે કણદાનો સાહેબ હોય તેમ વર્તવા માંડે છે. કણદાની માનસિક ભીંસ વાર્તાના આરંભે જ પ્રગટ થાય છે. નગરપાલિકાએ ત્રણ ત્રણ મહિનાથી પગાર રોકેલો છે. કમળાથી પીડાતી તેની દીકરી શારદા હૉસ્પિટલમાં છે અને પત્નીએ નોકરીનું કામ પત્યા પછી બારોબાર હૉસ્પિટલમાં પહોંચવાની તાકીદ કરી છે. સવારથી ફરજમાં જોડાયેલો કણદો જલદી કામ પતાવીને હૉસ્પિટલ જવાની વેતરણમાં છે. પરંતુ હજી એકતાનગરની સાઇટનું કામ બાકી છે. મગન ઠાકોર સફાઈ કામદાર હોવા છતાં, કામનો બોજ કણદા પર ઢોળીને સાહેબની જેમ રોફ મારે છે. અને તેના મળતિયા કર્મચારીઓ પણ કણદાને પગાર નહીં મળે તેવી અને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકીઓ આપે છે. નાછૂટકે બીડીનો કશ લઈને ગટરમાં ઉતરવા ઇચ્છતા કણદાને અતીતમાં ખોવાતો દર્શાવીને સરસ વસ્તુવિન્યાસ દાખવ્યો છે. ‘ચારે તરફ વાહનોની અવરજવર, માણસોની ભીડ અને લારી ગલ્લા તથા પાથરણાંવાળાની પોતીકી સ્ટાઇલમાં ગ્રાહકોને આકર્ષવાની બૂમાબૂમ અને બકારી આવે એવી ઉભરાતી ગટરની દુર્ગંધ’ – લાઘવસભર આ વર્ણન સહજમાં પરિવેશ રચી આપે છે. કણદો નાછૂટકે ગટરમાં ઉતરે છે. વાર્તાકારે કણદાની ગટર સાફ કરવાની રીત-રસમનું હૂબહૂ ચિત્રણ કર્યું છે. ગટરમાં બરાબરનો કડદો જામી ગયો છે. બહારની ગરમીથી તપેલા વાર્તાનાયકને ઘડીક તો ગટરના મેલા પાણીમાંય રાહતનો અનુભવ થઈ આવે છે. પરંતુ તરત જ બફારો લાગવા માંડે છે. ગટરમાં કડદો જામ થઈ ગયો છે. શારદાની યાદ આવે છે. દવાખાને જવું છે, પણ ગટરને સાફ કર્યા સિવાય છૂટકો નથી. ‘તારી તો... આજ પેલી દવાખાને વાટ જોતી કંટાળી હશે ને ઑય દિયોર આ ગઠ્ઠોય દશ્મન બનીને પડ્યો છે કાંય’ – એમ બબડતો કણદો ઝઝૂમે છે. તેના હાથ-પગ ધ્રૂજે છે, છતાંય શ્વાસ ખેંચીને બરાબર જોરુકો ઘા કરે છે. પરસેવામાં ચટકતા ચાઠાં વચ્ચે તે ગઠ્ઠામાં ખૂંપેલો સળિયો ખેંચે છે. અને કદડા સમેત એક બાજુ બાકોરું ઉપાડતો સળિયો છૂટો થતાં જ બંધિયાર ગટરમાંથી વછૂટેલી ઝેરી વાસની અસર અનુભવતાં તે બચવા માટે જે હવાતિયાં મારે છે તેનું વાસ્તવદર્શી વર્ણન આ વાર્તાનું જમા પાસું છે. ‘મગજના બે ફાડીયા થતા હોય તેવી લમણામાંથી ઉપડેલી લબ લબ નસો વધુ ને વધુ તંગ થવા માંડી. ઉઘાડા શરીરે મોં આડું ઢાંકવા તેણે ઝડપથી હથેળી દબાવી જોઈ પણ ગંદા હાથમાં લપેટાયેલી વાસથી તો ઉલ્ટી બકારીઓ એકધારી ઉપડવા માંડી. ભૂખ્યા પેટે કશું નીકળે તોય શું નીકળે!... અંધારા વચ્ચે ઝેરી ગેસનો રાક્ષસી ભરડો હવે ગુંગળાવી રહ્યો હતો. ગભરામણનું ઘોડાપૂર છાતીની ધમણમાં ભરાતું જ ગયું. બે હાથ ગળા ફરતે રાખીને એણે બૂમો પાડવા હવાતિયા માર્યા પણ કોઈ કારી કામ લાગી નહીં. પડું પડું થતો કણદો ઊંચો થઈને બે હાથે ગટરના ઉપલા ભાગને પકડવા સહેજ કૂદ્યો ને અટકી ગયેલો. શ્વાસ ગટરમાં ગંઠાયેલા કદડાની જેમ ડોળા ફાડતાંકને રૂંધાયેલા ગળામાં જ ‘શારદીની મા...’ કરતાં બોહાકો થઈ ગયો. કરુણ અંત પણ સમગ્ર વાર્તામાંથી નીપજી આવતો હોઈ સહજ અને સ્વાભાવિક લાગે છે. રાજકારણ હંમેશાં પોતાનું ધાર્યું કરવા માટે જ્ઞાતિ-જ્ઞાતિ, અને ધર્મ-ધર્મ વચ્ચે ફાટફૂટ પડાવતું રહ્યું છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તો જ્ઞાતિવાદી વલણ પ્રબળ હોય છે. ‘છોડ’ દલિત વર્ગના નૂતન શોષણની ચોટદાર વાર્તા છે. આ વાર્તામાં સ્થાપિત હિતો ધરાવતા ઉજળિયાત વર્ગના ઇશારે દલિત વર્ગમાં ફાટફૂટ, અને દલિત વર્ગના મોભી દ્વારા પોતાના જ સમાજના સેવાપરાયણ અને ઊંચે ઊઠવા ઇચ્છતા યુવા નેતાને મૂળમાંથી ઉખાડી દેવાની વૃત્તિ પાત્રની મનોયંત્રણા તથા સંકેતોની માવજતથી સચોટ રૂપે વ્યક્ત થઈ છે. ‘કાળુભાઈ આખી રાત ઊંઘી શક્યા નહીં’ – આ વિધાનથી આરંભાતી આ વાર્તામાં માર્મિક અને સચોટ, ટૂંકા ટૂંકા કથનની મુખ્ય પાત્ર કાળુભાઈનું ચરિત્ર વિકસતું જાય છે. અને ભાવકને તેના મનોગતમાં પ્રવેશ કરાવે છે. વર્તમાન અને અતીતના તાણાવાણાથી કથન પ્રવાહ સરસ સ્ફૂટ થાય છે. કાળુભાઈ આખી રાત પડખા ઘસતો રહે છે. સવારે પોતાની જ જ્ઞાતિના યુવાન રમેશ સામે સરપંચનું ફોર્મ ભરવા જવાનું છે. આખી રાતની મનોયંત્રણા પછી સવારે ફોર્મ ભરવા જવું – આટલા જ કાળખંડની આ વાર્તા દલિતોની ફાટફૂટ અને જૂની-નવી પેઢીના ટકરાવ વિશે ઘણું ઘણું સૂચવી જાય છે. કાળુભાઈ ગામના જ્ઞાતિ વાસમાં ‘મોટાભા’નો મોભો ધરાવતા વડીલ છે. વાસના નાના-મોટા, સારા-માઠા પ્રસંગે નાતમાં કાળુભાઈનો અડિંગો રહે છે. જ્ઞાતિજનોના પંચાયતના કામો પણ કાળુભાઈ જ ઉકેલી આપતા હતા. પરંતુ શહેરમાંથી ગામમાં આવીને વસેલો નવયુવાન રમેશ આંબેડકર જયંતિ અને ગામ જાગૃતિના કામો કરીને લોકોના દિલ જીતી લે છે. વળી કાળુભાઈ જેવા પીઢ આગેવાનને હરાવીને પંચાયતનો સદસ્ય તથા સામાજિક ન્યાય સમિતિનો ચેરમેન બને છે. રમેશ ગરીબોના અધિકાર અને ન્યાયના કામો માટે ઝઝૂમે છે તેથી સવર્ણ સરપંચ આગામી ચૂંટણીમાં સરપંચ બનવા માગતા રમેશની સામે કાળુભાઈ ઉમેદવારી કરે તેવો કારસો ગોઠવે છે. આખી રાત ઊંઘી ન શકેલા કાળુભાઈના અતીત દર્શન દ્વારા કાળુભાઈનો જ્ઞાતિમાં ઠાઠમાઠ અને યુવાન રમેશનું ઉભરતું વ્યક્તિત્વ કાળુભાઈની એકોક્તિમાં સરસ પ્રગટ્યું છે : ‘આપડે ગોઠવ્યુંજ’તું એવું કઅ ગધ્ધી તાકાત સે પંચાયત ઑફિસની કઅ આપણન પૂસ્યા વના કોઈનું કામ કરી આલે! આ નેંનડ, દિયોર પંસાયતના પગથ્યે ચડ્યા તાણનું મારું હાળું વાહમાં હઉંનું ભવાંન ફરી જ્યું સે... રમેશ્યા વના કાંય ભળાતું જ નહીં મારાં હાળો નઅ! પણ એકવારકો મનઅ સરપંચ થઈનઅ આબ્બા દ્યો....’ (પૃ. ૬૪) જીવંત બોલી પણ ચરિત્રનું સ્થાન ભોગવે છે. કાળુભાઈને સરપંચ બનવાના અભરખા જાગ્યા છે. આખી રાત પડખા ઘસતા રહેલા તેઓ સવારે ઊઠે છે. સરપંચનો ફોન આવતા તૈયાર થવા માંડે છે. હોંશે હોંશે દર્પણમાં નિહાળતા કાળુભાઈને પોતાના વૃદ્ધ ચહેરાની સમાંતરે રમેશનો ગોરટિયો ચહેરો દેખાય છે, ને અણગમો થઈ આવે છે : ‘રમેશ્યું... રમેશ્યું.... મારુ હાળું ચ્યાંથી ઉજી નેહર્યું દિયોર.’ (પૃ. ૬૮) વળી પાણીની નળીથી કપડાં બગાડનારા ઘરના છોકરાને ભગાડતાં તેમની નજર બહાર ફૂલછોડના ક્યારા ઉપર જાય છે. પણ જાતજાતના રંગબેરંગી ફૂલછોડમાં પણ રમેશનો ગુલાબના ગોટા જેવો ચહેરો ખીલેલો જોઈ, ગુસ્સામાં ઊંચે વધી રહેલા છોડને ‘લે... તાણઅ લેતો જા તું ય...’ એમ કહીને છોડને મૂળસોતો ઉખેડીને વાડ બહાર ફેંકી દે છે. દર્પણ અને ફૂલછોડમાં રમેશની સંનિધિ અર્થસભર અને ભાવકને મજા કરાવે તેવી છે. આમ, છોડ સાંપ્રત સમયની બે પેઢીઓ વચ્ચેના સંઘર્ષને તથા ઉજળિયાતોની ‘ભાગલા પડાવો, ને રાજ કરો’ નીતિની કલા સંતર્પક રચના છે. વર્તમાન-અતીતના તાણાવાણા, એકોક્તિઓ, સંવાદો, સંકેતો તથા બળકટ બોલીના સાયુજ્યથી ચુસ્ત વાર્તાબંધ નિર્માયો છે.