ધીરેન્દ્ર મહેતાની કવિતા/ચાલો, તમે પણ

૪૯.
ચાલો, તમે પણ

લાખો-કરોડો શબ્દમાં
ને કેટલાયે ગ્રંથના પૃષ્ઠો મહીં,
ફોટા અને ચિત્રો તણા આ કાચ વચ્ચે,
ફૂલના ઢગલા તળે
- આ આટલામાં બસ કહીં,
બીજે નહીં,
વસવા કહ્યું’તુંને અમે ગાંધી, તમોને!

કોણ ક્યારે શાંતિમાં વિક્ષેપ કૈં કરતું તમારી,
એટલી ક્યાં કોઈને ફુરસદ અહીં?
જે સત્ય, શાંતિ, બંધુતા ને પ્રેમના
મંત્રો અહીં આપ્યા તમે -
ને હોંશથી જાપ્યા અમે -
તે આવનારી પેઢીને ગોખાવવામાં વ્યસ્ત સૌ,
ક્યાંથી બચે બોલો, સમય?
ને વીસરી તમને ગયાં છીં એમ શું માન્યું તમે?
... ... ...
લો, એટલામાં તો તમે ચાલ્યા ગયા?
શોધું,
હવે શોધું કહો, ક્યાં આટલાં પગલાં મહીં
પગલું તમારું?
કાં તમે આ ભીડમાં જાઓ ભળી ના?
ક્યાં સુધી
આ આમ છેક જ એકલા
ને એકલા ઘૂમ્યા જ કરશો?
આ પહેલાનું નથી જૂનું નગર,
એમાં ઘણું બદલાયલું છે,
તમને હશે ક્યાંથી ખબર?
હં હં, જશો ભૂલા પડી.

પોકારશો?
કોઈ શકે શું સાંભળી
આ ગાજતા કોલાહલે તમ વૃદ્ધ સ્વર?
ભૂલી ગયા?
-માટે જ તો
તમને કહું છું કે હવે
ચાલો, તમે પણ બસ હવે આ ભીડમાં
જાઓ ભળી....
* ગાંધીસવાસોના ઉપલક્ષ્યમાં