ધ્વનિ/હૃદય હે!


હૃદય હે!

હૃદય હે!—
તવ હર્મ્ય કેરાં
તું બંધ ના અવર કાજ કરીશ દ્વાર.
તું આગળો દઈશ ત્યાં, પ્રિય એહિ વાર
એ બંધને
તું જ થશે નિજમાં નિબદ્ધ.

સમય સંચિત સર્વ રિદ્ધિ
એ તો શિરે બની રહી બહુ ભાર રૂપ.
ઊંચે લહાય નહિ
વા નહિ દૂર
કિંતુ
સંગોપને પવનની લહરી થકી કો
જાગી ઉઠે દ્રુમથી મર્મર, ત્યાં
અરે તું
આનંદને સ્થલ બને ભયગ્રસ્ત મૂક!

ઘણું ય તારી કને હશે તે
પ્રાપ્તવ્યની નવ ઇતિ
રહી જાય શેષ
એ તો વિશેષ
(તવ પ્રાપ્તિ થકી) અનંત.
ને આ લઘુક સદને નહિ સ્થાન
એને કાજે ક્યહીં
તદપિ ગૌરવ ને ગુમાન!

સકલ બોજ ફગાવી દૈને
જ્યાં ઊર્ધ્વ શીર્ષ નયને નભનાં નિગૂઢ
ઊંડાણમાં વિહરશે અતિ દૂર
ત્યારે પોતાની વિસ્મૃતિમહીં
અવકાશ તારું ખુલ્લું થશે...
જેને ભરી નિવસશે વ્રહમાંડ નિત્ય.

તું રિક્ત થૈ સભર થા.
ત્યજીને તું પામ.
ને શૂન્ય થૈ
હૃદય હે!...
તું પૂર્ણમાંહિ રમ પૂર્ણથી હે પ્રપૂર્ણ!

૧૯-૧૧-૪૯