ધ્વનિ/હે દીપજ્યોતિ
Jump to navigation
Jump to search
હે દીપજ્યોતિ
અંધારું જ્યાં ખડક સમ દુર્ભેદ્ય, ઉષ્મા નહીં જ્યાં
ત્યાં દીધો તેં ડગલું ભરવા તેજનો શો ઉઘાડ!
ને કોને યે ગણતું નવ તે ચિત્તને જોતજોતાં
તેં વાત્સલ્યે વશ કરી દીધું, દૃષ્ટિમાં કેવું લાડ!
આનંદે મેં નયન કીધ જ્યાં બંધ ત્યાં રૂપહીન
રે ન્યાળ્યો કો અપરિમિત અંભોધિને તેજ-પુંજે!
ના ત્યાં કોઈ હલચલ, નહીં ઘોષણા, શાન્તિ-લીન
હૈયા કેરી ધડક સહ સોહં તણો મંત્ર ગુંજે.
ઊંડાણોમાં ડૂબકી દઈને જીવ મારો ધીરેથી
આ વાયુનું શ્વસન કરવા કૈંક ડોકાય બ્હાર,
ત્યારે આછી દૃગ ઉઘડતાં, સૌમ્ય હે! તું ફરીથી
પ્રેરી રે’તી અરવ અણસારે દ્યુલોકે વિહાર.
તું ગાયત્રી, અરુણ ધવલા ભાસ્વતી દીપ્તિમંત,
તારાં તેજે શિશુ ઉર તણાં ઊઘડે શાં અનંત!
૪-૨-૫૦