નવલકથાપરિચયકોશ/કમળકુમાર

૧૬

‘કમળકુમાર’ : સુમતિ મહેતા

– દર્શના ધોળકિયા

પ્રસ્તુત લઘુનવલ આમસમાજના કુટુંબજીવનના પરિવેશને ગૂંથતી કૃતિ છે. કૃતિના કેન્દ્રમાં ભાનુ ને પ્રભાનો ભાઈ-બહેનનો પ્રેમ અભિવ્યક્તિ પામ્યો છે. ભાનુની પત્ની સરિતા ઈર્ષાળુ સ્ત્રી છે. પોતાના દામ્પત્યજીવનમાં એ કોઈને – પુત્ર કમળ સુધ્ધાને આવવા દેવા ઇચ્છતી નથી.’ કૃતિના આરંભે જ પતિ-પત્ની વચ્ચે ચાલતા પ્રેમાલાપ, દરમ્યાન કોચ ઉપર સૂતેલો પુત્ર કમળ પડી જાય છે જેની બંનેને શરત જ રહેતી નથી. આ ઘટનાને કારણે કમળ અપંગ બને છે. એક વાર ભાઈ મહાબળેશ્વર ગયા છે એવું જાણીને એકલી પડેલી ભાભી સરિતા ને ભત્રીજા કમળને મળવા પ્રભા આવી ચડે છે ને સરિતાના ચિત્તમાં તેના પ્રત્યે અણગમા પેદા થાય છે. કૃતિનાં અન્ય પાત્રોમાં ભાનુકુમારનો મિત્ર રજનીકાન્ત ને સાપ પકડનાર લાલાજી પણ કૃતિને વળાંક આપવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સાપ પકડનાર લાલાજીનું પાત્ર કૃતિમાં અચાનક આવી ચડીને સૌને વિસ્મયમાં મૂકી દે છે ને કૃતિમાં રહસ્યનો અંશ દાખલ થાય છે. વીસ પ્રકરણમાં વહેંચાયેલી આ કૃતિ ધીમે-ધીમે રહસ્યાત્મક બનતી જાય છે. આમ તો પ્રભા ભાનુની ઓરમાન બહેન તરીકે ઓળખાવાઈ છે. ભાનુની માતાનું મૃત્યુ થયા પછી તેના પિતાએ બીજું લગ્ન કર્યું છે, જે પત્નીથી તેને વર્ષો સુધી સંતાન થતું નથી, વર્ષો પછી. ભાનુની ઓરમાન માતા સગર્ભા બને છે ને તરત પિયર ચાલી જાય છે. લાંબા સમય બાદ એ પોતાની પુત્રીને લઈને ઘેર પાછી ફરે છે ને ભાનુ ને ભાનુના પિતા ખુશખુશાલ બને છે. ભાનુ પોતાની નાની બહેનને ખૂબ ચાહે છે ને માતા-પિતાનાં મૃત્યુ પછી તેને પિતાની જેમ ઉછેરીને મોટી કરે છે. પ્રભા પણ સરિતાની ઈર્ષાની પરવાહ કર્યા વિના મોટાભાઈને ખૂબ ચાહે છે. ભત્રીજા કમળ પ્રત્યે પણ તેને અપાર વાત્સલ્ય છે. પણ અચાનક જ માતાના સામાનને ફંફોસતાં પ્રભાના હાથમાં માતાએ તેની બહેનપણીને લખેલા પત્રો આવી ચઢે છે, જેમાં લખ્યા મુજબ પ્રભા એની માતાની નહીં પણ માતાની બહેનપણીની પુત્રી છે, જેને એની માતાએ સંયોગવશાત્ પ્રભાની થનાર માતાને વેચી દીધી છે. આ ઘટનાથી આઘાત પામેલી પ્રભા, ભાનુના જીવનમાંથી ખસી જવા માગે છે ને ભાનુને આ પત્રો વંચાવે છે. અલબત્ત, આવી બીના જાણ્યા છતાંય ભાનુનો પ્રભા પ્રત્યેનો પ્રેમ તો અકબંધ જ રહે છે; પણ પ્રભા માને છે તેમ, હવે કદાચ ભાનુ એને બહેન માનીને ચાહી ન જ શકે. ને તેથી આ સંબંધ પર એ પૂર્ણવિરામ મૂકવા માગે છે. પ્રભા ને ભાનુના જીવનમાં આવેલા આ વંટોળની વચ્ચે બીજી એક હિચકારી ઘટના બને છે કમળના દરિયામાં ડૂબવાથી થતા મૃત્યુની. એક બાજુથી કમળ ચાલ્યો ગયો ને બીજી બાજુ પ્રભાએ મુંબઈની વાટ પકડી. પોતાને ચાહતા રજનીકાન્ત સાથે ચાલી ગયેલી પ્રભા પણ દરિયામાં જ મૃત્યુ પામી. આ ઘટનાઓથી આઘાત પામીને બીમાર પડેલા ભાનુકુમારનું દ્વાર એક મધરાતે ઠોકાયું ને એક અજાણ્યા જણના કહેવાથી ભાનુકુમાર તેના સાથે ગાડામાં બેસીને એક ઝૂંપડામાં પહોંચ્યા, જ્યાં તેને અચાનક સાપ પકડનાર લાલાજી પ્રત્યક્ષ થયો પથારીમાં કણસતો, મૃત્યુ ભણી ધસતો. કૃતિને અંતે પ્રભાના જન્મ ને તેનાં માતા પિતા અંગેનો રહસ્યસ્ફોટ કરતાં લાલાજીએ જણાવ્યું તેમ, એ જ હતો પ્રભાનો પિતા. પોતાની પત્નીએ પુત્રીને જે ઘરમાં વેચી દીધેલી તેનું વેર વાળવા તેણે જ કમળને ડુબાડવાનું અધમ કૃત્ય કર્યાનો એકરાર ભાનુ પાસે કરતાં તેણે પ્રાણ છોડ્યા. પ્રભાના મૃત્યુના સમાચાર મળતાં ઘેર આવેલા ભાનુકુમારનું મન કડવાશથી ભરાઈ જવાથી તેણે પત્નીની ઉપેક્ષા કરતાં વેણ ઉચ્ચારીને પોતાનાં જીવતરને તેમ જ પોતાના સરિતા પ્રત્યેના મોહને ફિટકાર આપતાં વલોપાત કર્યે રાખ્યો. કૃતિને અંતે ભાનુનો મંદવાડ; કમળ, પ્રભા ને રજનીકુમારનું દુઃખદ મૃત્યુ જેવી ઘટનાઓએ કરેલું સરિતાનું હૃદય પરિવર્તન તેને જીવનની નવી દિશા પ્રત્યે દોરવામાં સહાયભૂત થાય છે, આથી પતિ-પત્ની બંને લેખન અને સમાજ સેવા કરવાનું વ્રત લઈને નવી શ્રદ્ધા સાથે જીવન જીવવા કમર કસે છે. જીવનમાં શ્રદ્ધા ન ધરાવતો ભાનુકુમાર પહેલી વાર સમજે છે તેમ પ્રભુ જે કરે તે સારા માટે. તેની આવી શ્રદ્ધા જોઈને સરિતા આ ઘટનાને વાદળીમાં ફૂટેલા દોરા તરીકે તેને વધાવે છે. સમગ્ર કથામાં જીવનની મૂંઝવણો, દામ્પત્યના પ્રશ્નો, અવનવી ઘટનાઓના ગૂંથણમાં ક્યાંક એકસૂત્રતા ગૂંચવાઈ પણ છે ને ક્યાંક પ્રતીતિનો અભાવ પણ વરતાય છે; પણ કૃતિનાં વર્ણનો, પાત્રાલેખન ને કૃતિમાં રહસ્યને જાળવવાનો થયેલો યત્ન કૃતિને વાચનક્ષમ જરૂર બનાવે છે.

ડૉ. દર્શના ધોળકિયા
પ્રોફેસર અને અધ્યક્ષ,
ગુજરાતી વિભાગ,
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ
વિવેચક, સંશોધક, સંપાદક, ચરિત્રકાર, અનુવાદક
મો. ૯૦૯૯૦૧૭૫૫૯
Email: dr_dholakia@rediffmail.com