નવલકથાપરિચયકોશ/ચહેરા

૫૭

‘ચહેરા’ : મધુ રાય (મધુસૂદન વલ્લભદાસ ઠાકર)

– અશ્વિન ચંદારાણા

નવલકથાનું નામ : ચહેરા નવલકથાકારનું નામ : મધુ રાય (મધુસૂદન વલ્લભદાસ ઠાકર) નવલકથાકારનો ટૂંકો પરિચય જન્મતારીખ : ૧૯.૦૭.૧૯૪૨ વતન : જામખંભાળિયા, ગુજરાત. અમેરિકાના નાગરિક અભ્યાસ : BA, સ્કોટિશ ચર્ચ કૉલેજ, કલકત્તા; MA (USA), કોવિદ (રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, અર્ધા), હોનોલૂલૂમાં નાટ્યમંચ અને નાટ્ય દિગ્દર્શનની તાલીમ (૧૯૬૯-૭૦) વ્યવસાય : અમદાવાદ અને શિકાગોમાં કોપીરાઇટર/જાહેરખબર, લંડનમાં સરકારી દસ્તાવેજોના અનુવાદ, ફિલાડેલ્ફિયામાં ડ્રગ ક્લિનિકમાં સાયકો થેરાપિસ્ટ, ન્યૂયોર્કમાં ‘ગુજરાત ટાઇમ્સ’ના સ્થાપક તંત્રી, સાહિત્યસર્જન, ‘દર્પણ’ અને આઇએનટીના વાર્તા લેખક, નાટકોમાં અભિનય, ગદ્યલયના વિલક્ષણ ઉન્મેષો દાખવતો ‘હાર્મોનિકા’ નામનો નવો કાવ્યપ્રકાર વિકસાવ્યો, ‘કુમારની અગાસી’, ‘સંતુ રંગીલી, ખેલંદો, અને શરત તેમનાં ઘણાં વખણાયેલાં નાટકો, કેતન મહેતાની ‘મિ. યોગી’ નામની દૂરદર્શન શ્રેણી. સાહિત્યિક પ્રદાન : ૪ નવલિકાસંગ્રહો, ૮ નવલકથાઓ, ૭ દીર્ઘ નાટકો, ૪ એકાંકીસંગ્રહો, પાંચ નિબંધસંગ્રહો, ૩ અનુવાદો. ઇનામો : નર્મદ સુવર્ણચંદ્રક (૧૯૭૨), રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૯૯) ભૂપેન ખખ્ખર એવૉર્ડ (૨૦૦૪) સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૨૦૨૦), ભારતીય ભાષા પરિષદ પારિતોષિક. નવલકથાનું પ્રથમ પ્રકાશનવર્ષ/મહિનો : ૧૯૬૮ કુલ આવૃત્તિ ૧ (૧૯૬૬, પુનઃમુદ્રણ ૨૦૦૧), પૃષ્ઠ : ૧૧૮ પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન, અમદાવાદ, મુંબઈ પ્રસ્તાવના : સિતાંશુ યશશ્ચંદ્ર અર્પણ : બકુલાબહેન અને ચંદ્રકાંત બક્ષીને નવલકથાનો પ્રકાર : પ્રયોગશીલ કથાનક : દ્વારકાની નજીક એક ગામડામાં રહેતો એક યુવક વ્યવસાય અર્થે કલકત્તા જઈને વસે છે. ગામડાના વાતાવરણના તેના ઉછેર અને સંસ્કારની, અને કલકત્તા શહેરની ગૂંગળામણમાં સ્થાયી થવાના તેના પ્રયાસોની સફળતા અને નિષ્ફળતાની, સારીમાઠી નાનીથી માંડીને મોટી વાતો આ નવલકથામાં નિરૂપાઈ છે. શહેરી વસવાટ દરમ્યાન શહેરના અનુભવોનું નાયકનું આગવું અવલોકન અને આકલન, તેને ગામડાના પોતાના પરિવેશની સામે સતત સંઘર્ષનો અને વિષાદનો અનુભવ કરાવતી, નાયકની તૂટક સ્મૃતિઓને સાંકળતી રહે છે. તે છતાં, પોતાના અંગત અનુભવોની સાથે સાથે, નાયક અહીં પોતાનાં વર્ણનોમાં આજુબાજુનાં સ્થળોનું અને રોજબરોજ મળતી વ્યક્તિઓનું ચરિત્રચિત્રણ પણ કરતો રહે છે. એકબીજાં સાથે સીધી રીતે જોડાયા વગર જ, ઘટનાઓની એક વિશિષ્ટ સૃષ્ટિ અહીં બાળપણથી છેક શહેરમાં વસવા સુધીની સુરેખ કથા કહી જાય છે, અને છતાં ઉપરી ઘટકોની નીચે, હળવા અંશોની નીચે દબાયેલી એક વિષાદમય જીવનકથા, સમાંતરે જિવાતી અનુભવાય છે. પરંપરાગત નવલકથાના બધા જ અંશો ધરાવતી કથાવસ્તુ વાપરીને, નવલકથાના પરંપરાગત ચોકઠામાં કોઈ રીતે બેસી ન શકે તેવી કથનકળા ધરાવતી, તદ્દન નવી જ તરાહે લખાયેલી આ નવલકથાએ પ્રયોગશીલ નવલકથાકાર તરીકે ‘ચહેરા’ને ગુજરાતી સાહિત્યમાં એક આગવું અને ઊંચું સ્થાન અપાવ્યું છે. લેખનપદ્ધતિ : – આત્મકથાનક શૈલીએ અહીં લેખકે જાણે પોતાના વતન અને કલકત્તાના પોતાના વસવાટ દરમ્યાન પોતાના જ સહજ અનુભવોને પોતાની આગવી હળવી છતાં વ્યથાભરી શૈલીમાં વર્ણવ્યા છે. નાયક પણ લેખકની માફક દ્વારકા પાસેના ગામડામાંથી કલકત્તા જઈને બી.એ.ની ડિગ્રી મેળવે છે, અને લેખક તરીકેનો વ્યવસાય અપનાવે છે. – કલકત્તાની ગણિકાઓ સાથેનાં પાત્રોના અનુભવો ઇરોટિક ઓછાં, જુગુપ્સાપ્રેરક વધારે – પૂર્વાપર સંબંધ ન ધરાવતી ઘટનાઓને અનેક વખત એકબીજાની સામે મૂકેલી જોવા મળે છે. – દલિતો માટે પ્રતિબંધિત એવા શબ્દોનો એકાધિક વખત ઉપયોગ. – આખી નવલકથામાં પૂર્ણવિરામ સિવાયનાં અલ્પવિરામ કે આશ્ચર્યચિહ્ન જેવાં વિરામચિહ્નોનો ભાગ્યે જ ઉપયોગ થયો છે. – જોડણીના આગ્રહી મધુ રાયના લખાણમાં અહીં જોડણી અને અવતરણ ચિહ્નનાં સ્થાનો વિષયક અસંતુલન જોવા મળે છે. સર્જકતા સિદ્ધ કરતાં ઘટકતત્ત્વોની કાર્યસાધકતા – દ્વારકાથી શરૂ થઈને કલકત્તા સુધીના સ્થળવિશેષ અને વ્યક્તિવિશેષોનાં વિશેષણયુક્ત ઉત્કૃષ્ટ વર્ણનો આ નવલકથાનું આગવું પાસું છે. ખાસ કરીને દ્વારકાની બાજુમાં નાયકનું ગામડું, દ્વારકાનો દરિયા કિનારો, ગોમતી નદી, મારવાડીની ધર્મશાળા, દ્વારકાના બ્રાહ્મણોની બ્રહ્મપુરી, તેમનાં લગ્નો અને ભોજનસમારંભો, દ્વારકાધીશનું મંદિર, દર્શનાર્થે મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓના ચરણસ્પર્શ થાય એ રીતે મંદિરના ચોકમાં જડેલી આસ્થાવાનોનાં નામવાળી તક્તિઓ, ખારાતળાવ નામે જાણીતા મીઠા પાણીના કૂવા, વગેરેનાં રસપ્રદ વર્ણનો વાચકોને જકડી રાખે તેવાં છે. – પાત્રવિશેષ તરીકે દ્વારકામાં મોટાભાઈ પદુભાઈ પોસ્ટમેન, માસાનો પિનુ, અંધારામાં સંડાસ જવા બેઠેલી, અને કોઈનો અણસાર મળતાં આડું જોઈને હસતાં હસતાં ‘પિટિયો સરમાણો’ કહીને હસતી ડોશીઓ; કલકત્તામાં હાથ ઊંચો કરીને બસ રોકવા મથતી બંગાળી યુવતીઓ, પુલુ અને રંજના, વગેરે પાત્રો નાયકના જીવનની આસપાસની સૃષ્ટિને જીવંત કરી આપે છે. – દ્વારકા મંદિરની મૂર્તિને સોનાના લોભે વેચવા તૈયાર થતા દ્વારકાના બ્રાહ્મણોના લોભની અને તોલ કરવાના સમયે ભક્તના ફાયદા માટે ઠાકરનું વાળીના વજન જેટલા હળવા થઈ જવાની, કલકત્તામાં બહેનના લગ્નમાં આવેલા મહેમાનો અને બહેનબનેવી સાથેની ઘટનાઓ, કલકત્તામાં ગણિકાઓની મુલાકાત લેતો દૌલત નાનકડી છોડી જેવી બંગાળી ગણિકા પર રેપની ઘટનાનું વર્ણન જુગુપ્સાપ્રેરક વર્ણન નાયકના પરિવેશને આબેહૂબ ઊભો કરી આપે છે. – સ્વરાજ્ય પછી દ્વારકાધીશના મંદિરમાં દલિતોના પ્રવેશ બાબતે દ્વારકામાં અધિકારીની મૉત સામે સૂઈ જઈને ઊભો થયેલો વિખવાદ, અનેક ધમપછાડા પછી ‘ઠાકરને તો અમે નહીં જ અડવા દઈએ’ કહીને, ઉકેલ રૂપે કાયમી વાંસડા બાંધીને સવર્ણો દ્વારા સવર્ણો કે દલિતો કોઈને પણ માટે મૂર્તિના ચરણસ્પર્શની મનાઈ, અને તે છતાં પૈસા દઈને ચરણસ્પર્શની પ્રથાની જોગવાઈ, પટ્ટા જેવી ચામડાની વસ્તુ સાથે મંદિરમાં પ્રવેશનાર સામે ઉત્સાહી ભક્તોનું વર્તન, દ્વારકા જઈ આવ્યાની સાબિતીરૂપ ચીજવસ્તુઓનું વેચાણ, વગેરે પ્રસંગોનું બિન્ધાસ્ત આલેખન નાયકના પાત્રીકરણને બળૂકું બનાવવામાં પાયારૂપ બની રહે છે. – નાયકના ગામમાં એક ‘પર્દુમન’ નામનો અમદાવાદથી આવેલો મેટ્રિક ભણેલો છોકરો ભારે તોફાન મચાવતો, દલિતોને અડીને પછી નહાતો નહીં અને ભાષણો ઠોકતો. રોજ પાંચ માળાઓ કરતો, ખાદી પહેરતો, ‘બાપુ, બાપુ’ કરતો, જેવાં ઘણાં વર્ણનો વાર્તારસને ઘૂંટે છે. – આદિ, મધ્ય અને અંત – એમ ત્રણ હિસ્સામાં વહેંચાયેલી કથા પાત્રો અને સ્થળોની સ્મૃતિઓના હળવાશભર્યાં વર્ણનોથી શરૂ થાય છે; બીજા હિસ્સામાં હળવાશ હળવી પડીને ધીમે ધીમે વ્યથાનો રંગ ધારણ કરતી જાય છે; અને ત્રીજા હિસ્સામાં હળવાશ હળવેથી ખરી જઈને વ્યથાને ઘૂંટાવા માટે માર્ગ મોકળો કરી આપે છે. છેલ્લું પ્રકરણ એ ઘૂંટાયેલી વ્યથાને જીરવી શકતું નથી, ત્યારે ગુજરાતી નાયક નિષાદ, તેની બંગાળી બહેન રંજન ચેટરજી, અને વાચક પણ ક્ષુબ્ધ બની જાય છે. રંજનાના ઘરમાં બેઠેલા ડ્રેમેટિક ક્લબના મૅમ્બરોની માફક કોઈ હસી શકતું નથી. નાયક નિષાદ, રંજનાના ‘કૉફી પીશેને?’ પ્રશ્નના અને રંજનાની દૃષ્ટિમાંના સવાલના સામટા ઉત્તર આપે છે, ‘હા.’ માપવાનો તેનો ગજ એટલો એકાક્ષરી ટૂંકો નથી. વિવેચનલેખોમાંથી એક લેખમાંથી અવતરણ : “‘ચહેરા’ મધુ રાયની પ્રયોગશીલ નવલકથા છે. કથાનાયકના વિષાદની ત્રૂટક સ્મૃતિરૂપે કથા કહેવાયેલી છે. સમયમાં ખૂલતી નવલથાને સ્થાને અહીં તેને લગભગ સ્થળમાં ખૂલતી કરવાનો નવલકથાકારનો પુરુષાર્થ કથાનકની જગ્યાએ અહીં ઘટનાના છૂટાછવાયા તંતુઓની સંકુલ સૂત્રતાનો આશ્રય લે છે. ચહેરાઓ પાછળનો ચહેરો અને વિવિધ હાસ્ય પાછળની કરુણતા આ નવલકથાની આગવી મુદ્રા છે. ભાષા નવલકથાના વાતાવરણને અનુરૂપ ભભક વગરની છતાં અત્યંત પ્રાણવાન છે.” (ચંદ્રકાન્ત ટોપીવાળા)

અશ્વિન ચંદારાણા
નિવૃત્ત ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, રિલાયન્સ
કવિ, અનુવાદક, વાર્તાકાર, સંપાદક, પ્રકાશક
(સાયુજ્ય પ્રકાશન), વડોદરા
મો. ૯૬૦૧૨૫૭૫૪૩, Email: chandaranas@gmail.com