નવલકથાપરિચયકોશ/જાવડ શેઠ

૫૩

‘જાવડ શેઠ’ : વૈદ્ય મોહનલાલ ચુનીલાલ

– મીનાક્ષી ચંદારાણા
Javad Sheth.jpg

નવલકથાનું નામ : જાવડ શેઠ નવલકથાકારનું નામ : વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી, ‘મૃદુલ’ અને ‘બાઝીગર’ છદ્મનામ નવલકથાકારનો ટૂંકો પરિચય જન્મતારીખ : ૧૩.૬.૧૯૦૫ મૃત્યુતારીખ : ૨.૪.૧૯૮૧ વતન : પાટણ અભ્યાસ : ધોરણ ૬, ઉજમશી પિતાંબરદાસ આયુર્વેદ કૉલેજ, પાટણ દ્વારા આયુર્વેદ ભૂષણની ઉપાધિ, આયુર્વેદ શાસ્ત્રી. વ્યવસાય : વૈદક અને સાહિત્યસર્જન સાહિત્યિક પ્રદાન : ૧૭૦થી વધારે કુલ પુસ્તકો, ધાર્મિક, સામાજિક, ઐતિહાસિક, ડિટેક્ટિવ, જેવી ૧૫૦થી વધારે નવલકથાઓ, લોકસાહિત્ય પરનું એક પુસ્તક; તેમની નવલકથાઓ પરથી ‘વરઘેલી’, ‘એના ચરણે’ અને ‘ભણેલી વહુ’ ફિલ્મો બની છે. બાળસાહિત્ય, પ્રવાસકથા, જીવનચરિત્ર, નિબંધ, ટૂંકી વાર્તા, ધર્મ, ઇતિહાસ, કામશાસ્ત્ર, લોકકથા, લોકગીતો, ચારણીગીતો, કાવ્યો, નાટકો, અનુવાદો, વૈદક, વગેરેનાં પુસ્તકો લખ્યાં છે. પાટણ જઈને હિંદી, ઉર્દૂ, વ્રજ, ચારણી, બંગાળી, મરાઠી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓનો પદ્ધતિસર અભ્યાસ કર્યો. ‘રૂપકોશા’ નવલકથાના હિંદી, અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ થયા છે. મહારાષ્ટ્રની એક યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ ‘રૂપકોશા’ નવલકથા પાઠ્યપુસ્તક તરીકે હતી. લોકસાહિત્યનું પુસ્તક ‘ડાયરો’ ખૂબ લોકપ્રિય હતું. તેમણે ગાયેલા દુહા, છંદ, રાસની રેકોર્ડ બહાર પડી હતી. તેઓ રાવણહથ્થો વગાડતા હતા. તેમનાં નાટકો સફળ રીતે ભજવાયાં હતાં. તેમણે ‘કોકિલ’ નામનું સામયિક પ્રકાશિત કર્યું હતું. ઈ. સ. ૧૯૪૮થી ૧૯૫૬ સુધી ‘જયહિંદ’ વર્તમાનપત્ર માટે તેમણે કટાક્ષયુક્ત અને તેજ અગ્રલેખો લખેલા. વૈદક ક્ષેત્રે તેમણે નામના મેળવી હતી. ગાંધીજીના પરિવાર માટે તેઓ દવા બનાવતા. ઇનામો : સાધના સન્માન સમિતિ મુંબઈ દ્વારા સન્માન નવલકથાનું પ્રથમ પ્રકાશનવર્ષ/મહિનો : ૧૯૬૭ કુલ આવૃત્તિ : ૫ (૧૯૬૭, ૧૯૭૩, ૧૯૭૯, ૧૯૮૪, ૨૦૦૬) પૃષ્ઠ : ૨૪૮ પ્રકાશક : નવયુગ પુસ્તક ભંડાર, રાજકોટ પ્રસ્તાવના : ના અર્પણ : જેમનું જીવન ત્યાગ, તપ, આરાધના, અહિંસા, સમભાવ અને પંચમહાવ્રત વડે સુરભિત બનેલું છે, તે પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી ૧૦૮ શ્રી મુનિશ્રેષ્ઠ અહયસાગરજી ગણિવરના કરકમળમાં સાદર સમર્પિત ફિલ્મ : ના નવલકથાનો પ્રકાર : ઐતિહાસિક અનુવાદ : ના કથાનક : ભાવડ શાહની નિષ્ઠાથી પ્રસન્ન થઈને પરદુઃખભંજક વીર વિક્રમ તેમને મધુમતિ નગરી-મહુવા બંદર સહિત બાર ગામના તાલુકાનું રાજ્ય અર્પણ કરે છે. પ્રૌઢ વયે ભાવડ શાહને ઘેર જન્મેલા રૂપાળા, કસાયેલી કાયાવાળા સત્‌ચરિત જાવડની કોકિલકંઠી ધર્મપ્રેમી પત્ની જયમતિ છે. રાજ્યમાં સુશાસન માટે વેશપલટો કરીને નગરચર્યા અર્થે નીકળેલો જાવડ, ચોરી અને જારકર્મ માટે બે પરદેશી યવનોને શસ્ત્રવૈદની સહાયથી નપુંસક બનાવીને છોડી મૂકે છે. મૃત્યુશૈયા પર પડેલા પિતાજીને આપેલા વચનને કારણે શત્રુંજય તીર્થને અસુર કપર્દીથી છોડાવવા માટે દરિયાપારના દેશો સાથે વેપાર વિકસાવે છે. નપુંસક ચોરોનો બદલો લેવા યવનો મધુમતિ પર ત્રાટકે છે. તેમની સામે બાણવિદ્યામાં હારીને જાવડ દસ લાખનું સોનું ચૂકવીને જાવડ દાસદાસી અને પત્ની પરિવાર સહિત યવનોના દેશમાં યવનોની સાથે તેમના રાજા પાસે જાય છે. રસ્તામાં મલ્લયુદ્ધમાં નિપુણતા મેળવીને, ગાંધાર-ઈરાન જઈને ત્યાંના રાજા દ્વારા યવનો પર ચડાઈ કરાવીને જિનમુનિની આજ્ઞા મુજબ ગાંધાર-તક્ષશિલામાંથી આદિનાથ પ્રભુની મૂર્તિને શત્રુંજય પર્વત પર પહોંચાડીને સિદ્ધાચલની યાત્રા ફરી શરૂ કરાવે છે. ઈરાનના રાજાની યવન રાજા સાથે પરણાવેલી દીકરી જાવડ ઉપર મોહિત થાય છે, પરંતુ જાવડ ઉપદેશ આપીને તેનું હૃદયપરિવર્તન કરે છે. પિતાને આપેલું વચન દસ વર્ષે પૂરું થતાં જીવનકાર્ય પૂરું થયું ગણીને અનશનવ્રતનો સંકલ્પ કઈને પતિપત્ની કાયાનાં પિંજર છોડી ચાલ્યાં જાય છે. અવતરણ : ધર્મનું શરણું ધારેલા ભાગ્યશાળીઓ પોતાના પુરુષાર્થને ફેરવીને સંસારના ભવભ્રમણની જાળ તોડી મુક્તાત્મા બની શકે છે. લેખનપદ્ધતિ – ઈરાનના રાજા માટે ઈરાનેશ્વર જેવું નવું વિશેષણ – નવા શબ્દોનો છૂટથી ઉપયોગ : પેટી માટે પેટિકા, છરી–છૂરિકા, ભેટ– ભેટણું, ઈરાનના રાજા–ઈરાનેશ્વર, પર્ષદા, સાર્થવાહ, અધ્યવસાય, શૈયાતરી સ્ત્રી, મહુવા–મધુમતિ, – જૈન સંપ્રદાયને લગતા સામયિક, પ્રતિક્રમણ, જિનપૂજા, મિથ્યાવાદ, કર્મવાદ, સ્યાદવાદ, જીવઅજીવ વિચાર જેવા શબ્દોનો એકાધિક વખત ઉપયોગ – પૃ. ૧૮૭થી ૧૯૦ સુધી જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો વિશે પ્રશ્નોત્તરી રૂપે એકદમ સરળ અને સચોટ સમજણ આપેલી છે. સર્જકતા સિદ્ધ કરતાં ઘટકતત્ત્વોની કાર્યસાધકતા – ઇતિહાસને નિષ્ઠાપૂર્વક વળગીને, કલ્પનાના રંગ પૂરવા છતાંય તેની સાંકળોને યથાર્થપણે જાળવીને નવલકથાઓ કઈ રીતે લખી શકાય, કે જેથી ઇતિહાસની પરંપરાને અખંડપણે જાળવવા છતાં ક્યાંય રસક્ષતિ ન થાય, કે પ્રવાહબદ્ધ શૈલીમાં સહેજ પણ મંદતા ન આવે, તે નિહાળવા માટે મોહનલાલ ચુનીલાલ ધામીની નવલકથા એક દૃષ્ટાંતરૂપ છે. – એક ઐતિહાસિક પાત્ર જાવડ શેઠનું જીવનચરિત્ર અહીં રસભરી નવલકથા રૂપે આલેખાયેલું છે. – કુલ ૨૪૮ પાનાંની નવલકથામાં શરૂઆતનાં ૯૫ પાનાં સુધી જાવડ શેઠ એક આદર્શ વ્યાપારી છે, આદર્શ રાજ્યકર્તા છે, આદર્શ ધર્મપાલક છે. તેમનાં માતાપિતા પણ આદર્શ જીવન જીવે છે. એ બધાંને કારણે નવલકથામાં કોઈ વળાંકો આવતા નથી. પરંતુ એ પછી જાવડ શેઠના પુરુષાર્થની વાત વાચકને જકડી રાખે છે. નવલકથાની લાક્ષણિકતા : – મનની શાંતિસભર, સ્થિર, સમતોલ જીવન જીવવા માટેના આદર્શ સૂત્રો અહીં પાને પાને સંવાદ રૂપે રજૂ થયાં છે. વિઝડમ કેટલું સતર્ક અને સચોટ છે, કે જો વાચક સંનિષ્ઠ હોય તો તે જૈનેતર હોય, તો પણ તેને નવલકથાના વસ્તુને અને તે દ્વારા આ વિઝડમને સમજવામાં રસ પડે છે. – આ નવલકથાની વિશેષતા એ છે, કે ભલભલા સંજોગોમાં પણ પાત્રો શાલીનતા ચૂકતાં નથી. પૃ. ૧૪૮ પર મલ્લયુદ્ધ શરૂ થયા પહેલાંની પળોનું વર્ણન છે. સામાન્ય રીતે મલ્લયુદ્ધ શરૂ થતાં પહેલાં પરસ્પર હરીફ મલ્લ એક બીજા સામે હુંકાર કરતા હોય છે, પણ અહીં આરંભથી જ મલ્લ જાવડ ખેલદિલી દાખવી સામા પક્ષના મલ્લ સુકર્ણનું અભિવાદન કરે છે. એ જ રીતે પૃ. ૧૬૬ પર અમલા રાણી તેની પાંચ શોક્ય સાથે હળીમળીને રહેવાની વાત કરે છે. પૃ. ૧૭૫ પર જ્યારે જાવડ શેઠને પોતાના માટે કોઈ ઇનામ માગવાનું કહેવામાં આવે છે, ત્યારે તેઓ ચોમાસાના સાડા ચાર મહિના સતત અન્નક્ષેત્ર ચાલે અને જીવહિંસા બંધ રહે, તેવું માગે છે. – ઈરાનના રાજા ત્રામાણ, મહાસેનાપતિ વજ્રઘોષ, દીકરી અમલાદેવી, દીકરીની ને દાસીઓ તારંગા અને કલિકા, ઈરાનના મલ્લ સુકર્ણ અને જિંદ, વગેરે જેવાં નામો આશ્ચર્ય અને કુતૂહલ ઊભું કરે છે. સચોટ ઉપમાઓ : – ધગેલ ત્રાંબા જેવી લાલ આંખો – નાનકડા હોજમાં ગુલાબના ફૂલના ઢગલા જેવી રાણી (પૃ. ૧૮૦) વર્ણનો : – વહાણનું કાવ્યાત્મક ડોલન બધા પ્રવાસીઓને સદી ગયું હતું વિઝડમનો દાખલો : – (પૃ. ૧૮૮) “નહીં મહાદેવી! જ્યાં રસ છે, જ્યાં અતૃપ્તિની ઝંખના છે, અને જ્યાં નાની સરખી પણ કામના પડી છે, ત્યાં આત્માને શાશ્વત સુખની પ્રાપ્તિ થતી નથી... સંસારમાં વિહરી રહેલા જીવોને રસ, કામનાની ઝંખના રહેતી હોય છે... કારણ કે તત્ત્વદૃષ્ટિએ એ બધાં અનંત સંસારનાં જ આકર્ષણો છે.” – સ્ત્રી વિશે : ઓહ, નારીનો સંસાર કોઈ પારખી શકતું નથી! નારી માત્ર બુદ્ધિમતી છે એમ નથી, ચાલાક અને સાહસિક પણ છે... સંયોજક પણ છે. – મહારાજા તરફથી મને બધી રીતે સંતોષ છે... પરંતુ યૌવન યૌવનથી જ રિઝાતું હોય છે. વિવેચનલેખોમાંથી એક લેખમાંથી અવતરણ પ્રસિદ્ધ જ્યોતિર્ધર મહાપુરુષોની કલ્યાણકારિણી મંગલ સાધનાને આલેખવા દ્વારા ત્યાગ, તપ, જ્ઞાન, વૈરાગ્ય, સંયમ, શૌર્ય, ક્ષમા, સ્વાર્પણ તથા સંસ્કારના ઉદાત્ત તત્ત્વોને ઓજસ્વી ભાષામાં શબ્દોની અદ્‌ભુત શક્તિથી પોતાની અંજલિ સમર્પીને વિલાસ, વૈબ હવ, સત્તા તથા સંપત્તિની પાછળ પામર બનીને સંસાર સમસ્ત આજે જે અનીતિ, અનાચાર, છલ તથા વિશ્વાસઘાતના પાપમાર્ગે ગબડી રહ્યો છે, તેને ‘જાગતા રહેજો’નો ભવ્ય સંદેશ જે આપે છે, તે માટે હું તેમની એ કલાસિદ્ધિની અહીં વિનમ્ર શબ્દોમાં અંજલિ આપતાં ખૂબ જ પ્રમોદ પામું છું. (પન્યાસ કનક વિજય ગણિ.)

મીનાક્ષી ચંદારાણા
નિવૃત્ત કેશિયર, સ્ટેટ બૅન્ક
કવિ, અનુવાદક, વાર્તાકાર, સંપાદક, પ્રકાશક
(સાયુજ્ય પ્રકાશન), વડોદરા
મો. ૯૯૯૮૦૦૩૧૨૮
Email: chandaranas@gmail.com