નવલકથાપરિચયકોશ/ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ-૧

૩૭

‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ ભાગ ૧ : મનુભાઈ પંચોળી ‘દર્શક’

– વેદાંત પુરોહિત
Zer to pidha che jani jani.jpg

મનુભાઈ પંચોલી ‘દર્શક’ જન્મ : ૧૫ ઑક્ટોબર, ૧૯૧૪ – અવસાન : ર૯ ઑગસ્ટ, ૨૦૦૧ પિતાનું નામ : રાજારામ પંચોલી, માતાનું નામ : મોતીબાઈ મનુભાઈનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામમાં થયો હતો. તેમણે લુણસર તથા તીથવામાં પ્રાથમિક શિક્ષણ અને વાંકાનેરની શાળામાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું. પરંતુ તે નવમા ધોરણમાં હતા ત્યારે ૧૯૩૦માં મીઠાનો સત્યાગ્રહ શરૂ થયો તેથી તેમાં જોડાવા માટે મનુભાઈ શાળા છોડી દે છે અને સત્યાગ્રહી બને છે. એ પછી મનુભાઈ સાહિત્ય તરફની ગતિ કરે છે અને સર્જનની દિશામાં જાય છે. દર્શકને ઘણા પુરસ્કારો મળેલા છે તેમાંથી રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૬૪), ભારતીય સાહિત્ય અકાદમી પારિતોષિક (૧૯૭૫) તથા મૂર્તિદેવી સાહિત્ય પુરસ્કાર (૧૯૮૫) મુખ્ય છે. અધિકરણ માટે પસંદ કરેલ નવલકથા : દર્શક કૃત ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ પ્રથમ આવૃત્તિ : ભાગ ૧ (૧૯૫૨) આ નવલકથા પરથી ઈ. સ. ૧૯૭૨માં દિગ્દર્શક ઉપેન્દ્ર ત્રિવેદી દ્વારા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નામે જ ફિલ્મ બનેલી છે. ગુજરાતી ભાષા સાહિત્યની પ્રશિષ્ટ નવલકથામાંથી એક નવલકથા દર્શક કૃત ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ છે. આ નવલકથા મહાનવલ કહી શકાય તેવી રચના છે. જે ત્રણ ભાગમાં પ્રકાશિત થયેલી છે. આ ત્રણ ભાગમાં દર્શક દાદાએ વિવિધ કથા ઘટક દ્વારા પોતાના આગવા વિચારો તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલ તે સમયની સાંપ્રત ઘટનાઓનું આલેખન કર્યું છે. નવલકથાને માત્ર કલાકૃતિ નહીં પણ સંસ્કાર કથા તરીકે પણ જોઈ શકાય છે. આ નવલકથામાં નાયક નાયિકાનો પ્રણય છે તો ગાંધીજી જેવા મહાત્માના વિચારો પણ છે. સૌરાષ્ટ્રના નદી કિનારાનાં પ્રકૃતિ વર્ણન છે તો સાથોસાથ યુરોપનાં ભયંકર યુદ્ધ વર્ણનો પણ છે. ગામડાનું ભજન ભક્તિમય વાતાવરણ છે તો બીજી તરફ શહેરી રાજકારણ પણ છે. તેથી આ નવલકથા દરેક પ્રકારના વાચકોને આકર્ષે છે. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથાના પ્રથમ ભાગમાં ચાર પ્રકરણ કરવામાં આવ્યાં છે. આ પ્રકરણોનાં નામકરણ નવલકથાના મુખ્ય પાત્ર પ્રમાણે અનુક્રમે ગોપાળબાપા, રોહિણી, અચ્યુત અને સત્યકામ છે. આ ચાર પ્રકરણ ૨૦૫ જેટલાં પૃષ્ઠમાં રચાયેલ છે. હવે આ નવલકથાના કથા ઘટક વિશે વાત કરીએ. નવલકથાનો પ્રારંભ ભૂતકાળના દૃશ્યથી થાય છે. જેમાં ગોપાળબાપા તથા સયાજીરાવ વચ્ચેનો વાર્તાલાપ દર્શાવવામાં આવ્યો છે. ગોપાલબાપા સયાજીરાવ પાસેથી નદીની કોતરનો વિસ્તાર મેળવે છે. ‘મહાપ્રાણ’ ગોપાલબાપા એક વખતના ઉજ્જડ શીંગોડો નદીના કોતરોને ફળાઉ વૃક્ષોથી લચી પડતી વાડીમાં ફેરવી દે છે અને આ વાડીમાં રમતા નાયક નાયિકા, સત્યકામ અને રોહિણી બાપાની વત્સલ છાયામાં ઊછરે છે. રોહિણી ગોપાલબાપાની પુત્રી છે, જ્યારે સત્યકામ ગોપાળબાપાના મૃત્યુ પામેલા મિત્રનો પુત્ર છે. આરંભે આ બાળપણ આલેખન પછી નવલકથાકાર કથાને વેગ આપે છે. પોરબંદરના બેરિસ્ટર શેઠ નાનાભાઈ સપરિવાર યાત્રાર્થે નીકળ્યા છે, તે સૌ ગોપાળબાપાની વાડીએ રોકાય છે. જ્યાં તેમના બે ઘરના દીવા જેવા નાનકડા હેમંતને સર્પદંશ થતાં નાયિકા રોહિણી ઝેર ચૂસી લઈ હેમંતને બચાવે છે. એ પછી રોહિણી બેરિસ્ટરની આંખોમાં વસી જતાં અમદાવાદ પહોંચી હેમંત માટે તે યોગ્ય છે તેવો પત્ર લખે છે, પણ ગોપાલબાપા વિવેકી રીતે તેનો ઇનકાર કરી સત્યકામ સાથે જ રોહિણીનું સગપણ નક્કી કરે છે. બંનેની ઉંમર યોગ્ય થતાં લગ્નની તૈયારી પણ આરંભાઈ છે. તેવામાં નરસિંહ મહેતા એટલે દામોદર જેવા જ્યોતિષવિદ્યાના જાણકારની ભવિષ્યવાણીથી કથા નવો વળાંક લે છે. સત્યકામ ઝેરીયામાં આવેલી તેની કોલસાની ખાણોના વહીવટ માટે જાય છે અને ત્યાં જ ક્રાંતિકારી અમલા અને પ્રસન્નબાબુને બચાવવા જતાં જેલમાં જતો રહે છે. આ જ વખતે ગોપાલબાપાનો દેહોત્સર્ગ પ્રસંગ સર્જાય છે. એ પછી રોહિણી એકલી પડી જાય છે. સત્યકામ જેલમુક્ત થયા બાદ વતન આવવાને બદલે કશે દૂર ચાલ્યો જાય છે. આ વાતની જાણ રોહિણીને પત્ર દ્વારા થાય છે. થોડા સમય બાદ ફરી એક પત્ર દ્વારા સત્યકામને શીળી નીકળ્યા અને મૃત્યુ થયું તેવા સમાચાર આવે છે. આ ઘટનાથી રોહિણી મૂર્છિત બની જાય છે. તેને આઘાતમાંથી ઉગારવા અને જૂનું ત્રણ અદા કરવા બેરિસ્ટર રોહિણીને ઉપચાર માટે આબુ લઈ જાય છે. જ્યાં બેરિસ્ટરનો નાનો પુત્ર અચ્યુત લાગણીભરી સંભાળ કરી રોહિણીને સ્વસ્થ કરે છે. સ્વસ્થ થયા બાદ રોહિણી ફરી વાડીએ આવી જાય છે. ત્યાં જેલવાસ દરમિયાન ક્ષયના દર્દી બનેલા હેમંતની સારવાર કરવા રોહિણી અમદાવાદ પહોંચે છે. અમદાવાદમાં તે ગાંધીજીના પરિચયમાં પણ આવે છે. રોહિણી સાથે રહીને સારવાર દ્વારા હેમંત સાજો થાય છે. રોહિણી હેમંત સાથે લગ્ન કરી અને દરિયાકાંઠાના એક ગામમાં વસે છે. ત્યાં સત્યકામ જીવંત છે તેવો પત્ર મળતાં હેમંત પોતાને રોહિણીના જીવનમાંથી નીકળી જવું જોઈએ એવો વિચાર કરે છે. એવામાં એક ગ્રામ્યકન્યાને બચાવવા જતાં હેમંત લડાઈમાં વીરતાથી મૃત્યુ પામે છે અને ફરી રોહિણી એકલી પડી જાય છે ત્યારે તે અચ્યુતના ભવિષ્ય પર ધ્યાન આપે છે અને બેરિસ્ટરને સુધારવાના પ્રયાસો કરે છે. પછીની કથા અચ્યુતના પત્રોથી આગળ વધે છે. વિદ્યાપીઠમાં અચ્યુત સાથે એક કન્યા વિશ્વાસઘાત કરે છે અને અચ્યુત ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ચાલ્યો જાય છે. વિદેશથી રોહિણીને સમયાંતરે અચ્યુતના પત્રો મળતા રહે છે. જેમાં અચ્યુતના પરિશ્રમ, અનુભવો, નવા વ્યક્તિનો પરિચય તથા આંતરરાષ્ટ્રીય વાતાવરણ વગેરે જેવી વાતો થતી રહે છે. કથાના અંતિમ પ્રકરણમાં રોહિણીની નાની બહેન રેખા સાથે રોહિણી ડૉ. અચ્યુતની વાડીએ પ્રતીક્ષા કરે છે. અચ્યુતને રેલ્વે સ્ટેશન લેવા જતી વખતે રોહિણી અંધ સત્યકામના અવાજની એક ઝલક મેળવે છે. અચ્યુતના સામાન સાથે આવી ગયેલ પોટલામાં પંડિત કેશવદાસજી (સત્યકામ)ની નોંધપોથી અકસ્માતે વાંચતી, તેમાં એકાગ્ર બની ગયેલી રોહિણીના દૃશ્ય સાથે નવલકથાનો ભાગ એક પૂર્ણ થાય છે. હવે નવલકથાનાં પાત્રો વિશે ચર્ચા કરીએ. આમ તો ત્રણ ભાગમાં વિસ્તરેલી આ મહાનવલમાં ઘણાં નાનાં મોટાં પાત્રો આવે છે પરંતુ અહીંયાં આપણે મુખ્ય પાત્રો વિશે કેટલીક બાબતો જાણીએ. ગોપાલબાપા : કથામાં ગોપાળબાપાનું પાત્ર કોઈ લોકકથામાં આવતા સોરઠી સંત જેવું છે. આમ તો તે વણિક વેપારી છે પરંતુ તેને જરા પણ અર્થ લોભ નથી. કથા વાંચતાં જ વાચકને ગોપાળબાપા પ્રત્યે એક વંદનીય ભાવ જન્મે છે. આ સિવાય ગોપાળબાપાની મહારાજા સયાજીરાવ જેવાં વ્યક્તિ સાથેના સંવાદથી લેખક તેનું દૃઢ મનોબળ તથા નિર્ભય વ્યક્તિત્વનો પણ પરિચય કરાવે છે. કથાવસ્તુમાં તો પ્રથમ પ્રકરણના અંતે ગોપાળબાપા મૃત્યુ પામે છે પણ તેના વિચાર આગળની કથામાં બીજાં પાત્રોમાં પ્રતિબિંબિત થયા કરે છે. સત્યકામ  : સત્યકામ કથા નાયક છે. જે ગોપાળબાપાના મૃત્યુ પામેલા મિત્રનો પુત્ર છે અને તે બાપા પાસે જ મોટો થયો છે. શરૂઆતમાં બાળક અને તરુણ સત્યકામ એક સામાન્ય વ્યક્તિત્વ ધરાવતો લાગે છે. સત્યકામમાં યુવાનો જેવો શૃંગાર પણ છે. પરંતુ જ્યારે તે પ્રસન્નબાબુને બચાવે છે ત્યારે તેના ખરા વ્યક્તિત્વનો પરિચય થાય છે. સત્યકામમાં બાપાના સંસ્કાર છે. સત્યની સહાય માટે હંમેશાં તત્પર રહેતો તે યુવાન છે. પછીથી બીજા ભાગમાં આ પાત્ર પંડિત કેશવદાસજી થઈ વધારે મહત્ત્વનું બને છે તેની ચર્ચા પછી કરીશું. રોહિણી : રોહિણી ગોપાળબાપાની પુત્રી, નવલકથાની નાયિકા છે. દર્શક આ પાત્રને ભારતીય નારીની પૂર્ણ ગરિમા મૂર્ત થાય તેમ દર્શાવે છે. યુવાનીના જોશ સાથે રોહિણીમાં બાપાના સંસ્કારો પણ છે. આ જોશ અને સંસ્કાર વચ્ચે સમતુલા રાખી રોહિણી એક સમજદાર નારી છબી તરીકે પ્રસ્તુત થઈ છે. રોહિણી બાપાની વાડીનો વહીવટ સંભાળે છે, હેમંતને સાજો કરે છે, અચ્યુતને વિદેશ ભણવા માટે પ્રોત્સાહન આપે છે, બેરિસ્ટરને સુધારે છે. આમ રોહિણી એક આદર્શ નારીની જેમ અહીંયાં મોટાં કાર્યો કરે છે. રોહિણીમાં પ્રેમિકાનો શૃંગાર છે, માતાનું વાત્સલ્ય છે, પુત્રીનો સ્નેહ છે, શેઠાણી સરખો વ્યવહાર છે, તો મીરાં જેવી ભક્તિ પણ છે. હેમંત : હેમંત રોહિણીનો પતિ છે. જે અન્ય પાત્રોની સરખામણીએ ઘણો ઓછો સમય કથામાં આવે છે અને પ્રથમ ભાગનો અંત થયા પૂર્વે તે મૃત્યુ પામે છે. હેમંત બાલ્યાવસ્થામાં રોહિણી દ્વારા બચાવાય છે. એ પછી કથામાં યુવાન હેમંત દાખલ થાય છે. હેમંત સંયમ, સાદગી, સેવાવૃત્તિ, ચિંતનાત્મક ગુણો ધરાવતી વ્યક્તિ છે. વિશ્વની કળાઓનો તે જાણકાર છે. તે ગાંધીજી સાથે સત્યાગ્રહમાં પણ જોડાયેલો છે. જ્યારે તે વીરગતિથી મૃત્યુ પામે છે ત્યારે હેમંતના શૌર્યના દર્શન પણ આપણને લેખક યોગ્ય રીતે કરાવે છે. આ સિવાય અચ્યુત, બેરિસ્ટર તથા અન્ય પાત્રો ભાગ ૨-૩માં આવે છે તેની ચર્ચા તે ભાગના સ્વતંત્ર લેખમાં કરીશું. નવલકથાનું આકર્ષણ તેની કથાવસ્તુ સાથોસાથ વર્ણનકલા પણ છે. સ્થળ વર્ણનમાં દર્શક વાચકને મંત્રમુગ્ધ કરી દે છે. શરૂઆતમાં શીંગોડો નદીની કોતરોનું દૃશ્ય આપણને સૌરાષ્ટ્રની ભૂમિ આંખ સમક્ષ ખડી કરી દે છે. તો પછી ગોપાળબાપાએ ઊભી કરેલી વાડીનાં વૃક્ષ અને ફળોનું વર્ણન વાંચતી વખતે જાણે ભાવક પોતે વાડીમાં પહોંચ્યો છે તેવો અનુભવ કરાવે છે. આ સિવાય આબુ-પંચગીની જેવાં પ્રાકૃતિક સૌંદર્યના સ્થળોનાં વાતાવરણ વર્ણન પણ લેખક જીવંત રીતે કરે છે. આ સાથે યુરોપના શહેરનાં મકાનો શહેરની દુનિયાનું વર્ણન પણ અહીંયાં કલાત્મક રીતે થયેલું જોઈ શકાય છે. આ રીતે ‘ઝેર તો પીધાં છે જાણી જાણી - ભાગ ૧’માં દર્શક પોતાના આગવા પાત્રાલેખન અને ઉત્તમ કથાવસ્તુ દ્વારા વાચકોને એક જુદા મલકમાં લઈ જાય છે. આ કથા માત્ર કથા બનીને નથી રહેતી પણ માનવીય મૂલ્યોની ખરી કેળવણી આપી જાય છે. કેળવણી આટલી કલાત્મક રીતે મળી શકે તે જાણવા માટે આ નવલકથા અવશ્ય વાચવી જોઈએ. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ વિશે રઘુવીર ચૌધરીનું અવતરણ : “કોઈએ, (મોટાભાગે ઉમાશંકરે) એવું કહ્યાનું સાંભળ્યું છે કે, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ના શરૂઆતનાં સોએક પાનાં લખાયાં છે, એ કક્ષાએ સમગ્ર નવલકથા લખાઈ હોત તો ગુજરાતમાં હાહાકાર થઈ જાત. ઉમાશંકરે ન કહ્યું હોત, તો હું કહેવા તૈયાર છું.” દર્શકની વર્ણનકળા વિશે ડૉ. ધીરુભાઈ ઠાકરનું મંતવ્ય : “પાત્રોની જીવંતતા ને પ્રસંગોની રસ્વત્તાને લેખકની સહજ સ્ફૂર્ત સરલ, કોમલ ને ચિત્રાત્મક વર્ણનરીતિ દ્વારા ઉઠાવ મળે છે. તેના કારણે નવલકથાનું સુઘટ્ટ ને રુચિર પોત બંધાય છે.”

વેદાંત પુરોહિત
એમ.એ. (અનુસ્નાતક), ગુજરાતી,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા
મો. ૭૯૯૯૫૪૬૩૦૨
Email: vedantpurohit૨૧૧૨@gmail.com