નવલકથાપરિચયકોશ/ભવસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૬

‘ભવસાગર’ : ઈશ્વર પેટલીકર
‘ભવસાગર’ : પતિવિહોણી પરણિતાની આંતરબાહ્ય સંઘર્ષખચિત કરુણાંતિકા

– ગુણવંત વ્યાસ
Bhavasagar.jpg

‘ગ્રામચિત્રો’ દ્વારા ચરોતરનાં ગામડાંને, તેના વૈભવને પ્રત્યક્ષ કરાવી આપનાર આણંદના પેટલી ગામના વતની ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ ઈશ્વર પેટલીકરના નામે નવલકથાઓ લખીને સમાજચિત્રો પણ આપે છે. આઝાદી પૂર્વેનું ગામડું, ગામડાના વ્યવહારો, સામાજિક રહેણીકરણી અને ખેતીને લગતા પ્રશ્નોને ક્યાંક નિરાકરણ આપીને, તો ક્યાંક સમાધાન સ્વીકારીને નવલકથાના માધ્યમ દ્વારા રજૂ કરતા આ સર્જક ક્યાંય આત્યંતિક બન્યા વિના કે અતિ સાહિત્યિક ગદ્યમાં સર્યા વિના મહદ્્અંશે તાટસ્થ્યપૂર્વક આલેખન કરી શક્યા છે. ‘ભવસાગર’ (૧૯૫૧) વિત્તવાન નવલકથા છે; પણ લોકજીભે ને હૈયે ચડેલી એમની ‘જનમટીપ’ (૧૯૪૪) છે! લગભગ બે ડઝન જેટલી નવલકથાઓના લેખકની સામાજિક નિસબત આ નવલકથાઓના વિષયોને જોતાં સપાટી પર આવે છે. સમાજના વાસ્તવને ઘટનામાં આકારીને નવલકથા સર્જતા લેખક માટે સમાજ આધારસ્તંભ છે. હકીકતોનું સીધું આલેખન કે ઘટનાઓનું યથાતથ નિરૂપણ એમની નવલકથાઓનો વિશેષ છે. પેટલીકર નવલકથાકાર તરીકે આપણને મળે એ પહેલાં પન્નાલાલ આવી ગયા છે. મેઘાણી સોરઠનો પરિવેશ પાથરી ચૂક્યા છે. પ્રાદેશિક કે જાનપદી નવલકથાઓમાં ઈશ્વર પેટલીકર ચરોતરનું પ્રતિનિધિત્વ કરે છે. ચરોતરી બોલી, એના લય-લહેકા, એના રૂઢિપ્રયોગો ને કહેવતો, રીત-રિવાજો ને સામાજિક-ધાર્મિક વિધિવિધાનોને એ કથાપ્રવાહમાં ખૂબ જ સહજતાથી વણી લે છે. છતાં, એમાં પણ ક્યાંય અપરિચિતતા, આક્રમકતા કે અર્થઘટનના પ્રશ્નો ઊભા થતા નથી. સમતોલપણું, તાટસ્થ્ય અને સાહજિકતા એ પેટલીકરના વિશેષો છે. ‘જનમટીપ’ જેમ નાયિકાપ્રધાન નવલકથા હતી, તેમ ‘ભવસાગર’ પણ નાયિકાપ્રધાન નવલકથા છે. એકલ સ્ત્રી સામે ઊભા થતા પ્રશ્નો બન્ને નવલકથાનો વણ્ય વિષય છે, પણ બન્ને નાયિકાઓ પ્રકૃતિએ જુદી છે. બન્નેને સમાજ સામે એકલા હાથે લડવાનું હોવા છતાં ‘જનમટીપ’ની ચંદા વધુ બલિષ્ઠ, હિંમતવાન અને પડકાર ઝીલનારી છે. ‘ભવસાગર’ની સૂરજનું સમતોલ અને સહનશીલ વ્યક્તિત્વ એને સમાજ સામે ટકી રહેતાં તો શીખવાડે છે, પણ લડતાં શીખવાડી શકતું નથી; પરિણામે સમાજની વિકૃત માનસિકતા અને નિર્દય સ્વાર્થપરાયણતા સામે એ ઝાઝું ટકી શકતી નથી ને અંતે થાકી-હારીને મોતને વહાલું કરે છે. કરુણથી આરંભાતી કથા કરુણની ચરમસીમાએ વીરમે છે. દારૂ અને જુગારની લતે ચડેલો દેવાદાર નગીન ઘર અને ઘરનાને છોડી, કંઈક કમાઈ શકે તો કમાવા, આફ્રિકા નાસી જાય છે. પરણેલી, છતાં વિધવા જેવું જીવતી પત્ની સૂરજ પતિ કમાઈને આવવાની આશાએ બે બાળકો સાથે ને વાઘણ જેવી જેઠાણી અને સ્વાર્થી જેઠની સામે દિવસો-મહિના-વર્ષો પસાર કરે છે. જેઠાણીનાં વાણી-વર્તનથી ખેંચ-હિસ્ટોરિયાની રોગી બનતી તે શારીરિક પીડાનો ભોગ બને છે. સાજો-નરવો હોશિયાર દીકરો શીતળાના રોગમાં પટકાઈને રૂપ અને બુદ્ધિ ગુમાવે છે. ‘કાળી ટીલી’ લાગવાના ભયે હોશિયાર દીકરીને વધુ ભણાવી શકતી નથી. દીકરી માટે યોગ્ય વરની ચિંતા તેને જંપવા દેતી નથી. મદદરૂપ બનતા ચિમન સાથેનો સંબંધ ટીકા-નિંદા પાત્ર બનતાં બે વર્ષનો એકાંતવાસ મૌન બની કરવો પડે છે – આ બધી આપત્તિ-વિપત્તિઓ વચ્ચે પતિ કમાઈને આવવાનો આશાતંતુ તૂટે છે! આઘાતજનક એ સમાચાર સાથે ઘાતજનક દીકરીની સગાઈ તૂટવી પ્રાણઘાતક પુરવાર થાય છે! સૂરજ-વિમુના આત્મઘાત સાથે પૂરી થતી કથા સમાધાન શોધતી નથી, પણ સમાજની મર્યાદા જરૂર ચીંધે છે. અહીં કેન્દ્રમાં સૂરજ છે, પતિવિહોણી એકલ અવસ્થા વચ્ચે ઝઝૂમતી એની સંવેદનશીલતા છે, અગવડો અને અભાવો વચ્ચે લંબાતો આશાનો તંતુ છે, ને ભાગ્યમાં માનતા હો તો અકળ છતાં નિશ્ચિત એવું એનું દુર્ભાગ્ય છે. (જેને લોકવાયકામાં પ્રચલિત એવું પીઠ પાછળ ‘સાપણનું ચિહ્ન’ જેવા સંકેતથી લેખકે સૂચવ્યું પણ છે!) કહો કે આ દુર્ભાગ્ય જ પ્રધાનતયા એક પછી એક આઘાત-પ્રત્યાઘાત લાવતું કથાને કરુણાન્ત બનાવે છે. આખી નવલકથામાં સૂરજને જીવનબળ પૂરું પાડતાં જે પ્રમુખ પરિબળોમાં એક તો નગીનનું કમાઈને આવવાનો આશાવાદ ને બીજું, સામે જ રહેતા ચિમનનો એની તરફનો સ્નેહાર્દ્ર સમભાવ સાથે સૂરજનું ચિમન તરફનું બેદાગ સહજાકર્ષણ! – આ બીજું પરિબળ નવલકથાને પ્રાણવાન અને ગતિશીલ રાખતું કૃતિમાં રસિક તત્ત્વ પણ ઉમેરે છે. પરણીને આવ્યા બાદ, પતિની પાસે જ બેસેલો, એની જ ઉંમરનો ચિમન પહેલી નજરે જ સૂરજના મનમાં વસી ગયેલો. પિતાએ જોયેલો બે છોકરામાંથી નગીન પર પસંદગી ઉતારતાં ચિમન સાથે લગ્ન તો ન થયાં, પણ ચિમનને જોતાં વિચાર જરૂર આવે કે, ‘ચિમન જોડે પોતાને પરણાવી હોત તો?’ હોશિયાર અને નિરાભિમાની ચિમનની મૂર્ખ ને મિથ્યાભિમાન પત્ની કમળાને જોઈને ય જીવ બાળતી સૂરજનું ચિમન તરફ અને ચિમનનું સૂરજ તરફ અનેક વાર આકર્ષાવું એટલું તો સાહજિકતાથી લેખકે આલેખ્યું છે કે તે આયાસી કે કૃતક ન લાગે! નગીનની ગેરહાજરીમાં સૂરજને આર્થિક રીતે પણ મદદ કરતો ચિમન સમાજની ટીકાનો ભોગ તો બને છે; પણ જરૂર પડે ત્યારે સૂરજને પક્ષે ઊભો પણ રહે છે. નગીન અહીં કહેવા પૂરતો, નામનો જ માત્ર પતિ છે. કાયર ઉપરાંત ભાગેડુ પણ છે! જવાબદારીઓથી છટકતો તે આફ્રિકા નાસી જાય છે. દારૂ અને જુગાર જેવા દુર્ગુણોમાં અંતે ચોરી પણ ઉમેરાય છે. વાણીમાં લાગણીશીલ જણાતો તે વાક્પટુ છે. એના પત્રની ભાષા અને વ્યવહાર જુદા છે. અહીં હતો ત્યારે એક વાર પત્નીને મારઝૂડ પણ કરી છે! પચ્ચીસ વર્ષની ઉંમરમાં મિલકત ગુમાવી, લેણદારોના ત્રાસે નાસી છૂટતો તે દીકરી વિમુને અનહદ ચાહતો હોય તેવા બે પ્રસંગો દેખા દે છે; પણ બન્નેમાં એ બાપની ફરજ નિભાવવામાં નિષ્ફળ જાય છે. બીમાર વિમુને સાજી કરવા લોકનિંદાને અવગણીને પણ તે ડૉક્ટર તો બોલાવી લાવે છે; પણ દીકરીને સારું થાય તો દારૂ-જુગારની લત છોડી દેવાની સૂરજે લેવડાવેલી પ્રતિજ્ઞા તે પાળી શકતો નથી. વિમુ અને સૂરજ પ્રત્યેનો એનો સ્નેહ એના પ્રત્યેક પત્રમાં દેખાય છે; પણ એ જેવો ગાજે છે એવો વરસતો નથી! વિમુ પરણવાલાયક થાય ત્યાં સુધીમાં એક પણ વખત રોકડ રકમ ન મોકલી શકતો તે એનો અફસોસ વારંવાર જતાવે છે; પણ એ દિશામાં સક્રિય થતો નથી. સમગ્ર નવલકથાના નગીન વિષયક ઉલ્લેખો-પ્રસંગો ને પત્રોને જ કોઈ જોઈ વાંચીને અભિપ્રાય આપવા બેસે તો વાત્સલ્યથી ઊભરાતો પિતા ને સ્નેહથી આર્દ્ર પતિ હોવાનો વિશ્વાસ એ જરૂર બંધાવી આપે! શબ્દે શૂરો એ વાણીમાં જેટલો વ્યક્ત થાય છે એટલો જ વ્યવહારમાં નિષ્ફળ જાય છે. ચિમન-સૂરજના સંબંધો વિશે મોટા ભાઈને લખેલા પત્રનો આકરો જવાબ આપતો તે સૂરજ પરના વિશ્વાસને તો મ્હોર મારે જ છે; તેના અણિશુદ્ધ ચારિત્ર્યની પણ ઓળખ કરાવે છે. ન માત્ર સૂરજ જ; ચિમન પર પણ તેને ભરોસો છે. એ એના સમગ્ર વ્યક્તિત્વનું એક માત્ર ઊજળું પાસું છે. વિમુને ચાહવાનો, ને એ ચાહત વ્યક્ત કરવાનો બીજો અવસર – વિમુનાં લગ્નમાં હાજરી આપવાનો – પણ એ એની બાલિશ ચેષ્ટાને કારણે ચૂકી જાય છે! દીકરીનાં લગ્નમાં ખાલી હાથે જવાના ક્ષોભને કારણે એ ચોરી કરવાનું અવિચારી પગલું ભરી બેસે છે, ને જેલહવાલે થાય છે! – આમ, આરંભથી અંત સુધી નગીનનો ભૂતકાળ, નગીનનો વર્તમાન ને નગીનનું ભવિષ્ય ફ્લેશબૅકથી, પત્રથી, ને સ્મરણોથી આલેખતા સર્જકે નગીનને નવલકથામાં પ્રત્યક્ષ ક્યાંય હાજર કર્યો નથી. સૂરજના, ને વિમુના પણ જીવનના કારુણ્યનું મૂળ બનતો એ પરોક્ષે ઉલ્લેખાતો-આલેખાતો નવલકથાની એક ચોક્કસ ડિઝાઇન રચવામાં ફાળો આપે છે. આ નવલકથાનો મુખ્ય હેતુ પતિવિહોણી અવસ્થામાં ભર્યા સમાજ વચ્ચે એકલવાયું જીવન જીવતી સ્ત્રીની અવદશાને આલેખવાનો રહ્યો હોઈ, પેટલીકર એને અનુરૂપ કથાનું કાઠું બાંધે છે. પતિને દૂર મોકલીને, તેને દારૂડિયો ને જુગારી ચીતરીને આર્થિક અગવડો ઊભી કરતા લેખક સમાજ વચ્ચે જીવતી સ્ત્રી મુખ્ય પાત્ર તરીકે પસંદ કરે છે. પરિવેશ ચરોતર પ્રદેશનો છે. એ સમયે ચરોતરમાંથી આફ્રિકા કમાવા જતા અનેક યુવકોના વાસ્તવમાંથી નગીનનું પાત્ર સર્જાયું છે. ગ્રામીણ સમાજ અને તત્કાલીન સમાજનાં સાસુ, જેઠ-જેઠાણીનાં પાત્રો અહીં હકીકતને સાદૃશ કરે છે. સાસુ સાકરબાને લેખકે આત્યંતિક નહીં ચીતરીને તટસ્થ રાખી શક્યા છે. લેખક કથ્યા એ ખરે જ ‘ડંખ વિનાના વીંછી’ છે! વૌઠાના મેળામાં જુગાર રમતાં પકડાયેલા નગીનને છોડાવવા એ કાનનાં ચાર વેલ્લાં કાઢી આપતી ‘ખરી મા’ સિદ્ધ થાય છે; તો સૂરજ વિશે ‘ડહાપણના દરિયા જેવી વહુ’-નો મત વ્યક્ત કરતાં એ ખરાં સાસુ પણ બને છે! પરંતુ, જેઠ-જેઠાણીના ભયે, ને કંઈક ચિમન-સૂરજ વિશે વહેતી થયેલી લોકવાયકાના ડરથી સૂરજ સાથે રહેતાં તે જુદાં થાય છે. સાકરબાની ખરી ઓળખ તો વેલ્લાં બાબતે પોતાનો અધિકાર માગતી ને સાકરબાને ખરું-ખોટું સંભળાવતી મોટી વહુ ચંચળ આગળ એ જ્યારે અધિકારની ઓળખ કરાવતો પડકાર કરે છે ત્યારે મળે છે : ‘અલી વહુ! તારા બાપની હું દબાયેલી છું કે આટલું બધું બોલે છે? મિલકત તારા બાપને ઘરેથી લઈને તો નથી આવી તે?... હુંય ભાગિયણ છું, ભાઈબંધ નથી; એ સરત રાખજે. મેં વળી કાયદા પ્રમાણે ત્રીજો મારે શું કરવો છે માની વાંચ વીઘાં જિવાઈ જેટલાં લીધાં છે, પણ હવે તારા બોલ્યા ઉપર ત્રીજો ભાગ ન લઉં તો જોજે! દીકરા જેટલો ચૂડીઓ ભાંગનારીનો પણ મિલકતમાં સરખો હક છે તે ના જાણતી હોય તો આજથી જાણી લેજે.’ – સાકરબાની આ નિજઓળખ છે. એ ઓળખ જ એમને સૂરજથી જુદા રહેવા ગયેલાંને ફરીથી પાછાં સૂરજ સાથે રહેવા આવવા સક્રિય કરે છે. જેઠ-જેઠાણી – મોહન ને ચંચળ – ખલનાયિકીનાં મીંઢાં પાત્રો છે. સ્વાર્થ એમનો પ્રકૃતિગુણ છે. ચંચળ ગ્રામીણ, અશિક્ષિત ને ઈર્ષાળુ સ્ત્રી તરીકે ખાસ્સું કાઠું કાઢે છે. સ્ત્રીસહજ ઈર્ષ્યા, દેરાણી તરફ અધિકારભાવ, ગ્રામીણ તુચ્છતા ને તળપદ આખી બોલીથી ચંચળનો પાત્રવિકાસ સૂરજના કારુણ્યને ઘેરો બનાવે છે. પતિને પણ પરખાવતી તે નરી પેટસ્વાર્થી છે. પરણિત હોવા છતાં પણ તે સૂરજ માટે ‘રાંડીરાંડ’ શબ્દ પ્રયોજી શકે છે ને વિમુને ‘દારૂડિયા બાપની છોકરી’ કહી બે-ચાર તમાચા પણ મારી શકે છે! ક્ષમા, માફી કે સમજૂતી તો તેની પ્રકૃતિ જ નથી! ‘દારૂડિયો છે તેને દારૂડિયો કહ્યો’નો બેધડક એકરાર તેને છાજિયા લેતી, ‘જા, મારા આંબા ગોડાય તો ગોડી નાખજે’-ની અંતિમ હદે પણ લઈ જાય છે! ઝઘડાખોર પ્રકૃતિની તે સૂરજને ‘વેશ્યા’ કહેતા પણ ખચકાતી નથી! મોહન સ્વાર્થી છે. સગો ભાઈ હોવા છતાં પણ તેને નગીન તરફ સ્હેજેય પ્રેમ નથી. નથી તો તેને નગીનના ગયા પછી પાછળ રહેલાં સૂરજ-વિમુ-રમણની ચિંતા! ભત્રીજા રમણને શીતળા નીકળે કે એ કારણે મંદબુદ્ધિનો થાય – મોહન બેપરવા છે. રમણના વાળની બાધા ઉતારવા બાબતે પણ એ નિષ્ક્રિય છે; પણ જ્યારે ચિમન એના દીકરાના વાળ ઉતારવા સાથે રમણના પણ વાળ ઊતરાવે ત્યારે એના વિરોધમાં એ સક્રિય થાય છે. એ જ રીતે ભત્રીજી વિમુના વેવિશાળ બાબતે દેખાતી એની સક્રિયતા પણ પૂરી સ્વાર્થગંધી છે. પોતાની દીકરીને એમ.બી.બી.એસ. થયેલો છોકરો મળે એ માટે એ છોકરાના કદરૂપા ને મૂર્ખ મોટા ભાઈ સાથે વિમુનું સગપણ ગોઠવતાં યે શરમાતો નથી! મોહનની સ્વાર્થાંધ માનસિકતાની હદ તો ત્યાં થાય છે કે હકીકતનો ખ્યાલ આવતાં સૂરજ વિમુનો સંબંધ પેલા મૂર્ખ ને કદરૂપા પ્રૌઢ સાથે ન થવા દઈ, અન્ય તેજસ્વી યુવક ભાઈલાલ સાથે ગોઠવે ત્યારે તેનો એ વિરોધ કરે! જોકે, ચિમનની મધ્યસ્થી એના વિરોધને બર આવવા દેતી નથી એ જુદી વાત છે. ચંચળ જેવી જ કર્કશા ચિમનની વહુ કમળા છે. રમણના વાળ ઊતરાવવાની બાધામાં એની સહમતિ જરૂર આશ્ચર્ય અપાવે; પણ મહદ્અંશે એ ઝઘડાખોર અને અવિચારી તરીકે વધુ ઊભરી છે. જોકે, કથાના સંઘર્ષને ચરમસીમાએ પહોંચાડવા લેખકે તેનું શીતળામાં મૃત્યુ થતું દર્શાવ્યું છે. સૂરજ-ચિમનના સહજાકર્ષણને વધુ રોમાંચક બનાવવા, ને એ બન્નેના નૈકટ્યને વધુ વાજબી ચીતરવા કમળાનું મૃત્યુ અનિવાર્ય હતું; પણ એ સંબંધોને ચર્ચામાં લાવવા ને તેનોે પ્રતિકાર કરવા સાસુ સમું કોઈ સવાઈ પાત્ર પણ જરૂરી હતું. આથી, કમળાનું મૃત્યુ થતાં ભાઈની મદદે આવતાં વિધવા ડાહીબેનનો પ્રવેશ લેખક ખરા સમયે કરાવે છે! લગભગ અડધી નવલકથાએ ડાહીબેનનો થતો પ્રવેશ આકસ્મિક અને આવશ્યક સ્હેજેય જણાતો નથી. સૂરજની સહજ આવ-જા કોઈ શંકા જન્માવતી નથી, પણ બીમાર ચિમનનું માથું દબાવતી, હાથ પકડીને તાવ તપાસતી અને તંદુરસ્તી માટે થોડી હલચલ કરવાનો હુકમ કરતી સૂરજ તેમને જરા વધુ પડતી છૂટ લેતી જણાય છે! લોકચર્ચાને કાને ન ધરતાં ડાહીબેન સૂરજના આ અધિકારભાવે શંકા કરતાં કરતાં સ્વીકાર પર પણ આવી જાય છે ને પછી તો બીજું લગ્ન ન કરવાની ચિમનની જીદ પાછળ સૂરજ તરફનું એનું આકર્ષણ જ હોવાનું માનવા લાગે છે! સાકરબા સૂરજની આ સ્વતંત્રતા પછી જુદાં રહેવા જતાં રહેતાં હોય તો ડાહીબેન... કેમ બાકી રહે! એ પણ ચિમનને છોડી પોતાના સાસરે જતાં રહે છે; જોકે, બે મહિને ફરી આવે છે ખરાં! પણ, મનમાં તો પેલી ગ્રંથિ ઘર જ કરી ગઈ છે કે, ‘મારો ભાઈ તો સીધો-સાદો છે, પણ આ છપ્પરપગીએ જ એને ફસાવ્યો છે.’ ચિમનનું ચરિત્ર પ્રમાણમાં ઘણું સ્વસ્થ અને સંયમી આકારાયું છે. સૂરજ એને ગમે છે. પરણીને આવેલી સૂરજ સાથે કંકુ-કોડીની રમતમાં નગીનનો પક્ષ લેતો તે કિશોરસહજ બોલી પણ બેસે છે કે, ‘નગીન ઢીલો છે એટલે મારે કહેવું પડે છે. હું હોઉં તો જીતવા જ ન દઉં!’ સૂરજ સાથે ધૂળેટીના દિવસોનાં તોફાનો એ ભૂલ્યો નથી. શહેરમાંથી પહેલીવહેલી ખરીદેલી પિચકારીનો રંગ પહેલા-વહેલા એણે સૂરજ પર નાંખ્યો હતો! પણ, નગીનના આફ્રિકા ગયા પછી અંતર વધારી દેતો તે મૌનની ભાષા જ સ્વીકારતો થયો. હા, સૂરજને મદદની જ્યારે જરૂર પડી ત્યારે અચૂક એની પડખે રહ્યો. ‘સૂરજ પોતાની બની હોત તો પોતે સ્વર્ગમાં મહાલતો હોત.’ જેવા સપનમાં સંકેલીને અંતર જાળવતો તે છતાં પણ લોકજીભે ચડ્યા વિના નથી રહેતો. રમણને બાલ ઊતરાવવાની બાધા એ પોતાના પુત્ર સાથે જ કરીને સૂરજની ચિંતા હળવી કરે છે. રમણને શીતળાનો રોગ લાગુ પડતાં તેને દવાખાને લઈ જવા, ને પછી વધુ સારવાર અર્થે શહેરમાં લઈ જવા પણ તે તૈયાર થાય છે. દીકરાની બીમારીથી હિસ્ટોરિયાના હુમલા બાદ માનસિક અસ્વસ્થ બનતી સૂરજને ખવડાવવા એ જાતે એની સામે ખાવા બેસે છે! પોતે બીમાર છે ત્યારે સારવાર માટે દોડી આવતી સૂરજનો સ્પર્શ એને ગમે છે. એ ખુદ વિચારે છે કે, ‘સાચે જ પોતે બાળકોના ઓરમાયાના દુઃખને લીધે ફરી નથી પરણ્યો કે સૂરજ સાથે અતૂટ તંતુએ એ બંધાયો છે એ માટે પગલું ભરી શક્યો નથી?’ રડતી સૂરજનાં આંસુ પોતાના ગાલ પર પડે એ એને ગમે છે. ખબર જોવા પકડેલા હાથનો સ્પર્શ તેને ‘સુખદ’ લાગે છે. સ્પર્શની ભાષાનો વાર્તાલાપ લેખક ઉકેલી શક્યા છે : ‘ચિમને હાથ લંબાવ્યો. સૂરજે આસ્તે રહીને હાથમાં હાથ મૂક્યો. અંતરની લાગણીની ભાષામાં ચિમન વાત કરતો હોય તેમ એણે જોરથી હાથ દબાવીને કહેવાનું હતું તે કહી દીધું હોય તેમ હાથ છોડી દીધો.’ લોકનિંદાની માત્રા વધતાં અને તેની સીધી જ અસર બન્નેના ઘરમાંથી સાકરબા-ડાહીબેન જતાં રહેતાં ‘આબરૂ ખાતર પણ આપણે સંબંધ છોડવો જોઈએ’-ની સભાનતા એ દાખવી શકે છે. છતાં, જેઠે વિમુનું ખોટી જગ્યાએ ગોઠવ્યાનું જાણતાં જ તે ઉશ્કેરાઈને મોહનને સ્પષ્ટ સંભળાવી દે છે. જ્ઞાતિવિરોધ છતાં મોહને વિમુનો કરેલો સંબંધ તોડી, ભાઈલાલ સાથે ગોઠવતી સૂરજની પડખે ઊભો રહી સંબંધોની લાજ જાળવે છે. કથા મુખ્યત્વે તો સૂરજની દુર્દશાનો આલેખ રજૂ કરે છે. એ દુર્દશાને કરુણથી કરુણાર્દ્ર બનાવવા જેઠ-જેઠાણી કમળા-સાકરબા-ડાહીબેન-ભાઈલાલ જેવાં પાત્રો સર્જકની કલમે આકારાતાં રહે છે. આ બધાંમાં શિરમોર નગીન છે. નિષ્ફળ પતિ, અફળ પિતા અને બિનજવાબદાર ગૃહસ્થ તરીકે એ સતત સૂરજને પીડતો રહે છે. અભાગણી સૂરજને જે ગમે છે એને પરણી શકતી નથી, જેને પરણે છે એ છોડીને જતો રહ્યો છે, જેની આશાએ એ જીવે છે એ પુત્ર શીતળાના રોગમાં શક્તિ-મતિ બન્ને ગુમાવે છે. દીકરી વિમુ ભણી-ગણી પગભર થઈ, આર્થિક મદદગાર બનવા તૈયાર છે પણ ભણેલી છોકરી માટે ભણેલો વર શોધવો; ને ભણેલો વર દહેજમાં વધુ રૂપિયા માગવાનો ભય એને એમ કરતાં રોકે છે, તો બેએક કિસ્સામાં ભણેલી છોકરી ચારિત્ર્યમાં શિથિલ થયાની વાતે પણ તે વિમુને આગળ ભણાવી શકતી નથી કે નોકરી કરાવી શકતી નથી. વિમુને પરણાવવાના ખર્ચને પહોંચી વળવા પતિ હાથ ઊંચા કરી દે છે ને ચોરી કરતાં પકડાતાં જેલ થાય છે. સગો જેઠ પણ એની દીકરીનું ભલું કરવા વિમુનું સગપણ મંદબુદ્ધિના મોટા મૂરતિયા સાથે કરવા આકાશ-પાતાળ એક કરે છે. કથાન્તે શુભ થવાના સંકેત સાંપડે છે! શહેરમાં શિક્ષક તરીકે નોકરી કરતો ભાઈલાલ, ફઈના બીજા સાથે ભાગી જવાના કર્મે જ્ઞાતિની કન્યા મેળવવા ગેરલાયક ઠરે છે જેને સમાજ આખો – એક માત્ર ફઈની ચાલચલગતથી – બહિષ્કાર કરે છે, તેનો સૂરજ તેની લાયકાતને આધારે સ્વીકાર કરે છે. પોતાની વિમુ માટે ધાર્યો હતો એવો જ અંગ્રેજી ભણેલો નોકરિયાત રૂપાળો છોકરો મળતો હોય તો તે સમાજનો વિરોધ સ્વીકારીને પણ આ સંબંધ કરવા માગે છે. પોતે જેટલી પીડા ભોગવી છે, જે સંઘર્ષ કર્યો છે એ પોતાની દીકરીને ન ભોગવવી પડે, ન કરવો પડે, એ માટે કટિબદ્ધ સૂરજ નક્કી કરીને જ રહે છે. ચિમનની પણ એમાં સહમતિ છે. સગાઈ થઈને જ રહે છે. મંડપમૂહુર્ત પણ શાંતિથી પૂર્ણ થાય છે; પણ લગ્નને આડા બે દિવસ છે ત્યારે ભાઈલાલ મુંબઈ ભાગી જાય છે! તેને કોઈ આફ્રિકાવાળી અંગ્રેજી ભણેલી છોકરી દહેજ સાથે આપવા તૈયાર છે! – સૂરજને માથે આભ તૂટી પડે છે! ગતિશીલ કથાને લેખક બે લાઇન – એક વિધાનમાં આટોપી લે છે : ‘વિમુનું લગ્ન બંધ રહ્યું તે સમાચાર જાહેર થયા તે પહેલાં મા-દીકરી ઘાસતેલ છાંટી રાતે બળી મર્યાના અરેરાટીભર્યા ખબરે ગામમાં હાહાકાર મચાવી મૂક્યો હતો!’ – સુખાન્ત બનવા તરફ ગતિ કરતી નવલકથા એક જ વિધાનથી કરુણાન્ત બનતી વાચકને આંચકા સાથે આઘાત પણ આપે છે! લેખક સંપૂર્ણ સામાજિક છે. સમાજની ખૂબીઓ-બદીઓ સાથે પ્રાદેશિક-સામાજિક વિશેષોને એ કથાપ્રવાહમાં વણવાનું ચૂકતા નથી. ઘણીવાર તો એ વિશેષો-લાક્ષણિકતાઓથી જ કથાનું પોત રચાય છે. સામાજિક માન્યતાઓ, લોકવ્યવહારો, જ્ઞાતિગત રૂઢિ-રિવાજો ને લોકોક્તિઓથી બંધાતો કથાઘાટ તેને પ્રાદેશિક નવલકથાની ઓળખ અપાવે છે. અહીં પણ પ્રાદેશિક રૂઢિપ્રયોગો ને કહેવતો ઉપરાંત લોકમાન્યતાઓ, સામાજિક ખ્યાલો, જ્ઞાતિગત બંધનો વગેરે યથોચિત માત્રામાં પ્રયોજાયાં છે; જે નવલકથાને પૂરક-પોષક બનતાં કથાને પ્રાણવાન બનાવે છે. કહેવતો અને રૂઢિપ્રયોગોથી કથનગહન બનતું ગદ્ય તીક્ષ્ણતાની સાથે માર્મિકતા પણ સિદ્ધ કરે છે; તો માન્યતાઓ, ખ્યાલો-બંધનોથી કથા સંઘર્ષમય બનતી ગતિશીલતાને વરે છે. ‘ભેંશનાં શીંગડાં ભેંશને ભારે’, ‘બધાય લૂગડાં અંદર નાગા’, ‘ઘેરઘેર માટીના ચૂલા’, ‘છાશમાં માખણ જાય અને રાંડ ફૂવડ ગણાય’, ‘પૂઠે બાવળિયો ઊગ્યો તો કહેશે છાંયડો થયો’ – જેવી લોકોક્તિઓ તળની ભાષાનો તાગ કાઢે છે. ગદ્યને કસોટીએ ચડાવતાં આવાં તો અનેક સમર્થ વિધાનો, વાક્યખંડો બોલીની લાક્ષણિક લઢણને ઘૂંટતાં તાકતવર સાબિત થાય છે. પેટલીકર અચ્છા સમાજચિત્રકાર છે. એમની નવલકથાઓમાં તમને વિધવિધ પ્રસંગનાં સમાજચિત્રો મળી આવે. એમાં લોકમાન્યતા પણ વણાઈને આવી હોય, ને સ્થાનિક બોલીના બળકટ પ્રયોગમાં પ્રત્યક્ષ થતી હોય! બીજા જ પ્રકરણમાં લેખકે કમળાના પાત્ર દ્વારા કુુટુંબના એક પિતરાઈને ત્યાં આવી રહેલાં દીકરાનાં લગ્નનોે વિરોધ થતો, ને પછી એ જ બાબતે મોહન-ચિમનના બે પક્ષો, પક્ષકારો, સમર્થનો ને વિરોધોને આલેખી ગ્રામીણ-કૌટુંબિક-સામાજિક છબિ પ્રત્યક્ષ કરાવી છે. જમણવારનો સમય આવતાં જ વિરોધીઓ પણ કઈ રીતે ઘટતા જઈ, જમવામાં ભળતા જાય છે તેનું હળવું છતાં રસિક એવું માર્મિક ચિત્ર રજૂ થયું છે. મોહન ને ચિમનની, ને ખાસ તો કમળા ને ચંચળની પ્રીતિનો પરિચય લેખક આ બીજા-ત્રીજા પ્રકરણમાં કરાવી આપી, પછીનાં પ્રકરણોમાં તેનો વિકાસ-વિસ્તાર સાધે છે. સમાજમાં અંધારે ખૂણે આંખ આડે ચાલી રહેલા સ્ત્રી-પુરુષોના આડા સંબંધો પર કશાય ઢાંક-પિછોડા કર્યા વિના વાસ્તવચિત્ર પણ એકાધિક વાર આલેખાયું છે. પ્રારંભે જ બીજા પ્રકરણમાં એક બાળવિધવા દીકરી ફરજિયાત વૈધવ્ય સહન ન થવાથી કોઈ સાથે નાસી જાય છે ને સમાજ એનાં માબાપને નાતબહાર મૂકે છે. જેમને નાતમાંથી કન્યા નહોતી મળી એ પૈસા દઈને વિધવાને પરણે; એ વિધવાનો ધણી જીવતો હોય; એના પર કોર્ટમાં કેસ થાય તો એ બન્નેને છોડી ત્રીજા સાથે ભાગી જાય એવો પ્રસંગ દસમા પ્રકરણમાં મળી આવે! કન્યાશાળામાં નવી આવેલી શિક્ષિકાને શહેરમાંથી દર શનિ-રવિએ કોઈ અજાણ્યો પુરુષ મળવા આવતો હોય તેની સમાજ ટીકા કરે ને એ ઘટનાને ‘કાળી ટીલી’ રૂપે જુએ! બાજુના ગામની એક વિધવાને કોઈ પુરુષ સાથે આડો સંબંધ હોઈ, દીકરો મોટો થતાં માનું આ કૃત્ય જાણે ને ગુસ્સામાં એ પુરુષને સાંબેલું મારીને મારી નાખે એ ઘટના ઓગણીસમા પ્રકરણમાં આલેખાય છે, તો અંતમાં ભાઈલાલનાં ફોઈ પરણાવેલા ધણીને છોડીને ગામના તલાટી સાથે ભાગી જવાની ઘટના આકારાય છે! – સમાજનો આ કડવો વાસ્તવ પ્રત્યક્ષે કે પરોક્ષે સૂરજના કુટુંબજીવનને સ્પર્શતો, એના અંગત જીવનને આંચકો આપતો સૂરજની મનઃસ્થિતિને ઉપરતળે કરે છે. કથાપ્રવાહનાં આ પોષકતત્ત્વો છે. લગ્નપ્રસંગે કે કોઈ શુભપ્રસંગે કોઈ જમવા ન આવે તો પિરસણ આપવાની પ્રથા ને એમાં થતો વ્યય, દારૂ પીતો હોય તે માંસ ખાનારને હલકો ગણે તેવી સામાજિક માનસિકતા, બહારગામથી કોઈ મૂરતિયો ગામમાં કન્યા જોવા આવે તો પહેલાં મુખ્ય ખડકીમાંથી કન્યા પસંદ કરવાની, ને મુખ્ય ખડકીવાળાને એ મૂરતિયો ન ગમે તો જ પછી ગામની બીજી ખડકીઓમાં કન્યાની શોધ કરવાની સામાજિક શરત/ શિસ્ત/ બંધી(!) અને વડીલોની હાજરીમાં પિતા દ્વારા તેડાતાં-રમાડાતાં સંતાનોમાં અવિવેક જોતો ગ્રામ્યસમાજ અહીં પ્રત્યક્ષ છે! દીકરા-દીકરીમાં રખાતો પક્ષપાત-ભેદભાવ અહીં એકાધિક વાર સપાટી પર આવ્યો છે. ‘દીકરી તો પથરો – મરે તો મોટો ભાર ઓછો થયો’, ‘નરી છોડીઓ જણે તેને વાંઝણી જ કહેવાય’, ‘છોકરીથી નોકરી ન થાય’, ‘પુરુષ માણસનું રૂપ જોવાનું ના હોય... બૈરાંછોકરાને કમાઈને ખવડાવી શકે એવો હોય એટલે બસ!’ – જેવાં વિધાનોથી પુરુષપ્રધાન સમાજનું ચિત્ર મળે છે. સ્ત્રીના શિથિલ ચારિત્ર્ય વિશે નિંદા, ટીકા ને નાતબહાર મૂકવાનો રિવાજ છે; ને પુરુષના શિથિલ ચારિત્ર્ય બાબતે ‘પુરુષ પિતળના લોટા જેવો’-ની ઉદારતા છે! – આ વિરોધાભાસ પણ સમાજની જ છબી છે! આઝાદી પૂર્વેનો સમય, ચરોતર પ્રદેશ, ગ્રામીણ પરિવેશ અને પાટીદાર સમાજ આ નવલકથાની ભોંય છે. પરિવર્તન પામતા સમાજની બેએક લકીર આછા લસરકે કથામાં સ્થાન પણ પામી છે. વિદેશ કમાવા જવાનું ચરોતરવાસીઓ માટે ત્યારેય નવું ન હતું. કન્યાકેળવણી માટેની સર્જક-સભાનતા અને લોકમાનસ બન્ને સમાંતરે સ્થાન પામ્યાં છે. અંગ્રેજી શિક્ષણ પ્રવેશ્યું છે; પણ – સભાનતાથી કે સહજતાથી – અંગ્રેજી શબ્દોથી સર્જક દૂર રહ્યા છે. અંગ્રેજી શિક્ષણ પામેલો યુવક કન્યા જોવાનો ને તેની સાથે વ્યક્તિગત મુલાકાતનો આગ્રહી બન્યો છે. દહેજનું દૂષણ પ્રથા અને પરંપરા બનતું સામાજિક વ્યવહાર અને અધિકારરૂપે સર્વ વ્યતીત છે. દારૂ અને માંસાહાર નિંદ્ય છે; પણ છે! – સર્જક તત્કાલીન સમાજનું ખાસ્સું ચિત્ર પ્રતીતિકર લાગે એ પ્રકારે આપી શક્યા છે. છેક ૧૮૬૬માં મળેલી ગુજરાતી ભાષાની પહેલી સામાજિક નવલકથા ‘સાસુ-વહુની લઢાઈ’માં સ્ત્રીની જે અવદશા હતી તેમાં ૮૫ વર્ષ પછી પણ ખાસ કંઈ સુધારો નથી થયો એનું દસ્તાવેજી ચિત્ર આ કૃતિ છે. આવી તો કેટલીયે સૂરજો સામાજિક બદીઓમાં હોમાઈ ચૂકી હશે. ‘ભવસાગર‘ની સૂરજ અવ્યક્ત એવી કેટલીયે પીડિત સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ કરે છે. ઈશ્વર પેટલીકર એમની આ નવલકથામાં પ્રમાણમાં વધુ સ્વસ્થ અને તટસ્થ રહી શક્યા છે. સ્વરૂપ સંદર્ભે ‘જનમટીપ’ કરતાં પણ વધુ શિસ્ત સાચવતી ‘ભવસાગર’ તેના પ્રવાહી કથાવસ્તુથી વિશેષ આસ્વાદ્ય બની છે. આફતો અને મુસીબતોથી આવેશ અનુભવતી સૂરજ આક્રોશ ભાગ્યે જ વ્યક્ત કરે છે. પરિસ્થિતિનો સ્વીકાર એ એનો સ્થાયી ભાવ છે. નગીનને આખી નવલકથામાં પ્રગટપણે વ્યક્ત ન થવા દેવાની યુક્તિ અને પત્રોની પ્રયુક્તિ કથાને નવલકથા બનાવવા સહાયક બને છે. પાત્રસર્જન-ઘડતર-વિકાસમાં સર્જકની સભાનતા નોંધપાત્ર છે. પાત્રવિકાસને સાર્થક કરવા એનાં વાણી-વર્તનનું યથોચિત આલેખન પણ સ્વરૂપસિદ્ધિમાં સિંહફાળો નોંધાવે છે. સમગ્રતયા, સંયમ અને સાદગીભરી સહજતાથી સામાજિક વાસ્તવનો આલેખ રજૂ કરતી ‘ભવસાગર’ પેટલીકરની યશસ્વી કહી શકાય એવી સમર્થ નવલકથા બની શકી છે એનો આનંદ છે.

ડૉ. ગુણવંત વ્યાસ
ગુજરાતીના અધ્યાપક, આણંદ આટ્ર્સ કૉલેજ, આણંદ
વિવેચક, વાર્તાકાર, સંશોધક, સંપાદક, સાહિત્ય-કથાકાર,
ગુજરાતીનો અધ્યાપક સંઘના વર્તમાન પ્રમુખ (વર્ષ : ૨૦૨૩-૨૪)