નવલકથાપરિચયકોશ/મળેલા જીવ

૨૯

‘મળેલા જીવ’ : પન્નાલાલ પટેલ

– ખુશ્બુ સામાણી
Malela Jiv.jpg

લેખક પરિચય : પન્નાલાલ નાનાલાલ પટેલ જન્મ : ૭ મે ૧૯૧૨ – અવસાન : ૬ એપ્રિલ ૧૯૮૯ વતન : માંડલી, ડુંગરપુર જિલ્લો (રાજસ્થાન) અભ્યાસ : પ્રાથમિક શિક્ષણ ચાર ધોરણ સુધી સાહિત્યિક પ્રદાન : નવલકથાકાર, ટૂંકી વાર્તાકાર ઇનામો : રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૫૦) જ્ઞાનપીઠ પુરસ્કાર (૧૯૮૫) સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૧૯૮૬)

અધિકરણ માટે પસંદ કરેલ નવલકથા : પન્નાલાલ પટેલ કૃત ‘મળેલા જીવ’ પ્રથમ આવૃત્તિ : ૧૯૪૧ છેલ્લી આવૃત્તિ : ૨૦૨૩ પ્રકાશક : સંજીવની પ્રકાશન(અમદાવાદ) અર્પણ : સ્વર્ગસ્થ બાપુ તથા બાને નિવેદન : પન્નાલાલ પટેલ પ્રસ્તાવના : ઝવેરચંદ મેઘાણી હિંદી, પંજાબી, કન્નડ અને અંગ્રેજી વગેરે ભાષાઓમાં તેનો અનુવાદ પણ થયો છે. તેનું નાટ્યરૂપાંતર પણ ગુજરાતી રંગભૂમિ પર ભજવાયું હતું. ‘મળેલા જીવ’નો ‘જીવી’ શીર્ષકથી હિંદીમાં અનુવાદ થયેલો છે. તેમજ આ નવલકથા પરથી હિંદીમાં ‘ઉલ્ઝન’, ગુજરાતીમાં ‘મળેલા જીવ’ અને કન્નડમાં ‘જન્મુદા જોડી’ નામે ફિલ્મો પણ બની છે. પન્નાલાલ પટેલની સીમાચિહ્ન રૂપ ગુજરાતી લઘુનવલ. અનોખી પ્રેમકથા. પ્રથમ દૃષ્ટિએ પ્રેમમાં પડેલા કથાનાયક પટેલ કાનજી અને કથાનાયિકા વાળંદ જીવીનાં લગ્નમાં જ્ઞાતિભેદ અવરોધરૂપ થાય છે. જન્માષ્ટમીના મેળાનું વર્ણન લેખક પોતાની આગવી ભાષામાં કરે છે. પ્રકૃતિનું અદ્ભુત સામીપ્ય લેખકની વાણીમાંથી સતત ઝરતું રહે છે. કલમથી ચિત્રને અને ચિત્રથી આખા વાતાવરણને આપણી આંખ સામે ખડું કરી દે છે. ગામડું, ગામડાના માણસો, ગામડાના માણસોની શૈલી તથા યુવાન અવસ્થાની ટીખળો અને આવતા લાગણીસભર પ્રવાહોની ગાથા એટલે મળેલા જીવ. જન્માષ્ટમી એટલે મેળાવડાની દિવાળી. લોકભોગ્ય વસ્તુઓ અને પદાર્થોથી રમમાણ થતા મલકનો માણસ કેવી કેવી રીતે અને શું શું ખરીદી કરે છે, તેનું વર્ણન કરતા લેખક વળી પાંડવ કાળનું સંભારણું પણ કરાવે છે. આગવી છટાથી આટલા માણસોની ભીડ વચ્ચે અલગ જ અંદાજમાં ઊડીને આંખે વળગે એવી રીતે કાનજી અને તેની ટોળકી આપણી સમક્ષ ખડી કરે છે. ત્યારે જ કથાની મુખ્ય નાયિકા જીવીની નજર કાનજી સાથે મળે અને એની પછી તેમના પ્રેમના પાંગરવાની શરૂઆત થાય છે અને જોતજોતાંમાં પહેલી જ વખત મળેલી બે આંખો ઘરના ઉંબરા સુધી પહોંચે છે. જીવીના મનમાં કાનજી માટે સતત પ્રેમ વધતો રહે છે અને કાનજીને સદંતર વસંત. ધીરે ધીરે ગામના એક - એક પાત્રનો ઉઘાડ થાય છે, કાનજીનો પ્રિય મિત્ર હીરો, ગામનું સમજુ વ્યક્તિ ભગત, કાનજીના ભાઈ અને ભાભી, ધૂળિયો તથા ધૂળિયાની મા. વસંતને પાનખરનો પડછાયો આંબી ગયો હોય એમ, આંખ કાનને ભાળી ન શકે એમ અને સરોવર ઝરણાને ભળી ના શકે તેમજ કાનજી અને જીવીની પ્રેમકથાનું સૂર્ય અને ચંદ્ર સમું સર્જન થાય છે. કાનજી અને જીવી એકબીજાના પ્રેમમાં તરબોળ થઈ ચૂક્યાં હોય છે. બંને સતત ને સતત એકબીજાના વિચારમાં રહેતાં હોય છે. કાનજી એને પોતાની નજર સમક્ષ રાખવા માટે અને સમાજના વ્યવહારોને ધ્યાનમાં રાખીને પોતાના જ ગામના ધૂળિયા નામક વાણંદ સાથે જીવીનાં લગ્ન કરાવવાનું નક્કી કરે છે. એક દિવસ જીવી પાસે આ પ્રસ્તાવ મૂકે છે. જીવી જાણે કાનજીનો પડ્યો બોલ ઝીલવા આતુર હોય એમ હા પણ ભણી દે છે! અહીંયાં લેખકનું પ્રેમમાં ત્યાગનું અદ્ભુત વર્ણન છે અને આસો મહિનાની તેરસ એટલે કે ધનતેરસની મધરાતે કાનજી ધૂળિયા અને હીરા સાથે જ જીવીને લઈને પોતાના ગામ લાવીને લગ્ન કરાવે છે. સતત ને સતત ગૂંચવાયેલા કાનજીની મનોદશાનું વર્ણન અને જીવીના ત્યાગનું વાતાવરણ લેખક અહીં તાદૃશ્ય કરાવે છે. વારંવાર સ્થળદર્શિત ક્રિયામાં તંબાકુ અને હૂકો સારી, નરસી, ચિંતાતુર કે પ્રેમાળ અવસ્થામાં રાજ કરે છે. કાનજીની ગાયકી અને જીવીની સમજણને પરસ્પર કદાચ પાછલા જન્મની પ્રીતિ હશે એવું સમજાય તો પણ કશું ખોટું નથી. લેખક પ્રેમીઓના સામીપ્ય છતાંય થતી ગૂંચવણનું અવ્વલ વર્ણન કરે છે. જીવીનો વર ધૂળો જીવીના શરીર અને મન ઉપર ઘા કરવાનો મોકો ક્યારેય છોડતો નથી. કાનજીને આ વાતની જાણ થતાં જીવી માટે દયાયે આવતી અને પોતાના ઉપર ઘૃણા પણ થતી. એક દિવસ ભગત અને હીરાની મંજૂરીથી ધૂળો એને બોલાવીને સમજાવવા પ્રયત્ન પણ કરે છે અને અંતે કહી પણ દે છે “આ બધું ઝાઝા દન નહીં કળાય એ ય હું તને ભેગા કરી નાખું”. ધૂળિયો રેશમા નામક એના પાડોશી અને મુખીને કાનજીની વિરુદ્ધ ઊભા કરે છે અને થોડા દિવસોમાં ગામમાં દેવ આવે છે. કાનજીએ દેવનાં પારખાં કરવાનું નક્કી કરે છે. પંડાલ તરફ ધુંઆપુંઆ થઈને ધસી જતા કાનજીને એક બાવડે તેનો મોટો ભાઈ અને બીજા બાવડે જીવી રોકી લે છે. પિતાની વાત કાનજીના હૈયે કંડારાયેલી એટલે પોતાના મોટાભાઈનું અપમાન ના કરતો કાનજી આ વાતમાં ગુસ્સે થઈ જાય છે. થોડા સમય બાદ કાનજી દોહા અને ભજન લલકારે છે ત્યારે વેરવિખેર થઈ ગયેલું આખું ગામ પાછું એકઠું થાય છે, સૂતેલા માણસો સફાળા જાગીને સાંભળવા પહોંચે છે. કાનજી ઉનાળા પૂરતો પરદેશ (શહેરમાં) જવાનું નક્કી કરે છે. તેના મોટાભાઈ ચિંતામાં ભગતને મળવા આવે છે અને ભગત તેને સારી રીતે આ વાત સમજાવી દે છે. એ દિવસની ઘટના પછી જીવીને આખા ગામની સ્ત્રીઓ અપમાનની નજરે જુએ છે. છતાં જીવીને કશો ફેર પડતો નથી. આ જોઈને ધૂળો તેના પાડોશી રેશમા સાથે મળીને જીવીને મૂઠ મારવાની યોજના ઘડે છે. કાનજીને પરદેશ જવાની આગલી રાત્રે બચાવો બચાવોનો અવાજ જીવીના ઘર તરફથી આવે છે. કાનજી સફાળો બેઠો થઈને એ બાજુ ભાગે છે અને બોરડીમાં સંતાય છે. મુખી અને ગામના કેટલાક લોકો કાનજીને દોષી સમજી બેસે છે. અને આવી જ બાતમી ફોજદારને પણ આપે છે. ફોજદાર પહેલાં તો કાનજીને જેલમાં પૂરી દેવાની સજા સંભળાવે છે, પરંતુ કાનજી પોતાની સૂઝબૂઝ અને નક્કર પુરાવાથી મુખીના કાકાના દીકરા ભીમા પટેલ અને એની દીકરીનું કારસ્તાન ઉઘાડું પાડી દે છે અને જીવી ઉપર આળ આવતું બચી જાય છે. કાનજી પરદેશ જતાં જતાં એક ઊંડો નિસાસો નાખીને કહે છે, “આવડા એવા જન્મારામાંય કેટલીયે ભવાઈ ભજવવી પડે છે.” કાનજીના ગયા પછી ગામ, વાતાવરણ અને તહેવારો શિયાળાની રાત જેવા સુન્ન થઈ જાય છે. જીવીનું જીવન પણ હવે રસ વગરનું બની જાય છે. ફક્ત શરીર હલનચલન કરતું હોય એવું દેખાય છે. એક દિવસ ઘરના કંકાસથી કંટાળીને જીવી પોતાના રોટલામાં ઝેર નાખી દે છે, અને એ જ રોટલો ધૂળો ખાઈ જાય છે. ધૂળો પ્રાણ છોડી દે છે. એનું આળ જીવી પર ના આવે એટલા માટે ભગત બરાબર રીતે બધી વ્યવસ્થા કરી દે છે. જીવી હવે મરવાના વાંકે જીવતી હોય એવું લાગે છે. કાનજી પણ એક વખત જીવીને મળ્યા વગર ફરી પાછો વિદેશ ચાલ્યો જાય એ જાણ્યા પછી તો જીવીને ક્યાંય મન નથી લાગતું. પોતાના પર નિયંત્રણ ખોઈ બેસે છે અને ધીરે ધીરે શું પહેર્યું? ક્યાં છે? અને શું ખાધું? એનું પણ ભાન સુધ્ધાં રહેતું નથી. નવરાત્રીમાં એકઠા થયેલા લોકોને ભગત સમા અને વખતના મળી ગયેલા જીવની વાત કહે છે અને આ બાજુ કાનજીના વિરહમાં જીવીનું શબ્દ ચિત્રામણ લેખક ઉચ્ચ સ્તરે કરે છે. પૂનમનો મેળો ભરાય છે, ગામની સમજુ વ્યક્તિ ભગત પણ આ વખતે જીવીને પોતાની હાલત પર છોડીને ચાલ્યો જાય છે, પરંતુ નાનો તેને પરાણે નાગધરામાં ડૂબકી મારવા માટે લઈ આવે છે. જીવી સાથે બહુ ખરાબ વર્તન થઈ રહ્યું છે ત્યારે જ કાનજી આવી પહોંચે છે અને બધાને દૂરથી મળીને હસતા હસતા ભગતને પોતાનો બળાપો કરીને જીવીને લઈને ફરી પાછો પરદેશ ચાલ્યો જાય છે. સમાજ અને વ્યવહાર ની ચિંતા કર્યા વગર! વિરહની ટોચ પર અને તલવારની ધાર પર ચાલીને જીવન હસતા હસતા જીવવાની તાકાત પ્રેમમાં હોય છે તેનો દાખલો લેખક અહીં આપણને દર્શાવે છે. એ પુસ્તકમાં શ્રી ઝવેરચંદ મેઘાણીલિખિત પ્રસ્તાવના-સમાપનમાં જે વાક્ય લખ્યું છે એ ટાંક્યું છે. “માનવીઓ! આ ધરતીની સુવાસ તો માણો! માનવીનું અહીં ઉઘાડું મુકાયેલું મન તો નિહાળો!” સુન્દરમે આ નવલકથાની પ્રશંસા કરતા લખ્યું છે કે, “અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિન્દના કોઈ પણ સાહિત્યમાં અને થોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવી બની છે.”

ખુશ્બુ પ્રકાશભાઈ સામાણી
વિદ્યાર્થિની, ગુજરાતી વિભાગ,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા
મો. ૮૧૫૦૪૩૪૬૩૪
Email: khusbusamani૦૮@gmail.com