નવલકથાપરિચયકોશ/વૈદેહી એટલે વૈદેહી

૧૦૬

‘વૈદેહી એટલે જ વૈદેહી’ : શિરીષ પંચાલ
એક અને એકમાત્ર પ્રયોગ : વૈદેહી એટલે જ વૈદેહી

– દીપક રાવલ

(ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ. પૃ. ૮+૨૧૬=૨૨૪. પ્રથમ આવૃત્તિઃ ડિસેમ્બર, ૧૯૮૭) કળા મનુષ્ય જીવનની અનિવાર્યતા છે. મનુષ્ય પાસે કળા છે એટલે જ તે મનુષ્ય છે. પરંતુ એક વાત એ પણ સાચી છે કે જીવનમાં અને કળામાં વૈવિધ્ય જરૂરી છે. કળામાં અને જીવનમાં વૈવિધ્ય ન હોય તો કંટાળો ઉપજાવે છે. સ્થિર જળને કોહવાતાં વાર લાગતી નથી. જળ વહેતું રહેવું જોઈએ. કળાને વહેતી રાખે છે, જીવંત રાખે છે પ્રયોગશીલતા. કળામાં, સાહિત્યમાં એકવિધાતાને તોડવા સમયાંતરે પ્રયોગો થતા રહેવા જોઈએ. પ્રતિભાવાન કલાકાર, સાહિત્યકાર પરંપરામાં બંધાતો નથી. જૂની રૂઢિમાંથી છૂટવા એ સતત પ્રયત્નશીલ રહે છે. એક જ ચીલામાં ચાલવાથી ભાવાભિવ્યક્તિ એક ઘરેડમાં બંધાઈ જાય છે, જે જાગૃત સર્જકમાં અસંતોષ પેદા કરે છે. વાત ભલે એકની એક હોય પરંતુ અભિવ્યક્તિમાં સતત નાવીન્ય આવતું રહે તે જરૂરી છે. વખતો વખત સાંસ્કૃતિક, સામાજિક વિટંબણાઓ તેમજ ભાષાની લયાત્મકતા તપાસવાનું પણ જરૂરી હોય છે. શિરીષ પંચાલે તેમની પ્રયોગાત્મક નવલકથા ‘વૈદેહી એટલે જ વૈદેહી’ એક સર્જક તરીકે આ જ કર્તવ્ય નિભવ્યું છે. ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’નો પ્રથમ ભાગ ૧૮૮૭માં પ્રગટ થયો હતો. એ ઘટનાનાં બરાબર સો વર્ષ પછી ડિસેમ્બર ૧૯૮૭માં શિરીષ પંચાલની પ્રયોગશીલ નવલકથા ‘વૈદેહી એટલે જ વૈદેહી’ પ્રગટ થાય છે. આ એ સમયગાળો છે જ્યારે આધુનિકતાનાં વળતાં પાણી થઈ ગયાં હતાં અને પરિષ્કૃતિ, દલિત આંદોલન, દેશીવાદ વગેરે દ્વારા અનુઆધુનિક સાહિત્યની ભૂમિકા રચાઈ રહી હતી. એવા સમયે ‘વૈદેહી એટલે જ વૈદેહી’ જેવી નવલકથા લખવી એ સાહસ જ હતું. શિરીષ પંચાલનો જન્મ વડોદરામાં થયો, એકડે એકથી પીએચ.ડી સુધીનો અભ્યાસ વડોદરામાં કર્યો, કૉલેજમાં અને યુનિવર્સિટીમાં અધ્યાપક-પ્રોફેસર અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે વડોદરામાં જ સેવાઓ આપી નિવૃત્ત થયા અને અત્યારે વડોદરામાં જ નિવાસ કરે છે. શિરીષ પંચાલ ખરા અર્થમાં ‘ફૂલ ટાઇમ’ અધ્યાપક રહ્યા. સતત અધ્યયનરત રહેવું એ એમનો સ્વભાવ છે. તેમની પાસે ભણેલા અનેક વિદ્યાર્થીઓ ગુજરાતની કૉલેજોમાં અને યુનિવર્સિટીઓમાં સેવાઓ આપે છે. શિરીષ પંચાલનું સર્જનવિશ્વ પણ ઘણું વ્યાપક છે. ગુજરાતી સાહિત્યનાં કવિતા સિવાયનાં લગભગ બધાં જ સ્વરૂપોમાં તેમનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. તેમણે નવલકથા (‘વૈદેહી એટલે જ વૈદેહી’ અને પરાક્રમો પરેશ નાયકનાં), નિબંધ (‘જરા મોટેથી અને ‘સન્નિધિ સાહિત્યની), ટૂંકી વાર્તા (અંચઈ, આયનો, ગો-વર્ધન મહોત્સવ), વિવેચનનાં અગિયાર પુસ્તકો જેમાં ‘કળા વિવેચનની સમસ્યાઓ’, ‘રૂપરચનાથી વિઘટન’, ‘વાત આપણાં વિવેચનની’ જેવા નોંધપાત્ર ગ્રંથોનો સમાવેશ થાય છે. તેમણે અનેક સંપાદનો પણ કર્યાં છે. શિરીષભાઈએ પોતાના ગુરુ સુરેશ જોષીના પ્રગટ-અપ્રગટ સાહિત્યનું સંપાદન કર્યું છે. તેમણે ‘ભારતીય કથાવિશ્વ’ ગ્રંથના પાંચ ભાગમાં આપણા ભારતીય કથાઓના ગૌરવશીલ અને સમૃદ્ધ વારસાને ગ્રંથસ્થ કર્યો છે. આ લખનારને ખાતરી છે કે શિરીષ પંચાલની સમગ્ર રચનાસૃષ્ટિનો આ અધૂરો પરિચય છે કેમ કે તેમનું સર્જન અવિરત ચાલતું રહે છે. આ નવલકથાની નાયિકા વૈદેહી એક સામાન્ય પરિવારની છે. પિતા કશું કરતા નથી. ભાઈ નયન ભણેલો છે પણ એને નોકરી મળતી નથી. મા ઘરકામ કરે છે. ઘરની આર્થિક સ્થિતિ જરા પણ સારી નથી. પિતાના મિત્રની ભલામણથી વૈદેહી સમાજવિદ્યાના ક્ષેત્રમાં સંશોધન કરતા કિરીટ મહેતાને ત્યાં નોકરી સ્વીકારે છે. કિરીટની નજર સારી નથી તે વૈદેહી પારખી જાય છે. કિરીટ વૈદેહીને કિરાતને મળવા હેવમોર રેસ્ટોરાંમાં મોકલે છે. હકીકતમાં એ કિરાતને ફસાવવા માંગે છે. કિરાત એકલો છે. એના પરિવારમાં કોઈ નથી. એ આદર્શવાદી છે, વિચારશીલ છે. તે હંમેશાં વિચારતો રહે છે કે માનવજીવનમાં પરિવર્તન કેવી રીતે લાવવું? એને બુદ્ધ થવું છે, ગુરુકુળ-આશ્રમની સ્થાપના કરવી છે. પોતાના વિદ્યાતેજથી સમાજ બદલીને સંસ્કૃતિપુરુષ થવું છે. એને પ્રથમ મુલાકાતમાં જ વૈદેહી ગમી જાય છે. કિરાત યુનિવર્સિટીમાં અધ્યાપક હતો. તેની આદર્શવાદિતા વિભાગના વડાને (વડાપંડાને) અને અન્ય અધ્યાપકોને ગમતી નથી. તેથી કિરાતને ફસાવવા એક વિદ્યાર્થિની સરલાને તેની પાસે મોકલે છે. સરલા કિરાત દ્વારા ગંદું અડપલું કરવામાં આવ્યું છે એવો દેખાવ કરી રડવા લાગે છે. તે જ વખતે યોજના મુજબ વડાપંડા આવી જાય છે. સરલાને કહે છે કે તું લેખિત ફરિયાદ આપી દે. પરંતુ સરલાને પોતાની ભૂલ સમજાય છે અને વડાપંડાને સંભળાવે છે કે ‘ફરિયાદ તો હું તમારા બેની સામે કરવાની છું. તમે લોકોએ જ મને આ નાટક કરવા સમજાવી હતી.’ મિ. પંડ્યાનો દાવ નિષ્ફળ ગયો. કિરાત વડાપંડાની ઘણી નબળાઈઓ જાણતો હતો. તેણે વડાપંડા પાસે લેખિત માફી લખાવી અને નોકરીમાંથી રાજીનામું આપી દીધું. પછીથી એ અખબારમાં લખે છે, યુવાનોને મોટિવેટ કરે છે. વૈદેહી ગરીબ હતી તેથી તેનું લગ્ન થતું નહોતું. કિરીટ મહેતાને ત્યાં એ ખંતથી નોકરી કરે છે. મહિને હજાર રૂપિયા પગાર મળે છે. એના ઘરની સ્થિતિ સુધરે છે. કિરાત જાણે છે કે વૈદેહી કશોક ખેલ કરી રહી છે પરંતુ ધીમે ધીમે તેના પ્રત્યે આકર્ષણ અનુભવે છે. જ્યારે તેને સમાચાર મળે છે કે શહેરમાં હુલ્લડ ફાટી નીકળ્યું છે તો હેવમોર જવા નીકળે છે. વૈદેહી તેને મળવા આવવાની હતી. કિરાત હેવમોર પહોંચી, વૈદેહીને લઈને રિક્ષામાં તેના ઘેર જવા નીકળે છે. રસ્તામાં તોફાન વધુ હોવાથી રિક્ષાવાળો આગળ જવાની ના કહે છે. બંને જણા ચાલતાં નીકળે છે. રસ્તામાં લૂંટાઈ ગયેલી, સળગતી દુકાનો જુએ છે. કિરાત વૈદેહીના ઘરે પહોંચી નાસ્તો કરતો હોય છે એવામાં વૈદેહીનો ભાઈ નયન કોથળો ભરી લૂંટનો માલ લઈને આવે છે!! કિરાતના બે મિત્રો છે રમણ અને પંકજ. પંકજ વિદેશ જવાનો છે અને એણે એક પાર્ટી રાખી છે. કિરાત અને રમણ પાર્ટીમાં વૈદેહીને કિરીટ મહેતા સાથે આવેલી જુએ છે અને એને સમજાય છે કે વૈદેહી કિરીટના હાથનું રમકડું છે. જોકે પાર્ટીમાં જ કિરાત અને વૈદેહી વચ્ચે સ્પષ્ટતા થાય છે, બંને વધુ નિકટ આવે છે. એક દિવસ વૈદેહી બજારમાં ખરીદી કરવા નીકળે છે અને અચાનક એક ટોળું આવીને લૂંટફાટ કરવા લાગે છે. એ ઘર તરફ જવા પાછી વળી તો સામે બીજું ટોળું મળ્યું. એક ગલીમાં વળી ગઈ. ત્યાં એક મકાનનું બારણું ખુલ્લું હતું. એ મકાનમાં ગઈ તો એક માણસે એને પકડી લીધી. એ સિવાય ઘરમાં એક બીજો પુરુષ અને એક સ્ત્રી હતાં. બંને પુરુષોએ એના પર બળાત્કાર કર્યો અને પછી બેહોશ વૈદેહીને ગટરમાં ફેંકી આવ્યા. પોલીસે વૈદેહીને હૉસ્પિટલ પહોંચાડી. પોલીસને એણે ફરિયાદ નોંધાવવાની ના પાડી. હૉસ્પિટલમાં વૈદેહીની આસપાસના પલંગોમાં બીજી વૈદેહીઓ પડી હતી. હૉસ્પિટલમાં વાત ફેલાઈ ગઈ. સ્ત્રીઓ એને જાતભાતની સલાહો આપવા લાગી. મા-બાપ, ભાઈ આવીને એને ઘરે લઈ ગયાં. એમને લાગે છે કે આબરૂની ધૂળધાણી થઈ ગઈ!! આખી ઘટના વૈદેહીના નામ વગર અખબારમાં આવી. નયન બે જણાંને લઈને આવ્યો પેલા બળાત્કારીઓનો પત્તો મેળવવા. વૈદેહી તેમની સાથે ગઈ, જગ્યા બતાવી. વળતાં પોલીસ ફરિયાદ નોંધાવી ઘરે આવી. ઘરે કિરાત આવીને બેઠો હતો. એ લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો હતો. વૈદેહીએ એને કહ્યું કે કાલે વિચારીએ. બીજે દિવસે કિરાતને મળવા જતાં એને થયું કે બળાત્કારની ઘટનાની વાત એને કરવી કે નહીં? હકીકત જાણ્યા પછી કિરાત એને સ્વીકારશે? કિરાતે વૈદેહીને આવકારી, પોતાનું ઘર બતાવ્યું. એક સાડી ભેટ આપી. વૈદેહીએ કિરાતને પૂછ્યું ‘કોઈ પર બળાત્કાર થયો હોય તો તે સ્ત્રીને સ્વીકારો ખરા? કિરાતને છાપામાં નામ વગર આવેલી ઘટના વૈદેહી સાથે જ ઘટી હતી તે સમજાયું. કિરાત વૈદેહીને સ્વીકારે છે. વૈદેહી કિરીટને ત્યાં જઈને તેની હેસિયત સમજાવે છે અને કહે છે કે ‘હું કાલથી નહીં આવું. તમારા દુશ્મન કિરાત સાથે લગ્ન કરવાની છું.’ લેખક નવલકથાના અંતમાં વાચકોને કહે છે કે મેં તમારી તન-મન-ધનથી સેવા કરી છે.

*

આ છે ‘વૈદેહી એટલે જ વૈદેહી’ કથાનું વિહંગાવલોકન. પરંતુ કથા કંઈ આમ સીધી રીતે કહેવાઈ નથી. લેખક આ કૃતિમાં વચ્ચે વચ્ચે લેખક, વાચક અને વિવેચક તરીકે અનેકવાર પ્રવેશે છે. ક્યારેક, જેમ છાપામાં આવતી ચાલુ નવલકથાઓમાં બને છે તેમ, વાચક તરીકે અભિપ્રાય આપે છે, કથાને કઈ દિશામાં લઈ જવી તેનાં સૂચન કરે છે અને ક્યારેક લેખક પર ગુસ્સો પણ કરે છે. ક્યારેક લેખક તરીકે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરે છે તો ક્યારેક વિવેચક બની પોતાની જ ટીકા કરે છે!! લેખકનો આ સભાન પ્રયોગ છે. લેખક વૈદેહીની કથાનું ઓઠું લઈને સમાજમાં ફેલાયેલા બીજાં અનેક અનિષ્ટો વિષે સંકેત કરે છે. યુવાનો માવા-ડ્રગ્સ જેવાં વ્યસનો તરફ વળી ગયાં છે. સમાજમાં સ્ત્રીને દબાવીને રાખવામાં આવે છે. ડૉક્ટરો લોકોને લૂંટે છે, શૈક્ષણિક સંસ્થાઓ રાજકારણના અડ્ડા બની ગઈ છે. બિલ્ડરો ગરીબોની જમીનો પડાવી લઈને એમને બેઘર કરે છે ને કરોડપતિ બની જાય છે, કોઈ છોકરાને ટોળું ઢોર માર મારે છે તે જોઈને કોઈ એને બચાવવા જતું નથી. ગમે ત્યારે શહેરમાં હુલ્લડ ફાટી નીકળે છે, દુકાનો સળગાવાય છે, લૂંટફાટ ચાલે છે, બળાત્કાર થાય છે. લેખક આવી અનેક ગંભીર સમસ્યાઓ ચીંધી બતાવે છે. ખાસ તો સ્ત્રીની અવદશા આ કૃતિના કેન્દ્રમાં છે. લોકોને આજે પણ અક્ષત યોનિ પત્ની જોઈએ છે. છોકરી જો ગરીબ ઘરની હોય તો તેના લગ્નમાં વિલંબ થાય છે. યુવા છોકરીઓનું નોકરીનાં સ્થળોએ શોષણ થાય છે. કોઈને બુદ્ધિશાળી, તેજસ્વી અને ભણેલી-ગણેલી પત્ની જોઈતી નથી. સંસ્થાઓમાં ભોળી છોકરીઓ દ્વારા કોઈને બદનામ કરવાના કારસા થાય છે. જાહેરખબરોમાં સ્ત્રીને વિકૃત રીતે દર્શાવે છે. લેખકે સાહિત્ય વિષેની ધારણાઓની પણ ઠેકડી ઉડાડી છે. જેમ કે નવલકથા ઓછામાં ઓછી બસો પાનની હોવી જ જોઈએ, ઈશ્વર જેમ આ સૃષ્ટિમાં દેખાતો નથી તેમ લેખક પણ એની નવલકથામાં દેખાવો ન જોઈએ, નવલકથાનો અંત નાટ્યાત્મક હોવો જોઈએ વગેરે. આ નવલકથાની ભાષા પણ ધ્યાન ખેંચે છે. લેખક જ્યાં જરૂર પડે ત્યાં ‘વિસ્ફોટિકા’ – ‘વડોપંડો’ જેવા નવા શબ્દો સર્જી લે છે. વૈદેહી સ્નાન કરે છે ત્યારે પ્રયોજાયેલી ભાષા ઘણી પ્રગલ્ભ છે. કોઈનું મોડું લગ્ન થાય તો લેખક લખે છે – ‘છેવટે ચોત્રીસ-પાંત્રીસ વર્ષની ઉંમરે જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન કરવાનો વારો આવે’. શિરીષભાઈએ પ્રયોજેલી ભાષા ચોંકાવે છે. વૈદેહી સીતાજીનું નામ. જનક રાજા વિદેહ કહેવાતા હતા; દેહમાં હોવાં છતાં દેહભાવથી પર. વૈદેહીને લંકામાં રહીને આવ્યાં તેથી અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું. લેખકે એ ઘટનાને આ કૃતિમાં જુદી રીતે ખપમાં લીધી છે. વૈદેહીને બળાત્કારનો ભોગ બનવું પડ્યું. વૈદેહી પ્રથમવાર કિરાતને મળવા જતાં પહેલાં નહાતી વખતે અનુરાગથી પોતાના અંગોને અનુભવે છે અને બળાત્કાર થયા પછી ઘસી ઘસીને નહાય છે ત્યારે જાણે દેહ પર લાગેલા કલંકને ધોવા મથે છે. આ બે ઘટનાઓ વૈદેહીની મનઃસ્થિતિ દર્શાવી આપે છે. જોકે અહીં બળાત્કાર પીડિત નારીના સ્વીકારની એક શક્યતા દર્શાવી સમાજના બદલાતાં માનસનો પરિચય કરાવ્યો છે. શિરીષભાઈએ નવલકથા લેખનની પ્રચલિત માન્યતાઓ તોડી આ પ્રયોગ કર્યો છે. આ કૃતિમાં એક જ ઘટનાના બે-ત્રણ વિકલ્પો આપ્યા છે. જેમ કે કિરાત વૈદેહીને સ્વીકારશે કે નહીં તેનું જુદી જુદી ત્રણ રીતે વર્ણન કર્યું છે. એવું જ બળાત્કારની ઘટના વખતે ઉપસ્થિત બે પુરુષ સાથેની સ્ત્રી કેવી રીતે વર્તશે? એ પુરુષોનો સાથ આપશે, તટસ્થ રહેશે કે વૈદેહીને બચાવશે? એમ ત્રણ રીતે ઘટના આલેખી છે. ગુજરાતી વાર્તાઓમાં કેટલીક વાર્તાઓ એક કરતાં વધુ અંતવાળી લખાઈ છે તેનું સ્મરણ થાય. લેખકે કપટી કુટ્ટનીની વાર્તા દ્વારા સમાજમાં સેક્સ વિષેની ભ્રામક માન્યતાઓ દર્શાવી છે. સુમન શાહે નોંધ્યું છે કે ‘શિરીષ પોતે તો આને ફરીથી અડી શકશે જ નહીં. અન્ય નવલકથાકારો એના ઉઘાડા અનુકરણ-સંભવે જ નહીં અડે! ઈટ ઇઝ ફોર ધ લાસ્ટ! સુમન શાહના આ અભિપ્રાય સાથે સમ્મત હોવા છતાં અંતમાં કહેવું છે કે સાહિત્યમાં, ભલે બીજું કોઈ લખે કે ના લખે તેની ચિંતા કર્યા વિના, આવા પ્રયોગો થતા રહેવા જોઈએ.

ડૉ. દીપક રાવલ
નિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ,
ગુજરાતી વિભાગ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા
પૂર્વ આચાર્ચ આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, ખેડબ્રહ્મા અને
ફાઇન આટ્ર્સ ઍન્ડ આટ્ર્સ કૉલેજ, પાનલપુર
વાર્તાકાર, વિવેચક, અનુવાદક
મો. ૯૯૯૮૪૦૨૨૬૪
Email: ravaldipak૩૪@gmail.com