નવલકથાપરિચયકોશ/સોનાની દ્વારિકા

૧૪૬

‘સોનાની દ્વારિકા’ : હર્ષદ ત્રિવેદી

– વિપુલ પુરોહિત
Sonani Dwarika.jpg

‘સોનાની દ્વારિકા’, પ્ર. આ. ૨૦૧૭ પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન, અમદાવાદ. પ્રસ્તાવના : ‘સોનાની દ્વારિકા’ : ‘ઝૂલ, ઝાલાવાડ ઝૂલ’ – કિરીટ દૂધાત નવલકથા સર્જકનો પરિચય : ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં હર્ષદ ત્રિવેદીનું પ્રદાન એકાધિક સાહિત્ય સ્વરૂપોમાં રહ્યું છે. મૂળે ઝાલાવાડ પ્રદેશના વતની એવા હર્ષદ ત્રિવેદીનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું ખેરાળી ગામ છે. તારીખ ૧૭, જુલાઈ ૧૯૫૮માં તેમનો જન્મ. માતા શશીકલાબહેન અને પિતા અમૃતલાલ ત્રિવેદી. કવિતા, શિક્ષણ અને કલાનાં સંસ્કારો કુટુંબ પરિવારમાંથી જ મળ્યાં. પિતા અમૃતલાલ ત્રિવેદી ‘રફીક’ કવિતાઓ લખતા. નખશિખ કવિહૃદય. નાના એવા ગામમાં શિક્ષિત-બ્રાહ્મણ પરિવાર તરીકે માન-મોભો સારો. ઘરે નાનું પણ સમૃદ્ધ ગ્રંથાલય અને નિયમિત આવતાં સાહિત્યિક સામયિકોએ તેઓની સર્જકતાને સંકોરવાનું કામ કર્યું. ‘ભા’ એટલે કે દાદા – રાજારામ ત્રિવેદી કહેવાતા. રાજપરિવારમાં સેવામા હતા. પિતા અમૃતલાલના મોટાભાઈ બાજુના ગામ લીમલીની બુનિયાદી શાળામાં હેડમાસ્તર. હર્ષદ ત્રિવેદીનું પ્રાથમિક શિક્ષણ ખેરાળી અને લીમલીની નિશાળોમાં થયું. દાદા સંસ્કૃતના પ્રકાંડ પંડિત અને પિતા કવિ હોવાના કારણે મીનપિયાસી, દિલીપ રાણપુરા, ઉમાશંકર જોશી, મકરંદ દવે, મનુભાઈ ‘ગાફિલ’ વગેરે અનેક સર્જકો-કલાકારો તેમના ઘરે આવતા તેનો પ્રભાવ પણ જાણ્યે-અજાણ્યે હર્ષદ ત્રિવેદીની સર્જક્તાએ ઝીલ્યો હોવાનું અનુમાન કરી શકાય. દાદી ધોળીમાનો પણ એવો જ ગાઢ પ્રભાવ. પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના શિક્ષકોને કારણે સાહિત્ય સાથે સગપણ મુગ્ધ વયે જ થઈ ગયું. સુરેન્દ્રનગરની કૉલેજમાં સ્નાતક અભ્યાસ પૂર્ણ કરી અમદાવાદમાં અનુસ્નાતક અભ્યાસ(ગુજરાતી-હિન્દી)ની સમાન્તરે સાહિત્ય સર્જનની પ્રવૃત્તિ પણ ખીલતી ગઈ. ખાસ કરીને કવિતાસર્જનની. ‘બુધસભા’ની સંગતને કારણે કવિતા અંગે શુદ્ધ અને સાચી સમજણ વિકસી. રમણલાલ જોશી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, કુમારપાળ દેસાઈ, સુમન શાહ વગેરે શિક્ષકો પાસે ગુજરાતી ભાષા-સાહિત્યનો અભ્યાસ કરવા ઉપરાંત ભોળાભાઈ પટેલ, રઘુવીર ચૌધરી અને અંબાશંકર નાગર જેવા વિદ્વદ્જનો પાસે હિન્દી ભાષા-સાહિત્યનો અભ્યાસ કરવાનું સદ્ભાગ્ય હર્ષદ ત્રિવેદીને મળ્યું છે. જૈન મંદિરમાં પૂજારી, જૈન પાઠશાળામાં કામચલાઉ શિક્ષક, ઇલેક્ટ્રિકની દુકાનમાં છૂટક કામગીરી – જેવાં કામો કરીને વિદ્યા-અભ્યાસની સાથે કાવ્યસર્જનની પ્રવૃત્તિ પણ કરતા રહ્યા. ઈ.સ. ૧૯૮૧માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યકોશના સંપાદકીય વિભાગમાં સંશોધન સહાયક તરીકે કામગીરી કરી. સાહિત્ય પરિષદમાં કારોબારી સભ્ય, મંત્રી, પ્રકાશનમંત્રી એવી જવાબદારીઓ સાથે વખતોવખત ઉમદા કામ કર્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમીમાં પ્રૂફરીડર અને સંપાદનની તાલીમ હસુ યાજ્ઞિક પાસેથી મેળવી સજ્જ થયા. ૧૯૯૫માં ‘શબ્દસૃષ્ટિ’ સામયિકના સંપાદક બન્યા અને ઉત્તમ સમ્પાદકીય સૂઝ સાથે ગુજરાત સાહિત્ય અકાદમીના આ સામયિકને કીર્તિ અને ગૌરવ અપાવ્યાં. છેવટે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર પદેથી વર્ષ ૨૦૧૪માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તેમની ઘણી કૃતિઓ-કવિતાઓ અંગ્રેજી, મરાઠી, બંગાળી સિંધી, કન્નડ જેવી ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ છે. સાહિત્ય અકાદેમી, દિલ્હી તેમજ નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી જેવી સાહિત્યિક સંસ્થાઓમાં સલાહકાર સમિતિના સભ્ય તરીકે પ્રશંસનીય સેવાઓ આપી છે. કેન્દ્રિય હિન્દી નિર્દેશાલય, દિલ્હીના હિન્દી-ગુજરાતી શબ્દકોશમાં પરામર્શક તરીકે પણ સેવા આપી છે. યશવંત પંડ્યા રચિત અને સતીષ વ્યાસ દિગ્દર્શિત ‘ઝાંઝવા’ એકાંકીમાં મુખ્ય પાત્રનો અભિનય પણ કર્યો છે. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર રહ્યા એ વર્ષોના કાર્યકાળમાં ગુજરાતી ભાષાના કેટલાય સારસ્વતો વિશેની લઘુફિલ્મોનું કલામય પરિકલ્પના સાથે નિર્માણ કરાવી મૂલ્યવાન દસ્તાવેજીકરણ કર્યું છે. વર્તમાનમાં ગાંધીનગરમાં સાહિત્ય સર્જન અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં નિજાનંદથી પ્રવૃત્ત રહી જીવી રહ્યા છે. સાહિત્ય સર્જન : કવિતા : ‘એક ખાલી નાવ’ (૧૯૮૪), ‘રહી છે વાત અધૂરી’ (૨૦૦૦), ‘તારો અવાજ’ (૨૦૦૩), ‘તમે ખરા!’ (૨૦૧૭), ‘ઝાકળમાં ઘર’ (સમગ્ર કવિતા) (૨૦૧૭) વાર્તા : ‘જાળિયું’ (૧૯૯૪), ‘મુકામ’ (૨૦૨૦) નવલકથા : ‘સોનાની દ્વારિકા’ (૨૦૧૭) બાળવાર્તા : ‘પાણીકલર’ (૧૯૯૦) રેખાચિત્ર : ‘સરોવરના સગડ’ (૨૦૧૮) લલિતનિબંધ : ‘માંડવીની પોળના મોર’ (૨૦૨૦) વિવેચન-આસ્વાદ : ‘શબ્દાનુભવ’ (૨૦૦૭), ‘કંકુચોખા’ (લોકગીત-આસ્વાદ) સંપાદન : ‘ગુજરાતી કવિતાચયન : ૧૯૯૧’ (૧૯૯૨), ‘સ્મરણરેખ’ (૧૯૯૭), ‘ગઝલશતક’ (૧૯૯૯), ‘ગૂર્જર અદ્યતન નિબંધસંચય’ (ભોળાભાઈ પટેલ સાથે-૧૯૯૯), ‘૧૯૯૮ની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૯૯), ‘તપસીલ’ (૧૯૯૯), ‘લાલિત્ય’ (૨૦૦૦), ‘૨૦૦૦ની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૨૦૦૧), ‘વેદના એ તો વેદ’ (૨૦૦૧), ‘દલિતસાહિત્ય’ (૨૦૦૩), ‘અલંકૃતા’ (૨૦૦૫), ‘કાવ્યાસ્વાદ’ (૨૦૦૬), ‘નવલકથા અને હું’ (૨૦૦૭), ‘રાજેન્દ્ર શાહનાં સૉનેટ’ (૨૦૦૭), ‘અસ્મિતાપર્વ : વાક્ધારા ગ્રંથ ૧ થી ૧૦’ (૨૦૦૮), ‘ટૂંકી વાર્તા અને હું’ (૨૦૦૯), ‘પાંચ દાયકાનું પરીદર્શન’ (૨૦૧૦), ‘Silver Glimpses from Shabdasrushti Selections from modern Gujarati prose’ (૨૦૧૩), ‘અસ્મિતાપર્વ : વાક્ધારા ગ્રંથ ૧૧ થી ૧૫’ (૨૦૧૪), ‘નાટક અને હું’ (૨૦૧૪), ‘કવિતા અને હું’ (૨૦૧૪), ‘નિબંધ અને હું’ (૨૦૧૪), ‘અસ્મિતાપર્વ : વાક્ધારા ગ્રંથ ૧૬ થી ૨૦’ (૨૦૧૮), ‘રાજેન્દ્ર શાહની સમગ્ર કાવ્યસૃષ્ટિ ગ્રંથ ૧ થી ૩’ (૨૦૧૮) સામયિક સંપાદન : ‘સંક્રમણ’ (કવિતાનું અનિયતકાલીન) (૧૯૮૮થી ૮૯), ‘ઉદ્ગાર’ (આર. આર. શેઠની કંપનીનું મુખપત્ર), ‘શબ્દસૃષ્ટિ’ (૧૯૯૫થી ૨૦૧૪) સન્માન : ‘એક ખાલી નાવ’ સંગ્રહ માટે કવિશ્રી જયંત પાઠક પુરસ્કાર (૧૯૯૨), કવીશ્વર દલપતરામ એવૉર્ડ (૨૦૧૩), ‘કંકુચોખા’ માટે કુમારચંદ્રક (૨૦૧૬), નાનુભાઈ સૂરતી પારિતોષિક (૨૦૨૩) નવલકથાનું કથાનક : ‘સોનાની દ્વારિકા’ શીર્ષક ભ્રમિત કરે તેવું છે. નામ પરથી કોઈ અનુમાન લગાવે કે આ કૃષ્ણ અને તેની દ્વારિકાની કથા હશે તો તે થાપ ખાઈ જાય એમ છે કારણ કે આ શીર્ષક પ્રતીકાત્મક છે. સ્વર્ગથી ય વ્હાલી જન્મભૂમિની કથા રચવાનું મન કોને ન થાય? ‘સોનાની દ્વારિકા’માં એક પ્રદેશવિશેષને કેન્દ્રમાં રાખી પ્રાદેશિક નવલકથા રચવાનો હર્ષદ ત્રિવેદીનો પ્રયાસ છે. અહીં ‘હરિની હથેળી’ જેવો પ્રદેશ, નામે ‘ઝાલાવાડ’- સુરેન્દ્રનગરનાં લક્ષણ વિશેષોને કથાના સૂત્રમાં આલેખિત કરવાનો ઉદ્યમ સર્જકે કર્યો છે. ‘પૂર્વકથન : વતનરાગ’માં હર્ષદ ત્રિવેદીએ આ કથા રચાયા પાછળનો એક સૂક્ષ્મ ઉદ્દેશ સ્પષ્ટ કરી આપ્યો છે. વતનભૂમિ ઝાલાવાડને કેન્દ્રમાં રાખીને રચાયેલી આ કથામાં કોઈ એક મુખ્ય કથાસૂત્ર નથી. નવલકથાકારે જાણે કે પ્રદેશને જ કથાસૂત્ર બનાવવાનો મનસૂબો રાખ્યો હોય તેમ અહીં પ્રદેશની આસપાસ બનતી-ઘટતી પરિસ્થિતિઓને જુદાં જુદાં ચરિત્રોની ભાવસ્થિતિઓ સાથે સંયોજીને કથાપ્રવાહ વહેતો રાખવાનો પ્રયાસ કર્યો છે. અહીં નાનાં-મોટાં એકાધિક કથાબિંદુઓ છે. કરુણાશંકર માસ્તરનો ભીખલો, મૂળે તો વિદ્યાધર આ કથાનો મુખ્ય કથક છે. તેના મનમાં સ્મૃતિઓનાં નાનાવિધ પડળોમાં સચવાઈને ડૂબેલી ‘દ્વારિકા’(સખપર-ઝાલાવાડ)ની આ કથા અઢારેય વર્ણ અને તેર તાંસળીની માનવસહજ નરવાઈ-ગરવાઈ અને નબળાઈ સાથે અહીં સર્જનાત્મક આવિષ્કાર પામી છે. સખપર ગામનાં શેરી-ચોરા અને સીમ-શેઢાની સીમાઓને વિસ્તારતી સુરેન્દ્રનગર, અમદાવાદ અને ઉમરગામ-મુંબઈ સુધી પથરાતી આ કથા મૂળે તો સખપરને જ કેન્દ્રબિન્દુ ગણીને ચાલી છે. સખપર ગામની પ્રાથમિક શાળાના માસ્તર કરુણાશંકર અને સરપંચ ગમ્ભા (ગંભીરસિંહ)ની વિધાયક જુગલબંદીમાં વીસમી સદીના પાંચમા-છઠ્ઠા દાયકાનું ગ્રામીણ જનજીવન આ કથાનું એક મહત્ત્વનું બિંદુ બન્યું છે. ગામનાં સુખ અને દુઃખને જાણતાં-સમજતાં આ બે પાત્રોની આંગળી ઝાલીને નવલકથાનાં બીજાં કથાઘટકો ચાલ્યાં છે. ઉકો ચમાર, ભૂરો ભંગી કે દાના વણકરની જીવનકથની આલેખીને સર્જકે આ કથાને એક સામાજિક પરિમાણ આપવાનો પ્રયાસ કર્યો છે. ઉકો-રામી-જાયમલ અને તુલસીનું કથાનક આ નવલકથાને રસપ્રદ શરૂઆત આપે છે. તાલુકા પંચાયતના પ્રમુખ અને પછી વિધાયક બનતા અનોપચંદભાઈ, ગમ્ભા અને તુલસીના કથાનકમાં રાજકીય પરિમાણ ઊપસ્યું છે. જાદવજી મેરાઈ-રસીલા અને દુલાની કથા તો વળી ખૂબ જ રોચક રીતે અહીં નિરૂપિત થઈ છે. રામલીલાના કલાકાર બોથાભાઈ, ઉત્તર ગુજરાતનાં બહુરૂપી વેશધારી ગંગારામ-અંબારામ, અલીદાદા ને અસગરચાચા કે પછી પેમા મા’રાજનાં કથારૂપોમાં મુખ્ય કથાસૂત્ર સખપર ગામની સંનિધિએ વણાતું ચાલે છે. વરસાદી પૂરમાં ફસાયેલાં કરુણાશંકર અને તેમના મોટાભાઈનાં બચાવ અને શિક્ષકોનાં પગારની થેલીની ચોરીનો પ્રસંગ પણ આ નવલકથામાં નોંધપાત્ર બન્યો છે. ટેલિફોન ઓપરેટર જિત અને સુમિત્રાની નાનકડી પ્રણયકથા પણ આ નવલકથાનું એક કથાઘટક બની રહ્યું છે. નવલકથાના ઉત્તરાર્ધમાં આવતી કાનજીભાઈ અને કાન્તાબહેનની સ્નેહમય શિક્ષણકથા રોચક બની છે. મુંબઈના ગર્ભશ્રીમંત વણિક પરિવારની દીકરી કાન્તાબહેન અને અભાવોની વચ્ચે ઊછરેલા પશુપાલક સમાજના કાનજીભાઈની વિશુદ્ધ સ્નેહકથા ભાવકના સમભાવનું કારણ બની છે. ઓલિયા બની જીવતા આ ભેખધારીઓની સંઘર્ષકથા જીવનવિધાયક બળ પૂરું પાડવા સક્ષમ છે. આ કથામાં ઉપકથા બનીને આવતું પાગલ પ્રભુનું કથાનક પણ સ્પર્શી જાય તેવું છે. સખપર ગામના નાના-મોટા પ્રસંગો સાથે કરુણાશંકર માસ્તર અને તેમનાં પત્નીના દામ્પત્યસ્નેહની કથા પણ સંયત સૂરમાં સરસ આલેખન પામી છે. કથાનાં અંતમાં શિક્ષણ વિભાગના અધિકારી પાંડોરસાહેબની ભ્રમરવૃત્તિ અને રબારી સમાજમાંથી આવતી સંતોકની પરોપકારી વૃત્તિને નિરૂપતાં કથાઘટકો પણ આસ્વાદ્ય તો બન્યાં છે. પ્રજાવત્સલ વિધાયક અનોપચંદનું અવસાન થતાં સમગ્ર ઝાલાવાડ પંથમાં પલટાતો રાજકીય પવન અને એમાં માસ્તર કરુણાશંકરની દૂરંદેશી મુત્સદ્દીનું કથાનક રાજકીય તાણાવાણા રચે છે. પાંત્રીસમા પ્રકરણમાં આવતી જગમાલની કથા જાણે બદલાઈ રહેલા રાજકીય-સામાજિક જનજીવનની પૂર્વભૂમિકા બની ગઈ છે. નવલકથાનું અંતિમ છત્રીસમું પ્રકરણ ભૂતકાળમાંથી સરીને ફરી પાછું વર્તમાનમાં આવી જાય છે. વિસરાઈ ગયેલી સોનેરી સ્મૃતિઓની દ્વારિકાનાં ગહન ઊંડાણોમાં એક ભાવમય યાત્રા કર્યાનો અનુભવ અહીં વ્યંજિત કરવાનો કીમિયો સર્જકે કર્યો છે. જાણે પ્રથમ પ્રકરણ સાથે અનુસંધાન કરવા જ આ પ્રકરણ રચાયું હોય એમ લાગે છે. નવલકથા લેખન પદ્ધતિ : ‘મારે પણ હતી એક દ્વારિકા, ધમરખ સોનાની’ કથક ભીખલા-વિદ્યાધરના આ ઉદ્ગાર સાથે પ્રથમ પ્રકરણમાં પ્રથમ પુરુષની કથનરીતિથી શરૂ થતી આ કથા પછી તો તરત સર્વજ્ઞ કથનરીતિમાં સરી જાય છે. કથક-લેખક એક બનીને આખી કથા આલેખતાં હોય એવું લાગે છે. વચ્ચે ક્યારેક થોડી વાર માટે કોઈ એકાદ-બે ઉપકથામાં કથક-ભીખલાની હાજરી આવે પણ એ ય તે જાણે અન્યની વાત કહેવા જ. છેક અંતિમ પ્રકરણમાં ફરી કથનરીતિનો દોર મૂળ કથક ભીખલાના હાથમાં આવે ત્યારે તો કથા જાણે કે સર્જકના હાથમાંથી સરી ગઈ હોય એવી પ્રતીતિ થાય છે. આરંભ અને અંતના પ્રકરણ નવલકથામાં ઓગળી શક્યા નથી. રચનારીતિની દૃષ્ટિએ એ ઘણું કૃતક લાગે છે. પ્રકરણ ૨થી ૩૫ સુધી સર્વજ્ઞ કથનમાં અનેકાનેક કથાઘટકોમાં પ્રવાહિત રહેતી આ કથા તેનાં કથન-વર્ણનની પ્રભાવકતા સિદ્ધ કરે છે. નવલકથાની વિશેષતા : સમકાલીન ગુજરાતી નવલકથાઓમાં ‘સોનાની દ્વારિકા’ ઘણી બધી રીતે નોખી-અનોખી છે. ‘સોનાની દ્વારિકા’ જેવું ચિર-પરિચિત અને સામાન્ય શીર્ષક હોવા છતાં આ નવલકથા અસામાન્ય પુરવાર થાય તેવી સક્ષમ છે. મનનાં અતલ ઊંડાણોમાં ડૂબેલી સુવર્ણમય સ્મૃતિઓની આ કથા છે. ‘સોનાની દ્વારિકા’ શીર્ષક અહીં પ્રતીક બન્યું છે. સોના જેવા મૂલ્યવાન સમય અને દ્વારિકા(સખપર) સમા તીર્થસ્થાનને વ્યંજિત કરતી આ ઝાલાવાડ પ્રદેશની વિશિષ્ટ જનકથા બનીને ઊપસી છે. અહીં સળંગ એક કથાસૂત્રમાં વણાઈને આવવાને બદલે કથા નાનાં-મોટાં વૃત્તાંતોમાં અભિવ્યક્ત થઈ છે. એ વૃત્તાંતો આસ્વાદ્ય બની શક્યાં તેમાં સર્જકની અને કથાની સિદ્ધિ છે. સર્જક હર્ષદ ત્રિવેદીને વાર્તાલેખનનો અનુભવ હોવાને કારણે આ પહેલી જ નવલકથા હોવા છતાં કથામાં વૃત્તાંતોનું આલેખન કરતાં તેમને બરાબર આવડ્યું છે. ‘સોનાની દ્વારિકા’ એક અર્થમાં જુદાં જુદાં ચરિત્રોની કથા છે. અહીં જે થોડાં ચરિત્ર-વિશેષો આસપાસ કથાનકો ઉપસાવીને સર્જકે એક કથાવિશેષ રચવાનો સર્જનાત્મક ઉદ્યમ કર્યો છે તે ધ્યાનપાત્ર ઠરે છે. માસ્તર કરુણાશંકર, સરપંચ ગમ્ભા-ગંભીરસિંહ, ધારાસભ્ય અનોપચંદ, નખશિખ શિક્ષક દંપતી કાનજીભાઈ અને કાન્તાબહેન, ઉકો અને રામી, તેનો દીકરો તુલસી, જાદવજી-રસીલા અને દુલો, પેમામા’રાજ અને બહુરૂપી બંધુઓ, બોથો કોળી, લવજી લુહાર અને જમનાકાકી તેનો દત્તક લીધેલો પુરુષમાં નહિ એવો પુત્ર અશોક, અલીદાદા અને અસગરચાચા, પાન્ડોરાસાહેબ, સંતોક અને હીરાનું નારીહૃદય, જિતુ અને સુમિ- એમ કંઈ કેટલાંય પાત્રોનાં સજીવ સંવેદન મઢી મુદ્રાઓ અંકિત કરીને હર્ષદ ત્રિવેદીએ આ કથાને રોચક બનાવી છે. હર્ષદ ત્રિવેદીની પાત્રાલેખન કળા ‘સોનાની દ્વારિકા’નો એક સર્જનાત્મક વિશેષ બની રહે છે. આ નવલકથાની બીજી એક નોંધપાત્ર વિશેષતા તેની ભાષાશૈલી છે. ઝાલાવાડ-સુરેન્દ્રનગર પંથકની તળબોલીના અનુભવી જાણતલ એવા હર્ષદ ત્રિવેદીએ આ કથામાં ભાષા-બોલીના વિશિષ્ટ પ્રયોગો થકી ભાવકોને પ્રભાવિત કર્યા છે. કથન-વર્ણન અને સંવાદની પ્રયુક્તિઓ થકી આ નવલકથાનું ગદ્ય વિલક્ષણ બન્યું છે. લોકબોલીના લય-લહેકા અને રણકાઓનો તળપદીય મિજાજ આ કથામાં આસ્વાદ્ય બન્યો છે. વાણીની સહજતા, તિર્યકતા અને રસાળતા આ નવલકથાની ભાષાભિવ્યક્તિની સફળતા બની છે. દૃશ્યાત્મક અને નાટ્યાત્મકતાનો ગુણ ધરાવતી આ નવલકથાની ભાષા ક્યાંક ક્યાંક કાવ્યાત્મક પણ બની જઈ સર્જકની કવિપ્રતિભાની પ્રતીતિ કરાવે છે. આ નવલકથામાં સર્જકનું વ્યાપક જીવનદર્શન સ્પષ્ટ છે. અહીં સર્જકે જીવનમાંગલ્યનો મહિમા કર્યો છે. અસદ્ અને અશુભની સામે જાણે સદ્ અને શુભની કામના અને સિદ્ધિ આલેખી છે. શિક્ષણ કરતાંય આ કૃતિમાં જીવનકેળવણીનો મર્મ કથામાં ઉચિત રીતે વિગલન પામ્યો છે. અભાવો, કુંઠાઓ અને સંઘર્ષોની વચ્ચે પણ મ્હોરતાં-મહેકતાં જીવનઆનંદની આ કથા સર્જક હર્ષદ ત્રિવેદીના વિધેયાત્મક દૃષ્ટિકોણને સબળ રીતે વ્યંજિત કરે છે. નવલકથાનો પ્રકાર : ‘સોનાની દ્વારિકા’ એક વિશિષ્ટ પ્રદેશને કેન્દ્રમાં રાખીને રચાયેલી સામાજિક નવલકથા છે. પ્રાદેશિક નવલકથા તરીકે ઓળખી શકાય તેવી ઘણી શક્યતાઓ આ કૃતિમાં જોવા મળે છે. કોઈ એક નાયક કે નાયિકાને કેન્દ્રમાં રાખીને તેમના જીવનની કથા કહેવાને સ્થાને અહીં સર્જક એક આખા પ્રદેશના સમાજને કથામાં આલેખવાનો જે સર્જનાત્મક ઉદ્યમ કરે છે તે અભિનંદનને પાત્ર તો ઠરે જ છે. અલબત્ત હજુ વધુ સુદૃઢ આકારમાં આ કથા આવી શકી હોત. ઝાલાવાડ પ્રદેશની સામાજિક ઓળખ આ કથામાં જે જુદી જુદી ઉપકથાઓમાં ઊઘડી છે તે કોઈ એક વિશિષ્ટ સૂત્રમાં સંયોજાઈ હોત તો આ નવલકથાનું સાહિત્યિક મૂલ્ય વધી જાત. અઢારે વરણની રંગોળી પૂરતી આ કથામાં રંગો તો દેખાય છે પણ આકારની અસ્પષ્ટતા સહૃદયી ભાવકને થોડી કઠે તેમ છે. પરંતુ આપણી ભાષામાં પ્રદેશને કેન્દ્રમાં રાખીને રચાયેલી થોડી નવલકથાઓમાં હર્ષદ ત્રિવેદીની આ કથા પણ ધ્યાનપાત્ર બની છે તે યાદ રાખવું પડે તેમ છે. નવલકથા વિશે વિવેચક : (૧) “જેને આપણે અંગ્રેજીમાં saga (મહાવૃત્તાંત) કહીએ છીએ એવી આ કથા છે.... ....એટલે જ આ કથાનાં કોઈ એક જ નાયક-નાયિકા નથી, પણ આખો સમાજ એનાં મુખ્ય પાત્રો છે. આ બધાં પાત્રોની જુદી જુદી ઉપકથાઓ છે અને આ બધાં પાત્રો પોતાનાં કુટુંબ, ગામ અને સમાજના પરિઘમાં રહીને પોતપોતાનાં ઉપાખ્યાનો રચે છે અને એમની આવી અનેક કથાઓનો સમૂહ એકસાથે મુકાય છે ત્યારે એક ગાથા રચાય છે.” – દૂધાત કિરીટ, ‘સોનાની દ્વારિકા’ : ‘ઝૂલ, ઝાલાવાડ ઝૂલ’, પ્રસ્તાવના, પૃ. ૫–૬, ૨૦૧૭ (૨) “કથનકેન્દ્રમાં રહેલો વાર્તાકથક-લેખક કિશોરવયનો દેખાય છે અને વર્ણન-કથન કરતા સર્જકની વય સાઠેક વર્ષની છે. વાચકે આ અંતર પણ ચલાવી લેવું પડે. લોકજીવન અને એની જીવંત – જાણે કે પ્રથમ વાર પ્રયોજાતી પ્રબળ ભાષા વિવેચનની તક નથી આપતી, આસ્વાદની અવિરત ચર્વણામાં મગ્ન રાખે છે.” – ચૌધરી, રઘુવીર. ‘અઢારે વરણની રંગોળી જેવી નવલકથા : ‘સોનાની દ્વારિકા’, ‘પરબ’, પૃ. ૭૨, માર્ચ, ૨૦૧૮ (૩) “કેટલાંક વૃત્તાંતો જોતાં મને એવું લાગી રહ્યું છે કે આ લેખક રેખાચિત્રો કરવા ગયા હશે પણ એમાં સફળતા ન મળતાં કથાનકોનું વૃત્તાંતકથાઓમાં પરિવર્તન કર્યું હોય! સમગ્રપણે જોઈએ તો આ કૃતિ માટે જે અપેક્ષા હતી તે સંતોષાઈ નથી. કેટલુંક વેરવિખેર અને ક્યારેક અવાસ્તવિક લાગે તેવું છે.” – પરમાર, મોહન. ‘સોનાની દ્વારિકા : નવલકથા નહિ, પણ વૃત્તાંતકથાઓ’, ‘એતદ્’, પૃ. ૭૫, એપ્રિલ-જૂન ૨૦૧૮ (૪) “આ નવલકથાની મર્યાદા છે તેમાં રહેલ સંઘર્ષતત્ત્વનો અભાવ. આગળ કહ્યું હતું તેમ, લેખક માંગલ્યના આરાધક છે, એટલે ક્યાંય નિષ્ઠુર નથી થઈ શક્યા. કથામાં એવી કેટલીયે ક્ષણો આવી જ્યાં ભાવક ચિત્ત, તાણનો અનુભવ કરે – પણ એ બરાબર ઘૂંટાય એ પહેલાં લેખક મધુર અંત લાવી દે છે.” – શુકલ, નરેશ. ‘નોખી દિશામાં ડગલાં – સોનાની દ્વારિકા’, ‘સાહિત્યસેતુ’, નવે.-ડિસે. ૨૦૧૯

સંદર્ભ : ૧. શ્રી હર્ષદ ત્રિવેદીનું પોતાના જીવન-કવન વિશેનું વક્તવ્ય. હર્ષદ ત્રિવેદી | શબ્દજ્યોતિ| Harshad Trivedi httpsઃ//youtu.be/mbxvgm_LmkE ૨. દૂધાત, કિરીટ. ‘સોનાની દ્વારિકા’ : ‘ઝૂલ, ઝાલાવાડ ઝૂલ’, પ્રસ્તાવના, પૃ. ૫-૬, ૨૦૧૭ ૩. ચૌધરી, રઘુવીર. ‘અઢારે વરણની રંગોળી જેવી નવલકથા : ‘સોનાની દ્વારિકા’, ‘પરબ’, પૃ. ૭૨, માર્ચ, ૨૦૧૮ ૪. પરમાર, મોહન. ‘સોનાની દ્વારિકા : નવલકથા નહિ, પણ વૃત્તાંતકથાઓ’, ‘એતદ્’, પૃ. ૭૫, એપ્રિલ-જૂન ૨૦૧૮ ૫. શુકલ, નરેશ. ‘નોખી દિશામાં ડગલાં – સોનાની દ્વારિકા’, ‘સાહિત્યસેતુ’, નવે.-ડિસે. ૨૦૧૯

ડૉ. વિપુલ પુરોહિત
એસોસિયેટ પ્રોફેસર, ગુજરાતી અનુસ્નાતક વિભાગ,
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
વિવેચક, સંપાદક, સંશોધક
મો. ૯૧૦૬૫૦૬૦૯૪, Email: v૧૩purohit@gmail.com