નવલકથાપરિચયકોશ/ભ્રમણદશા
‘ભ્રમણદશા’ : મોહન પરમાર
સર્જક પરિચય : સાંપ્રત ગુજરાતી સાહિત્યજગતમાં મોહન પરમાર નામ બિલકુલ અજાણ્યું નથી. ટૂંકી વાર્તા ક્ષેત્રે પોતાનું મહત્ત્વપૂર્ણ પ્રદાન કરી ભાવક-પ્રીતિ પામેલ આ સર્જકે નવલકથા, વિવેચન, સંપાદન અને અન્ય સ્વરૂપોમાં પણ પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપેલ છે. તેમનો જન્મ ૧૫ માર્ચ ૧૯૪૮ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા ભાસરિયા ગામમાં થયો હતો. પિતાનું નામ અંબાલાલ અને માતાનું મંછીબેન. તેમણે પ્રાથમિક શિક્ષણ ભાસરિયા પ્રાથમિક શાળામાંથી પૂર્ણ કર્યું, અને માધ્યમિક શિક્ષણ લીંચ અને આંબલિયાસન ગામમાં લીધું. ૧૯૬૬માં એસ.એસ.સી. થયા. ૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય સાથે મહેસાણા કૉલેજમાંથી સ્નાતક થયા. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ૧૯૮૪માં એમ.એ. પૂર્ણ કર્યું. ચંદ્રકાંત ટોપીવાળાના માર્ગદર્શન હેઠળ ૧૯૯૪માં ‘સુરેશ જોશી પછીની ટૂંકી વાર્તાના વિશિષ્ટ આયામ’ વિષય પર શોધનિબંધ તૈયાર કરી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ તેઓએ ગુજરાત મેરિટાઇમ બોર્ડ, ગાંધીનગરના પ્રશાસનિક અધિકારી તરીકે સેવા આપી. હાલમાં તેઓ નિવૃત્ત જીવન, પ્રવૃત્ત સર્જન સાથે પસાર કરી રહ્યા છે. સાહિત્યિક પ્રદાન : નવલકથા : ‘ભેખડ’ (૧૯૮૨, ૧૯૯૪), ‘વિક્રિયા’ (૧૯૯૦, ૨૦૦૨), ‘કાલગ્રસ્ત’ (૧૯૯૦, ૨૦૦૨), ‘નેળિયું’ (૧૯૯૨, ૨૦૧૫), ‘આસ્થાફળ’ (૨૦૦૦), ‘ડાયા પશાની વાડી’ (૨૦૦૩), ‘લુપ્તવેધ’ (૨૦૦૬), ‘સંકટ’ (૨૦૧૨), ‘નજરકેદ’ (૨૦૧૬) વાર્તાસંગ્રહ : ‘કોલાહલ’ (૧૯૮૦, ૨૦૦૫), ‘નકલંક’ (૧૯૯૧, ૨૦૧૪), ‘કુંભી’ (૧૯૯૬, ૨૦૦૫), ‘પોઠ’ (૨૦૦૧), ‘અંચળો’ (૨૦૦૮), ‘હણહણાટી’ (૨૦૧૬) નાટક : ‘બહિષ્કાર’ (એકાંકી સંગ્રહ – ૨૦૦૨) વિવેચન : ‘સંવિત્તિ’ (૧૯૮૪), ‘અણસાર’ (૧૯૮૯), ‘સુરેશ જોષી પછીની વાર્તાનાં વિશેષ પરિમાણો’ (૨૦૦૧), ‘વાર્તારોહણ’ (૨૦૦૩), ‘પ્રવર્તન’ (૨૦૧૦), ‘અનુમાન’ સંપાદન : ‘ગુજરાતી દલિત વાર્તા’ (હરીશ મંગલમ્, સાથે) (૧૯૮૭), ‘૧૯૯૪ની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૯૫), ‘૧૯૯૫ની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૯૬), ‘વિશ્વકક્ષાની ગુજરાતી વાર્તા’ (મણિલાલ હ. પટેલ સાથે ૧૯૯૯), ‘દલિત વાર્તાસૃષ્ટિ’ (૨૦૦૫), ‘અનુઆધુનિક વાર્તાસૃષ્ટિ’ (૨૦૦૫), ‘કિશોર જાદવની પ્રતિનિધિ વાર્તાઓ’ (૨૦૦૯), ‘જ્યોતિષ જાનીની વાર્તાસૃષ્ટિ’ (૨૦૧૩), ‘મધુ રાયની વાર્તાસૃષ્ટિ’ (૨૦૧૪), ‘નવલિકાચયન-૨૦૦૫’ (૨૦૦૭), ‘આધુનિક વાર્તાસૃષ્ટિ’ (૨૦૧૪), ‘નિસબત’ (યશવંત વાઘેલા સાથે) (૨૦૧૦), ‘સ્વકીય’ (દલપત ચૌહાણ, હરીશ મંગલમ્ અને પ્રવીણ ગઢવી સાથે) (૨૦૧૨) સર્જકને મળેલાં પારિતોષિક અને પુરસ્કાર : (૧)‘સાંજ’ વાર્તા માટે નવચેતન ચંદ્રક-૧૯૮૭, (૨) ‘ગુજરાતી દલિત વાર્તા’ માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક-૧૯૮૭, (૩) ‘નકલંક’ વાર્તા સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું રમણલાલ પાઠક અને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક-૧૯૯૦/૯૧, (૪) ‘વાડો’ વાર્તા માટે દિલ્હીનો કથા એવૉર્ડ-૧૯૯૨, (૫) ‘પ્રિયતમા’ નવલકથાને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક-૧૯૯૫, (૬) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘કુંભી’ વાર્તાસંગ્રહને પ્રથમ પુરસ્કાર-૧૯૯૬,(૭) ‘કુંભી’ વાર્તાસંગ્રહ માટે ઉમાશંકર ઍવૉડ-૧૯૯૭,(૮)‘કુંભી’ વાર્તાસંગ્રહ માટે ઘનશ્યામ સરાફ પારિતોષિક-૧૯૯૭, (૯) ‘કુંભી’ વાર્તાસંગ્રહ ધૂમકેતુ પારિતોષિક-૧૯૯૭, (૧૦) ‘આસ્થાફળ’ નવલકથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત-૨૦૦૨, (૧૧) ‘પોઠ’ વાર્તાસંગ્રહને ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક-૨૦૦૧/૦૨, (૧૨) ‘બહિષ્કાર’ એકાંકીસંગ્રહ માટે બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક-૨૦૦૨, (૧૩) ‘ડાયા પશાની વાડી’ નવલકથા માટે ગોવર્ધનરામ એવૉર્ડ-૨૦૦૨, (૧૪) સમગ્ર દલિત સાહિત્યસર્જન માટે સંત કબીર દલિત સાહિત્ય એવૉર્ડ-૨૦૦૩, (૧૫) ‘અંચળો’ વાર્તાસંગ્રહ માટે કેન્દ્રિય સાહિત્ય અકાદમી દિલ્હીનો એવૉર્ડ-૨૦૧૧, (૧૬) જયંત ખત્રી, બકુલેશ એવૉર્ડ, કચ્છ-ભૂજ-૨૦૧૨, (૧૭) સમગ્ર સાહિત્ય સર્જન માટે પ્રેમાનંદ સુવર્ણચંદ્રક-૨૦૧૨, (૧૮) ‘સંકટ’ નવલકથા માટે પ્રિયકાન્ત પરીખ પારિતોષિક-૨૦૧૩, (૧૯) સમગ્ર સાહિત્ય સર્જન સચ્ચિદાનંદ સન્માન-૨૦૧૬, (૨૦) જોસેફ મેકવાન પુરસ્કાર-૨૦૧૬, (૨૧) સમગ્ર ટૂંકી વાર્તાસર્જન માટે મલયાનિલ એવૉર્ડ-૨૦૧૭, (૨૨) ‘સંકટ’ નવલકથા માટે નંદશકર ચંદ્રક-૨૦૧૮, (૨૩) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’-૨૦૨૧.
‘ભ્રમણદશા’ – મોહન પરમાર પ્રથમ આવૃત્તિ : ૨૦૧૬ પ્રત : ૫૦૦ પ્રકાશક : બાબુભાઈ એચ. શાહ, પાર્શ્વ પબ્લિકેશન. પ્રસ્તાવનાકાર : દલપત ચૌહાણ અર્પણ : નાથાલાલ ગોહિલ અને દાન વાઘેલાને નવલકથાનું કથાનક : કથાનાયક નિર્દેશ દેસાઈ આધુનિક સમયનો શિક્ષિત વ્યક્તિ છે ને રોડ-મકાન વિભાગ શાખાનો સરકારી ઇજનેર છે. નાત-જાતના ભેદભાવથી અલિપ્ત રહી જીવન જીવતા નિર્દેશને લલિતા સાથે પ્રેમ થઈ જાય છે. લલિતા દલિત છે. નિર્દેશના ચુસ્ત બ્રાહ્મણ કુટુંબના સભ્યોને આ સંબંધ માન્ય નથી. છતાં એ પોતાના મનની વાત માની, લલિતા સાથે લગ્ન કરે છે. જેના પ્રત્યાઘાતરૂપે પોતાના કુટુંબ સાથેનો સંબંધનો છેડો તૂટે છે. લગ્ન પછી ઘણો સમય પસાર થાય છે. હવે નિર્દેશ અને લલિતાના ઘરે એક દીકરી રુચિ પણ છે. રુચિ સ્કૂલમાં ભણે છે. બરાબર એ સમયે નિર્દેશના જીવનમાં બીજી સ્ત્રી આવે છે જેનું નામ છે દર્શના પણ નિર્દેશ એને ક્રિયા કહીને સંબોધે છે. અહીં કથામાં બીજો સંઘર્ષ રચાય છે. સમય જતાં નિર્દેશ અને ક્રિયા ખૂબ નજીક આવે છે અને બન્નેના પરિવાર વચ્ચે પણ સારો નાતો કેળવાય છે. એની પછી બનતી એક ઘટના પ્રસ્તુત કથાનો મહત્ત્વનો વળાંક છે, કહો કે કથા જે કેન્દ્રમાંથી ઉદ્ભવી એ બિંદુ છે : લલિતાનું બીજી સુવાવડ વેળા મૃત્યુ થવું. જીવથી પણ વ્હાલસોયી પત્નીનું અકાળે અવસાન થવું એ ઘાવ નિર્દેશ માટે અસહ્ય બને છે. તે પોતાનું સાનભાન સુધ્ધાં ભૂલી જાય છે. બીજી તરફ સતત સંગાથે રહેતી ક્રિયા, નિર્દેશની આ હાલત જોઈને કમકમી ઊઠે છે અને પોતાનો ભર્યોભર્યો સંસાર – પતિ અને દીકરીને – છોડી નિર્દેશ સાથે રહેવાનો પ્રસ્તાવ મૂકે છે. ત્યારે નિર્દેશ સમજદારી દાખવી ક્રિયાને ના પાડે છે અને તેની સાથેના તમામ સંબંધો છૂટા કરી પોતાની બદલી અમદાવાદથી વલસાડ કરાવે છે. દીકરી રુચિને મોટા ભાઈના ઘરે સુરત મોકલી દેવાઈ છે. એકલો અટૂલો પીડાથી ઘેરાયેલો નિર્દેશ વલસાડમાં પોતાનું આગળનું જીવન જીવવા મથે છે પણ કોઈ લય બેસતો નથી. અતીતનાં સ્મરણો સતત એને ઘેરે છે – પીડે છે. એક દિવસ એ પોતાના મકાન માલિકના ઘરની બહાર જ ફસડાઈ પડે છે. માલકિન પ્રિયંકા એની સેવા ચાકરી કરે છે ને સાથે કોઈ અદૃશ્ય રીતે એક અતૃપ્ત આ સ્ત્રી આ પુરુષ તરફ આકર્ષાય છે. ભૂતકાળનો દાઝ્યો નાયક અહીં પહેલાં જ લાલ ઝંડી આપી આ સંબંધ પર રોક લગાવે છે. પોતાના ઘાવ હજી રુઝ્યાં નથી, રુઝે એમ પણ નથી. જીવનમાં પડેલા અતીતના એ ઉઝરડા નાયકને સતત યાદ અપાવે છે. બસ એ પીડા, એ સ્મરણોની નાયક નિર્દેશ દ્વારા કહેવાતી આ કથા છે ભ્રમણદશા. કથાનું શીર્ષક ભ્રમણદશા છે જે ખરેખર નાયકના ચિત્તની ભ્રમણદશા પ્રતીત કરાવે છે. નવલકથાની લેખનપદ્ધતિ : આ લઘુનવલ નાયક નિર્દેશના કથનકેન્દ્ર ‘હું’થી કહેવાયેલી છે. કથાનો ઉઘાડ વલસાડમાં મકાન માલિકને ઘરે નાયક પથારીમાંથી બેઠો થાય ત્યાંથી થાય છે ને ક્રમશઃ પીઠ ઝબકારની શૈલીથી નાયકના ભૂતકાળના એક સમયખંડ અને પ્રસંગો રચાતા જાય છે. એક ગર્ભિત રહસ્ય કૃતિની શરૂઆથી સ્થપાય છે. મોહન પરમારની અન્ય નવલકથાઓમાં પણ આ ટેકનીક જોઈ શકાય છે. પ્રથમ પુરુષ એકવચનની કથન પ્રયુક્તિ પાત્રના આંતરચેતના-પ્રવાહમાં લઈ જવા માટે અધિકૃત છે. સ્વરૂપ પણ લઘુનવલ હોવાથી કોઈ પણ એક પાત્રની પૂરી વાત મૂકવામાં આ પદ્ધતિ કારગત નીવડે છે. ઉપરાંત આખી કથા પીઠ-ઝબકાર પ્રયુક્તિથી ચાલે છે. અતીત અને સાંપ્રતમાં ભ્રમણ કરી રહેલ સંવેદનો અહીં ઉજાગર થાય છે. ઘણી જગ્યાએ લેખકે ‘સ્વપ્ન’ અને ‘પત્ર’પ્રયુક્તિ પણ યોજી છે. નવલકથાના વસ્તુ-સંકલનમાં આ પાસાઓ મહત્ત્વનાં સાબિત થાય છે. કથા ચોક્કસ લંબાઈનાં પ્રકરણોમાં વિભાજિત છે. ને કથાબિંબ ક્યાંય શિથિલતા ધારણ ન કરે એ માટે લેખકે કોઈ પણ એક ઘટના કે એક પ્રસંગને એની જરૂરિયાતથી વધુ લંબાવ્યા નથી. કથાનો એક ચોક્કસ લય વાચક પામી શકે. સુગ્રથિત વસ્તુ-ગૂફન સર્જકની મંજાયેલ કલમનો સુપેરે પરિચય આપે છે. નવલકથાની સર્જકતા સિદ્ધ કરતાં ઘટકતત્ત્વો : આ કૃતિમાં લેખકની સબળ સર્ગ શક્તિનો પરિચય થાય છે. કૃતિનો વિષય લેખકની અન્ય નવલકથા કરતાં જરા જુદો પડે છે. અહીં દલિત સંવેદન તો છે જ. પણ એથી આ કૃતિને દલિત નવલકથાનો સિક્કો મારવો યોગ્ય નથી. અહીં દલિત કે અદલિત જેવા નામભેદ ભૂંસાય છે અને કૃતિના વિષય કેન્દ્રમાં રહે છે માત્ર એક ‘માણસ’. વિષયને પ્રયોજવાની શૈલી ને એને અનુરૂપ ભાષા માટે સર્જક સભાન છે. કથાની શરૂઆત કથાના અંતની બહુ નજીકથી થાય છે. પીઠઝબકાર પ્રયુક્તિ વડે પાત્રના અતલ ઊંડાણમાં લઈ જાય ને છતાં પાત્રના પોતીકા અવાજને એના સર્જક બિલકુલ ક્ષતિ પહોંચાડતા નથી. પાત્રની સામે તટસ્થ રહી એને પોતાના વિશ્વમાં વિહાર કરવા દેવા એ સાચું સર્જક-કર્મ. આ બહુ મોટો પડકાર છે જેમાં સર્જક પાર ઊતરે છે. કથામાં નિરૂપાયેલ સંઘર્ષો પણ ધ્યાનાર્હ છે. અતીતનું પોટલું માથે છે જેમાં માત્ર પીડા રહેલી છે. આ ભારથી નાયક પોતાને, પોતાના અસ્તિત્વને છિન્ન-વિચ્છિન્ન અનુભવે છે. આ વિચ્છિન્નતાની અનુભૂતિને અનુરૂપ પ્રસંગો સાથે ભાવક પ્રતીતિકર તાદાત્મ્ય અનુભવે છે. પાત્રને સાંપ્રતમાંથી ભૂતકાળમાં લઈ જવા વર્તમાનનાં ઘણાં આલંબન અને ઉદ્દીપન વિભાવો લેખકે યોજ્યાં છે. વર્તમાનમાં નાયક નિર્દેશ સામે રહેલ પાત્ર પ્રિયંકા એને લલિતા અને ક્રિયાની યાદ અપાવે છે. પ્રિયંકાની દીકરી નેહા પોતાની દીકરી રુચિની. આ સહોપસ્થિતિથી કથાસૂત્ર સુશ્લિષ્ટ બને છે. નવલકથાનો પ્રકાર : કૃતિને પ્રકાર-ભેદો ક્યારેય નથી ફાવ્યા. છતાં આ લઘુનવલને ચોક્કસ કોઈ પ્રકારના ચોકઠામાં ગોઠવવી હોય તો એને આપણે ‘પાત્રકેન્દ્રી મનોવૈજ્ઞાનિક નવલકથા’નું લેબલ આપી શકીએ. મુખ્ય પાત્ર નાયક નિર્દેશના મનોજગતમાં રાચતા અતીતના ખંડિત ટુકડાઓને ભેગા કરવા મથતી કથા એટલે ‘ભ્રમણદશા’. અહીં પાત્રનું મનોમંથન વિશેષ આલેખાયું છે. એની જાગ્રત અને અર્ધજાગ્રત અવસ્થા સુધી ભાવક પહોંચે છે. તો સાથે જ નિરાશા અને એકલતાથી ઘેરાયેલો નાયક આધુનિક માનવીનું બયાન પણ વ્યક્ત કરે છે. માનવ મનના અતલ ઊંડાણ તરફ દોરી જતી પાત્રના બાહ્યાભ્યન્તરમાં ડોકિયું કરવા ભાવકને પડકારતી આ લઘુનવલને ‘મનોવૈજ્ઞાનિક નવલકથા’ના પ્રકારમાં મૂકવી અયોગ્ય નહિ લાગે. નવલકથા વિશે વિવેચક : “નવલકથા પીઠ ઝબકારની છે. નિર્દેશ દેસાઈના મનમાં ચિત્રો ઊપસે છે અને વિલય પામે છે. એક ચહેરો સમાઈ જાય છે. બીજો ચહેરો ઊપસે એમાં ત્રીજો ચહેરો સમાઈ જાય છે. નાયકનો વલવલાટ, તરફડાટ, આનંદ, શોક, વિડંબના, પ્રેમ, નફરત વગેરે વગેરે અલપ ઝલપ દેખાય. ભાવક તેને પાર પામવા પ્રયત્ન કરે ન કરે ત્યાં નવું દૃશ્ય. એક દૃશ્યમાંથી અવરમાં જવાની ફાવટ લેખકનમાં સારી રીતે ઊપસી છે. પાત્રોની ભેળસેળ સ્થિતિ રચવા માટે વપરાયેલ અરૂઢ ભાષા ટૂંકી ટૂંકી ઘટનાઓ અને અવળસવળ સમયમાં ઘટેલી બાબતોના અંકોડા ભાવક મેળવી તો શકે છે જ પણ... ખંડ ખંડ વિખરાઈ પડેલી વેદના, વિચારોની ચડઊતર, કંઈક વિશેષ તાકે છે.” – દલપત ચૌહાણ (પ્રસ્તાવનામાંથી)
આકાશ આર. રાઠોડ
પીએચ.ડી. શોધછાત્ર,
ગુજરાતી વિભાગ,
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવગનર
મો. ૮૨૦૦૫૮૩૩૯૭