નવલકથાપરિચયકોશ/હુહુ

૧૩૭

‘હુહુ’ : નરોત્તમ પલાણ

– પાર્થ બારોટ
હુહુ.jpg

લેખક પરિચય : નરોત્તમ કાકુભાઈ પલાણ. જન્મ : ૧૮/૦૫/૧૯૩૫. વતન : પોરબંદર પાસે રાણી ખીરસરાગામ. અભ્યાસ : M.A, B.ED. વ્યવસાય : આચાર્ય, અધ્યાપક. સાહિત્યિક પ્રદાન : નવલકથાકાર, વિવેચક, સંશોધક, સંપાદક, પ્રવાસલેખક, ઇતિહાસવિદ, ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી-ઉપપ્રમુખ. નોંધપાત્ર પુરસ્કાર : (૧) ‘ચાલો પ્રવાસ’ નામના પ્રવાસગ્રંથને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકો મળેલાં છે. (૨) સારસ્વત સન્માન ૨૦૨૨. અધિકરણ માટે પસંદ કરેલ નવલકથાઃ નરોત્તમ પલાણકૃત ‘હુહુ’ પ્રથમ આવૃત્તિ વર્ષ : ૯ નવેમ્બર ૨૦૦૭. પસંદ કરેલ નવલકથાનું વર્ષ : બીજી આવૃત્તિ ૨૦૧૩. પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. અર્પણ : “એ મુસલમાનોને, જે હિન્દુઓ તરફ નારાજ છે અને એ હિન્દુઓને જેઓ મુસલમાનો તરફ નારાજ છે.” લેખક ગોધરાકાંડથી હચમચી ગયા હતા કે અરર! આવું કેમ થાય છે? રાજકીય લોકોને ઝઘડામાં રસ હોય છે, બાકી સામાન્ય હિંદુ મુસ્લિમ લોકોને તો ભાઈચારાને એકતામાં રસ છે. ઇતિહાસના કેટલા બધા એવા દાખલાઓ કાઠિયાવાડની ધરતી ઉપર પડ્યા છે, તેઓ પોતે ઇતિહાસના સારા જાણકાર અને અચ્છા કલમબાજ હોવાથી એ બધી વાતોને હિંદુ મુસલમાન બંનેને બોધ આપવા માટે ૧૦ મહિનાનો પરિશ્રમ વેઠી રોચક અને સુંદર નવલકથાનું સર્જન કર્યું. જૂનાગઢ અને કોટડા, કાલાવડ, કેશોદ, ધોરાજી, ઉપલેટાના નાગનાથ પરબ વાવડી, ગાદોઈ અનેક ગામોની હિંદુ મુસ્લિમ એકતાની રોચક અને બોધદાયક વાતો સુંદર રીતે વણી લીધી છે. સોમનાથથી પોરબંદર દરિયાકિનારાના ત્રિકોણની વાતથી નવલકથાની શરૂઆત થાય છે. આ નવલકથામાં મુખ્ય પાત્ર રામ છે. બીજું પાત્ર ભટ્ટજી છે, જે નાટકની મંડળી ચલાવે છે. તે નાટકમાં કામ કરતા લોકો અને અન્ય કેટલાક લોકો કાયમ માટે ધર્માલયમાં રહે છે. જેમ કે ભટ્ટજીનાં પત્ની સંતોકબા, દીકરી જોશી, ફાતેદા, ગોવાળ વગેરે ધર્માલયમાં કામ કરે. આ ધર્માલયમાં રહેવા માટે રામ આવે છે. જે જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં અભ્યાસાર્થે આવેલો હોય છે. ત્યાં તે રજૂને મળે છે અને બંને સારા મિત્રો બની જાય છે. રામ હંમેશાં આગળ પડીને કામ કરતો હોય છે એ પછી કૉલેજના કાર્યક્રમો હોય કે પછી ધર્માલયનું કામ હોય તે હંમેશાં બધાની સાથે પ્રેમભાવથી રહેતો. હિન્દુ અને મુસલમાન બંનેના રિવાજો અને ધાર્મિક નિયમો પ્રમાણમાં સરખા છે. મુસલમાન પણ દિવાળીમાં ચોપડા પૂજન અને માતાજીના મંદિરમાં પૂજા કરે છે તો સામે હિન્દુ પણ મસ્જિદમાં કામ કરે છે. પરંતુ લિગી મુસલમાનના કારણે તે બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થયા છે. એક વખત રામ, રજૂ અને મોતીબુ ગિરનારની પરિક્રમામાં જાય છે. રામ નવો હોય છે તેથી તેને રજૂ વિવિધ સ્થળો જેમકે સૂરજકુંડ, બોરદેવી, નળપાણીની જગ્યા વિશે વાત કરતા કરતા આગળ વધતા જાય છે. આ પરિક્રમા દરમિયાન તેને ગોવાળ અને ઈસ્માઈલ મળે છે અને તેમની રહેણીકરણી વિશે વાત કરે છે. આમ ચાલતા ચાલતા એક રામગંગા નામના સ્થળે આવી પહોંચે છે ત્યાં રામ તેની પ્રેયસી અલકને અને રજૂ તેની પૂનું (પૂનમ)ને યાદ કરે છે. આગળ ફળિયામાં એક મંદિર હોય છે ત્યાં આવી પહોંચે છે જ્યાં ગઢવી તેમને મળે છે, જે રજૂને પહેલેથી જ ઓળખતો હોય છે. તે બંને એકબીજાના ખબરઅંતર પૂછે છે. અને ગઢવી તેના કામમાં લાગી જાય છે. રજૂ રામને આસપાસનાં સ્થળો વિશે વાત કરે છે, અને ત્યાં જ હરિહરની હાકલ (સૌરાષ્ટ્રમાં સમૂહ ભોજનની શરૂઆત કરતા પહેલાં કોઈ પણ ભગવાનના નામની જય બોલાવવામાં આવે છે.) હિન્દુ અને મુસલમાન બધા ખીચડી-કઢી જમે છે. રામ રજૂને પૂછે છે, આપડે અહીંથી ક્યારે જવું છે? તો રજૂ કહે છે, આજની રાત રોકાઈ જઈએ. આજે ભુટા બારોટ વાર્તા માંડશે, જે આખી રાત ચાલશે અને બીજા દિવસે પૂરી થયા બાદ રજૂ રામને પૂછે છે. લાલ લાખ મેડી અને ટકટકિયા જશુ? આ વાતની તમે રામે હા પાડી એટલે રજૂ અને ગોવાળ હરખમાં આવી ગયા. રાત્રે ભુટા બારોટ વાર્તા માંડે છે કે, મનશૂર શાહે માણેકનાથ અને માણેકનાથે મનશૂર શાહનો વેશ લીધો છે. (હિન્દુ મુસલમાન અને મુસલમાન હિન્દુ) તેઓ બધા ધર્મમાં માનતા હતા. પરંતુ આ વાતની અન્ય કોઈ વ્યક્તિને ખબર ન હતી. તેમાં એવું બને છે, કે એક વખત ઉપલેટામાં નાગનાથના મેળામાં ‘બીડું’ ઉપાડવાની એક વિધિ હોય છે. આ વિધિ એ જ કરી શકે, જે શ્રેષ્ઠ બ્રાહ્મણ હોય. તેથી મેળામાં આવેલા સૌને પૂછવામાં આવ્યું કે શ્રેષ્ઠ બ્રાહ્મણ કોણ? ત્યારે મોટાભાગનાનો એક પ્રતિભાવ હતો, કે માણેકનાથ શ્રેષ્ઠ બ્રાહ્મણ છે. તેના હાથે આ વિધિ કરાવવામાં આવે. ત્યારે માણેકનાથને બોલાવવામાં આવે છે. ત્યારે માણેકનાથ એક સરસ વાત કરે છે, કે બધા જ બ્રાહ્મણ મહાન છે. તમને મારામાં શ્રદ્ધા છે કે મારા વેશમાં? ત્યારે બધાએ કહ્યું તમારામાં. તો માણેકનાથે કહ્યું હું તો મુસલમાન છું પણ છતાં બધા એ માનવા તૈયાર હતા ત્યારે માણેકનાથ કહે છે, કે મુસલમાન હોય કે હિન્દુ બધા માણસ જ છે. ‘ધર્મથી ઉપર મનુષ્યત્વ છે.’ એ આપણને માણેકનાથની વાત પરથી પ્રતીત થાય છે. બીજી તરફ મનશૂર શાહ જે હિન્દુ છે તેમણે કુતિયાણા, બાટવા અને માણાવદર મસ્જિદોમાં બાંધ ઉકાળવાનું કામ કર્યું હતું. તો આ તરફ ધર્માલયમાં અને કૉલેજમાં અનેક કાર્યક્રમો યોજાતા. જેમાં કૉલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ દિવસ દરમિયાન ત્રણ નાટકો રજૂ કરવામાં આવ્યાં હતાં. રજૂ અને પૂનુ(પૂનમ)નાં લગ્ન થાય છે. ત્યાર બાદ થોડા દિવસોના અંતરે જૂનાગઢની રાજકુમારીનાં લગ્ન હોય છે. તેથી હવે તેના લગ્નની તૈયારીઓ શરૂ થઈ છે. સજાવટ દ્વારા રંગબેરંગી વાતાવરણ ઊભું કરવામાં આવે છે. ત્યાં લાજવંતી લવંગીનીઓ માટે અલગ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યાં એક લવંગીની રાજ્યના સૂબાને બોલાવે છે ત્યાં તે જે સ્ત્રીને ભોગવવા જાય છે તે પિતરાઈ બહેન હોવાથી તેને ના પાડે છે. ત્યારે લવંગીની એક ઉત્તમ વાત કરે છે, “જીવનની જે અવસ્થા હોય તેને બેધડક જીવી લેવી જોઈએ છેલ્લી ક્ષણ સુધી જીવન જીવવું તેનાથી મોટો કોઈ ધર્મ નથી.” રજૂ-પૂનુ, રામ-અલક જન્માષ્ટમીનો તહેવાર પણ બધા સાથે ઊજવે છે. ત્યારબાદ સાત દિવસ સુધી તૂફાન ચાલે છે. તેથી ઘરની બહાર કોઈ નીકળી શકતા ન હોવાથી જ્યાં સુધી ઘરમાં ધાન છે, ત્યાં સુધી ચૂલા સળગે છે, પછી ઉપવાસ થાય છે. એક વાર એક વ્યક્તિ જૂનાગઢના દામોદર કુંડમાં પિતાના મૃત્યુ પાછળ વિધિ કરાવે છે જ્યાં બ્રાહ્મણ તેની પાસે વિધિ કરાવવાના સાડા ચાર રૂપિયા લે છે અને બિચારાને છેતરે છે. તેને બ્રાહ્મણ કહે કે, બ્રાહ્મણ ખુશ થવા જોઈએ તો જ તમારા પિતાને શાંતિ મળશે. તો પેલો વ્યક્તિ બ્રાહ્મણને ખુશ કરવા ઘરે પાછા જવાના ભાડાના પૈસા પણ આપી દે છે. આ બધું રામ અને રજૂ જોતા હોય છે. રામ પેલા ભાઈ અને તેની પત્નીને ધર્માલયમાં જમાડે છે. અને પાછા ઘરે જવાના ભાડાના પૈસા આપે છે. ત્યારે રામ કહે છે કે, “ગાંધી સાચા છે. પાયાની કેળવણી છેલ્લામાં છેલ્લા માણસને સભાન ન બનાવી શકીએ ત્યાં સુધી સ્વાતંત્ર્યની ચળવળ પૂરી થતી નથી.” ગાંધી વિચારધારાને અહીં બરાબર ધ્યાનમાં લીધી છે. આમ આ પરથી કહી શકાય કે રામ અને રજૂ ગાંધીવાદી વિચારધારાને અનુસરનારા ક્રાંતિકારી વ્યક્તિત્વ ધરાવનારા હતા. એક દિવસ રામ અને રજૂ સત્તાર શાહ બાપુને મળવા માટે જાય છે પરંતુ ઘણું ચાલ્યા પછી તેઓ મળે છે. ત્યારે બાપુ પોતાનો પ્રકૃતિ સાથેના અનુભવ વિશે વાત કરતા હોય છે, ત્યારે રજૂ બાપુને પૂછે છે, કે બાપુ તમને અલ્લાનું કામ કરવાનો સમય કઈ રીતે રહે છે? ત્યારે બાપુ સરસ જવાબ આપે છે. “પ્રકૃતિ એ ખૂલી આંખે જોવાની અને અનુભવવાની રીત છે.” રામ ક્રાંતિકારી વ્યક્તિત્વ ધરાવતો હતો. તેથી એક વખત અલકને શ્રી અરવિંદની વાત કરે છે, તે અરવિંદની એક બાબત સાથે સહમત છે કે અંદરથી પરિવર્તન જરૂરી છે! શું ઇસ્લામ કે શું સ્વામિનારાયણ – દરેકમાં જે સારી વસ્તુ છે તેનો સ્વીકાર કરીને માણસે આગળ વધવું જોઈએ. અલક રામને પૂછે છે. રામ, કહો તો ગરબામાં કાણાં શા માટે છે? રામ મૂંઝાય છે, અલક ઉત્તર વાળે છે, શિવજી કહે છે તેમ દીવાનો પ્રકાશ બહારના જગતને મળે અને બહારના જગત તરફથી પ્રાણ અંદરના દીવાને મળે એવા બેવડા હેતુ માટે આ કાણાં છે.” રામ અને રજૂ ક્રાંતિકારી હોવાથી સ્ત્રી અને અન્ય લોકોને નુકસાન પહોંચાડનાર ત્રણ વ્યક્તિની ધરપકડ કરે છે, જે ધર્માલય માટે ખુશીની વાત છે. અખાત્રીજના શુભદિવસે, નવા વસેલા સિંધૂપુરમાં રામ-અલકનો લગ્નોત્સવ ઉજવાયો. અહીં નવલકથાનો અંત આવે છે. ‘હુ હુ’ નવલકથા વિશેનો અભિપ્રાય આપતા પ્રદ્યુમ્ન ખાચર જણાવે છે કે, “લેખકની વર્ણન શક્તિ અને એકસૂત્રતા કાબિલેદાદ રહી છે અને તેઓ સૌંદર્યનું અને બળાત્કાર જેવી ઘટનાનું પણ રોચક ને નિર્મમ વર્ણન કરી સુરુચિભંગ થવા દેતા નથી. આ કૃતિમાં પોતે જૂનાગઢનો નવાબી કાળનો ઇતિહાસ સાંગોપાંગ વર્ણવ્યો છે,જોકે નવાબીને ચાર ચાંદ લગાડતી પાંચ સાત મહત્ત્વની વાતો તેઓ જાણતા નથી કે તેમણે એ વાતો નવલકથામાં વર્ણવી નથી, પણ એ વાતો અને મુદ્દાઓ ભૂલવા જેવા નહોતા એના વિના સહિષ્ણુ નવાબીની વાત અધૂરી ગણાય તેમ છે એવી એ જરૂરી હતી. પલાણ સાહેબની આ નવલકથાના જ એક વાક્યથી વિરામ આપું છું કે “શામળદાસના હસ્તે જૂનાગઢમાં ત્રિરંગો લહેરાયો ત્યારે હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી બાજુ બાજુમાં ઊભા હતા પણ તેમના ગળામાંથી સર્વ ધર્મ સમભાવનો નવલખો હાર ચોરાઈ ગયો હતો. માણસ કુટુંબભાવથી બંધાયેલો રહે છે, ધરમના ચિંથરાથી નહિ”. આવું માનવા માંડીએ તો દુનિયાના અનેક પ્રશ્નો ઉકેલાઈ જાય તેમ છે.

પાર્થકુમાર બારોટ
B.A., M.A. (Gold Medalist), Ph.D. (Running)
ગુજરાતી વિભાગ,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
મો. ૮૨૦૦૧૧૨૪૧૯
Email: bparth૫૧૭@gmail.com