નવલરામ પંડ્યા/અપ્રસિદ્ધ ગુજરાતી પુસ્તક


૨૩. અપ્રસિદ્ધ ગુજરાતી પુસ્તક
[સંપા. ચતુરભાઈ શંકરભાઈ]

એ ઉપલા જ હેતુનું અને એટલા જ અગત્યનું એક ત્રણ ફૉર્મનું માસિક છે. એ નડિયાદથી ભાઈ ચતુરભાઈ શંકરભાઈ તરફથી પ્રગટ થાય છે. કાગળ તથા છાપો ત્યાંના ‘ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ’ને શોભા આપે છે. એમાં એક સામટું કાવ્ય આપવાને બદલે પાંચ સાત કવિઓનાં કેટલાંક પાનાં આપવામાં આવે છે, પણ એવી ગોઠવણ રાખી છે કે દરેક કવિનું છેવટે જુદું પુસ્તક બંધાઈ શકે. આ પુસ્તકે કેટલાક નહિ જણાયેલા કવિનાં નામ બહાર આણ્યાં છે. જૂના ગદ્યની પણ શોધમાં એના વ્યવસ્થાપકો લાગેલા છે, અને એના ત્રીજા (નવેંબરના) અંકથી વાલ્મીકિ રામાયણનું અસલ કોઈએ કરેલું ગદ્યાત્મક ભાષાંતર પ્રગટ કરવા માંડ્યું છે. એ કયા કાળમાં બનેલું ને લખેલું તેમાં લખેલું નથી. એ અફસોસની વાત છે, કેમકે એક અંકમાં જે ભાષા આવી છે તે જોતાં એને કયા કાળની ગણવી એની અમને કાંઈ બરાબર સૂઝ પડતી નથી. એની સંશોધન પદ્ધતિ પ્રાચીન કાવ્યના જેવી જ શાસ્ત્રીય અને તેથી પણ વધારે દૃઢતાથી અમલમાં આવતી માલમ પડે છે. અહીંયાં તો કાનામાત્રનો હસ્તદોષ પ્રત્યક્ષ દેખાય તોપણ પ્રત વિરુદ્ધ છાપવામાં આવતો નથી. અને તે માત્ર કોઈ કોઈ ઠેકાણે નીચે નોટમાં જ સૂચવવા આવે છે. આ પદ્ધતિ વિષે ઉપર પુષ્કળ વિવેચન કર્યું છે એટલે અત્રે કાંઈ વિશેષ બોલવાની જરૂર નથી. પણ અમને એમ લાગે છે કે જ્યારે આપણા પ્રાંત ખાતે પ્રાચીન સંશોધક બે ચોપાનિયાં નીકળવા લાગ્યાં છે તો આ એની પદ્ધતિએ જ ચાલ્યા કરે અને જૂની પ્રતોની ખરી નકલ માત્ર જ આપે તો કાંઈ ખોટું નથી. એથી હવે પછીના ભાષાશોધકોને બહુ જ લાભ થશે. અમારી એટલી જ ભલામણ છે કે પાઠાંતર આપવાનો રિવાજ આ પુસ્તકે તો ખસૂસ પાડવો જ જોઈએ, એથી એક નહિ પણ તેમના હાથમાં આવેલી તમામનો લાભ બધાને મળશે.

(૧૮૮૭)