નવલરામ પંડ્યા/કચ્છી શબ્દાવળી


૨૧. કચ્છી શબ્દાવળી
[પરભુદાસ રણછોડજી પંડ્યા]

બનાવનાર પરભુદાસ રણછોડજી. આ ચોપડી જોઈ અમે ઘણા રાજી થયા છીએ. હાલ કેટલાક લખનારા નકામાં ટાહેલાં છપાવે છે તે કરતાં આ મહેતાજીની પેઠે ધીરજ રાખી આવો પ્રસંગ કરતા હોય તો કેવું સારું? કચ્છમાં તો આ ચોપડી મહેતાજી તથા છોકરાઓ બંનેને ઘણી ઉપયોગી માલમ પડશે જ, પણ ભાષાના અભ્યાસીઓને પણ એ બહુ કિંમતી છે. છેવટે કચ્છી શબ્દો સંબંધી વ્યાકરણનું ટાંચણ પણ આપ્યું છે. કાઠિયાવાડના જુવાનોમાં વિદ્યાચાંચલ્ય હાલ વધ્યું છે, તો તેમાંના કેટલાક કાઠિયાવાડી શબ્દોના સંગ્રહ કરવા કેમ મંડતા નથી એ અમને આશ્ચર્ય લાગે છે. એમ કરવાથી પોતાનું પ્રાંતાભિમાન તૃપ્ત થવાની સાથે સામાન્ય ગુજરાતી ભાષાના અભ્યાસીઓને પણ તે સંગ્રહ ઘણો ઉપયોગી માલમ પડશે, કેમ કે કેટલાક શબ્દો જે આધુનિક ગુજરાતીમાં બોલાતા નથી તે અસલના ગ્રંથોમાં વપરાયેલા છે અને તે હજી આ પ્રાંતમાં બોલાય છે, તેમજ કેટલાક શબ્દોની વ્યુત્પત્તિ તથા મૂળ અર્થ સમજવામાં પણ એવા શબ્દો ઘણા ઉપયોગી થઈ પડે. અસલ સરકારે ઇનામ આપી એવા સંગ્રહ કરાવ્યા હતા, પણ વર્નાક્યુલર સોસાયટીને સ્વાધીન થયા પછી શું થયું તેની કોઈ ખબર નથી.

(૧૮૮૬)