નવલરામ પંડ્યા/પ્રેમાનંદ - મામેરું

સાહિત્યવિચાર અને ભાષાવિચાર
ગ્રંથકાર-વિવેચન


૧. પ્રેમાનંદ અને ‘મામેરું’


ગુજરાતી ભાષાનો સર્વોત્તમ કવિ પ્રેમાનંદ છે, અને જે સેંકડામાં એ થઈ ગયો છે તે ગુજરાતના વિદ્યા પ્રકરણમાં સર્વોત્તમ સમય હતો. આપણા બધા મોટા કવિઓ ઘણું કરીને એ જ સેંકડામાં થઈ ગયા છે. આણી તરફ શામળભટ વાર્તારૂપે પોતાના સમયનાં સંસારચિત્ર આપવાનો સંપ્રદાય પેહેલ વેહેલો જ પ્રાકૃત ભાષાઓમાં દાખલ કરતો હતો, તો પેલી તરફ અખો ભગત, લોકોના મનને સોના સરખા વહાલા જે પરાપૂર્વના વહેમ, તેને હથોડો લેઈને તોડવા મંડી ગયો હતો. વલ્લભ પોતાના મર્દાની સૂરથી તાળી પાડીને વીરરસને લાયકની ભાષા બહુચરાજીની ભક્તિમાં ગજવી રહ્યો હતો, તે વખત ખેડાનું એક નાનું રત્ન – રત્નો ભાવસાર, પેલા સુંદર મહિનાનો લખનાર – કોમળ શૃંગાર ઝળકારા મારી રહ્યું હતું. એ પાંચે કવિઓ વિક્રમના અરાઢમા સેંકડામાં થઈ ગયા છે. પ્રેમાનંદની કવિત્વશક્તિ અસાધારણ હતી. એ જે વિષય ઉપર લખે છે તેનું આબેહૂબ ચિત્ર વાંચનારની નજર આગળ ઊભું કરવામાં એ કદી ચૂકતો નથી. રસની બાબતમાં કોઈ પણ ગુજરાતી કવિ એના પેંગડામાં પગ ઘાલે એવો નથી. તાક્યું તીર મારનારો તો પ્રેમાનંદ જ. એ ધારે છે ત્યારે રડાવે છે, ધારે છે ત્યારે હસાવે છે, અને ધારે છે ત્યારે શાંત રસના ઘરમાં આપણને લઈ જઈને બેસાડે છે. એની વધારે મોટી ખૂબી એ છે કે એને એક રસમાંથી બીજા રસમાં છટકી જતાં વાર લાગતી નથી, અને તે એવી સ્વાભાવિક રીતે કરે છે કે લેશમાત્ર પણ રસભંગ થતો નથી. આવી રીતે એ કાવ્યસિદ્ધિ કરે છે. તેનું મુખ્ય કારણ એ છે કે એને જનસ્વભાવનું બહુ જ ઊંડું જ્ઞાન છે. એનાં સઘળાં પાત્ર સંપૂર્ણ યથાયોગ્ય તો નથી, પણ હજી લગી એના જેવી પાત્રતા જાળવી શકે એવો કોઈ ગુજરાતી કવિ થયો નથી, ગ્રંથસંકલના પણ એની સર્વોપરી છે. ક્યાં કેટલો અને કેવો રસ મૂકવો એ પ્રેમાનંદ બરાબર સમજતો હતો. એણે ગ્રંથસંકલનામાં કદાપિ નાના પ્રકારની પાત્રતા અને પોતાની તરફનાં જ ઘણાં નવાં ચિત્રો દાખલ કીધાં નથી, તોપણ જે એની સંકલનામાં આવ્યું તે યથાયોગ્ય લખી શક્યો છે. એની ભાષા શુદ્ધ, પ્રૌઢ; શૈલી સીધી અને સંક્ષિપ્ત; અને પદબંધન સરળ, ઘટ્ટ તથા કોમળ છે. આ બધા ગુણોને લીધે એ કવિ ઘણો જ જનપ્રિય છે. એનાં ઘણાં ખરાં કાવ્ય તો એક રીતે ગુજરાતમાં પૂજાય છે એમ કહીએ તોપણ ચાલે. હજારોને સુદામા ચરિત્ર શનિવારે, અને હૂંડી રવિવારે ગાઈ જવાનો નીમ જ છે. ગામેગામ ચૈત્ર માસમાં એનું ઓખાહરણ તો ઊછળી જ રહે છે, જુવાન કે વૃદ્ધનાં અંતઃકરણ વિહ્‌વળ કરી નાંખે છે, અને વ્યાસની એ કાવ્યથી રોજી ચાલે છે. શ્રાદ્ધના દહાડામાં જ્યાં ત્યાં નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ વંચાય છે, અને લોકો અડધી રાત આનંદમાં અને નાગરો ઉપર ફિટકાર પાડવામાં કહાડે છે. સુરત કે જ્યાંના લોકોએ એ કવિનો રસ વિશેષ ઝીલ્યો હોય એમ માલમ પડે છે ત્યાં દરેક સ્ત્રીની અઘરણીની વખતે સાસરે ને પિયર મોસાળું ગવડાવવું એ તો એક આચારનો જ ભાગ થઈ પડ્યો છે. ચોમાસાના દહાડામાં ત્યાં એક પણ ગામડું એવું નહિ માલમ પડે કે જ્યાં પ્રેમાનંદકૃત દશમસ્કંધ વંચાતો નહિ હોય. ત્યાં ભાગવત વાંચે ભણવું સાર્થક થયું એમ ગણાય છે. ધન્ય છે પ્રેમાનંદને કે જેના કાવ્યસમુદ્રમાં પર્વે પર્વ સ્નાન કરવાને આટલા બધા જીવ ધાઈને આવે છે, અને શુદ્ધ, કોમળ તથા ભક્તિમાન થઈને સંસારમાં પાછા વળે છે!

મામેરું

મામેરું એ ભક્તિમાર્ગનું કાવ્ય છે. એનો ઉદ્દેશ નરસિંહ મહેતાનો દૃઢ વિશ્વાસ અને ભગવાનનું ભક્તાધીનપણું દર્શાવવાનો છે. કાવ્યવસ્તુ ઘણી નાની છે. મહેતાજીની પુત્રી કુંવરબાઈનું અઘરણી આવ્યું તે વેળા આ દેશની રીત પ્રમાણે મામેરું તો કરવું જ જોઈએ, અને મહેતાજી પાસે તો ફૂટી બદામ પણ સંઘરામાં ક્યાંથી હોય? એ સમયે ભગવાન વાણિયાને રૂપે ભર સભામાં આવી મોસાળું કરી ગયા અને ભક્તની લાજ રાખી. જનવાર્તામાંથી આટલો પાયો લઈને તે ઉપર પ્રેમાનંદ કવિએ આ રસિક કાવ્ય રચ્યું છે. ભક્તિચરિત્ર ઘણું કરીને નીરસ અને કવિતાના શોખીને કંટાળા ભરેલાં લાગે છે. પણ પ્રેમાનંદના પ્રતાપે આ વિષય તેટલો જ સરસ અને મનોહર થઈ રહ્યો છે. એ કથામાં એક રસબીજ રહેલું છે, તે આ કવિશ્વરની દૃષ્ટિએ પડ્યું, અને તેનું સિંચન કરી એણે તુરત એક સુંદર વૃક્ષ બનાવી દીધું. જગતભગતની રીત એકબીજાથી કેવળ ઊલટી છે; અને એ ઊલટાપણું જ કુશળ કવિના હાથમાં એક નવીન રસનું સાધન છે. જો મામેરાનું આ છેડાથી પેલા છેડા સુધી આપણે બારીક વિવેચન કરીશું તો આપણને માલમ પડશે, કે આ ઊલટાપણાને જ મ્હલાવી મ્હલાવીને પ્રેમાનંદે કાવ્યમાં પ્રેમાનંદ વરસાવી મૂક્યો છે. ગ્રંથની સઘળી સંકલનાનું લક્ષ આ બીજને પ્રફુલ્લિત કરવા તરફ છે. એ કાવ્યનો નાયક નરસિંહ મહેતો છે. એની પાત્રતા એવી સંપૂર્ણ રીતે ચીતરી છે કે એ ભક્તરાજની નખશિખ મૂર્તિ કાવ્યમાં બંધાય છે. કુંવરબાઈનું રાંકડાપણું જેની માત્ર રૂપરેખા જ પાડી તેમાંથી પણ જણાઈ આવે છે. બીજાં જે એમાં ચાર પાંચ ગુણચિત્ર છે તે વિશેષ નથી, પણ અમુક વર્ગનાં છે. શ્રી રંગ મહેેતો, જે કે ઘરસંસારી કામમાં સ્ત્રીનો જ દોરાયો દોરાયો છે, તે હિંદુ કુટુંબ અને વિશેષે કરીને નાગર કુટુંબના ઉપરીનો ખરેખરે નમૂનો છે. કુંવરબાઈની વડસાસુ તે ખરેખરી વડસાસુ જ છે! સાસરામાં વહુને સાસુનણંદ શી રીતે હમેશાં મહેણાં ઓઠાં માર્યા કરે છે તેનું આમાં બરાબર ચિત્ર આપ્યું છે. નાગરી ન્યાતે ગમે તેવી સાસુ હોય પણ તે વહુને માને બોલાવે છે એ વાત પણ આ ચતુર કવિના ધ્યાનમાંથી જતી રહી હોય એમ જણાતું નથી. નાગરીઓની વાગ્વિદગ્ધતા અને નાગરોનો મજાકી સ્વભાવ આ કાવ્યમાં બરબાર વર્ણવ્યો છે. કવિએ આ કાવ્ય ઘણા ઉમંગથી લખ્યું હોય એમ જણાય છે. એમાં સઘળે ઠેકાણે આનંદ ઊછળી રહ્યો છે, અને કવિની કલમના ઉછાળા પ્રત્યક્ષ માલમ પડે છે. એની કલમ ઘણી જ ઉતાવળથી ચાલી જાય છે; ડગલે ડગલે કાર્ય પ્રકાશ થતો જાય છે; કોઈ ઠેકાણે તે નકામું ટાહેલું કરવાને અટકતી નથી; જ્યાં જેટલું ને જેવું જોઈએ ત્યાં તેટલું ને તેવું જ ચીતરે છે; રસ પ્રદેશ આવે છે ત્યાં ઊતરી પડીને યથેચ્છ રમણ કરે છે; પછી તુરત જ ત્યાંથી ઊઠી પાછો પોતાનો માર્ગ પકડે છે; અને એ રીતે ઘણા જ થોડા વખતમાં પોતાનું સઘળું કાર્ય પૂરું કરે છે. ખરે દીર્ઘસૂત્રતા જે ગુજરાતી કવિઓનો એક સાધારણ દોષ છે તે આ કાવ્યમાં બિલકુલ નથી. કાર્યપ્રકાશ આટલી ઉતાવળથી થવાને લીધે સઘળી કથા વાંચનારની આગળ આવીને મૂર્તિમાન ઊભી રહે છે. આપણે વાંચતા નથી પણ જાણે જોઈએ છીએ એમ થાય છે, અને એક દેખાવની ઉપર બીજો દેખાવ ઝપાટાબંધ આવતો જાય છે તેથી એ કાવ્યના અંત સુધી આપણે એકચિત્ત થઈ રહીએ છીએ. આ કાવ્યનો ઘણો ભાગ દેખાવથી જ ભરેલો છે. એમાંના કેટલાએક કેવળ હાસ્યરસના અને કેટલાએક લાલિત્યના છે. જો કોઈ યુરોપના જેવો ચિતારો હોય તો એ ઉપરથી ઘણાં સરસ ચિત્ર કહાડી શકે. નરસિંહ મહેતા દસવીસ વેરાગીઓની સાથે થાળ ગાવા મંડી જાય છે તે, પહેરામણીની વખતે વડસાસુ રિસાઈ જાય છે અને તેને ખીરોદક આપી મનાવી લાવે છે તે, વગેરે કેટલાંએક તો એવાં હસામણાં ચિત્ર થાય કે જોતાં વારને જ ખડખડ હસવું આવે. મોસાળાની વખતે ભેગી થયેલી સ્ત્રીઓનું જે વર્ણન આપ્યું છે તે એક ખરેખરું લાલિત્યનું આનંદમય ચિત્ર છે. એ વર્ગનાં એવાં ચરસ ચિત્ર ગુજરાતી કવિતામાંથી થોડાં જ મળી આવશે. એમાં હાસ્ય, શાંત, કરુણ અને અદ્‌ભુત એ રસ અનુક્રમે ઓછા વત્તા આવેલા છે. ઘણો ભાગ હાસ્ય અથવા મસ્ત આનંદનો છે. નરસિંહ મહેતાને એક રીતે કવિએ ખૂબ જ રાંક બનાવ્યા છે, તોપણ એની યુક્તિ એવી છે કે એ ભક્તનું માન કોઈ રીતે પણ આપણા વિચારમાં ઓછું થતું નથી. નરસિંહ મહેતાનું મન સદા શાંત રસનું અવલંબન છે. અદ્‌ભુત વર્ણન કેટલુંએક છે પણ આસપાસના આનંદમાં તે દબાઈ જાય છે. કરુણ રસ થોડો જ છે, પણ છે ત્યાં બહુ જ સરસ છે. તે છતાં કાવ્યનું સાધારણ અંગ આનંદનું જ છે, અને સીમંતના હર્ષના દિવસમાં એને ગાવાનો જે સંપ્રદાય ૫ડ્યો છે તે ખરેખર એક ઊંચી રસિકતાનું જ ચિહ્ન છે.

૧૮૭૩