નવલરામ પંડ્યા/વૈરાગ્યશતક

મિતાક્ષર ગ્રંથનોંધ


૧૮. વૈરાગ્યશતક
[અનુ. મહાશંકર ભાઈશંકર ભટ્ટ]

ભર્તૃહરિ રાજા કાવ્યમાં શ્લોક તો ૩૦૦ કરી ગયો છે, પણ તે એવા તો કિંમતી છે કે જેમ જેમ કાળ જતો જાય છે તેમ તેમ તેની કિંમત વધારે થતી જાય છે. શૃંગાર, નીતિ, અને વૈરાગ્ય વિષે એનાં જે ત્રણ શતકો છે તેની ઉપર જ વિદ્વાનવર્ગમાં એની કીર્તિ આધાર રાખે છે. એ ત્રણ શતકોની દેશમાં એટલી બધી પ્રસિદ્ધિ છે કે એમાંના શ્લોકો છૂટક છૂટક આપણે ઘણું કરીને બધાને મોંથી સાંભળીએ છીએ. ઘણા તો વખતે ગ્રંથસ્થ છે કે નહિ તે જાણ્યા વિના સાહિત્ય દાખલ જ તેનો ઉપયોગ કરે છે. એ ત્રણ શતકો ઉપરથી તો પ્રાકૃત ભાષામાં સતસૈયાનો રિવાજ નીકળ્યો છે અને ઘણા સારા છૂટક છંદના સંગ્રહ બન્યા છે, પણ તેમાંનો એકે ભર્તુહરિના ગાંભીર્ય અને રસનો મુકાબલો કરી શકે એવો નીપજ્યો નથી. આવા જનપ્રિય અને ઉપયોગી ગ્રંથનું ભાષાંતર ગુજરાતીમાં મહાશંકર ભાઈશંકર ભટ્ટે કર્યું તે જોઈને અમે ઘણા પ્રસન્ન થયા છીએ. એ ભાષાંતર સમશ્લોકી છે, અને તેમાં મૂળના શ્લોક પણ આપેલા છે તેથી સંસ્કૃતના સાધારણ અભ્યાસીને પણ ઉપયોગી થઈ પડશે. મહાશંકર ભટ્ટે ભાષાંતર ઘણી જ સંભાળથી કર્યું છે અને સંસ્કૃત તથા ગુજરાતીનું જ્ઞાન વખાણવા લાયક જણાય છે. ગુજરાતી ભાષા શુદ્ધ, રસભરી, અને અક્લિષ્ટ પણ છે. શાસ્ત્રીય બાનીનો મૂળ ગ્રંથ છે તેથી ગીત ગરબાના જેવી સરળતાની આશા સમશ્લોકી ભાષાંતરમાં રાખવી એ તો ખોટું જ કહેવાય. જેટલાં સમશ્લોકી ભાષાંતર અમે ગુજરાતીમાં જોયાં છે તેમાં મહાશંકર જેવું સરળ અને મૂળ અર્થને વળગી રહેનારું બીજું નથી એમ અમે નિશ્ચયપૂર્વક કહી શકીએ છીએ. આ ગ્રંથ અમે વાંચવાની સઘળાને ભલામણ કરીએ છીએ. એમાં ઘણું જ્ઞાન તથા બોધ રહેલો છે. અને તેની સાથે ભર્તૃહરિની એવી બાની છે કે કાંઈ ને કાંઈક ચમત્કાર પ્રત્યેક શ્લોકમાં લાગ્યા વિના રહેતો નથી. આ રૂડા ભાષાંતરનું મૂલ માત્ર ૬ આના જ છે.

(૧૮૭૮)