નાટક વિશે/પંખો લંબાયો ને થઈ ગઈ શૉલ

પંખો લંબાયો ને થઈ ગઈ શૉલ*[1]

લલિત સાહિત્યની કોઈ પણ કૃતિમાંથી એમાં વર્ણવાયેલી પાત્રસૃષ્ટિનો, અને એવા બધાનો, પરિચય તો કર્તાની શક્તિ મુજબ મળી રહે છે. પણ જો એ જ કૃતિમાંથી કર્તાનો પરિચય પણ પામી શકાય તો વિરલ બનાવ તરીકે ગણવો જોઈએ. ઓસ્કર વાઈલ્ડનાં (અહીં `ના’, `ની’, `નું’ પણ લેજીટિમેટલી યોજી શકાય). લેડી વીન્ડરમીઅર્સ ફૅનમાંના પંખામાંથી શૉલ બનાવીને શ્રી પરમસુખ પંડ્યાએ ગુજરાતી ભાષાને આપેલું નાટક `જગતના કાચના યંત્રે’ કર્તાનાં મૌગ્ધ્ય અને કાનની બૂટ લાલ લાલ થઈ જાય એવી અભિનવ લજ્જાશીલતાનો પણ પરિચય કરાવી જાય છે, અને એટલા એક કારણસર પણ વિરલ ગણાવાયોગ્ય છે. પોતે જ, આ નાટકનું વસ્તુ, વાઈલ્ડના વિખ્યાત નાટકના અમુક અંશ પરથી લીધું છે એવું પ્રગટ કર્યું છે એટલે એ બાબતમાં બીજા કોઈ માટે કશા ખાંખાખોળાનો અવકાશ રાખ્યો નથી લીધું અને શું નથી એના સંશોધન જેવું પણ કર્તાએ રહેવા નથી દીધું. `જગતના કાચના યંત્રે’નો મોટો ગુણ તો મૂળ નાટકમાંથી જેટલું નથી લીધું એ શા કારણે નથી લીધું તે આમ અવ્યક્ત, છતાં સ્પષ્ટપણે, શ્રી પરમસુખ પંડ્યાએ કથ્યું છે એમાં છે. એનો એક લાભ જાણ્યે અજાણ્યે પણ ઓસ્કર વાઈલ્ડને મળ્યો છે. વાઈલ્ડને કદાચ કલ્પના પણ નહીં હોય કે પોતે આવો મૉરેલિસ્ટ હતો! અને એને બીજું પણ આશ્ચર્ય થશે કે પોતે કરી એટલી ચાટૂક્તિની ઉછામણીની પણ જરૂર ન હતી. એના વિના કામ ચાલી શકે. ખુશખુશાલ. શ્રી પરમસુખ પંડ્યાએ નાટકની મોટી વાતો વાઈલ્ડ પાસેથી લીધા પછી રેણ સાંધો ન લાગે એવી રીતે નાનકડી વસ્તુઓ – સ્થાનિક રંગ, સ્થાનિક જ હોઈ શકે એવાં લક્ષણ અને લઢણ વગેરે – સાલવવાનું કામ જ રહી જાય છે. એમાં પૂરી સફળતા મળી નથી પણ અધ-ઝાઝેરું કામ જરૂર થયું છે. આવાં સાંધા રેણ વરતાઈ આવે છતાં ત્યાં ખોટવાઈ પડીએ એવું નથી. જેમાં કોઈ મૂળ લક્ષણનું અવાન્તર રૂપાન્તર થઈ શકે એવો પદાર્થ ગુજરાત-મુંબાઈની આબોહવામાં ન મળે ત્યાં થોડુંક ખટકા જેવું લાગે. પણ આવાં સ્થાન સંખ્યાની નજરે ઓછાં અને મહત્ત્વની દૃષ્ટિએ નામનાં જ હોઈ ઊભા રહી જવું પડે કે વિમાસવું પડે એવું થતું નથી. આગળ મૌગ્ધ્ય અને લજ્જાશીલતાની વાત કરી. આ મૌગ્ધ્યના પણ બે ભાગ પડે છે. એક ભાગ છે વાઈલ્ડનો સાવ આગવો જ કહી શકાય એવો નારસિસિઝમ-સ્વચાહનાનો, અને બીજો ભાગ છે શ્રી પરમસુખ પંડ્યાનો, નર્યા મૌગ્ધ્યનો. એનો મોટો દાખલો તો લખતી વેળાએ નહીં, તો છેવટે કંપોઝ થયા કે છપાયા પછી, પણ કર્તાએ કિશોરી કેટલી વાર `હા, મમ્મા’ એમ `બે જ શબ્દ’ બોલી એ ગણી બતાવીને ર૬ નો આંકડો આપ્યો છે તેમાં મળે છે. વાંચનારનું આ તરફ ધ્યાન દોરવાનો હેતુ હશે – છે એમ કહીએ તોય કશું નુકસાન નથી. પણ સાથે સાથે કર્તા પણ મુનશી જેમ ‘વાહ રે મય’ના મુડમાં જણાય છે એ છાપ ભૂંસાતી નથી. આ કશો દોષ નથી પણ પેલી અન્ય સ્થળે પ્રત્યક્ષ થતી લજ્જાશીલતા સાથે એનો મેળ ખાતો નથી. બેમાંથી ગમે તે એક એ આયાસનું પરિણામ હોય એવું લાગતું જાય છે. વાઈલ્ડનું કોઈપણ જાતિનું પાત્ર, જેને ફેક્ટ્સ ઑફ લાઈફ કહેવાય છે એથી, અજાણ હોય એમ કલ્પી કે માની નથી શકાતું. ‘જગતના કાચના યંત્રે’માં ગૌરી પ્રથમ અંકમાં પીયૂષના એડવાન્સીસનો ખરો મર્મ ક્યાંય લગી સમજતી નથી લાગતી અને સમજે છે ત્યારે એ પાત્રની નિરૂપિત પવિત્રતા જોતાં એને કશો ખટકો લાગતો નથી – વચગાળામાં પતિના લફરાની એકપક્ષી વાત એના ધ્યાન પર આવી છે અને એ ઉશ્કેરાઈ ગઈ છે એ હકીકતને ધ્યાનમાં રાખ્યા પછી પણ – એની ગડ બેસતી નથી. હા, અહીં નાટકના લગભગ પ્રાસ્તાવિકમાં જ એક ઉક્તિ સાચે જ ડ્રામેટિક અને સારગર્ભ બની ગઈ છે. પા. ૭ પર ગૌરીની ઉક્તિ છે : `(એવા જ નિર્દોષ ભાવે)ના ભાઈ! કારણ, આપણે એવાં મિત્રો તો છીએ જ! પછી’… આમાંથી `સાહ્ય’ અને `વિસામો’ અને એવું બધું પાંગરે છે. સાથે એમાંથી જ ગૌરીને મોંએ `પાપપુણ્ય’ અને `વિશુદ્ધ રાગ’ અને `સેક્રામેન્ટ’, અને ત્યાંથી `ત્યાગ’ અને `શુદ્ધતર’ તથા `યજ્ઞ’ લગી પહોંચાય છે. પણ એનું મૂળ તો પેલું સાવ અનાયાસે અને સાહજિક નિષ્ઠાપૂર્વક બોલાયેલું `ભાઈ’ છે. નાટકમાં રંગસૂચિનો જે રીતે ઉપયોગ થયો છે તે ખટકે છે એનું કારણ કદાચ મારા પોતાના આગ્રહો હોય. મને લાગે છે કે ગુજરાતીમાં વાચકસૃષ્ટિ માટે, લખાતાં નાટક હવે આ સાવ કૃત્રિમ અને નાટકને નાટક ન રહેવા દઈને નવલકથા કે એવા કશા સ્વરૂપની નજીક લઈ જતી, પાંગળાપણાના એકરાર જેવી રંગસૂચિના વળગાડમાંથી મુક્ત થાય તે સહુના હિતમાં છે. પાત્રના લક્ષણદર્શન માટે કે ભાવભંગી માટે, રંગસૂચિનો ઉપયોગ સર્વથા વર્જ્ય ગણાવો જોઈએ. ક્યારેક તો ઉક્તિથી જે આઘાત – આહ્લાદક કે વ્યથાકારી – આપવાની નેમ હોય તેને જ રંગસૂચિ, જે આવવાનું છે એની અ-નાટ્યાત્મક રીતે જીભ કચરીને, નિર્બળ, દોદળો, પ્રભાવહીન બનાવી દે છે. ખરી ટ્રેજેડી એ છે કે પ્લે ઑફ નૅરેશનનાં કોચલાં ભાંગીને પ્લે ઑફ ઍક્શન ઍન્ડ રીઍક્શન બનાવવાના સાધન રૂપે જેનો ઉપયોગ વધ્યો, વિકસ્યો એ રંગસૂચિ, ભરમાર અને વિપુલતા, ઉતાવળ, પ્રમાણભાનનો અભાવ, નાટ્યાત્મકના વિવેકનું અજ્ઞાન, જેવા કારણે પ્લે ઑફ ઍક્શન એન્ડ રીઍક્શનને પાછો પ્લે ઑફ નેરેશનની ઘરેડમાં ધકેલી દે છે. કશું બનવું જોઈએ, અને કશું બને પણ છે. પણ ક્યાં? કઈ રીતે? રંગસૂચિ એ કોઈ પણ રીતે નાટકનો વિકલ્પ ન જ બની શકે. એ નાટકનો એક અંશ છે. એનો યોગ્ય વિવેકપુર:સરનો ઉપયોગ નાટકની શોભા વધારે પણ એનો અતિરેક અને અનાટ્યાત્મક ઉપયોગ નાટકને સાત સાગરને તળિયે ડુબાડે. `જગતના કાચના યંત્રે’માં પ્રસ્તાર વિશેષ છે. અને કોક નિર્દય દયાળુ એડિટરની જરૂર છે. આમ છતાંય નાટક હૃદ્ય બન્યું છે. વાંચવે ગમે એવું છે. કોક ભજવવાની હિમ્મત કરશે ત્યારે તો આપોઆપ રંગસૂચિનો ભાર તો ઊતરી જશે. પણ સાથે એણે યોગ્ય કતરામણ પણ કરવાનું રહેશે. સ્થળ-કાળનાં `ઍપ્રોકસિમેશન્સ’ની મર્યાદા મોટે ભાગે જળવાઈ છે.


  1. * જગતના કાચના યંત્રે (ચાર અંકી નાટક). લે. પરમસુખ પંડ્યા (એન. એમ. ત્રિપાઠી, ૧૯૬૭. પા. ૨૦૪, રૂ. ૩-૬૦)

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.