નાટક વિશે/કોઈ ટો હોલ્ડ? કોઈ અંગૂઠાટેકણ?
`મેકબિલીવ’ અને `ડાયલના પંખી’ એ બન્ને રે મઠનાં સંત, છે. પાંખાળા સંત, પણ ઊડશે કે નહીં, એમને પાંખ છે કે નહીં અથવા તો એ નાટક છે કે નહીં એ તો સાવ જુદો સવાલ છે. એમાં પણ એ ઍબ્સર્ડ નાટક છે કે નહીં અને પદ્ય નાટક છે કે નહીં એ તો પછીથી સમજણ પડે અને નિર્ણય થાય ત્યારે જ ખબર પડે અત્યારે તો એટલું કહી શકાય કે રે કે હે જે હોય તે મઠના આ મહંત મંડળેશ્વરો હવે કવિતા, વિવેચન અને અને અને અને અને પછી પછી પછી નાટક નાટક નાટક ઍબ્સર્ડ ઍબ્સર્ડ ઍબ્સર્ડ તરફ વળ્યા છે એ જ વાતથી એ સહુ ભાઈઓ અત્યંત તૃપ્ત છે. અને અન્ય પ્રકારની તૃપ્તિ તો ઉમાશંકર, સુરેશ જોષી, જયંતિ દલાલ અને કોઈ પણ પોપટલાલને આ, કે આમાંના કોઈ નાટક આપશે એવી ધમકી જ આપઘાત કરવા પ્રેરે છે એટલી વાતથી છે, શિવકુમાર જોષીનો પણ અછરતો ઉલ્લેખ `સાંરી, રાઁગ નંબર’ની રીતે છે. એથી પણ એમને પરિતોષ જ થયો હશે. કારણ બહુ સ્પષ્ટ છે. આ ભાઈઓના ચિત્તને આવી વાતથી, આ રીતે વાત કર્યાથી જ પરિતોષ થાય છે. કૃતિને જ નજર અંદાજ કરવાનું કહેતા, હોવા છતાં એમને તો કર્તા-અ-કર્તા સાથે જ હિસાબ પતાવવાનો છે. આ કર્તા તે એમને મન જે પણ વ્યક્તિને કોઈપણ ક્ષેત્રમાં અકારણ પ્રસિદ્ધિ મળી ગઈ હોય તે. કદાચ એમની વાત સોએ સો ટકા સાચી હોય – અને જો એ ભાઈઓ દાખવે છે તે ઉગ્રતા એ સચ્ચાઈનું માપ હોય, તો તો હજાર ટકા સાચી છે – તો પણ જે રીતે વાત કહેવાય છે તેમાં તો એ પણ નાહકની તણાઈ જાય છે. અને પરિણામે એમના મનમાં દૂણ જ રહી જશે અને એમના મન સિવાયના અન્ય સર્વ સ્તરમાં, નાટકની દુર્ગન્ધ. જે પણ શક્તિ છે એનો સ્વાર્થ ખાતર પણ, થાય છે એથી ઉપકારક, ઉપયોગ થાય તો સહુને લાભ થશે. નાટક ઉપરાંત એમાં એ નાટ્યકર્તા, તથા અન્ય એમને ન ગમતા ઈસમો, વિષેના અભિપ્રાયોનાં હારડા લટકાવવામાં આવ્યાં છે, અને એમાં આ લખનારને પણ પહેલા ગુનાની ચેતવણી આપવામાં આવી છે. અને જયંતિ દલાલને, એ પોતે ફૂટેલા કાચમાંથી જોઈ રહ્યાં છે એની પોતાને ખબર નથી એટલી, પ્રમાણમાં ઘણી હળવી, ટકોરથી જ જતા કરવામાં આવ્યા છે. એક ઉંદરને જ જોવા જેવું કરવાના પરિણામે આમ થયું હોય. એ ગુનામાં સારું એવું ઉમેરણ થશે (આપ જે વાંચો છો એ ઉમેરણ છે, કદાચ ઉપાસન પણ હોય). એમ થતાં પણ શ્રી લાભશંકરની શ્રદ્ધા મુજબ lyric થી drama તરફ વળેલા શ્રી ચિનુ મોદી કે ગુજરાતના બીજા કોઈપણ લેખક, કર્તા, સર્જક, જો આપણને નાટક આપશે તો કાચ જ નહીં, આંખ ફૂટે તો પણ, એ ઘણી મામૂલી કીમત ચૂકવી ગણાશે. આપો, ભાઈ, નાટક આપો. આ નાટક તરફ વળવાનું કામ તો તારીફ માગી લે એવું છે. નાટક મળી જાય તો જીવ્યું સાર્થક થાય–સહુનું. આપનાર, લેનાર સહુનું. સવાલ હોય તો આટલો જ છે : નાટક તરફ વળ્યા છો? અથવા તો જે તરફ વળ્યા છો તે નાટક કે નાટકની નજીકનો પદાર્થ છે? વળ્યાનું ઋણ સ્વીકારી લઈએ. નાટક તરફ વળ્યા છો એવો દાવો પણ સાભાર સ્વીકારીએ. પણ કૃપા કરીને આ જ નાટક, એવું સ્વીકારવાનો આગ્રહ ન કરો તો સારું, એટલા માટે કે બધા માટે એમ માનવાનું તમે પોતે જ, છે એ કરતાં મુશ્કેલ બનાવ્યું છે. એમાં પણ આપનો આગ્રહ તો ‘આ ઍબ્સર્ડ !’ એટલે જ પૂરો થતો નથી ‘આ ગુજરાતીમાં પહેલું ઍબ્સર્ડ’ એવો આપનો આગ્રહ હોય એમ વરતાય છે. જો આપના આ આગ્રહને જ બુનિયાદી માનીને આગળ ચાલીએ તો આ બન્ને સંગ્રહમાં છપાયેલાં કુલ નવ, ઓછા એક બન્ને સંગ્રહમાં એટલે આઠેઆઠ નંગને ઍબ્સર્ડ નાટકની રીતે જોવાં, ચકાસવાં જોઈએ. આ ઍબ્સર્ડ વિશે પણ થોડીક વાત પહેલી કરવી જોઈએ. પહેલું તો સાવ સ્પષ્ટ હોવું જોઈએ કે ઍબ્સર્ડ કહેવાતું નાટક, નાટકની અનેકવિધ રીતિઓ જેવી જ એક રીતિ છે. જીવનનો તાળો મેળવવાનાં સર્વ યત્નમાં પરિણામે શૂન્ય કરતાં પણ વિશેષ અસાર એવું તત્ત્વ છે, એને ટાળી નથી શકાતું, અને એ સહી લેવાની સૂઝ માણસને મળી નથી, એ પણ કાંઈ રોદણાં રડવાનો વિષય નથી. માનવી જે પણ કરે તે મિથ્યા છે. મૃત્યુની હથેળીમાં હોવા છતાં જીવતરનો ખેલ રચવાનો ઉદ્યમ, વૃથાપણું લખાવીને જ જન્મ્યો છે. પણ માનવીને ક્યારેક અભાનમાં પણ મૃત્યુની ઝાંખી થાય છે. એને અહીંથી જતા રહેવાનું, વિલાપવાનું, વિલોપાવાનું મન થાય છે. આ વાત નાટકમાં આવતાં મેળ કરતાં તાલમેલ વિશેષે વર્તાય છે. જેને આજ લગી દુનિયા તાર્કિક કે તર્કબદ્ધ માનતી આવી છે તે અસિદ્ધ કરવાનો પ્રયોગ પણ એ જ તર્કની મર્યાદા જાળવીને કરવાનો રહે છે. જીવનમાં કશે સંવાદ નથી, બધું વેરવિખેર જ છે. દરેકના મનમાં દરેક શબ્દનો સાવ જુદો સંદર્ભ છે, અર્થ છે. વિચારોની કે માન્યતાની પટાબાજીનો કશો અવકાશ જ નથી કારણ કે વિચાર કે માન્યતા જેવું પણ કશું સંભવી ન શકે. આજ લગી સ્વીકારાયેલું હોય એનો ઇન્કાર કરવો અને એ ઇન્કારનો સ્વીકાર કરાવવો – આટલો જ જાણે હેતુ વરતાય છે. આમાં ચીલા બહારનાં સંકેતો, વેગ અને તીવ્રતામાં, ઉમેરો કરી શકે છે. ઉપકારક પણ નીવડે. ઍબ્સર્ડ રીતે માત્ર ઉપહાસ પરિહાસમાં જ પરિણમે એવું નથી. ન હોઈ શકે. ઍબ્સર્ડિટી એ કડવાશ bitterness પરનો વિજય છે, કડવાશ કે હતાશાની પાંખ કે એનો સાજ કે પૂરક નથી. ઍબ્સર્ડ એ વ્યક્તિનું નહીં, માનવીનું પરિમાણ છે. ઍબ્સર્ડને પોતાનું જ ઘણું નિર્દય એવું લૉજીક છે. આવું ઍબ્સર્ડ નાટક, અત્યંત સમર્થ નાટકકારોથી પુરસ્કૃત હોવા છતાં આજે તો યુરોપ અમેરિકામાંથી વિદાય લઈ રહ્યું છે. જાણે જે સ્થળે, વિધિને બળે કે સંજોગોનાં માર્યા આવી ચઢેલા (વિશ્વયુદ્ધો, નિરંતરનું ઘર્ષણ, સમાજનું સ્તર વિસ્તરણ, માનવીને આરોપેલાં મૂલ્યોનું એવું વિલોપન કે ખુદ આરોપણ પણ નકરી ખુશામદ લાગે, જેવા સંજોગો વિષેની વ્યાકુળ કરી મૂકે એવી આકરી અને એકાએક થતી જાણકારી), ત્યાં બીજું કશું નહીં તો થોડો પોરો ખાવા જેવું લાગ્યું. પણ પેલા માનવીને હરેક અંગે ભમરો હતો. એને ખબર પણ ન પડે એમ એના મનના ઊંડાણમાં હવે, `ક્યાં આવ્યાં?’ એ સવાલનું સ્થાન `અહીંથી ક્યાં?’ એ લીધું હતું. અને એ તો ઍબ્સર્ડને પાલવે એવું ન હતું – નથી. બનવાજોગ છે કે આ લખનારની સમઝ અને મેકબિલીવ અને ડાયલના પંખીના નાટકોના લેખકોની સમઝ એક જ કે સરખી ન હોય. શ્રી લાભશંકર ઠાકરે તો આગ્રહપૂર્વક `આ ઘટના’ પોતાના જ, લાભશંકરના જીવનની આગવી સંપદા છે એમ કહ્યું છે. જયંતિ દલાલ Condition થઈને ચબરાકિયાં કે કટાક્ષ કરવા માટે જીવે. લાભશંકર એમ ન જ જીવે. અને શા સારુ જીવે? એટલે કે એ રીતે શા સારુ જીવે? એમનું પોતાનું જ જીવન હોવું જોઈએ. સવાલ એટલો છે કે પેલા ઍબ્સર્ડથી અલગ, સાવ જુદું, એવું જીવન એમને હાથ લાગ્યું છે? હાથ લાગ્યું હોય તે મુબારક. ન લાધ્યું હોય અને ખોજમાં હો તોય મુબારકબાદ. બાકી ઍબ્સર્ડ જગતમાં તો કોઈને ટાળી શકાતા નથી, ન ગમતા અને બિનજરૂરીને તો નહીં જ. જ્યાં ઍબ્સર્ડ નાટક જન્મ્યું અને વિકસ્યું ત્યાં પણ આજે એ કેમ વિલાયું છે? અને એક કારણ તે લખનાર અને વાંચનાર કે લખનાર–ભજવનાર તથા જોનાર વચ્ચે સેતુ બંધાઈ શકવાની શક્યતા પણ ઓછી થતી ગઈ એ છે. કૉમ્યુનિકેશન અને કૉમ્યુનિકોબિલિટી – પેલો સેતુ અને સેતુ રચવાની પ્રવૃત્તિ તથા શક્યતા–નાં વિવિધ પરિમાણો છે. એક જ સ્થળ(પ્રસંગ)થી નીકળીને એ જુદી જુદી મજલે પહોંચે છે. એક ફાંટો તે ઈન્વોલ્વમેન્ટનો, પૂરી ઓતપ્રોતતાનો છે. બીજો તે આંશિક વર્ણસગાઈનો, આઈડેન્ટિફિકેશનનો છે. ત્રીજો એ બન્નેથી અલગ છતાં પીછાણ, ઓળખાણ – આ આ અને આ તે નો, રેકગ્નિશનનો છે. ચોથો માર્ગ એ સાવ જુદી દુનિયાનો છે. આ આઠ નાટકમાંથી એકમાં પણ રેકગ્નિશન સુધી પણ નથી પહોંચાતું, કારણ કે કોમ્યુનિકેશનને અશક્ય બનાવી દેવાયું છે. ઉપનિષદની વિદ્યાને ઈસોટેરિક કહેવાય છે. પણ આ નાટકો તો ઉપનિષદથી પણ વધુ ઈસોટેરિક છે. એમના આ નિગૂઢપણા પર ઓપેક–અપારદર્શક–ઉપમાઓ અને સામ્ય-તારણનાં બીજાં વેષ્ટનો ચઢાવવામાં આવ્યાં છે. એમાં પણ સંકેતોના પડ પર પડ ચઢાવવાનો યત્ન દેખાય છે. એમ તો ન્યુયોર્કના ગ્યુગેનહીમ સંગ્રહાલયમાં જૂની તૂટેલી મોટરોના જુદા જુદા રંગના મડગાર્ડને એક બીજા પર મૂકીને જ શિલ્પાકૃતિ બનાવ્યાનો સંતોષ લેવાયો છે. એને પણ આર્ટ – ઑબ્જેકટ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. આ જ સંકેત લીલાનો પડછાયો કહેવાતા સંવાદ પર પડે છે. નાટકકારે જેમને એકમેકથી અપરિચિત હોય એમ તખ્તા પર ધકેલ્યા છે અને અછરતી ઓળખાણ થઈ હોય એમ કહ્યું હોય, ત્યાં તો એ એકમેકને એકમેકના જીવનના બની ગયેલા બનાવો વિષે પ્રશ્નનો પૂછીને દીર્ઘકાળનો પરિચય હોય એવું બતાવે. નવાઈની વાત એ છે કે અપરિચય કે પરિચય બન્નેમાંથી એક પણ નાટક માટે આવશ્યક કે ઉપકારક નથી. કારણ કે નાટકનું વિશ્વ તો સાવ જુદું છે. એમ અભિપ્રેત લાગે છે. આ જ વાત જ્યારે સંવાદને આવરે છે ત્યારે વાંચનાર માટે ઘણી મોટી મુશ્કેલી ઊભી થાય છે. એવું બને કે જે બે કે વિશેષ પાત્રો બોલતાં હોય – એ વાત કરે છે એમ કહેવામાં કદાચ ગેરસમજનું જોખમ છે. – ત્યારે વાંચનારને પેલું લખ્યું વાંચ્યાનો જ સંતોષ મળે. સમજ્યાનો આનંદ વાંચનાર ન માણી શકે. હજુ આજ લગી ગુજરાતીમાં ઘણા ધંધાની અને ઘણી જ્ઞાતિઓની પોતાની આગવી ‘પારસી’ કહેવાતી બોલી હતી. એ ગોળ બહારનાં કોઈને પણ એ ન સમજાય. આ એક ઘણી વિષમ દશા છે. પણ એમાંથી બહુ જ સફળ રીતે બહાર નીકળ્યાના ઘણા દાખલાઓમાંથી, નમ્ર ભાવે હું આ ભાઈઓનું ધ્યાન `કૅરટેકર’ અને `વેઈટિંગ ફૉર ગોદો’ પર દોરવા માગું છું. ઍબ્સર્ડની ખરી ખૂબી તો આવા અછરતા લાગતા સંવાદને સર્વને સમજાય એવો સંવાદ બનાવવામાં રહી છે. આ ખૂબી આ આઠમાં ક્વચિત જ જોવા મળે છે. ઉગ્રતા છે, તીવ્રતા છે, તો સાથે ઉતાવળ પણ છે. સંવાદથી જે બનવું જોઈએ તે રંગસૂચિમાં બની ગયું હોય છે. પેન્સીલની કબરને પહેજ પાને `બૂઠ્ઠુ ચપ્પું’ રંગસૂચિમાં પ્રવેશી જાય છે. અલબત્ત વ્યગ્ર માણસ તો પહેલી લીટીમાં જ છે. આ ધરાર અનથીએટ્રિકલ જ નહીં, અનડ્રામેટિક પણ છે. અને સાથે ઍબ્સર્ડ નથી. આ ભાઈઓને પોતાનું આગવું દર્શન છે, કદાચ બીજાઓને સૂંઘવા પણ ન મળી હોય એવી કશી ખદબદતી અનુભૂતિ પણ હોય. એમને ગમે તે રીતે એને રજૂ કરવાનો એમનો અબાધિત હક્ક છે. કમનસીબી બીજી રીતે ઊભી થાય છે. અડધા ઉપરને રસ્તે મળવા માગનારને કોઈ ટો-હોલ્ડ, અંગૂઠાટેકણ આ આરોહણમાં મળે છે? એ ન મળે તો આરોહણ કરવા માગનારનો વાંક? ક્યાંક ક્યાંક રંગસૂચિ પદ્યના અમુક લયમાં આપવામાં આવી છે, અને આ વાત આપણે વિસારે ન પાડીએ માટે મોટા હોર્ડિંગ ઊભાં કરીને કહેવાઈ છે. જો હું એમ કહું કે આંકડી કે એવાં સાધનો પર કોઈનો અંગત મોનોગ્રામ છપાવ્યાથી એની અસરકારકતા કે કવિનિષ્ઠામાં ઉમેરો નથી થતો તો શ્રી ચિનુ મોદીએ રોષે ભરાવાનું કારણ નથી. પદ્યમાં રંગસૂચિ લખ્યા છાપ્યાથી નાટક બની જાય છે, પદ્યનાટક બની જાય છે એ એકાવન ટકા પણ સાબિત ન થાય ત્યાં લગી તો આને વ્યર્થ યત્ન જ કરવો પડે. ભાઈ આદિલ મન્સુરીના નાટક “પેન્સીલની કબર અને મીણબત્તી”માં બામજીએ અછરતો એક ઉલ્લેખ, લગ્નની વાત છેડ્યા પછી, કર્યો છે : `પણ એક્કેય ચીજ શુદ્ધ ક્યાં મળે છે હવે?’ એમણે અહીં ઘણું અધ્યાહાર રાખ્યું અને તરત જ ઈંડાને ઊભી ખો આપી. વાંચનારને જોજન દૂર રાખવાના આ સફળ યત્નમાં વાચકને સમજાય એવું કદાચ આટલું એક (એક જ લગભગ) વાક્ય લખાયું છે. તેની દાદ આપતા એટલું જ ઉમેરવાનું રહે છે: કે એ ચીજોમાં નાટકને પણ ભેળવવામાં આવ્યું છે. આ સહુ શક્તિશાળી જુવાનો પાસેથી સમજાય એવું નાટક માગવાનો આપણા સૌનો હક્ક છે. અને એ ભાઈઓ પણ એનો ઇન્કાર ન કરે.