નારીસંપદાઃ વિવેચન/આત્મકથા કોણ લખી શકે એક ચર્ચા


૧૪

આત્મકથા કોણ લખી શકે ? એક ચર્ચા
રસીલા કડિઆ

દરેક માનવી સ્વ-સંવેદનને અભિવ્યક્ત કરવા ઝંખતો હોય છે. નાના પ્રકારે એને વ્યક્ત કરવામાં તે અપૂર્વ આનંદ અનુભવતો હોય છે. ચોપીને (Chopin) સાચું જ કહ્યું છે : 'There is no joy in the world like the expression of one-self, of one's ego, in whatever medium you choose.'૧[1] પોતાનો અને પોતાના કાર્યનો સંપૂર્ણપણે લોપ થાય એમ માનવી ઇચ્છતો નથી. સ્ટીફન ઝવેઈગે આ સંદર્ભે કહ્યું છે : 'માનવી સર્જનના અજસ્ત્ર સ્રોતમાં નગણ્ય બુદ્બુદ્ જેવો છે. એને માથે નશ્વરતાનો ઓળો ઝળૂંબી રહ્યો હોય છે. રૂપાંતરોની અટવીમાં સદા અટવાયા કરવાનું તો એ લલાટે લખાવીને લાવ્યો છે. સમયના દુર્નિવાર સ્રોતની પછડાટ ખાઈને એ ક્યાંનો ક્યાં ફેંકાઈ જાય છે. અનેક નક્ષત્રોના વિરાટ વિશ્વમાં એ રજકણ સરખો છે, ને છતાં પેલી દુર્દમ ઇચ્છાને વશ વર્તી ક્ષણભંગુરતાના અપાર પારાવારમાં ક્યાંક લંગર નાખીને અમર થઈ જવાને એ વલખાં મારે છે. સંતાનને જન્મ આપવો અને આત્મરેખાંકન કરવું એ બંને આખરે તો માનવતાના નિરંતર વર્ધિષ્ણુ અશ્વત્થવૃક્ષમાં કૂંપળ થઈ ફરીફરી ફાલ્યા કરવાની જે મૂળભૂત વૃત્તિ રહી છે, તેનાં જ આવિષ્કરણો છે. આથી, આત્મરેખાંકન એ પોતાની સંતતિને ચાલુ રાખવાના સંકલ્પનું ઉત્કટતમ સ્વરૂપ છે. xx આત્મરેખાંકનના સઘળા પ્રયત્નોની પાછળ આદિતમ માનવમાં પણ રહેલી મર્મગત પ્રબળ આકાંક્ષા જ પ્રવર્તી રહી છે.’૨[2] કલાકાર પણ એના સર્જનમાં અભિવ્યક્તિ દ્વારા અમરત્વની પ્રાપ્તિ અર્થે જ મથતો હોય છે. આથી જ, કોઈ પણ સાહિત્યસ્વરૂપમાં આપણને એના સર્જકના માનસનો સમગ્રતયા આવિષ્કાર થતો જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેમાં એના સિદ્ધાંતો, વિચારો, અનુભવો અને ભાવનાઓનું પ્રતિબિંબ જોવા મળે છે. પરંતુ, સાહિત્યનાં અન્ય સ્વરૂપોની અપેક્ષાએ ‘આત્મકથા'ની અભિવ્યક્તિ નોખી તરી આવે છે. આત્મપરિચય એ જ એકમાત્ર એનો ઉદ્દેશ છે. અન્ય સ્વરૂપોમાં વાસ્તવિક જીવનની સામગ્રી રૂપાંતરિત થઈને આવે છે તેમ અહીં બનતું નથી. આત્મકથામાં અંગત જીવનની સીધેસીધી અભિવ્યક્તિ છે. માતાના ગર્ભમાંથી જ જીવનના વિકાસની પ્રક્રિયા આરંભાય છે અને મૃત્યુપર્યંત તે અવિરત ચાલતી રહે છે. જન્મજાત અને આનુવંશિક વિશિષ્ટતાઓ લઈને આવતું બાળક પોતાના અસ્તિત્વની સાથે દુનિયા સાથે સંઘર્ષ આદરે છે અને તેની સાથેની પારસ્પારિક આપ-લેમાંથી એના વ્યક્તિત્વનું ઘડતર થાય છે. આત્મકથા આ વ્યક્તિત્વના ઘડતરને જ આલેખે છે. આથી જ, પ્રથમ દૃષ્ટિએ, આત્મકથા સર્વને સહજ અને સુસાધ્ય લાગે છે અને આત્માભિવ્યક્તિ અર્થે તેનું આકર્ષણ પણ અદમ્ય છે. સર્વ ક્ષેત્રની અને સર્વ કોટિની વ્યક્તિઓએ – પછી તે પુરુષ હો કે સ્ત્રી, અંતર્મુખી હો કે બહિર્મુખી, વિશિષ્ટ હો કે સાધારણ, સંત હો કે પાપી, સ્વનિંદક હો કે આત્મસમર્થક, ધ્યેયનિષ્ઠ હો કે ધ્યેયવિહીન, જ્ઞાનયોગી હો કે કર્મયોગી, રખડુ હો કે ઘરકૂકડી, કલાનો ઉપાસક હો કે લક્ષ્મીનો ઉપાસક - આ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું છે. જોકે સાહિત્યનો ઈતિહાસ દર્શાવે છે કે લખાયેલી દરેક આત્મકથા સાહિત્યકૃતિ લેખે સંતર્પક નીવડતી નથી. આત્મકથા આત્મપરિચય કરાવવા લક્ષે છે, સાહિત્યકૃતિની જેમ આનંદનો અનુભવ નહીં; અને આત્મપરિચય એ જ માત્ર લક્ષ્ય હોય તો અહીં પ્રશ્ન ઉદ્ભવે છે : શું દરેક માનવીનો આત્મપરિચય આવશ્યક ખરો? દરેક માનવીની જીવનસામગ્રી અભિવ્યક્તિયોગ્ય ગણી શકાય ખરી ? ગાંધીજી કે ટૉલ્સટૉયની આત્મકથા જીવનપથમાં દીવાદાંડીની ગરજ સારે, પણ એક ચોર કે ઠગની આત્મકથા વાચકને શું આપશે ? જવાહરલાલ નહેરુ, સુમંત મહેતા કે ઇન્દુલાલ યાજ્ઞિક જેવી રાજકીય સામાજિક ક્ષેત્રે અગ્રગણ્ય વ્યક્તિઓની આત્મકથા વાચકને તે તે ક્ષેત્રનો વિશિષ્ટ પરિચય કરાવશે, એના જ્ઞાનમાં ઉમેરો કરશે અને જીવનને સમજવામાં સહાયભૂત થશે, પરંતુ સામાન્ય માનવીની આત્મકથા કયો ઉદ્દેશ સારશે ? ડૉ. શાંતિ ખન્નાએ પોતાના મહાનિબંધમાં એવો મત પ્રકટ કર્યો છે કે, 'આત્મકથા લેખક સાહિત્યિક, રાજકીય, ધાર્મિક કોઈ ભી વ્યક્તિ હો સકતા હૈં, પરંતુ લેખકકા સર્વપ્રતિષ્ઠિત એવં સર્વમાન્ય હોના આવશ્યક હૈ.’૩[3] આ મત ખરે જ, ચિંત્ય છે.

પ્રાચીન સમયમાં લોકોત્તર પુરુષની જ યશગાથા ગવાતી હતી. પરંતુ, ગ્રીકોએ વ્યક્તિસ્વાતંત્ર્યની ભાવનાની ભેટ જગતને ચરણે ધરી, પછી વ્યક્તિની મહત્તા વિશ્વમાં વધતી ગઈ છે. વ્યક્તિનાં કાર્યોની મહત્તાને સ્થાને વ્યક્તિની ખુદની મહત્તા સ્થાપિત થઈ છે. સાહિત્યમાં પણ આત્મકથાત્મક નવલકથા અને આત્મકથાત્મક લખાણો લોકપ્રિય બની રહ્યાં છે. આ પરિસ્થિતિના સંદર્ભમાં બાલ્ઝાક કહે છે : 'The most moving novels are autobiographical studies or narratives of events submerged in the ocean of the world.’૪[4] માનવજાત જેમ જેમ પોતાને વિશે સ-ભાન બનતી ગઈ છે તેમ તેમ વ્યક્તિમાં પોતાની વિશિષ્ટતાની અન્યને ઓળખ કરાવવાની તાલાવેલી વધતી ગઈ છે. આમ, તે પોતાના અંગત અનુભવો કહેવાને પ્રવૃત્ત બને છે. આજના લોકશાહીના જમાનામાં આત્મકથાલેખન માટે પરિમિત વ્યક્તિઓને જ સ્વાતંત્ર્ય બક્ષવામાં આવે તે પણ કેવું અજુગતું લાગે છે? કાકાસાહેબનો મત ડૉ. શાંતિ ખન્નાના મતથી તદ્દન વિપરીત છે. તેઓ કહે છે: 'હું પોતે માનું છું કે શ્રેષ્ઠ અથવા અસાધારણ વિભૂતિ જ નહીં, પણ અત્યંત સાધારણ, નિર્વિશેષ, પ્રાકૃત માણસ પણ આત્મચરિત લખે તો તે ઇષ્ટ છે. દરેક માણસ પાસે સૌથી કીમતી વસ્તુ હોય તો તે એનો અંગત અનુભવ છે. એ જો કોઈ સહૃદયતાથી આપણને આપવા માગે તો આપણે એને કેમ ન વધાવી લઈએ ?'૫[5] આમ, કાકાસાહેબે સામાન્ય માનવીનો સ્વીકાર કર્યો છે ખરો, પણ તેઓ અંગત અનુભવના કીમતીપણા પર ભાર મૂકે છે એ ભૂલવા જેવું નથી. સાધારણ મનુષ્ય હો કે વિશિષ્ટ, પણ એને પોતાનો અંગત અનુભવ વિશિષ્ટ લાગ્યો છે? કીંમતી લાગ્યો છે? – એ મહત્ત્વનું છે. મનુષ્ય વિશિષ્ટ હોય કે નહિ. સર્વમાન્ય અને સર્વપ્રતિષ્ઠિત હોય કે નહિ, એના કરતાં એના અંગત અનુભવોનું વૈશિષ્ટય આત્મકથામાં વિશેષ મહત્તા ધરાવે છે. જેની પાસે તે હોય તેવી વ્યક્તિ આત્મકથા લખી શકે એવો કાકાસાહેબનો મત છે. વ્યક્તિ પોતે જીવનનાં અનેક સાહસોમાંથી પસાર થઈ હોય, પણ ભાવપ્રદેશે તદ્દન કોરી રહી હોય, તો એ સાહસકથાની અભિવ્યક્તિ વાચકને કેટલી આકર્ષી શકશે? ક્યારેક કેટલીક વ્યક્તિઓ ક્ષુદ્ર બનાવોમાંથી પણ સતત આનંદ અને ઉત્સાહને શોધતી રહેતી હોય છે અને કશુંક પામતી રહેતી હોય છે. આવી વ્યક્તિઓની જીવન સામગ્રી અભિવ્યક્તિ પામશે ત્યારે વાચકની દૃષ્ટિ જીવનની સામાન્યતા પ્રતિ નહીં હોય, પણ એ સામાન્યતામાંથી એ પોતે જે અભિનયતા પામે તે પ્રતિ હશે. યથાર્થ જ કહેવાયું છે : 'To have led an interesting life is a definite advantage, but to be interested in life is real essential.'૬[6] એટલે, વ્યક્તિની 'સર્વપ્રતિષ્ઠિતતા' કે 'સર્વમાન્યતા' એ ધોરણ બની શકે નહિ. લેખકની અનુભવગઠરી સામાન્ય હોય કે વિશિષ્ટ, એ તેને કઈ રીતે જુએ છે એ મહત્ત્વનું છે. આત્મકથાની સફળતાનો આધાર આત્મકથાકારના હોદ્દા અને કાર્ય પર અવલંબતો નથી, પણ જીવન પ્રત્યેનો એનો અભિગમ અને જીવનના અનુભવોને આત્મસાત્ કરવાની એની શક્તિ પર અવલંબે છે. નાનજી કાલિદાસ મહેતાની આત્મકથામાં અનુભવસામગ્રી એક અદ્ભુત સાહસકથાની છે, પણ આત્મકથા લેખે એ ઊણી ઊતરે છે. આત્મકથાની પ્રસ્તાવના આત્મકથાલેખનના પ્રેરક હેતુનો નિર્દેશ કરતી હોય છે. આ હેતુઓ વ્યક્તિએ અલગ અલગ હોય છે. જેમ કે - એકધારી જિવાતી જિંદગીમાં ક્યારેક કશુંક એવું બને છે કે સીધે રસ્તે વહેતી જીવનનદીનો પ્રવાહ ફંટાય છે; કાંઈક એવું બને છે કે જેથી આજ સુધીની જીવનઈમારત જે માન્યતા પર ઊભી થઈ હતી તે ભાંગીને ભૂકો બની જાય છે અને કોઈક વાલિયો વાલ્મીકિમાં રૂપાંતરિત થાય છે. આમ, જીવનને ધક્કો લાગે તેવી કોઈ ઘટના વ્યક્તિના આંતરબાહ્ય પરિવર્તન આણે છે અને એ આત્મકથા લખવા પ્રેરાય છે. ક્યારેક વ્યક્તિ કશીક સિદ્ધિ પ્રાપ્ત કરે છે. એના જીવનની મહત્ત્વાકાંક્ષાઓ પૂર્ણ થાય છે ત્યારે એ સંતોષ અનુભવે છે. પોતાની સફળતાનું રહસ્ય ઇતરજનોને કહેવા એ ઉત્સુક બને છે. જીવનમાં દરેકને નસીબે સફળતા અને સંતોષ નિર્માયા હોતાં નથી. કોઈકને નસીબે પ્રયત્નો જ લખાયા હોય છે. પ્રાપ્તિ નહીં. કર્મોની આ નિષ્ફળતા વ્યક્તિને આત્મપરીક્ષણ પ્રતિ દોરી જાય છે. પોતાનાથી થયેલી ભૂલો બીજા ન કરે એ હેતુસર તે આત્મકથા લખવા પ્રેરાય છે. કેટલીક વ્યક્તિઓ પોતાનાં સ્વજનો અને સમાજ તરફથી અન્યાય પામેલી હોય છે, અથવા તો ગેરસમજનો ભોગ બનેલી હોય છે. આવી વ્યક્તિઓ આત્મન્યાય કે આત્મસમર્થન અર્થે આત્મકથા લખે છે. કશાયે ધ્યેય વિના જીવન જિવાતું જાય છે એવું ઘણાયે અનુભવતા હશે. ક્યારેક-લાંબી માંદગી કે કોઈક બનાવ કે અવકાશ વ્યક્તિને અતીતની યાત્રાએ લઈ જાય છે અને જીવનના અર્થને સમજવા પ્રેરે છે ત્યારે આત્મકથા લખાય છે. જીવનનો ઢોળાવ ઊતરી ચૂકેલી વ્યક્તિઓ જીવનની બાકી રહેલી સંધ્યાઓ અતીતની યાદમાં વિતાવે છે ત્યારે આત્મકથા લખાય છે. એક જ સમયની, એક જ ઘટનાને જુદી જુદી વ્યક્તિઓ આલેખે છે ત્યારે તેમાં ઘણી ભિન્નતા જોવા મળે છે. આનું કારણ આત્મકથા લખવાનો લેખકનો વિશિષ્ટ હેતુ છે. આ વિશિષ્ટ હેતુને એ ધારણ કરે છે, કારણ કે એનું સત્ત્વ- વ્યક્તિત્વ બનેલા બનાવોને એની પોતાની રીતે જ જુએ છે. આત્મકથાના વાચનમાં રસ પણ આ જ કારણે પડતો હોય છે. આત્મકથાના આ હેતુઓમાં ક્યાંય એવું જણાવાયું નથી કે, પોતે સર્વપ્રતિષ્ઠિત અને સર્વમાન્ય છે. અને તેથી જ પોતે આત્મકથા લખવા પ્રેરાયો છે. વળી, ‘સર્વપ્રતિષ્ઠિતતા' અને 'સર્વમાન્યતા'ને આપણે શાને આધારે સાબિત કરી શકીશું ? અગ્રગણ્ય વ્યક્તિઓ પોતાના અનુભવો અન્યને ઉપકારક બને એની ભાવનાથી આત્મકથા લખે છે અને આત્મકથા લેખે તે 'સફળ' નીવડે છે ત્યારે આવી કૃતિ પણ, અંતે જતાં તો, નિજી આવશ્યકતામાંથી જ સર્જાઈ હોય છે. આમ, ડૉ. શાંતિ ખન્નાના ઉક્ત શબ્દોને ફેરવીને આપણે એમ કહી શકીએ કે, આત્મકથાકાર જો 'સ્વ-પ્રતિષ્ઠિત' અને 'સ્વ-માન્ય' હોય તો જ તેની આત્મકથા સફળ નીવડે. આત્મકથા લખવા પાછળના પ્રેરક હેતુઓ ભલે અલગ અલગ હોય, પણ એ બધામાં એક સર્વસામાન્ય તત્ત્વ જણાઈ આવે છે. આત્મકથાલેખક પોતાનામાં એક પ્રકારની consistencyનો અનુભવ કરે છે. રોય પાસ્કરેલ ‘Design and Truth in Autobiography' નામના પુસ્તકમાં આત્મકથાના ઉદ્ભવની ક્ષણમાં consistencyનો શો ફાળો છે તે જણાવ્યું છે. આ consistencyનો આત્મકથાકાર અનુભવ કરે છે ત્યારે જ તે સ્વપ્રતિષ્ઠિત કે સ્વ-માન્ય બને છે. રૉય પાસ્કલે પોતાનો અંગત અનુભવ જ આલેખ્યો છે. તેઓ કહે છે : 'I was frequently startled to find that for other people, I was a person with definite characteristics, who in given circumstances, could be expected to have certain views and to act in certain ways; while I remained in my own eyes rather indefinite and capable of unforeseeable reactions. I came to realise that I was deluding myself in some degree, but felt that the others were deluding themselves about me also. I am not so fixed as I appear to them, and I am not so indeterminate as I assume. Thinking over recent changes in my thoughts and habits, I found it immensely difficult to decide whether they were foreseeable as the assertion of a deeper trend over less fundamental attitudes, or whether they were something really new. In either case, it seemed curious that I was consistent, that this I was an identity; for even if something new had emerged, I tried to prove to myself that it grew organically out of the old. As if freedom could mean something to me only if it was destiny, as if a choice was satisfactory only if it imposed itself as my nature.[7] આમ સર્વમાન્ય કે સર્વપ્રતિષ્ઠિત કરતાં આત્મકથા સ્વ-માન્ય (self- recognised) અને સ્વ-પ્રતિષ્ઠિત હોય એ જ વધુ ઔચિત્યભર્યું લાગતું નથી? વ્યક્તિને પોતાને એવું પ્રતીત થાય કે મારા જીવનમાં સામાન્ય જીવનમાં – પણ કશુંક ‘વિશેષ' છે, ‘વિલક્ષણ' છે અને આવી સ્વ-પ્રતીતિ એને એના જીવનને આકારિત કરવા માટે પ્રેરણા આપે, એવું બને. આત્મકથા લખવા પાછળનું કેન્દ્રીય બળ આ 'સ્વ' છે અને એ બિંદુમાંથી જ બધીય ત્રિજયાઓ વિસ્તરે છે. એટલે, આત્મકથામાં 'સ્વ-માન્યતા'નો પ્રશ્ન જ મહત્ત્વનો બની રહે છે. માનવીનું આંતરવિશ્વ કેવું અ-ગોચર છે ! જે સર્વમાન્ય નથી, સર્વપ્રતિષ્ઠિત નથી, પણ પોતાના એક નાનકડા ખૂણામાં જીવતો હોય તેવો માણસ - ઉપલક દૃષ્ટિએ જોતાં સામાન્ય માણસ પણ ભવ્ય જીવી શકતો હોય છે, તો સમાજમાં અગ્રગણ્ય ગણાતો માનવી એના અંગત જીવનમાં અતિપ્રાકૃત કક્ષાએ વિહર્યો હોય એવું પણ બને છે. સમાજની દૃષ્ટિએ સ્ત્રી પતિતા હોય, પણ એનું આંતરવિશ્વ જુદું હોઈ શકે. જે પ્રેમનું રહસ્ય સતી કે સાધ્વી પામી રહી હોય તેને પતિતા સ્ત્રી પણ પોતાની રીતે પામી હોય એ શક્ય છે. હા, એવું બને કે એણે પંકમાં જ પાંગરવાનું હોય. પતિતા સ્ત્રી આજુબાજુના ગલીચ પરિવેશમાં પણ જ્યારે પેલા સ્નેહના કુસુમને અક્ષત સાચવવા મથતી હશે ત્યારે એની અંદરની ઋદ્ધિ કેટલી ઉત્કૃષ્ટ હશે? અને આવી સ્ત્રી જયારે પોતે પોતાને વિશે વાત કરે ત્યારે તો રહસ્યનાં કેટકેટલાં દ્વારો ખૂલી જાય ? આમ, આત્મકથા કોણ લખી શકે એની ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે આ વસ્તુને ખ્યાલમાં રાખવી જોઈએ કે, માણસમાં મૂળભૂત વૃત્તિઓ (natural instincts) સરખી પડેલી હોવા છતાં વ્યક્તિએ અનુભૂતિ તો નિરનિરાળી હોય છે; અને આ અનુભૂતિમાં પડેલું અભિનવતાનું તત્ત્વ જ વાચકને બીજાના જીવનમાં ડોકિયું કરવા પ્રેરે છે. દા.ત. વાચકને પોતાને એ જિજ્ઞાસા રહે કે વ્યક્તિએ વ્યક્તિએ પ્રેમની અનુભૂતિ કેવી વિશિષ્ટ છે, વિલક્ષણ છે. આમ, એક બાજુ માણસમાં પડેલી આત્મભિવ્યક્તિની વૃત્તિ, બીજી બાજુ પેલું કશુંક અભિનવ તે તે વ્યક્તિ જીવનમાંથી લાધશે તેનું આકર્ષણ અને એ ઉપરાંત, બીજાના જીવનમાં ડોકિયું કરવાની સનાતન જિજ્ઞાસાવૃત્તિ એ સર્જક અને અનુભાવક બંને માટે પ્રેરક - motive - બની રહેતાં હોય છે. આથી, સામાન્ય જીવનમાંથી પણ કશુંક અભિનવ લાધે છે ત્યારે કૃતિ આસ્વાદ્ય અને હૃદ્ય બની શકતી હોય છે અને તેથી એ સાહિત્યકૃતિ જ બને છે. આથી જ, ડૉ. શાંતિ ખન્નાનો અભિપ્રાય, જેમાં તેઓ ‘લેખક સર્વમાન્ય અને સર્વપ્રતિષ્ઠિત હોવો જોઈએ.’ એ ગૃહીત લઈને આવે છે તે સ્વીકાર્ય બની જ ન શકે. જોકે, આત્મકથાકાર માટે પોતાના જીવનના વિશિષ્ટ અર્થની જાણકારી અભિનવતાનું તત્ત્વ જ કેવળ બસ નથી, જ્યારે તે અંગત જીવનને આલેખે છે ત્યારે તે 'શબ્દ'ના માધ્યમનો આધાર લે છે. કાર્લાઇલે કહ્યું છે : 'A well-written life is almost as rare as a well spent one.’૮[8] એટલે, આત્મકથાકારમાં અભિવ્યક્તિસામર્થ્ય હોવું અનિવાર્ય છે; કારણ કે આખરે તો એ સમસંવેદકને શોધતો હોય છે, જે એને બરાબર જાણે, સમજે પોતાની કૃતિ સંવેદ્ય બની શકે તે માટે એણે શબ્દકલાની આરાધના કરવાની રહે છે. કાકાસાહેબે કહ્યું છે : 'સામાન્ય માણસને અદ્ભુત અને અસાધારણ જોવા-જાણવાની ઇચ્છા મુખ્યત્વે હોય છે. એવો રસ એને અવારનવાર મળે પણ છે. છતાં સામાન્ય માણસ નિત્ય વિચાર કરે છે પોતાનો જ. સામાન્ય માણસને જેમ દુનિયામાં સ્થાન હોય તો એનાં સંસ્મરણોને પણ સાહિત્યમાં સ્થાન હોવું જોઈએ; શરત એ જ કે એણે કંટાળો ન આણવો જોઈએ.’૯[9] ‘આથમતે અજવાળે'ની પ્રસ્તાવનામાં ધનસુખલાલ મહેતાએ પણ પોતાનો આવો મત પ્રકટ કર્યો છે, તેઓ કહે છે : 'જેમ નવલ કે નવલિકાના પાત્રો રાજા હો કે રંક, તેના ઉપરથી તે નવલ કે નવલિકાનાં મૂલ્ય અંકાતાં નથી, તેમ આત્મકથાની કિંમત એનો નાયક મોટો હોય કે નાનો, તે ઉપર અવલંબેલ નથી. એની કસોટી સાહિત્યકૃતિ તરીકે જ થાય છે - થવી જોઈએ.’૧૦[10] આત્મપરિચય એક ચર્ચા પામેલ આત્મકથાકાર પોતાને યથાર્થપણે પ્રગટ કરી શકે તે માટે તેની પાસે હાથવગું માત્ર એક જ સાધન છે અને તે છે શબ્દ. એટલે, અભિવ્યક્તિસામર્થ્ય હોય તે જ આત્મકથા લખી શકે. આત્મકથાનો ઇતિહાસ દર્શાવે છે કે મુનશી જેવાની આત્મકથા આત્મપરિચયમાં ઊણી ઊતરી છે, જ્યારે મહારાષ્ટ્રની એક અશિક્ષિત નારી લક્ષ્મી ટિળક જેવી નારીની આત્મકથા વિશેષ મુલ્યવાળી બની શકી છે. ગાંધીજીની આત્મકથાને આપણે આદર્શ આત્મકથા ગણીએ છીએ, પણ એમણેય કલાની સભાનતાથી આત્મકથા લખી નથી. તો, અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે આત્મકથામાં શું મહત્ત્વનું : અનુભૂતિ કે અભિવ્યક્તિ? (બીજા શબ્દોમાં કહીએ તો) અંતરતત્ત્વ કે આકૃતિ? આત્મકથાકારની અભિવ્યક્તિ જો બળકટ હોય, રસના પ્રવાહમાં એ ખેંચી જતી હોય તો એ આત્મકથાને આપણે સફળ આત્મકથા કહીશું, કે અભિવ્યક્તિ નબળી હોય છતાં એની અનુભુતિ એની જીવનસામગ્રી યથાર્થસ્વરૂપે પ્રકટ થઈ હોય એને આપણે સફળ આત્મકથા કહીશું? કાકાસાહેબે અભિવ્યક્તિસામર્થ્યને વિશેષ મહત્ત્વ આપ્યું હોય તેમ જણાય છે. 'સ્મરણાયાત્રા'ની બીજી આવૃત્તિની પ્રસ્તાવના લખતાં પોતાને થયેલો અનુભવ અને તેનું તારણ તેઓ આ પ્રકારે વ્યક્ત કરે છે : 'જ્યારે જ્યારે આ પ્રકરણો વાંચું છું અથવા આને વિશે મિત્રોને બોલતા સાંભળું છું ત્યારે ત્યારે આવા જુદા જુદા અનેક પ્રસંગો યાદ આવે છે. જો એ બધા લખવા માંડું તો સ્મરણયાત્રા સાથે સમાંતર એવી બીજીએક સ્મરણયાત્રા સહેજે તૈયાર થઈ જાય. જીવનના એ જ ગાળા વિશે આ નવાં સંસ્મરણો આજની મનોવૃત્તિમાં લખી કાઢવાની એક નવીન વસ્તુ સહેજે ધ્યાનમાં આવી શકે એમ છે. એક જ જીવનનાં, એક જ કાળનાં બે પ્રામાણિક બયાનો ભિન્ન ભિન્ન વૃત્તિથી લખાયેલાં હોય તો, તેમાં એકતા હોવા છતાં કેટલી ભિન્નતા આવી શકે છે, એ જોવા મળવાથી એ એક આશ્ચર્યનો વિષય થઈ શકે એમ છે અને સાહિત્યમાં સોના કરતાં સોનીની અસર કેટલી હોઈ શકે એમ છે એનો કંઈક ખ્યાલ આવી શકે છે.’૧૧[11] સોના (content) કરતાં સોની (craftsmanship)ની મહત્તાનું યશગાન કરતા કાકાસાહેબના વિધાનના સંદર્ભે મોહનભાઈ પટેલ અહીં મહત્ત્વનો પ્રશ્ન ઊઠાવે છે: 'ચરિત્રસાહિત્યમાં મહત્ત્વનું શું? સોનું કે સોની?... સોનું સોનું જ રહે છે, પણ સોનીને કારણે તેના વિવિધ આકારો ઘડાય છે. સત્ય જો આમ આકાર બદલી શકતું હોય તો તેના આ illusive - છટકણા બહુરૂપને ગ્રહણ કરવું કેમ? એને પામવું કેમ ? દાગ હેમરશિલ્ડની આત્મકથાનો અંગ્રેજી અનુવાદ કરનાર ડબ્લ્યુ. એચ. ઑડિને એની પ્રસ્તાવનામાં આપેલ તેનાં retrospective revisionને જે ઘણા લોકો અપ્રામાણિક ગણીને કાઢી નાખે છે તે ઑડિનને પસંદ નથી.’૧૨[12] રૉય પાસ્કલે આત્મકથાની સ્વરૂપવિચારણા સંબંધી વિવેચન ગ્રંથમાં સટોબ્રીઆંદ(Chateaubriand)નું ઉદાહરણ આપ્યું છે. પોતાનાં સ્મરણો લખતાં સટોબ્રીઆંદને ત્રણેક દાયકા વીતી જાય છે. આ સમય દરમ્યાન પૂર્વલખાણને એણે વારંવાર તપાસ્યું છે અને એમાં ઘટતો ફેરફાર કર્યો છે. તે આમ જ્યારે કરે છે ત્યારે એની સાથે એક નાની પ્રસ્તાવના જોડે છે. એમાં એ લખાણ લખતી વખતે પોતે કઈ કઈ બાબતોથી ઘેરાઈ ગયો હતો તે જણાવે છે અને આમ કરવાનાં કારણો સ્પષ્ટ કરે છે : 'The varied events and changing forms of my life thus enter one into the other. It occurs that, in prosperous moments. I have to speak of the time of my misforrtunes, and that, in my days of tribulation, I retrace my days of happiness. The various sentiments of my different ages, my youth pentrating my old age, the gravity of my years of experience saddening the light, hearted years, the beams of my sun, from its dawn to its settings, crossing and mingling like the scattered reflections of my life - all this gives a sort on indefinable unity to my work - my cradles has something of my grave, my grave has something of my cradle, my sufferings become my pleasures, my pleasures become pains, and one does not know whether these Memoirs are the work of a brown or hoary head’૧૩[13] અહીં સટોબ્રીઆંદ અનુભવે છે કે, જીવનની ઘટનાઓ તો એની એ રહે છે પણ કોઈ નવા સંદર્ભમાં નવી સમજ પ્રાપ્ત થતાં એ તે ઘટનાઓનું અર્થઘટન બદલાય છે; અને આત્મકથામાં આત્મપરિચય આ અર્થઘટન સંદર્ભે જ થાય છે. એટલે, આત્મકથામાં અનુભૂતિની સચ્ચાઈનું મૂલ્ય વિશેષ ગણાય છે, એમ કહી શકાય. અભિવ્યક્તિ (craftmanship)નો આધાર આ content છે સોનું છે. આમ, આ ચર્ચાની શરૂઆત આપણે ડૉ. શાંતિ ખન્નાના વિધાનથી ઉદ્ભવેલા 'આત્મકથા કોણ લખી શકે?' એ પ્રશ્નથી કરી અને આત્મકથામાંની જીવન-સામગ્રી કોની હોય એ મહત્ત્વનું નથી એ જોયું. પણ, પછીની ચર્ચામાંથી એ પ્રશ્ન ઉદ્ભવ્યો કે આત્મકથામાં શાનું મહત્ત્વ છે – અભિવ્યક્તિનું કે અંતરતત્ત્વનું ? આત્મકથામાં 'સત્ય' જ માનદંડ તરીકે સ્વીકારાતું હોવાથી, આપણે કહી શકીએ કે, એમાં મહત્ત્વ અંતસ્તત્વનું એની સચ્ચાઈનું છે. ‘સોની'ને કારણે ઘાટ ઘડાય છે, પણ દરેક ઘાટમાં અંતર્નિહિત 'સોનું' - content એ જ આત્મકથાની મૂડી છે. માત્ર ઘાટની અ-પૂર્વતા આકર્ષે ખરી અને અન્ય સાહિત્યસ્વરૂપોમાં તેનો મહિમા ગવાતો પણ હોય છે, પણ આત્મકથામાં સર્જકના સર્જનકર્મના મહિમા કરતાં, જેને કારણે એ દુઃસાધ્ય સાબિત થયું છે તે સચ્ચાઈનું મહત્ત્વ છે; અને આ સચ્ચાઈ એટલે કેવળ તથ્યની રજૂઆત નહીં, પણ સાહિત્યમાં જેને 'નિત્ય સત્ય' કહે છે તેની રજૂઆત છે. એ માટે આત્મકથાકાર નિત્ય સત્યને હાનિ ન પહોંચે તેવી રીતે તથ્યને જરાક બદલી પણ શકે છે, એ આપણે આત્મકથાનાં લક્ષણોની ચર્ચામાં પણ જોયું છે. આ પ્રશ્નને આપણે બીજી રીતે પણ જોઈ શકીએ. શા માટે 'સોની' અને 'સોનું' એવી ભિન્નતાને સ્વીકારવી? ‘વાક્-અર્થની સંપૃક્તતા' આપણે સ્વીકારી એવી જ સંપૃક્તતા આપણે અંતરતત્ત્વ અને આકૃતિ અંગે પણ સ્વીકારી શકીએ નહિ? અર્ધનારી-નટેશ્વર જેવું બંનેનું અદ્વૈત રચાય ત્યારે જ એમાં કલાનું એક અપૂર્વ સર્જન થાય. સોની જેમ વિધવિધ ઘાટ ઘડવા એવા એક ગૃહિતથી જ ઘાટ ઘડતો હોય છે અને અવનવા ઘાટ તે ઉપસાવી પણ શકે છે. તેમ જો આત્મકથાકાર પાસે જીવનના અનેક અનુભવો, સંવેદનોનું ભાથું હોય અને એની અનુભૂતિની અને સંવેદનાની તીવ્રતા એને લખવા પ્રેરે તો તીવ્ર અનુભૂતિ પોતાની બળકટ અભિવ્યક્તિ પામી જ લે અને એમ અનાયાસ એક ઘાટ ઘડાઈ જાય, ખુદ સર્જકને પણ એની ખબર ન પડે એવું બને. સભાનતાપૂર્વક આકૃતિ નિર્મવી, ઘાટ ઘડવો એ એક છલના છે જાત સાથેની. જો સ્વયં અભિવ્યક્તિની છટા નિખરે અને ઘાટ ઘડાઈ જાય તો એ જુદી વાત છે. આપણે ત્યાં કેટલાક સર્જકો (જેમને આપણે 'આકૃતિવાદી' તરીકે ઓળખાવી શકીએ.) જેઓ કલામાંથી આકૃતિ ઘાટ નીપજી આવે એ વિશે સતત સ-ભાન હોય છે. અને સર્જકોને પણ આ સ-ભાનતાથી આકૃતિ અંગે સફળતા મળી જ હોય તેવું બન્યું નથી. દા.ત. ડો.સુરેશ જોશી પોતે તો કલામાં રૂપાયનના - આકારનિર્મિતિના આગ્રહી છે, પણ એમની 'છિન્નપત્ર' અને ‘મરણોત્તર'ને તેઓ પોતે અભિપ્સિત ઘાટ સંપડાવી શક્યા છે ખરા ? ‘મરણોત્તર' માટે 'લખવા ધારેલી નવલકથાનો મુસદ્દો' એવી પોતાને વિશેની કડક આલોચના એમણે કરવી પડી છે, એ જ બતાવી આપે છે કે આકૃતિ વિશે સર્જક સભાનતાનો ખ્યાલ ધરાવતો હોય છતાં આકૃતિ ન પણ રચાય. આનાથી વિપરીત દૃષ્ટાંત આપણે ગાંધીજીનું આપી શકીએ. તેમનામાં કલાપરક સભાનતા જરા પણ નથી. લોકોને પોતે કરેલા સત્યના પ્રયોગો ખપ લાગે એ જ માત્ર હેતુથી તેઓ લખવા બેસે છે. પણ, એમની નિષ્ઠા - sincerity - એટલી બધી છે કે તેઓ લખવા બેસે છે ત્યારે સ્વયં એક ઘાટ ઘડાઈ જાય છે અને પરિણામસ્વરૂપે આકૃતિ અને અંતરતત્ત્વ એમ બેય પક્ષે સામંજસ્ય પામેલી કૃતિ આપણને સાંપડે છે. આમ, આત્મકથા કોણ લખી શકે - સામાન્ય કે લોકોત્તર વ્યક્તિ? સ્વપ્રતિષ્ઠિત કે સર્વપ્રતિષ્ઠિત ? અનુભૂતિની અભિનવતા અનુભવનાર કે અભિવ્યક્તિની અભિનવતા સિદ્ધ કરનાર? - એ પ્રશ્નો ગૌણ બની રહે છે. આત્મકથાકાર જો આત્માનાં ગંભીરતમ તલોમાં ચાલી રહેલા વ્યાપારો કળી શકતો હોય તો એના જીવનની કાચી સામગ્રી એક અખંડ અનુભૂતિ રૂપે એના સંવેદનમાં આકારિત થશે અને સહજ પણે એનો આકાર શબ્દના માધ્યમ દ્વારા આવિષ્કૃત થશે. અર્થાત્, સાચા અર્થમાં જે પોતાને પામ્યો હશે તે જ પોતાને ઓળખાવી શકશે; અને રૉય પાસ્કલના વિધાનમાં આપણે આગળ જોયું તેમ, આત્મકથાલેખનમાં લેખકે પોતે જો consistencyનો અનુભવ કર્યો હશે તો તે પોતાની કૃતિમાં પણ consistencyનો અનુભવ કરાવશે. આખરે ઘાટ એ એના સિવાય છે પણ શું? આવી કૃતિ કલાની સભાનતા વિના લખાય છતાં એ કલા જ નથી શું?


આત્મકથા:સ્વરૂપ અને વિકાસ, રસિલા કડીયા, બીજી આ.૨૦૧૫, પૃ૧૨૧થી ૧૩૦




સંદર્ભ નોંધ :

  1. ૧. Misch G., 'A History of Autobiography in Antiquity', p.9
  2. ૨. 'વાણી', 'માર્ગશીર્ષ' ૨૦૦૪, પૃ.૧૧-૧૨
  3. ૩. ખન્ના શાંતિ, 'આધુનિક હિંદીકા જીવનીપરક સાહિત્ય' પૃ.૧૮
  4. ૪. Misch G., 'A History of Autobiography in Antiquity', p.3
  5. ૫. કાલેલકર, ‘સ્મરણયાત્રા', પૃ.૬ (આવૃત્તિ ૯)
  6. ૬. Betterton Kathleen, 'Writing', p.131
  7. ૭. Roy pascal, 'Design and Truth in Autobiography' - preface
  8. ૮. B. Prasad, 'A Background to the Study of English Literature.' p. 191
  9. ૯. કાલેલકર, ‘સ્મરણયાત્રા’ - પ્રસ્તાવના, પૃ.૧૨ (આવૃત્તિ - ૯)
  10. ૧૦. મહેતા ધનસુખલાલ, ‘આથમતે અજવાળે' – બે બોલ, પૃ.૫
  11. ૧૧. કાલેલકર, ‘સ્મરણયાત્રા' - પ્રસ્તાવના પૃ.૮ (આવૃત્તિ ૯)
  12. ૧૨. પટેલ મોહનભાઈ, 'ધૃતિ', પૃ.૩૨
  13. ૧૩. Roy Pascal, 'Design and Truth in Autobiography', p.12