નારીસંપદાઃ વિવેચન/ઇન્દિરા સંતની કવિતા


ઇન્દિરા સંતની કવિતા
જયા મહેતા

હું ઇન્દિરા સંતને ક્યારેય મળી નથી. અને છતાંયે હું એમને ઓળખું છું એમના શબ્દોથી. એ શબ્દોમાં પ્રગટતાં ભાવચિત્રોથી. એ ભાવચિત્રો પાછળ ધબકતા લયથી. એમની સાથે પત્ર વ્યવહાર કર્યો છે. પણ હસ્તાક્ષર ને હૃદયાક્ષર વચ્ચેનો ફેર શું એ સમજુ છું. એમની તસ્વીર મેં જોઈ છે, પણ વૃક્ષને લીલો છાંયો અને ચીતરેલા ઝાડની છાયા એ બંને વચ્ચેનો ફેર પણ સમજું છું. અને એ પણ સમજુ છું કે, ઇન્દિરાને મળવાનો એક જ રસ્તો છે. અને તે છે એમની કવિતા. ‘કવિતા લખવી એ એમનો શોખ છે.' નાનાં હતાં, કૅાલેજમાં ભણતાં તેનીયે પહેલાંથી એમણે લખવાનો આરંભ તો કર્યો હતો. ‘કવિતા લખે ને પેટીમાં છેક તળિયે દબાવીને મૂકી દે! કવિતા આમ સંતાડી રાખવી પડતી. કોઈ જોઈ જાય તો ? છોકરીઓ કવિતા લખે એ તે સમયમાં બહુ સારું લક્ષણ ગણાતું નહીં ! ભણવાનું બાજુએ રાખીને આવા નકામા ધંધા શું કામ કરવા, એમ વડીલોને લાગતું.’ તો પણ ઇન્દિરા લખતાં રહ્યાં. કવિતાની બાબતમાં તો ઇન્દિરા સંત સ્વભાવે સંકોચશીલ છે. કવિતા, લખીને તરત તે બીજાને વાંચી સંભળાવવી, એ એમને ક્યારેય ફાવ્યું નથી. થોડો ડર, થોડો સંકોચ રહ્યા કરતો; એટલે કવિતા લખ્યા પછી તે વાંચી ન સંભળાવતાં નોટ જ બહેનપણીના હાથમાં મૂકી દેવી ને પોતે ત્યાંથી ચાલ્યા જવું, એ એમની રીત. આ વાતને તો વરસો વીતી ગયાં. પછી તો કેટલાંયે કવિસંમેલનો વગેરેમાં તેમણે પ્રત્યક્ષ કવિતાવાચન કર્યું છે. આમ છતાં હજીયે સામાન્ય રીતે કવિતા ન વાંચવાની એમની ટેવ તો રહી ગઈ છે. આમ તો માણસ કેટલું બોલતો હોય છે ! પણ જયારે ઘણા લોકોની સમક્ષ, અથવા જાહેરમાં બોલવાનું આવે ત્યારે તે કેમ ગભરાટ અનુભવે છે? મહાત્મા ગાંધીજી જેવાએ પણ પહેલીવાર બોલવાના પ્રસંગે કેટલો ગભરાટ અનુભવ્યો હતો. અને તેઓ કેવી હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયા હતા, તેનું વર્ણન 'સત્યના પ્રયોગો'માં છે. ઇન્દિરાબાઈએ પહેલું જાહેર કાવ્યવાચન કર્યું. આકાશવાણી મુંબઈ પરથી. કોઈ પણ નવા કવિને થાય એવો ભયનો અનુભવ ઇન્દિરાને પણ પ્રારંભમાં થયો હતો. કવિતા અંગત, અતિઅંગત વસ્તુ છે. શ્રોતાઓ હોય છે સામે પાર, વચ્ચેના અવકાશમાં ગભરાટ, સંકોચ, વાંચતાં નહીં આવડે તો શું-ના પ્રશ્ન, ફજેતી થાય એની બીક છવાયેલી હોય છે. આવા ભય સાથે ઇન્દિરા આકાશવાણી પર પ્રથમ કાવ્યવાચન માટે ગયાં. પણ વાચનની ક્ષણે એમનો ભય વરાળની જેમ ઊડી ગયો. એમના જ શબ્દોમાં જોઈએ : ‘પણ જ્યારે સંમેલનના કાર્યક્રમમાં મેં કવિતા વાંચી ત્યારે હું બિલકુલ ગભરાઈ નહીં. નાસી ગયેલી, અદૃશ્ય થયેલી તૈયારી પણ સમયસર દોડતી આવી. અને પછી સંચાલકે અભિપ્રાય આપ્યો. ‘નકામાં ગભરાયાં હતાં, બહુ સરસ વાંચ્યું.’ ઇન્દિરા સંતના કાવ્યવિશ્વના પાયામાં છે બાળપણના સંસ્કારો. ઘરમાં સાહિત્યિક વાતાવરણ હતું, પિતા વાચનના શેાખીન હતા. રામાયણ, મહાભારત ગ્રંથો, ઉચ્ચ સ્તરની નવલકથાઓ, ‘મનોરંજન’, ‘ઉદ્યાન’ વગેરે જેવાં સામયિકો વગેરે જેવું સાહિત્ય ઘરમાં જ વાંચવા મળી રહેતું. વળી તેમના પિતા રોજ રાતે મોરોપંત, વામન પંડિત વગેરેનાં આખ્યાનો મોટેથી વાંચતા ને પોતાની માતા સાથે ઇન્દિરા પણ તે સાંભળવા બેસતાં. રોજ સાંજે ઇન્દિરાએ વિષ્ણુસહસ્રનામ વાંચવાનાં ને પિતા તે સાંભળે, ભૂલ થાય તો સુધારે, રોજ સવારે તેમની માતા તેમની પાસે તુલસીપૂજા વગેરે બોલાવતાં. આ સંસ્કારોથી તે કવિતા લખવા પ્રેરાયા. ઇન્દિરા સંતની કવિતા એટલે ઊર્મિકવિતા પ્રકૃતિની કવિતા, પ્રેમની કવિતા. પ્રેમ, વિરહ, એકલતા, રિક્તતા, વ્યાકુળતા... પ્રફુલ્લ દાંપત્ય પછી પતિવિરહથી નિર્માણ થયેલું આ તેમનું ભાવવિશ્વ ખૂબ મર્યાદિત. પ્રકૃતિ વચ્ચે જ એમનું બાળપણ વીત્યું, એટલે પ્રકૃતિ એમના જીવનમાં ખૂબ ઓતપ્રોત થઈ ગઈ છે. ઇન્દિરા સાત વર્ષનાં હતાં ત્યારે એમના પિતાનું અવસાન થયું. એટલે એ બધાં બેલગામ-કોલ્હાપુર રસ્તે ગડુંર પાસે વસેલા એક નાના ગામમાં આવીને રહ્યાં. એક બાજુ ખેતરો ને બીજી બાજુ ડુંગરનો ઢાળ, ખીણ ને ગાઢ જંગલો, તેમાં મોર પણ જોવા મળે ને ક્યારેક વાઘ પણ. તળેટીમાં સરસ મંદિર, ગામનાં બાળકો આ રમ્ય પ્રકૃતિ વચ્ચે ફર્યા કરે તેમાં ઇન્દિરા પણ હોય. પ્રકૃતિનું આ સાન્નિધ્ય તેમની કવિતામાં ઊતરી આવ્યું. તો ગ્રામજીવનના અનુભવો તેમની વાર્તાઓમાં. ઇન્દિરા સંતનો થોડો ઔપચારિક પરિચય પણ કરી લઈએ. ૧૯૧૪ની ચોથી જાન્યુઆરીએ દીક્ષિત કુટુંબમાં એમનો જન્મ, અને ૧૯૩૫માં શ્રી નારાયણ માધવ સંત (૧૯૦૯-૧૯૪૬) સાથે એમનાં લગ્ન. શ્રી નારાયણ સંત પણ સાહિત્યકાર હતા. તેમનો ‘ઉઘડે લિફાફે’ નિબધસંગ્રહ પ્રગટ થયો છે. અને સંત પતિપત્નીનાં કાવ્યોનો ‘સહવાસ' સંગ્રહ પ્રગટ થયો છે. તે પછી ઇન્દિરાબાઈના ‘શેલા’, ‘મેંદી', ‘રંગબાવરી’ (આ ત્રણ સંગ્રહોને મહારાષ્ટ્ર રાજ્ય પારિતોષકો મળ્યાં છે.) ‘મૃગજળ', ‘બાહુલ્યા' એ કાવ્યસંગ્રહો, શામળી, ‘કદળી’ અને ‘ચૈતુ’ એ ત્રણ વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે. તથા ‘કાજળકંકુ’ બાળ કાવ્યસંગ્રહ પ્રગટ થવાનો છે. એમણે પ્રકૃતિકાવ્યો લખ્યાં છે, તેમ જ પોતાના અંતરની સંવેદનાને કલાત્મકતાથી વ્યંજિત કરવા માટે પ્રયોજેલાં પ્રતિરૂપોમાં પણ પ્રકૃતિને વણી લીધી છે. પંચેન્દ્રિયોથી આસ્વાદી શકાય એવાં, રૂપરસગંધસભર પ્રતિરૂપો એ એમની કવિતાની લાક્ષણિકતા છે :

તે ગુલાબી દિવસ પતંગિયા જેવો
ઊડતો ખેલતો હળવેથી ઊતર્યો.

  • * *

પોતાની માયાને લીલોછમ હાથ
તેણે તેની ઉપર ફેરવ્યો

  • * *

નાનકડા પગ નીચે
બધી મખમલી છાયા.

  • * *

હરિયાળીમાં પગને સુખ થાય છે.
ત્વચા પર ચડે છે લીલી સુગંધ.

કવિતાની રચનાપ્રક્રિયાની વાત પણ એમણે પ્રકૃતિના જ દૃષ્ટાંતથી કહી છે. ‘અમારા ઘર સામે મેં એક લીલીનો છોડ વાવ્યો છે. ઉનાળામાં તે એવો સુકાઈને એકદમ ખલાસ થઈ જાય છે કે તેની જગા પણ ખબર ન પડે. પણ થોડા દિવસ પહેલાં પહેલો જ વરસાદ થયો ને બીજે દિવસે એ લીલાંછમ પાંદડાં જમીન પર દેખાવા લાગ્યાં. કવિતાની બાબતમાં પણ આમ જ થતું હશે. એકાદ અનુભૂતિ મનમાં પ્રતીત થતી હશે અને પછી ક્યારેક મનની કોઈક વિશિષ્ટ અવસ્થામાં તે યોગ્ય પ્રતિરૂપોમાં સાકાર થતી હશે.’ પ્રકૃતિ એમના જીવન સાથે સ્થૂળસૂક્ષ્મ ઉભય પ્રકારે કેવી સંકળાઈ ગઈ છે તે તેમનાં જ વિધાનોમાં જોઈ શકાય છે. ૧૯૫૨માં મુંબઈ સાહિત્ય સંમેલનના (૧૧મા) અધિવેશનના અધ્યક્ષપદેથી બોલતાં, આરંભમાં તેમણે કહ્યું : “બેળગામની લાલ માટીની તૃપ્તિ એ જ મનોધર્મ હોવાથી ત્યાં વાદવિવાદની ધૂળ ઊડતી નથી.” તો એ જ વ્યાખ્યાનમાં આગળ તેઓ કહે છે કે ઘરમાં બેચાર બિલાડીઓ ફરતી ન હોય તો ચેન પડે નહીં. વળી રોજ બે ત્રણ કૂતરા પણ રોટલો ખાવા આવે. આમ પ્રકૃતિ એ એમનો સૂક્ષ્મ મનોધર્મ છે, પ્રકૃતિ એ એમનો સ્થૂલ વાસ્તવધર્મ પણ છે. તેમની કવિતામાં પ્રેમ અને પ્રકૃતિ એ મુખ્ય વિષય છે. પ્રકૃતિ પણ ઘણી વાર તો પ્રેમના નિરૂપણ માટે જ આવે છે. પણ તેઓ કહે છે કે 'હું કાંઈ આ બે જ અનુભૂતિ પર જીવતી નથી.' ભલે કવિતામાં ન ઊતરતું હોય, પણ તેમની સંવેદનાનું ક્ષેત્ર વિશાળ છે. તેમને બાળકો પર પ્રેમ છે. તેમને પ્રાણીઓ પર પ્રેમ છે. તેઓ કહે છે કે રાજકારણમાં સમજ ન પડે, પણ રાજકારણે શિક્ષણ ક્ષેત્રે જે અરાજકતા કરી છે તે પ્રત્યે ઉદ્વેગ થાય છે. ૧૨ X ૧૨ની ઓરડીમાં ધૂળની જમીન પર ચાળીસ વિદ્યાર્થીઓને લઈને બેઠેલા શિક્ષકને જોઈને અસ્વસ્થ થઈ જવાય છે. અલબત્ત, તેમની કવિતામાં આ બધી સંવેદનાને સ્થાન નથી મળ્યું, એ એમની કવિતાની મર્યાદા છે. તેઓ પોતે જ કહે છે, “સર્વ સામાન્ય ભાવના પર કવિતા લખતાં મને ક્યારેય ફાવ્યું નથી.” વેદના ને વિષાદ એ તેમની કવિતાનો સૂર છે. તેથી લોકો માની લે છે કે તેઓ હંમેશા દુઃખી છે. અને તેથી સહાનુભૂતિ દર્શાવે છે. ‘ગરીબ બિચારી કવયિત્રી' પણ જીવનભર જે ઝઝૂમતાં આવ્યાં છે એ ઇન્દિરાબાઈ કહે છે કે ‘દુઃખ રડતાં બેસવાની મને ફુરસદ જ નથી.' ગૃહસંસારના વ્યાપમાં લખી શકાતું નથી એમ કહેવું બરાબર નથી. “કવિતાલેખનમાં પરિસ્થિતિ આડે આવતી નથી.” એવો એમનો મત છે. જે અનુભવ મનને સ્પર્શી જાય તેને શબ્દરૂપ આપવું-કવિતાના માધ્યમથી રજૂ કરવો તેમને ગમે છે. કવિતા વાંચવી બહુ ગમે છે. એમના પ્રિય કવિઓ છે મર્ઢેકર, વિંદા કરંદીકર, ના. ઘોં, મનોહર, શ્રીમતી પ્રભા ગણોરકર અને બહિણાબાઈ. જે જમાનામાં રવિકિરણ મંડળના કવિઓની બોલબાલા હતી. પટવર્ધન કવિનાં પ્રેમગીતો ને યશવંત અને ગિરીશ કવિના કાવ્યગાનની ભૂરકી હતી. ત્યારે ઇન્દિરા સંતની કાવ્યરુચિ એટલી વિકસેલી હતી કે તેમને તેમાં કવિતા પ્રતીત થતી નહીં. વાર્તા, નવલકથા, પ્રવાસવર્ણન, નિબંધ એ બધું ગમે છે, પણ આત્મકથા વધારે ગમે છે. તેઓ નિખાલસતાથી કહે છે કે ગાવા માટે તેમની પાસે અવાજ નથી અને નવાં ચિત્રો સમજાતાં નથી, તોયે ગીત, સિતારવાદન વગેરે સાંભળવું ગમે છે અને બધાં પ્રકારનાં ચિત્રો જોવાં ગમે છે, તેમાં પ્રકૃતિચિત્રો વધારે ગમે છે. નાટક વાંચવાં ગમતાં નથી, પણ જોવાં ગમે છે. કાવ્ય સંગીતની મદદ લઈને આશ્રિત થઈને નિરાશ્રિત થાય એ એમને ગમતું નથી. તેઓ કાવ્યપઠનના આગ્રહી છે, અને માને છે કે પ્રત્યેક કાવ્યમાં જે ભાવ છે એનો પોતાનો એક લય હોય છે. આ લયપૂર્ણ સમજણભર્યું વાચન એ જ ઉત્તમ. ઇન્દિરા સંત પ્રાથમિક શિક્ષક ટ્રેનિંગ કૉલેજના પ્રિન્સિપાલ હતાં. એટલે તેમનો કવિતાના અધ્યાપન સાથેય ગાઢ સંબંધ હતો. કવિતાશિક્ષણ અંગે, એ અનુભવના નિચોડરૂપ એવો એમનો અભિપ્રાય જાણવા મળે છે. તેઓ મારા પત્રના ઉત્તરમાં લખે છે કે દેશપ્રેમ, વાત્સલ્ય, વિનોદ એવી સ્થૂળ ભાવવૃત્તિ જેમાં હોય તે કવિતા બાળકોને સારી રીતે સમજાય છે. કવિતા વિદ્યાર્થીઓની વયને યોગ્ય અને નાની હોવી જોઈએ, આ કહ્યા પછી, કવિતા કેમ શીખવવી તે અંગે તેમણે એક બહુ જ સારા મુદ્દા પર ભાર મૂક્યો છે. તેઓ લખે છે, વિદ્યાર્થીઓને સંદર્ભ સમજાય એટલી જ, કવિતાના વિષયની પૂર્વસૂચના એક બે વાક્યોમાં આપીને પછી તે કવિતા બેત્રણ વખત ફક્ત વાંચી દર્શાવવી, ગાઈ બતાવવી, પછી વિદ્યાર્થીઓ પાસે સમૂહમાં વંચાવવી.. બેત્રણ પાઠ આમ થયા પછી વિદ્યાર્થીને કવિતા ન શીખવીએ તોય સમજાય છે...મુખ્ય તો એ કે કવિતા વિદ્યાર્થીઓના મુખમાં ઘૂમ્યા કરે છે... કવિતાના સરસ વાચનની જરૂર, તેના વિશેની તેમની સૂઝ અહીં દેખાય છે. કવિતા વાંચવાની બાબતમાં સંકોચશીલ ઇન્દિરાબાઈ કેટલી સરળતાથી લખે છે, “કવિતા લખી કે હું તેનાથી છૂટી થઈ જાઉં છું, એ કવિતા વિશે લોકોનો મત શો હશે તેની બહુ ઉત્સુકતા હું રાખતી નથી...પણ કોઈ કહે કે તમારી કવિતા ગમી, તો સારું લાગે છે !” ઇન્દિરાની આ નિખાલસતા હૃદયસ્પર્શી છે. કવિતા લખીને ભલે તેઓ છૂટી જાય, એમને છૂટી જવાનો આનંદ, ને આપણને બંધાવાનો.

*

ઇન્દિરા સંત, મરાઠી ભાષાના મુખ્ય કવિઓમાંના એક. એમને હું કવયિત્રી નહીં કહું, સ્ત્રીકવિઓમાંના એક તરીકે જીવદયાથી એમણે સાહિત્યમાં સ્થાન મેળવ્યું નથી, મરાઠી તથા અન્ય ભાષાના કવિઓની સાથે પોતાના કવિતાસામર્થ્યથી તે ઊભાં છે. ઇન્દિરા સંતનો જન્મ ૧૯૧૪ની ૪થી જાન્યુઆરીએ. નાનપણથી જ કવિતા વાંચવી બહુ ગમતી. સ્ત્રીગીતો ભેગાં કરવાનો શોખ પણ હતો; એ ગીતોની સાદગીની અને તેની અનુભૂતિના જીવંતપણાની ઘેરી અસર તેમના મન પર પડી છે. શાળામાં ભણતાં હતાં ત્યારથી જ કવિતા લખવા માંડ્યાં હતાં, પણ કાવ્યસર્જનનો આનંદ ૧૯૩૨ પછી મળ્યો. ત્યારે એ ફર્ગ્યુસન કૉલેજમાં ભણતાં હતાં. કવિતા લખે અને પેટીમાં એકદમ તળિયે દબાવીને મૂકી દે. કવિતા આમ સંતાડી રાખવી પડતી-કોઈ જોઈ જાય તો ?- છોકરીઓ કવિતા લખે એ તે જમાનામાં બહુ સારું લક્ષણ ગણાતું નહોતું. ભણવાનું બાજુએ રાખીને આવા નકામા ધંધા શું કામ કરવા એમ સૌને -વડીલોને લાગતું. કવિતા નિમિત્તે નારાયણ સંત સાથે મૈત્રી થઇને તે ૧૯૩૫માં લગ્નમાં પરિણમી. નારાયણ સંત પણ કવિ અને સાહિત્યપ્રેમી, એટલે ઇન્દિરાની સર્જનાત્મક પ્રવૃત્તિને વેગ મળ્યો ને કાવ્ય વિશેની સમજ વ્યાપક બની. ‘સહવાસ’ એ શ્રી અને શ્રીમતી સંત બંનેનાં કાવ્યોનો સંગ્રહ, તે પછી ઇન્દિરાના ‘શેલા,’ ‘મેંદી,' ‘મૃગજળ,’ ‘રંગબાવરી,’ ‘બાહુલ્યા' ને ‘ગર્ભરેશમી’ કાવ્યસંગ્રહો પ્રગટ થયા. ‘શેલા’ અને ‘રંગબાવરી' માટે મહારાષ્ટ્ર સરકારનો પ્રથમ પુરસ્કાર અને ‘મેંદી’ માટે દ્વિતીય પુરસ્કાર મળ્યો. ‘લહાન મુલાંસાઠી કવિતા' એ તેમનાં બાળકાવ્યોનો અપ્રકાશિત સંગ્રહ. તેમણે કાવ્યો ઉપરાંત વાર્તાઓ પણ લખી છે તે ‘શામળી,’ ‘કદળી’ અને ‘ચૈતુ' સંગ્રહમાં પ્રગટ થઈ છે. ઇન્દિરા સંતનો પ્રકૃતિપ્રેમ ઉત્કટ છે, બાળપણનાં થોડાંક વર્ષ ગામડામાં પ્રકૃતિની ગોદમાં, ડુંગરો ને ખેતરો વચ્ચે વીત્યાં અને તેમના વ્યવસાયજીવન દરમિયાન બડગાવના ધૂળિયા, ડુંગરાળ, લીલોતરીછાયા માર્ગે તડકામાં તપતાં કે વરસાદમાં ભીંજાતાં ભીંજાતાં કે ધુમ્મસમાં લપેટાઇને રોજ આવવા જવાનું થતું, એ પ્રકૃતિએ તેમના ચિત્તને જાણે પ્રકૃતિમય કર્યું. પ્રેમ અને પ્રકૃતિ તેમનાં કાવ્યોના મુખ્ય વિષય, તેમાંયે પ્રકૃતિ તો ઘણીવાર પ્રેમનાં કાવ્યોમાં પ્રતીક–પ્રતિરૂપરૂપે આવે. ફક્ત એક દાયકાના દાંપત્ય પછી ૧૯૪૬માં, પ્રણયના આલંબન નારાયણ સંતનું અવસાન થયું, એટલે તેમનાં પ્રેમકાવ્યોમાં પ્રેમની વિરહવ્યથાનું નિરૂપણ વિશેષ છે. અન્ય કાવ્યોમાં પણ જીવનની વિષમતા હતાશા-નિરાશાનું નિરૂપણ જ વિશેષ થયું છે. છાત્રાલયમાં રહીને કૉલેજમાં ભણતાં હતાં ત્યારે સરખી સખીઓ, વાડિયા લાયબ્રેરી ને વેતાળ ટેકરી તેમનાં સુખધામ હતાં. મન આનંદથી ભર્યું ભર્યું હતું, તો ક્યારેક ઘરથી દૂર રહેવાને કારણે મન ભરાઈ આવતું. મનની એ અવસ્થાએ પણ તેમને કાવ્યો આપ્યાં છે. જાહેરમાં કાવ્યવાચન વખતે કોઈ પણ નવા કવિને થાય એવો ભયનો અનુભવ ઇન્દિરાને પણ પ્રારંભમાં થયો હતો. કવિતા અંગત, અતિઅંગત વસ્તુ છે. શ્રોતાઓ હોય છે સામે પાર. વચ્ચેના અવકાશમાં ગભરાટ, સંકોચ, વાંચતાં નહીં આવડે તો શું-ના પ્રશ્નો. ફજેતી થાય એની બીક-બધું છવાયેલું હોય છે. આવા ભય સાથે ઇન્દિરા આકાશવાણી પર પ્રથમ કાવ્યવાચન માટે ગયાં, પણ વાચનની ક્ષણે એમનો ભય વરાળની જેમ ઊડી ગયો. ઇન્દિરા સંતનો કાવ્યવિષય પરિમિત છે પ્રેમ અને પ્રકૃતિમાં, પણ તેથી તેઓ ઓછાપણું અનુભવતા નથી; કારણ કે તેઓ યોગ્ય રીતે માને છે કે “કવિતાનું મૂલ્ય કવિતાના વિષયમાં નથી, પણ તે વિષય વ્યક્ત કરવાના કવિના સામર્થ્ય પર છે. જે અનુભૂતિ વ્યક્ત કરવી પોતાને ન ફાવે, તે ન કરવી એ જ સારું. જે અનુભૂતિ પોતે સાકાર કરી શકે તે અનુભૂતિની કક્ષાનો વિસ્તાર કરવો એ કવિના હાથમાં છે. નવી સૂક્ષ્મ અનુભૂતિ, નવાં પ્રતિરૂપો જેટલાં વધારે તેટલું તે કવિનું સર્વસ્પર્શિત્વ વધારે. આ સર્વસ્પર્શિત્વ વધારવું એ જ કવિનું કર્તવ્ય છે.” વળી કહે છે, “હું કાંઈ આ બે જ અનુભૂતિ પર જીવતી નથી. મારી અભિવ્યક્તિના એકાંગીપણાને લીધે બહુ ગેરસમજ થાય છે. મારી ઘણી કવિતામાં ઉદાસીનતાનો ‘મૂડ' છે. તેથી હું હુંમેશા દુઃખી હોઉં છું એમ લોકોને લાગે છે અને તેઓ મારા પ્રત્યે સહાનુભૂતિ દેખાડવા ઇચ્છે છે : ‘ગરીબ બિચારી કવયિત્રી.' ખરેખર તો દુ:ખ રડતા બેસવાની મને સગવડ જ નથી અને આ સહાનુભૂતિની મને જરૂર નથી.” એમનું હૃદય અત્યંત સંવેદનશીલ, એટલે જેમ પ્રિયજનનો ચિરવિરહ તીવ્રપણે દાહક બન્યો, તેમ સમાજજીવનમાં જ્યાં જ્યાં વિષમતા, અન્યાય, શોષણ જોયું ત્યાં તેમનું હૃદય દ્રવી ઊઠ્યું. અલબત્ત, તેમનાં કાવ્યો મુખ્યત્વે આત્મલક્ષી રહ્યાં છે અને સામાજિક જાગૃતિ ક્યાંક ક્યાંક પ્રગટ થઈ છે. જો કે તેઓ સામાજિક સભાનતાને કવિની અનિવાર્યતા માનતા નથી કહે છે : “મારો સ્પષ્ટ મત છે કે, સમાજના બંધારણમાં ઈંટપથ્થર ઊંચકવાનું કામ કવિતાનું નથી. સમાજને ઘડતાં મૂલ્યો કવિતાથી નિરાળાં છે. કવિતા એ સમાજનું લક્ષણ છે, અનુપાન નહીં.” આમ કહેનાર ઇન્દિરાની કવિતામાં પણ સામાજિક સભાનતા ઉગ્ર કટાક્ષથી વ્યક્ત થયા વગર રહી નથી, તેનું કારણ તેમની તીવ્ર સંવેદનશીલતા છે. ઇન્દિરાની કવિતામાં પ્રકૃતિનાં નાજુક, રમ્ય ને ક્યારેક ભવ્ય મનોરમ પ્રતિરૂપોથી અભિવ્યક્તિની કોમળતા સિદ્ધ થાય છે, તેમ જ અનુભૂતિની સુક્ષ્મતાની પ્રતીતિ પણ તે આપે છે. હૃદયવ્યથા એટલી બધી છે કે પોતાને પણ નષ્ટ કરી નાખવા કવિમન ઝંખે છે :

કેટલાયે દિવસ મને થતું હતું
આ પથ્થર જેવું થાઓ જીવન
પડે ભલે તડકો કે વરસાદ
થીજેલું સમગ્ર સંવેદન...

પણ એ પથ્થર પર પણ શેવાળ ચડી, જાણે છૂંદણાંનો શણગાર થયો! એટલે થયું કે મન ભડભડ બળી જાય તો સારું. પ્રિયજનની સ્મૃતિ કેવી તો તીવ્ર છે, તેમ જ વ્યથિત કરી મૂકે તેવી પણ છે કે અશ્રુમાં પણ તેનું બિંબ દેખાય છે:

સરે કદી અશ્રુ એક
જેમાં તારું બિંબ દિસે;
સરે નિશ્વાસ એક
જેમાં તારી યાદ દિસે.

‘એક ક્ષણ’ કાવ્યમાં ભાવસંવેદનને સિધ્ધ કરતી ચિત્રાત્મકતા જુઓ:

કાળચક્રના આરા
એક ક્ષણ પર આવ્યા અને ક્ષિતિજને પેલે પારથી
ઊછળતાં આવ્યાં ધુમ્મસનાં મોજાં,
માંચડા પર ઊડાઊડ કરવા લાગ્યાં પંખીનાં રંગીન ટોળાં
અને તેનાં તોરણો થયાં રસ્તા પરના તાર પર,
લીલાપીળા માંચડા પરથી ઇન્દ્રજાલ ફેલાઈ
અને હીરામાણેકના ગુચ્છ પાંદડાં પર ઝૂલવા લાગ્યા...
કાળચક્રના આરા એક ક્ષણ પરથી આગળ ગયા :
અમૃતનાં બે બુંદ પાંપણ પરથી ખરી પડ્યાં.

‘દૂરથી તીવ્રપણે આવતી' કાવ્યમાં ઇન્દિરાનું ભાવવિશ્વ કેવું સરસતાથી પ્રગટ્યું છે તે જુઓ :

દૂરથી તીવ્રપણે પ્રસરતી કૃષ્ણકમળની
સુગંધની જેમ ક્યારેક ક્યારેક
મન ભરાઈ આવે છે :

પ્રકાશરેખા અસહ્ય લાગે છે
હળવું-મળવું પણ નથી ગમતું, – માણસોને, પંખીઓને, બધાંને.
આવે વખતે થાય છે કે રાત જલદી પડે,
મોરપીંછને પગલે ઘર આખામાં ફરે,
તે કોમળ અંધકારમાં આરામખુરશી પર
ઝૂલ્યા કરું નિઃસ્તબ્ધ.
ધીરે ધીરે આંખ મીંચાવા લાગે છે,
ભીંતો ખીલવા લાગે છે.
કૃષ્ણકમળનો ગુચ્છ તરબતર ઝૂલ્યા કરે છે;
કાળાંભ્રમ્મર સુગંધનાં મોજાં ચારે બાજુથી
લહેરાવા માંડે છે - અને હું પણ
મંદ, અતિ મંદ.
કોણ જાણે ક્યારે, છાપરા પર
નકશીદાર ફૂલો વેરતી રાત હળવેથી ચાલી જાય છે......
મારાં
ખીલતાં લોચનમાંથી ટપકે છે. બે પરોઢતારા.
તપ્ત.........સતેજ.

જિંદગી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે, એની વાત, લાગણીવેડામાં તણાયા વગર, છતાં વ્યથિત કરી મૂકે એ રીતે ‘રસ્તા' કાવ્યમાં પ્રગટ થઈ છે :

આમ તો તેના ઘર પાસેથી
અસંખ્ય રસ્તા ફૂટે છે:
દિવસરાત પરથી નકશીદાર ચક્રોથી
ગબડતા, લસરતા
તૈ હોય છે.
ભડભડક રંગોવાળા નખરાળા,
તોલીમાપીને હસતા, આલેખેલું બોલતા.
તે અટકે છે આલીશાન બંગલે,
હાઈ સોસાયટીઓની ક્લબો પર,
રેસકોર્સના મેદાને,
અદ્યતન હોટલ પર.
પણ જ્યારે
તેનું મન સ્વસ્થ થાય છે
શાંત શાંત તળાવ જેવું
ત્યારે તેના ઘરને ફૂટે છે
ફક્ત બે જ રસ્તા:
તે હોય છે નાજુક પગલાં પાડતા
સાદાસીધા.
એક અટકે છે ઘર પાસેના બાગમાં.
તુળસીક્યારા પાસે : ઓસરતા તડકામાં
ત્યાં તે ભેગાં કરતી હોય છે,
પોતાનાં આયુષ્યનાં
તુળસીપત્રો :
તેની ઉપર છંટકારતી હોય છે;
આંખ ભરીને આણેલું ગંગાજળ.
બીજો રસ્તો અટકે છે
ગામ બહાર ઊંચી ભેખડ પર.
ઢળતી સાંજે સામેની ખીણમાં પથરાઈ જતા
અંધાર તરફ
એકાગ્ર નજરે તે શોધતી હોય છે
પોતાના અસ્તવ્યસ્ત આયુષ્યનું અસમર્થન.

ઇન્દિરાની કલાત્મક ભાવાભિવ્યક્તિ માણવા માટે એમનાં કાવ્યો જ વાંચવાં રહ્યાં.


અને અનુસંધાન, પૃ૪૧-૫૨,૧૯૮૧