નારીસંપદાઃ વિવેચન/જેન્ડર(જાતિ-લિંગ)ના સામાજીકરણ સંદર્ભે ગર્ભગાથાનો અભ્યાસ


૩૮

'જેન્ડર' (જાતિ-લિંગ)ના સામાજીકરણ સંદર્ભે 'ગર્ભગાથા'નો અભ્યાસ
નૂતન જાની

હિમાંશી શેલત માનવ અને માનવતાનાં રચનાકાર છે. કોઈ પણ વર્ણ, વર્ગ, જાતિ, સમાજના વાસ્તવને ઉવેખ્યા વગર, એ પ્રત્યે સભાન વલણ રાખીને તેઓ સતત કલાની ઉપાસના કરતાં રહ્યાં છે. એમનું સમગ્ર સાહિત્ય ઇતિહાસ, સમાજક્રાન્તિ, સમાજવાસ્તવ અને માનવવિકાસની ખેવના કરતું દેખાય છે. નારીનું મન, સમાજમાં નારીની સ્થિતિ, વ્યક્તિ તરીકે નારીની સામર્થ્યશક્તિ, વગેરે સ્ત્રીજીવનકેન્દ્રી વિચારવલણોને કેન્દ્રમાં રાખીને તેઓ ‘ગર્ભગાથા' વાર્તાસંગ્રહ લઈને આવે છે. હિમાંશી શેલત મૂલ્યોનાં પક્ષકાર છે, પરંતુ રૂઢિવાદી નથી. જીવનવિકાસમાં એમનો વિશ્વાસ છે તો સાથે જ જીવનની કટુતાઓથી પણ તેઓ માહિતગાર છે. ‘ગર્ભગાથા' સંગ્રહની સાત વાર્તાઓ દ્વારા સ્ત્રીમાનસની વિશેષતાઓ, એની જૈવિક અસામાન્યતા, એની અપેક્ષાઓ અને સમાધાનકારી વૃત્તિવલણો તરફ તેમણે ધ્યાન દોર્યું છે. સમાજમાં સ્ત્રીની સ્થિતિ અને તેના આંતર્વિરોધોને તેમણે ખૂબીથી નિરૂપ્યાં છે. ‘ગર્ભગાથા'ની વાર્તાઓ ‘Gender' (જેન્ડર) કેન્દ્રી વાર્તાઓ છે. નારીવાદમાં 'Gender' સંજ્ઞા અવારનવાર અભ્યાસીઓનું ધ્યાન પોતાના તરફ દોરતી રહી છે. નારીવાદમાં આ સંજ્ઞા સામાજિક અર્થમાં પ્રયોજાય છે. મૂળે તો 'Gender' એટલે : (૧) “શબ્દની જાતિ-લિંગ, masculine - નરજાતિ, feminine -નારીજાતિ, neuter - નાન્યતર જાતિ.” (અંગ્રેજી-ગુજરાતી વિનીત કોશ, પાંડુરંગ ગણેશ દેશપાંડે, પૃ. ૧૬૩); (૨) “માનવ અને પશુપંખીની જાતિને અમુક અંશે અનુસરતું શબ્દોનું વર્ગીકરણ; વ્યાકરણમાં શબ્દોની જાતિ, Sex-જાતિ." (Gala's Advanced Dictionary, Eng.- Eng-Guj. પૃ. ૪૯૬); (૩) જાતિભેદ (gender) “સ્ત્રી અને પુરુષ એમની શરીરરચનાને લીધે પરસ્પરથી જુદાં છે. બન્નેમાં સેક્સ હોર્મોન્સ પણ જુદાં છે. સ્ત્રીપુરુષ વચ્ચે રહેલા આ જૈવિક (biological) ભેદને કારણે ગર્ભધારણ, સ્તનપાન અને સ્ત્રીની પોતીકી વિશિષ્ટતા છે. આ જૈવિક ભેદને લૈગિંક (sexual) ભેદ કહે છે.” (અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ, સં. જયંત ગાડીત, સહ-સં. રાજેન્દ્રસિંહ જાડેજા, અધીકરણકર્તા—હિમાંશી શેલત, પૃ. ૫૯) લૈંગિક ભેદ (sexual difference), જાતિભેદ (gender difference), લિંગભેદવાદ (sexism), જાતિવાદ (racism), લિંગકેન્દ્રિતા (Phallo centrism), લિંગવિકેન્દ્રિતા (Phallogocentrism), વગેરે સંજ્ઞાઓ નારીવાદમાં સ્ત્રીપુરુષના જૈવિક (biological) ભેદને તેમ જ તે કારણે ઊભા કરવામાં આવેલા સામાજિક-સાંસ્કૃતિક ભેદ અને તે કારણે ઊભી થયેલી અસમાનતાઓનો, અન્યાયોનો અભ્યાસ થયો છે. જૈવિક ભેદને કારણે કાર્યવહેંચણી થઈ હોવાનું મૂડીવાદી સમાજ પ્રત્યે સભાન નારીચિંતકોનું માનવું છે. જૈવિક ભેદ નૈસર્ગિક (natural) છે જ્યારે જાતિભેદ-લિંગભેદ (gender) સામાજિક-સાંસ્કૃતિક માળખાની નીપજ છે એવું પણ નારીવાદના અભ્યાસીઓએ તારવ્યું છે. સમાજને સતત વિકસિત, ગતિશીલ રાખવામાં સ્ત્રીની જૈવિક શક્તિનો બહુ મોટો ફાળો છે અને તેમ છતાં તેની એ શક્તિને જ તેની મર્યાદા બનાવી દેવામાં પિતૃપરક સમાજનો, સંસ્કૃતિનો મહત્તમ ફાળો રહ્યો છે. લિંગ (sex) પ્રાકૃતિક દેણ છે જ્યારે લિંગભેદ (gender) મનુષ્ય (પુરુષકેન્દ્રી સમાજ) નિર્મિત છે. Sex સ્થાયી હોય છે. Gender – પરિવર્તનશીલ છે. શારીરિક રૂપમાં સ્ત્રી-પુરુષનાં અંગો કોઈ પણ સમય, સ્થળ કે સમાજમાં સ્થાયી જ રહે છે. જ્યારે જુદા જુદા સમયે, સ્થળે, સમાજમાં જાતિભેદ પરિવર્તનશીલ હોવાનું જણાયું છે. ‘લિંગ' સંજ્ઞા સેક્સ અને જેન્ડર બંનેની અવેજીમાં વપરાય છે. દક્ષિણ એશિયાઈ ભાષાઓમાં સેક્સ માટે 'પ્રાકૃતિક લિંગ' અને જેન્ડર માટે 'સામાજિક લિંગ' એવા ભાષાપ્રયોગો પ્રચલિત છે. નારીવાદી આંદોલન અને નારીવાદી અભિગમના વ્યાપક અર્થવિસ્તારમાં ‘લિંગવિચાર' મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ‘સ્ત્રી’ અથવા 'પુરુષ' બંનેની સામાજિક તેમ જ સાંસ્કૃતિક ભૂમિકાઓ સંદર્ભે જાતિભેદનો- લિંગભેદનો વિચાર નારી અભ્યાસક્ષેત્રોમાં થાય છે. તેમાં સ્ત્રી-પુરુષ ભેદનિર્મિતનાં પરિબળો તપાસવામાં આવે છે. સ્ત્રી-પુરુષની વાસ્તવિક સામાજિક સ્થિતિને સમજવાનો તેમાં પ્રયાસ થાય છે. જાતિભેદ-લિંગભેદ સંદર્ભે જે વિચારણાઓ થઈ તેમાં કેન્દ્રવર્તી વિચાર ‘સેક્સ’નો રહ્યો છે અને આ સેક્સ (લિંગ)ની વિશેષતાને આધારે જ 'નર' (Male)નું રૂપાંતર ‘પુરુષ' (Man) અને 'માદા' (Female)નું રૂપાંતર 'સ્ત્રી' (Woman)માં થાય છે. નર તરીકે જન્મવું કે માદા તરીકે જન્મવું તે જન્મપૂર્વે નિશ્ચિત કરવાનો અધિકાર જેનો જન્મ થવાનો હોય છે તેને હોતો નથી. જન્મ પછી 'સેક્સ'ની ઓળખ પ્રજનન અંગો, લૈંગિક અંગોને આધારે નિયત કરાય છે. જીવસૃષ્ટિમાં પ્રવર્તતો નર અને માદાનો ભેદ નૈસર્ગિક છે. જન્મ પછી માનવજાતિમાં જન્મેલ ‘નર' કે 'માદા' જે સમાજમાં ઊછરે છે તે સમાજ, તેની સાંસ્કૃતિક પરંપરાઓના આધારે વિભિન્ન ભૂમિકાઓ, દાયિત્વો તેમના પર આરોપિત કરવામાં આવે છે. સમાજની-સંસ્કૃતિની નિયત થયેલી વ્યવસ્થા 'નર' કે 'માદા'ને 'પુરુષ' કે 'સ્ત્રી' બનાવે છે. સમાજની કે સંસ્કૃતિની 'નર' અને 'માદા' પર આરોપિત કરવામાં આવતી 'પુરુષ' કે 'સ્ત્રી'ની ઓળખપ્રક્રિયા Genderisation (જેન્ડરાઇઝેશન) નામે ઓળખાવાય છે. આ પ્રક્રિયા જન્મની સાથે જ આરંભાય છે અને સમજણી અવસ્થા થતાં સુધીમાં તો નર-માદા માત્ર નર-માદા ન રહેતાં ‘પુરુષ' કે 'સ્ત્રી'ના ઓળખવિસ્તારોમાં સામેલ થઈ જાય છે. નર કે માદાની જૈવક (biological) ભિન્નતાને આધારે, લૈંગિક (sexual) ભિન્નતાને આધારે પુરુષોચિત કે સ્ત્રીયોચિત વિશેષતાઓ જુદી તારવી પોતાના સામાજિક માળખાને અનુરૂપ પુરુષ કે સ્ત્રી તરીકેના માનવજીવનવિકાસની પ્રક્રિયામાં શિશુ અવસ્થાથી જ નર-માદા જોડાઈ જાય છે. આ પ્રક્રિયાના કેન્દ્રમાં પુરુષનું 'નરત્વ' કે સ્ત્રીનું 'માદાત્વ' જ કેન્દ્રીય બળ બને છે. પરિણામે પુરુષ બનેલા નર અને સ્ત્રી બનેલી માદા પાસેથી અલગ અલગ સામાજિક જવાબદારીઓ, ભૂમિકાઓ, અધિકારો, અપેક્ષાઓ અસ્તિત્યમાં આવે છે. નર કે માદાની લૈંગિક ઓળખ (sexual indentity) જૈવિક શરીર સંરચના (biological body structure) રૂપે પ્રાપ્ત થાય છે, પરંતુ સ્ત્રી-પુરુષ તરીકેની તેમની જાતિગત-લૈંગિક (gender) ઓળખ સામાજિક-સાંસ્કૃતિક અને તે કારણે તૈયાર થયેલી રૂઢ માનસિકતાને આધારે પ્રાપ્ત થાય છે. ‘નરત્વ'નું રૂપાંતર પૂર્વપરંપરાથી ચાલી આવતી પુરુષપેઢીના પ્રભાવે ‘પુરુષત્વ’માં થાય છે. તે જ રીતે 'માદાત્વ'નું રૂપાંતર પૂર્વપરંપરાથી ચાલી આવતી સ્ત્રીપેઢીના પ્રભાવે ‘સ્ત્રીત્વ’માં થાય છે. આના પરિણામરૂપે નર અને માદાની વિશેષતાઓ સામાજિક મનોવિજ્ઞાનના આશ્રયે, સામાજિક વ્યવસ્થાના પ્રભાવે પુરુષ અને સ્ત્રીની વિશેષતાઓ રૂપે દેખા દે છે. નારીવાદી અભ્યાસી મારિયા 'The social origin of the sexual division of labour' લેખમાં જણાવે છે, ‘પુરુષત્વ અને સ્ત્રીત્વ જૈવિકીય નહીં, પરંતુ એક દીર્ઘ ઐતિહાસિક પ્રક્રિયાનું પરિણામ છે. શ્રેષ્ઠ ભાવાત્મકતા દર્શાવતી ‘માતૃત્વ’ની સંસ્થા પણ એનું જ પરિણામ છે. પિતૃસત્તા આધારિત સમાજમાં પુરુષોને ‘પરિવારનો પાલક* અને સ્ત્રીઓને ‘ગૃહિણી' રૂપે જ જોવાય છે.' ઘણા સમાજોમાં ‘માતૃત્વ'ને 'ગૃહિણી'રૂપનો જ અંશ મનાતો હોવાને કારણે કુંવારી માતા કે સિન્ગલ મધર (single parenthood) ઘટનાઓ ઘૃણાસ્પદ મનાય છે. તેથી જ બળાત્કારનું આચરણ કરનારો પુરુષવર્ગ આબાદ છટકી જાય છે અને તેનો ભોગ બનેલી સ્ત્રી કલંકિત મનાય છે. આ જ સમાજની બીજી વિપરીતતા એ છે કે કન્યાભ્રૂણનો ગર્ભપાત કરાવી દેવો કે જન્મેલું શિશુ દીકરી હોય તો તેને દૂધ પીતી કરી દેવી કે ત્યજી દેવી જેવી અપરાધમૂલક બાબતો ઘૃણાસ્પદ મનાતી નથી. ‘જેન્ડર'ની સાથે જોડાયેલી આ વિષમ અર્થવત્તાને કેન્દ્રમાં રાખી હવે ‘ગર્ભગાથા'ની વાર્તાઓની વાતઃ હિમાંશી શેલત કલાનાં ઉપાસક છે તેટલાં જ, કદાચ તેથી વધુ જીવનનાં ઉપાસક છે. જીવનવાસ્તવની અનેક વરવાઈઓને તેઓ કલાના માધ્યમે વાર્તામાં કંડારે છે ત્યારે પ્રતિબદ્ધ સર્જક તરીકેની તેમની આગવી ઓળખથી પરિચિત થવાય છે. સાહિત્યનો એક છેડો કલાની ભૂમિ સાથે ને બીજો છેડો જીવનવાસ્તવ સાથે જોડાયેલો હોય છે. ‘ગર્ભગાથા'ની વાર્તાઓ વાંચતાં સમાજ અને સંસ્કૃતિની પારંપરિક જડતાઓને કારણે ગર્ભસ્થ શિશુ કન્યા હોય તો તેની ભ્રૂણહત્યાનો અભિગમ, સ્ત્રીશરીરની જૈવિક વિશેષતાને લીધે માતૃશક્તિની ઉપાસના કરનારી સંસ્કૃતિમાં તેનાં જ સંતાનો દ્વારા થતો તેનો ઉપહાસ અને તે નિમિત્તે પીડાની નિયતિનો સ્વીકાર કરતું સ્ત્રીમાનસ, શિક્ષિત પુરુષનો પશુયોનિમાં જન્મેલી માદા માટેનો તિરસ્કાર અને તેના પરિણામે તે પુરુષ સાથેના સગપણને તોડી નાખતી શિક્ષિત, સ્વઅસ્તિત્વથી સભાન સ્ત્રીની આત્મસભાનતા, પરંપરાગત પરિવારમાં પુત્રવધૂ તરીકે પરણીને આવેલી 'ગૃહિણી' બનેલી સ્ત્રીની વિષમ માનસિક અવસ્થા વગેરે બાબતોમાં સ્ત્રીજીવનના વાસ્તવમૂલક સર્જક અભિગમનો સ્પષ્ટ ખ્યાલ મળે છે. ‘ગર્ભગાથા'ની દરેક વાર્તાનાં મુખ્ય સ્ત્રીપાત્રો એમની જૈવિક વિશેષતા સાથે અને એમને પ્રાપ્ત થયેલી સામાજિક-સાંસ્કૃતિક પરંપરાથી પ્રભાવિત વાતાવરણમાં જીવે છે. ‘મૃત્યુદંડ', ‘છેક આવો માણસ', 'સાતમો મહિનો’, ‘કમળપૂજા’, ‘માટીના પગ’, ‘પ્રલય' અને 'ગર્ભગાથા' આમ તો જુદી જુદી સાત વાર્તાઓ છે. પરંતુ આ સાતે વાર્તાઓ સર્જકના વિશેષ કથનકેન્દ્રને કારણે એકસૂત્રે બંધાયેલી છે. ભારતીય ગુજરાતી સમાજની સામાજિક-માનસિકતા અને પારિવારિક વ્યવસ્થાને કારણે જે રૂઢિઓ નિર્માણ થવા પામી છે એમાં સ્ત્રીના અસ્તિત્વ સાથે જોડાયેલાં જોખમોને હિમાંશી શેલત બેનકાબ કરે છે. ‘મૃત્યુઘંટ’ વાર્તામાં સંતાનપ્રાપ્તિની તીવ્ર ઝંખના, વર્ષોની પ્રતીક્ષા બાદ અથાક પરિશ્રમ અને ખર્ચાને કારણે પુત્રપ્રાપ્તિનો આનંદ ક્ષણભરમાં તીવ્ર વ્યથામાં પરિણમે છે. જે પુત્ર (જુગન)ની પ્રાપ્તિ માટે તન-મન-ધનથી ખુવાર થયાં છે તે ધનવંતી અને શંભુ સુખદ ભાવિનાં શમણાં જુએ છે પણ અગિયાર વર્ષની છોકરી પર બળાત્કાર કરી જુગન એ શમણાં રોળી નાખે છે. બળાત્કારના ગુના બદલ કદાચ જુગનને ફાંસીની સજા થવાની સંભાવના આ દંપતીના ચિત્તમાં મૃત્યુઘંટની ભયાનકતા ઊભી કરી દે છે. નિવારી ન શકાય તેવો ભય અને અપાર પીડા પુત્રપ્રાપ્તિના આનંદને સાવ સામા છેડે મૂકી આપે છે. વાર્તાની રચનારીતિ વાચકને એક નવી જ સભાનતાના પ્રદેશમાં પ્રવેશ કરાવે છે. ધનવંતીની બહેન લાખી દ્વારા વર્ણવાયેલી આ વાર્તાની કથાશ્રોતા બે બહેનો છે, “અમે બે બહેનો નથી પરણી, પરણવાનું ટાળતાં રહીએ છીએ તેનાં અનેક કારણોમાં એક તો..” અધ્યાહારમાં જે નથી કહેવાયું તે ઘણું મહત્ત્વનું બને છે. સ્ત્રી હોવાનો ભય સ્ત્રીચિત્તને કેવો ઘેરી વળે છે તે વર્ણવતાં સર્જક કહે છે, “ડર. ગર્ભનો. પીડાનો ખાળી ન શકાય એવો ડર...", ગર્ભધારણ કરવાની વિશેષતાનો ગર્વ કે સંતોષ નહીં પણ ડર વ્યાપી વળે એ કેવડી મોટી કરુણતા! વર્ણનરૂપે, માર્મિક કથનશૈલી દ્વારા અને કથકનો કથયિતવ્ય પ્રત્યેનો સાક્ષીભાવ તેમ જ સ્વત્વનો ભાવ આ વાર્તામાં જીવનને ઉછેરતા ગર્ભનો રણકાર નહીં, પરંતુ મૃત્યુના ઘંટનો ભયકારી નાદ ઉત્પન્ન કરે છે. ગર્ભની આ ગાથા પીડાનો સાક્ષાત્કાર કરાવે છે. મા થવાની ક્ષમતા ધરાવનારી સ્ત્રી મા થવાનો ભય અનુભવે એથી મોટી વિટંબણા બીજી કઈ હોઈ શકે? જૈવિક વિશેષતાને કારણે ગર્ભધારણનો ગુણ પ્રાપ્ત કરનારી સ્ત્રીજાતિ આ વિશેષતાને લીધે જ બળાત્કારના ભયમાં ફફડ્યા કરે, પોતે જન્મ દીધેલા સંતાનનાં ઉછેર, સલામતી અને સુરક્ષિત ભાવિ માટે ફફડ્યા કરે એ નિયતિની સમાજપ્રેરક મોટી વિડંબના છે. નરનું પુરુષમાં રૂપાંતર થાય ને એથીય અધિક આગળ એનું પશુત્વમાં રૂપાંતર થાય ત્યારે કેવી પારાવાર વેદના પ્રગટે એનો ખ્યાલ ‘છેક આવો માણસ' વાતિમાં મળે છે. સુશિક્ષિત પરિવારના પરિમલ સાથે સગપણથી બંધાયેલી પ્રિયંકા અચાનક જ સગપણ તોડી નાખે છે. વાર્તા સગપણ તોડવાનાં કારણો જાણવાના પ્રયાસોથી આરંભાય છે. સગપણ તોડ્યા પછી કોઈ પણ જાતના ભારનો અનુભવ ન કરતાં આનંદથી સહજ રીતે જ પોતાનું જીવન જીવતી પ્રિયંકાનું મન કોઈ કળી શકતું નથી. આમ જ લગભગ એક મહિનો પૂરો થાય છે. એવામાં એક દિવસ કબીરવચનો તન્મયતાથી સાંભળતી પ્રિયંકાની બાજુમાં તેની મા ગોઠવાઈ જાય છે ત્યાં જ બહાર થોડે દૂર બાંધકામના કામમાં વ્યસ્ત મજૂરવર્ગનાં કોઈ આદમી અને ઓરત વચ્ચેના ઝઘડાનો અવાજ પ્રિયંકાની તન્મયતા તોડે છે. આ વિક્ષેપ સ્થૂળ ન રહેતાં પ્રિયંકાના અસ્તિત્વને ખળભળાવી મૂકે છે. પેલા-મજૂર આદમીએ છેલ્લા દિવસોવાળી પોતાની સગર્ભા પત્નીના વાળ ખેંચી એને એક થપ્પડ લગાવી દીધી. વસ્તુગત સહસંબંધક બનતી આ ઘટનાનો છે ડો.પરિમલ સાથેના સગપણ તોડવાના કારણના ઘટરફોટ સાથે જોડાય છે. એક સાંજે પરિમલ સાથે ફરીને પાછા વળતી વખતે ખૂણામાં સૂતેલી પ્રેગ્નન્ટ, કોઈને ન નડતી કૂતરીને પરિમલે મારેલી જોરદાર લાત અને પછી જાણે કે કંઈ જ બન્યું ન હોય તેમ નફિકરા થઈ પ્રિયંકાને ભેટવા જતા પરિમલ પ્રત્યે વ્યથિત થયેલી પ્રિયંકા તિરસ્કાર અનુભવે છે ને 'છેક આવો માણસ!’ એની સાથે તો જીવી જ શી રીતે શકાય, ને અંતે સગપણ તોડી નાખે છે. સ્ત્રીને માત્ર પોતાના ઉપભોગનું સાધન માનતો શિક્ષિત પરિમલ રૂઢિવાદી પિતૃસત્તાક સમાજની પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. કૂતરીના પાત્રમાં રહેલા માદાત્વને, માતૃત્વને સમસંવેદનાત્મક સ્તરે અનુભવતી પ્રિયંકા ખરા અર્થમાં બદલાતા જતા સમાજની સુશિક્ષિત, સ્વજૈવિકતા પ્રત્યે સભાન નવી પેઢીની યુવતીનું પ્રતિનિધિત્વ કરે છે. સમાજને ટકાવનારું સ્ત્રીનું માદાત્વ, એનું માતૃત્વ જેને માટે ગરિમાપૂર્ણ ન હોય તેવા પુરુષનો સ્વીકાર કઈ રીતે કરી શકાય? હિમાંશી શેલતની આ વાર્તા બદલાતા જતા સમયમાં બદલાતી જતી સ્ત્રીમાનસિકતા અને તે કારણે બદલાતી જતી તેની નિર્ણયશક્તિના સત્ય તરફ પણ નિર્દેશ કરે છે. પ્રિયંકા કોઈ પૂર્વગ્રહો કે પરંપરાપ્રાપ્ત ગ્રંથિઓનો શિકાર થવા બંધાયેલી નહીં એવી સ્વવિચારશક્તિના આશ્રયે નિર્ણય લેનારી આધુનિક સ્ત્રી છે. સ્ત્રીની જૈવિક-લૈંગિક વિશેષતા, તે કારણે તેના પર થોપી દેવાયેલી મર્યાદાઓ તેમ જ પલટાતા સ્ત્રીમાનસનો પરિચય ‘ગર્ભગાથા'ની વાર્તાઓમાં મળે છે. આ બહુઆયામી રચનાસંસારને સર્જકે સ્ત્રીકેન્દ્રી જ્વલંત સમસ્યાઓના સંદર્ભે તેમ જ તે સમસ્યાઓના નિરાકરણના નિર્દેશો સંદર્ભે આલેખ્યો છે. ‘સાતમો મહિનો' વાર્તામાં પણ સગર્ભા સ્ત્રીની કરુણ જૈવિક નિયતિનો સંદર્ભ પુરુષમાં રહેલી પશુતા પ્રત્યે ધ્યાન દોરે છે. કોમી રમખાણો ફાટી નીકળ્યાં છે. બહારગામ ગયેલા પતિના ગર્ભને સાત મહિનાથી ધારણ કરનારી નાયિકા ઘરમાં એકલી છે. ભયથી વિહ્વળ નાયિકાને તેની પડોશણ આવી હામ બંધાવે છે, પરંતુ બંને સ્ત્રીઓ કોમી રમખાણના હુમલા અને બળાત્કારનો ભોગ બની મરણને શરણ થાય છે. રમખાણો શમ્યા બાદ મૃત્યુઆંકની ગણતરી કરવા આવનારાને બહારગામથી પાછો ફરેલો પતિ ચોક્કસ આંકડો લખાવી શકતો નથી. તે માત્ર એટલું કહે છે, ‘બીવી કો સાતવાં ચલ રહા થા.’ પ્રત્યક્ષરૂપે ન જન્મેલા અને છતાં પણ ગર્ભમાં પ્રત્યક્ષરૂપે જન્મી ચૂકેલા પોતાના સંતાનના મૃત્યુનો વિલાપ અહીં પિતા સંદર્ભે ‘પિતૃત્વ’ની પ્રતીતિ આપી જાય છે. આ વાર્તામાં એકસાથે 'માતૃત્વ'ની સંસ્થાનો સમાજના ક્રૂર-દંભી પુરુષો દ્વારા કરાતો ઉપહાસ અને સ્ત્રીને માતૃત્વ આપનાર પુરુષનો-પતિનો-પિતાનો અવ્યક્ત વિલાપ એમ બે વરવાં અને નરવાં સત્યોનો ઉઘાડ થાય છે. પુરુષમાં રહેલું 'પિતૃત્વ’, એની ભાવનાત્મક અવસ્થાની મૌનસભર પ્રતીતિ આ વાર્તામાં સર્જકનો સમાજ-વાસ્તવ પ્રત્યેનો સ્વસ્થ, તટસ્થ અભિગમ પણ પૂરો પાડી આપે છે. ‘કમળપૂજા' સાંકેતિક અર્થ ધરાવતી આ શીર્ષકસંજ્ઞાનો વાર્તામાં વ્યંગ્યસભર વિનિયોગ થયો છે. બેજવાબદાર, ગુનેગાર એવા જેલ ગયેલા પતિના પુત્રોનું, પરિવારનું જતન કરવામાં પોતાના દેહનો વિનિયોગ કરનારી લાચાર માતાની મનોવ્યથા સમજી ન શકનારા પુત્રો પર વાત્સલ્ય ભાવ વરસાવતી માતા પુત્રઘૃણા પામે છે. પતિ તો જેલમાં જઈ રાજના રોટલા પર નભે છે પણ બહાર, સમાજમાં એનાં સંતાનોને ઉછેરતી સ્ત્રીના ચારિત્ર્ય પર લોકો આંગળી ચીંધે છે, એલફેલ બોલે છે. લોકોની વાતોનો શિકાર બનેલું પુત્રોનું અપરિપક્વ માનસ માના મસ્તકને એક જ ઘાએ ધડથી જુદું પાડી દે છે. પુત્રોનું પેટ ભરવા પોતાની જાત પરપુરુષને સોંપતી માના ‘માતૃત્વ’નો પરાજય ‘કમળપૂજા'માં આકારિત થાય છે. જે માને રીઝવવા બલિ ચડાવવાની પ્રથા છે તે માને જ બલિ ચડાવી દેવાય છે– ની કરુણતા શીર્ષક દ્વારા સૂચવાઈ છે. ‘માટીના પગ' વાર્તામાં ગાંધીવિચારસરણીને અનુસરતા પરિવારે દીકરી પારુલને ભણવું હતું તોયે દબાણ કરીને એને પરણાવી દીધી. એ જ ઘરના મોટા ભાઈની દીકરી રેવતી ગાંધીમૂલ્યોવાળા વાતાવરણમાં ઊછરી હોવાને લીધે કાળાં નાણાં કમાતા પતિનો વિરોધ કરી પતિનું ઘર છોડી પિયર પાછી આવી ગઈ છે. ગાંધીમૂલ્યો માટે મરી ફીટતા પિતાના સંતાપનો તાપ ખમતી મા કમળા રેવતીનું વાત્સલ્ય પામે છે, પરંતુ પિતાનો આદર્શ રેવતીની નજર સમક્ષ માટીભેગો થતાં પિતા પ્રત્યે તેનું વલણ શંકિત બની ઊઠે છે. કાકાની દીકરી પારુલના ગર્ભપરીક્ષણની વાત જાણી રેવતી ખળભળી ઊઠે છે. પાછી આવેલી રેવતીના અનુભવે રેવતીના પિતા નાના ભાઈને ગર્ભપરીક્ષણમાં મૂક સાથ આપે છે. આદર્શવાદીમાંથી વાસ્તવવાદી થયેલું પિતાનું વર્તન પિતાને 'માટી પગા' માનવમાં રૂપાંતરિત કરે છે. દીકરાને જન્મ આપતી પારુલના ગર્ભમાં ધારો કે દીકરી હોત તો? નાના કાકા એબોર્શન કરાવત? રેવતી જેવી કેટલીય અબુધ દીકરીઓની પિતા પરની અવિચળ શ્રદ્ધા અને વિશ્વાસઘાતની નિભ્રાંતિ આ વાર્તાને ધારદાર બનાવે છે. અહીં રેવતી અને પારુલનાં પાત્રો દ્વારા સમાજમાં સ્ત્રીની બે જુદી જુદી સ્થિતિઓનો કથાસંદર્ભ સમાંતરરૂપે રજૂ થયો છે. રેવતીની મૂંઝવણમાં તેને આશ્વસ્ત કરતી મિત્ર શ્રેયા કહે છે, “છોડને યાર! નાના કાકા કંઈ નવા નથી. ધિસ ઈઝ... કૉમન તો ના કહેવાય પણ ચાલે તો છે જ આ બધું. તે વિના કંઈ છોકરીઓની સંખ્યા ઘટી નથી ગઈ! કેટલીયે પહોંચી હશે કચરાપેટીમાં.” ધંધો વિકસાવવા સસરા પાસે પંદર લાખ રૂપિયા માગતો પારુલનો નમાલો પતિ, મૂલ્યોનું ધોવાણ થતું સાક્ષીભાવે જોઈ રહેલા માટી પગા પિતા, રેવતીના જન્મ સમયે તેની મા કમળાની સાસુએ ગર્ભપાત માટે કરેલા વિફળ પ્રયત્નો વગેરે કથાંશોની ગૂંથણીથી ગૂંથાતી આવતી વાર્તામાં અંતે માતા પ્રત્યે વહાલ વરસાવતી, નિયતિના સ્વીકાર માટેની હામ એકઠી કરતી રેવતી વાચકને એક જુદા જ વિચારવિશ્વમાં સભાન પ્રવેશ કરાવે છે. સ્ત્રી દીકરી હોય, માતા હોય, પુત્રવધૂ હોય. બહેન-સાસુ કે મિત્ર હોય તેની નિયતિ તો હિમાંશી શેલતના વાર્તાસંગ્રહના શીર્ષકમાં જ કહું તો ‘ખાંડણિયામાં માથું'ની. ‘પ્રલય' વાર્તામાં મા-દીકરાના સંબંધોની મધુરતા સમાજના વરવા વાસ્તવના પરિણામે કટુ સ્મૃતિમાં પરિણમે છે. “માનુને પરીની વાર્તા નથી કહેવી એમ પહેલેથી જ નક્કી કરેલું. છોકરીઓને પરીની વાર્તાઓ કહી કહીને સુંદરતાનું નર્યું આભાસી વાદળ ઊભું નથી કરવું... માનુ તો ખરબચડી ભોંય પર ભમવાની, કાંટાળી કેડી પર ચાલવાની, વરસતા વરસાદમાં પલળવાની અને કાદવમાં ખરડાવાની... માનસી કુદરતની દીકરી, સહજ લાલિત્યથી સભર. બધા સાથે લયમાં જીવે, તાલ ક્યારેય તૂટે નહીં... ભગવાન આવું ગાંડપણ બધી દીકરીઓની માને આપે!.” કથક દ્વારા કહેવાતી વાર્તાનો આરંભ જેટલો મુગ્ધકર, મધુરતમ છે અંત તેટલો જ કટુ, પ્રલયપ્રતીતિ આપનારો છે. માના લાડકોડમાં ઊછરતી આ માનસી મોટી થઈ ભણવા માટે હોસ્ટેલ ગઈ. ગઈ તે ગઈ. પાછી ન આવી. એની આત્મહત્યાની ખબર આવી. માનસીની આત્મહત્યાની ખબર મળતાં હતપ્રભ થયેલી મા ભાંગી પડી. ચાર વર્ષ બાદ કેતકીના રૂપમાં આ ઘટનાનો સ્મૃતિકંપ પુનઃ અનુભવાયો. કેતકી બોલતી હતી. “– પણ માસી, ઘરમાં ચોમેરથી દબાણ, મારા મગજનું ઠેકાણું ન હતું... ઉપરથી તબિયત એટલી ઢીલી એટલે”, “મને બોલાવવી હતી. હું મરી ગઈ'તી? કોઈ દબાણ કરે એટલે પેટની દીકરીને લોચાની પેઠે કાઢી નાખી? અરેરે! આપણા કરતાં તો પ્રાણી સારાં.” માનસીને ગુમાવવાનો વલોપાત કરતી મા અને ગર્ભની દીકરીનો ગર્ભપાત કરાવનારી કેતકી અને આત્મહત્યા (કે હત્યા?) કરનારી માનસી– ત્રણે પાત્રોની મનોવેદના એમની ગર્ભધારણ કરવાની વિશેષતાને કારણે જ ઉદ્ભવી છે. આ વાર્તા સમાજમાં કન્યાઓ પ્રત્યેનો નકારાત્મક અભિગમ પ્રગટાવે છે. ભ્રૂણહત્યાને નિવારી શકાય એવું કહેનારા અને ભ્રૂણહત્યા આચરનારાઓ વચ્ચેના અંતરમાં જે પરિસ્થિતિઓ નિર્માય છે તેનું આલેખન આ વાર્તામાં થયું છે. સંગ્રહની અંતિમ દીર્ઘ ટૂંકી વાર્તા (૪૭ પૃષ્ઠોનો વ્યાપ) ‘ગર્ભગાથા' દીકરીરૂપે- માતારૂપે-ગૃહિણીરૂપે સ્ત્રીના સામાજીકરણની વાર્તા છે. વાર્તામાં વાર્તાની ટેક્નિક અને સુલતાન-બેગમનાં પાત્રોની કપોલકલ્પના દ્વારા આરંભાતી વાર્તામાં પિતૃસત્તાક માનસની કઠોર વાસ્તવિકતા અને સ્ત્રીમાનસની પરવશ કરુણતાને હિમાંશી શેલત શબ્દબદ્ધ કરે છે. સ્ત્રીનો ઉદ્ધાર કરવા કોઈ આવવાનું નથી. રૂઢિવાદી પરંપરાનો ભોગ બનતી જતી પારાવાર સ્ત્રીઓનાં દૃષ્ટાંતો નજર સમક્ષ રાખી સ્ત્રીઓએ જાતે જ આપહલેસાએ જીવન તરાપાને સુખની સફર કરાવવી પડશેનો બોધ પણ વાર્તામાં મળે છે, “અમ્મર તપો એ સુલતાનનું રાજ! રોજ નવેસરથી પરણવા એક નવીનક્કોર કન્યા તો મળતી હતી! કન્યાઓ સવારે ચૂપચાપ માથું કપાવે. બોલે નહીં, બળવો કરે નહીં. પછી અચાનક આવી ચડી એક ચતુર કન્યા, જીવનને ચાહતી, જીવવા ઈચ્છતી..” શાહજાદીનું પાત્ર આગળ ઉપર વાર્તાની ગર્ભસ્થ, ભૂણ અવસ્થામાં રહેલી અસ્તિના પાત્રરૂપે સ્થાનાંતરિત થાય છે, “ગર્ભના અંધકારમાં કોકડું વળીને પડેલી અસ્તિ મથે છે એ વાર્તાઓનાં રંગરૂપને ઓળખવા... અસ્તિને પેલી શાહજાદી જેવું કરવું છે. પ્રશ્ન જીવન-મરણનો છે. કથા કહેવાનું નિવારી શકાય નહીં, જીવવું હોય તો.” ગર્ભસ્થ કન્યાભ્રૂણનું અસ્તિ નામ પણ સૂચક છે. એ પ્રત્યક્ષ, સદેહે જન્મ પામશે કે નહીં, ખબર નથી. આ તો ગર્ભગાથા છે. માનવજન્મના આરંભે ઈવના માધ્યમે મંડાયેલી, બ્રહ્માના શાપે પૃથ્વી પર અવતરિત થયેલી ત્યારથી કચડાતી આવતી. - દોષારોપણોનો ભોગ બનતી આવતી સ્ત્રીની કથા એટલે આ 'ગર્ભગાથા'. એના માથે સૃષ્ટિને ચલાવવા માટે પેઢીની પેઢીઓને જન્મ આપવાનો ભાર, ઉછેરવાનો ને પેઢીઓ ચલાવવાનો પણ ભાર ને તોય એના અસ્તિત્વને રોપી શકવા માટે આ પૃથ્વી પર તસુ ભોંય જમીન પણ એના ભાગ્યમાં નહીં! બે દીકરીઓની માતા રેવતીના ગર્ભમાં ત્રીજી વાર આવી રહેલી અસ્તિ અવતરશે કે પછી...? ઘરને ચોખ્ખું રાખવા, જીવાતને મારવા પેસ્ટ કન્ટ્રોલ કરાવતા પરિવારમાં બાએ પૂજા હોવાને લીધે જીવહત્યાને ટાળવા પેસ્ટ કન્ટ્રોલવાળાને પાછા કાઢ્યા. પણ ગર્ભમાંની અસ્તિના અસ્તિત્વનું શું? એની હત્યા અટકાવવાનો અધિકાર એની માનો ખરો? ગર્ભમાંની અસ્તિ મા સાથે વાત માંડે છે – સ્ત્રી માત્રના અસ્તિત્વના આંતરઅસ્તિની, માને લઈ જાય છે એના અતીતમાં નાનીમા અને વડનાનીના સમયમાં પરિણીત નાનીમાને (પત્નીને) છોડી ગયેલા કાયર પતિની (નાનાની). ચાળીસ-બેતાળીસની વયે સંસાર અધૂરો મૂકી દુનિયા છોડી ગયેલા વડનાનીના પતિ. વડનાનીએ અકાળે ગુમાવેલો પુત્ર, છતે વરે વિધવા જેવું જીવતી દીકરીની પીડા -નાં કષ્ટ ભોગવેલાં. વડનાનીને વધારામાં મિજાજ બાર ખાંડી ને પહોંચમાં મીંડું એવા દીકરીનાં સાસરિયાંની વિપદા વેઠવાની. કાચી વયે વિધવા થયેલાં વડનાની સામાજિક બંધનોમાં કોકડું વળી ગયેલાં ત્યાં કો'ક ચાહવાવાળી વ્યક્તિ મળી. પણ પેટનો ભાર ન વેઠી શકેલાં, દીકરીના સાસરે નીચાજોણું થવાના ભયે એ ગર્ભની જવાબદારી સ્વીકારનાર પુરુષને અપનાવી ન શક્યાં ને આપઘાત કરી બેઠેલાં. લોકોએ જાણ્યું સંસાર વેરી થતાં વડનાની વેરાગી થયેલાં તેથી ઝાઝું ટકી ન શક્યાં. આટલી વાત કરી ગર્ભસ્થ અસ્તિ માને કહે છે, “સંસાર ઝેર જેવો થયો એ સાચું, પણ કારણ વેરાગ નહીં. મમ્મા! આપણને જે દેખાય કે લાગે, એ સાચું જ હોય એમ કોઈ અફર નિયમ નથી. જેમ કે, તું મને બહાર કાઢી મૂકે, ફેંકી દે કચરાપેટીમાં, પછી બહાર શું કહેવાની? છડેચોક કહી શકશે ખરી, પેટમાં દીકરી હતી તે નહોતી જોઈતી માટે ગર્ભપાત કરાવ્યો? ઊલટાની કહેવાની, ગર્ભ પડી ગયો; છોકરી વિકલાંગ છે એવી ખબર પડી એટલે કે એવું કંઈ પણ..” સગર્ભા રેવતીના વિચારોરૂપે અને અસ્તિ સાથેના સંવાદો આગળ ચાલે છે, વાર્તારસ ઘૂંટાતો જાય છે, “- તો દીકરીને જનમ આપું? ત્રીજી તો ભલે ત્રીજી. જોખમ લીધું હતું. લોભ દીકરો મેળવવાનો હતો. કુદરતને કબૂલ નહીં. લાલચને લપડાક એટલે આ અસ્તિ આવી ગર્ભમાં. એનો શો વાંક? કહી દે બધાને : દીકરી મારી છે, મારે રાખવી છે. એના પર કોઈનો અધિકાર નથી. એના બાપનોય નહીં. માત્ર મારો હક. - બાપનોય નહીં?—ના. તું પોષે એટલે તારો. બીજને જે ઉછેરે, માવજત કરે એનો જ હક. થાય તારાથી આવું? – ખબર નથી મને. હું તો બેટા બધી બાજુથી બંધાઈ ગયેલી.” સરળ ભાષામાં ભારતીય કુટુંબસ્થિત ‘ગૃહિણી’ની મનોદશાનો ચિતાર અહીં મળે છે. વાર્તામાં ગૃહિણીની ભૂમિકા નિભાવતી રેવતી-નાનીમા- વડનાનીના ભાગ્યમાં રંજાડ આવ્યો. કુટુંબને પ્રતિષ્ઠા અપાવતી રેવતી પોતાના ગર્ભને જાળવી રાખવાનો હક પણ ન ધરાવે એ કેવી કરુણતા! 'માદા’નું સામાજીકરણ થતાં એની જૈવિક ઓળખ કઈ રીતે ‘પ્રાકૃતિક લિંગ’માંથી ‘સામાજિક લિંગ' પ્રતિ ગતિ કરે છે તેનો ખ્યાલ આ વાર્તામાં મળે છે. સ્ત્રીભ્રૂણહત્યા સાંપ્રતમાં પ્રવર્તમાન એક ગંભીર સમસ્યા છે. તે કારણે સમાજમાં જાતિપ્રમાણનું સંતુલન જોખમાયું છે, તેના પરિણામરૂપે સ્ત્રીઓની સ્થિતિ વધુ ને વધુ વિકટ બની રહી છે. જે સમાજોમાં સ્ત્રીઓનું જન્મપ્રમાણ ઘટયું છે ત્યાં તેની વધુ કપરી દશા થવા માંડી છે. સ્ત્રીજન્મને બોજારૂપ, શાપરૂપ માનતા ભારતીય સમાજમાં અનેક રીતે સ્ત્રીભ્રૂણહત્યાઓ થાય છે. સ્ત્રીભ્રૂણહત્યા એટલે ગર્ભમાં ઊછરતા કન્યાગર્ભની હેતુપૂર્વકની હત્યા. તેના જીવિત રહેવાના અધિકાર પર તરાપ. સ્ત્રીભ્રૂણહત્યા જેન્ડરમૂલક ભેદભાવ સાથે સંકળાયેલી વિકટ સામાજિક સમસ્યા છે. “દીકરો જન્મે તો પરિવાર પૂર્ણ થયો ગણાય. ગર્વથી છાતી ફૂલે. દીકરીથી કામ ચાલે, નિઃસંતાન ન ગણાઈએ પણ અભિમાનનો કેફ ન ચઢે’' જેવું ઉચ્ચાવચતાનું નિદર્શન કરાવતું સત્યનું કલાપૂર્ણ નિરૂપણ 'ગર્ભગાથા' વાર્તામાં થયું છે. વાચકના ચિત્તને સભાન કરનારી આ વાર્તા વાચકચિત્તને વેદનાની પ્રતીતિ પણ કરાવે છે. નિઃસંતાન પાર્વતીમાસીની પીડાની વાત, પરણીનેય સંતાનના કષ્ટને ન વેઠવા માગતી-શરત સાથે પરણેલી કાવેરીની વાત, ફેક્ટરીના કામમાં જોડાયેલાં મજૂરદંપતીની સ્ત્રી અને તેની દીકરી સુનીતાની વાત, ક્લિનિકમાં ગર્ભપાત માટે ગયેલાં દંપતી (રેવતીનાં માતાપિતા)ની સાથે જોડાયેલી બજારુ બાઈની વાત અને કોઈક ને કોઈક કારણોસર ક્લિનિક ગયેલાં દંપતી (રેવતીનાં માતાપિતા) ગર્ભપાત ન કરાવી શકતાં જન્મેલી જોડિયા દીકરીઓની વાત, વગેરે વાર્તાશો વાર્તામાં વાર્તાની ગૂંથાતી જતી સેર દ્વારા સ્ત્રીભ્રૂણહત્યાની પરંપરા અને સ્ત્રી-પુરુષ માટેનાં અસમાન સામાજિક ધોરણોવાળા વાસ્તવને ઉઘાડે છે. સ્ત્રીભ્રૂણહત્યા પ્રત્યેનો સમાજનો તેમ જ સરકારનો દંભી આચાર ‘અસ્તિની ન કહેવાયેલી વાત 'રૂપે વ્યક્ત થયો છે. વાર્તાના અંતે મુકાયેલી નિભાન્ત થયેલી અસ્તિની ઉક્તિમાં પોતાના અસ્તિને માના અસ્તિ સાથે એકરૂપ કરી દેતાં મૌન સ્વીકારે છે. નિરૂપણરીતિનું નાવીન્ય, વચ્ચે વચ્ચે વિરામ પામતા કથાસમયમાં પણ ચાલ્યા કરતો વાતનો અપ્રત્યક્ષ પ્રવાહ, કથાકથન અને કથાદૃશ્યનની પ્રયુક્તિનો વિનિયોગ આ વાર્તાના કથયિતવ્યને અભિવ્યક્ત કરવામાં મહત્તમ ભૂમિકા નિભાવે છે. ગર્ભ જાતિપરીક્ષણનો આરંભ આનુવંશિક વિકૃતિઓ, આનુવંશિક રોગો વગેરે દોષોના વાસ્તવનો ખ્યાલ મળે તે હેતુથી થયો હતો. પરંતુ ભારતમાં ૧૯૭૨માં ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ ગર્ભપાતને કાયદેસરની માન્યતા મળી. એ પહેલાં ૧૯૭૧ સુધી ભારતમાં ગર્ભપાત કરવો કે કરાવવો ગુનો ગણાતું હતું. વળી ૧૯૯૪થી ગર્ભ જાતિપરીક્ષણ અટકાયતનો ધારો અમલમાં મુકાયો. એ ધારો ૨૦૦૨-૦૩માં વધુ કડક બનાવાયો. આવું પરીક્ષણ કરનારા ડૉક્ટરોનું રજિસ્ટ્રેશન નાબૂદ થાય, પરીક્ષણ કરાવનારને પણ કડક સજા થાય એવું આ ધારામાં સૂચવાયું છે તેમ છતાં હજી પણ શત પ્રતિશતરૂપે ગર્ભ જાતિપરીક્ષણ અને સ્ત્રીભ્રૂણહત્યા અટકાવી શકાયાં નથી. કેટલીક વાર સ્ત્રીઓ પોતે તો કદીક પતિ, પરિવારજનો, ડૉક્ટર્સ કે અન્ય કારણો ગર્ભ જાતિપરીક્ષણ અને સ્ત્રીભ્રૂણહત્યા માટે નિમિત્ત બનતાં હોય છે. આ સમસ્યાનું મૂળ સ્ત્રીની જૈવિકતા નહીં, પરંતુ પિતૃસત્તાક સામાજિક માળખામાં રહેલું છે. સમસ્ત જીવસૃષ્ટિમાં મનુષ્યજાતિ સિવાય અન્ય કોઈ ઠેકાણે સેક્સ કે સેક્સને લગતી બાબતો શરમજનક મનાતી નથી. બુદ્ધિના આશ્રયે વિકસિત થયેલી માનવજાતિએ પિતૃસત્તાક સમાજની સંરચના ઊભી કરી છે અને તેથી જ સ્ત્રીના ‘માદાત્વ'ની વિશેષતા જ સ્ત્રીનિયતિની કરુણતા બની છે. ‘સ્ત્રી' બનાવાયેલી “માનવમાદા”ની નિયતિની કરુણતાનો કલાત્મક આલેખ ‘ગર્ભગાથા' વાર્તાસંગ્રહમાં પ્રાપ્ત થાય છે. સાંપ્રત સમયમાં પ્રવર્તમાન સ્ત્રીસમસ્યાના સત્ય ચહેરાને બેનકાબ કરતી આ વાર્તાઓના મૂક સાક્ષીવાચક બની ન રહેતાં વાસ્તવની વરવાઈઓને તપાસી તેને પરિવર્તિત કરી શકાય તેવો સભાન વાચકવર્ગ ઊભો થાય તો સર્જકનો લેખન ઉદ્યમ થયો છે.

એતદ્, જાન્યુ.માર્ચ, ૨૦૧૧, પૃ.૫૧થી ૬૦