નારીસંપદાઃ વિવેચન/બનારસ ડાયરીઝ નિજની યાત્રા...કવિ હરીશ મીનાશ્રુની


૪૩

‘બનારસ ડાયરી' : નિજની યાત્રા... કવિ હરીશ મીનાશ્રુની
દક્ષા ભાવસાર

કવિતા, નિજ પીડાનું રૂપાંતરણ કરતી કલા. નરસૈંયાના રાગ કેદારી વાણીથી અસ્ખલિત વહેલી ગુર્જરવાણી અનુઆધુનિક યુગમાં હરીશ મીનાશ્રુની કૌવતભરી કલમ સુધી... રસબસતા આ કાવ્યપ્રવાહને ભાવક તરીકે માણતાં હૈયું ઠરે એવી આ તાજી નવી રચનાઓ – ‘બનારસ ડાયરી' નામે કાવ્યસંગ્રહની કવિ હરીશ મીનાશ્રુની ‘ધ્રિબાંગ સુંદર’થી લઈ 'પંખી પદારથ’ની રચનાઓ હોય. કવિતાના ભાવ. ભાષા, નાદ, લય, સંવેદન, વિષય, સ્વરૂપ સર્વે પરત્વે નોંખી ભાત, નોખો મિજાજ, નિજ મુદ્રા ! પરંપરાના સંસ્કાર આદિમ સંવેદન, પ્રકૃતિપરક લાગલગાવ, ધર્મ-કર્મ-કાંડ-રીતરિવાજ, સંબંધો, પર્યાવરણ, પરિવેશ, સ્થળવિશેષો, શૃંગાર, દિગ્ગજ કવિઓનાં સ્મરણો, એ કવિઓ સાથેનું નિજ અનુસંધાન–ઓતપ્રોતપણું—અને આ સર્વથી પર આધ્યાત્મિકતાનો સાત્ત્વિક રંગ આસવ જેવાં વાનાંથી થડાયા છે કવિના કાવ્યસંસ્કાર. કવિતામાં રૂપાંતરિત થતું એમનું નિજત્વ આત્માના ઊંડાણથી ઊતરી આવ્યું હોઈ એમનો આ ઇંદ્રિયબોધ - નિજબોધ સમગ્ર કાવ્યયાત્રાના અનુસંધાને રસતરબતર કરી કાવ્યછોળના આનંદઓઘમાં નવડાવી પ્રસન્નચિત્ત કરે છે. ‘બનારસ ડાવરી' - નામથીય નોખા પડતા એમના કાવ્યસંગ્રહમાં અછાંદસ કાવ્યો, ગદ્યકાવ્યોની વચ્ચે ગીત-ગઝલ પણ 'હાજરી' પુરાવે છે. ‘બનારસ ડાયરી' નામક પ્રથમ વિભાગમાં અઢાર કાવ્યો છે, જે આમ તો પ્રગટ રીતે સ્થળકાવ્યો છે પણ સ્થળને અતિક્રમી આ કાવ્યો નવાં પરિમાણો રચે છે. કવિના શબ્દો: "આ કાવ્યસ્થળ કવિતામાંથી મર્મસ્થળ - કવિતારૂપે ઉત્ક્રાંત થાય છે. ઉર્દૂમાં એક ગૂઢ શબ્દ છે: ‘લા-મકાં’ ‘બનારસ ડાયરી' પણ એ પ્રાચીન નગરીનાં બત્રીસે લક્ષણોના આલંબને એ મુકામની પેલે પારની, સ્થલાતીતની- લા-મકાંની વાત પણ કરવા ચાહે છે.” કવિ. કબીરની પ્રત્યક્ષ-પરોક્ષ હાજરી સાભિપ્રાય નહીં સહજ છે. નગરોનો ઇતિહાસ, પુરાસંદર્ભો, મિજાજ, સ્થળો, ભાષા, ખાસિયતો, વિવિધ ઘાટ, રંગો, આધ્યાત્મ, નગરનો વર્તમાન આ સૌનો સમન્વય છે આ કાવ્યોમાં કવિ આ શ્રેણીને “ભાષાના ચેતાતંતુઓ દ્વારા અગમ્ય ચૈતસિકને અને ચિન્મયને પામવાની મથામણ રૂપે” જોવાની અપીલ કરે છે. 'બનારસ ડાયરી' પ્રથમ રચના, કવિ ‘યયાતિ'ના મજબૂત પુરાકલ્પન દ્વારા "યૌવન'ની ઝંખનાને ઉત્પ્રેક્ષા દ્વારા વ્યક્ત કરે છે. પૃથ્વીના સદા-સર્વદા કાળ વહેતા આવેલા આદિમ સંવેગોના શૃંગારિક ભાવને પ્રશિષ્ટ શૈલીમાં વ્યકત કરે છે. વાસનાની પેઠે ટમટમતા દીપક ને બાતી જાણે ‘યયાતિ'ની જેમ યૌવન માટે કરગરે છે. ઉમળકાના ભાવને 'લિસ્સો' જેવા સ્પર્શેન્દ્રિયના અનુભવભાવ દ્વારા પ્રગટ કરી સ્ત્રી-પુરુષ સંબંધના શૃંગારને ‘ક્લાસિક' રીતે નિરૂપે છે. કવિકર્મ, સમગ્ર કવિકર્મ માટે 'લોહીના લય'નો ધબકાર અનિવાર્ય માનતા કવિ ઉપમા સજીવારોપણ વગેરે જેવા અલંકારો દ્વારા બનારસના સ્થળવિશેષને જીવંત કરે છે. બનારસની સાથે સહજ રીતે કબીરનું સ્મરણ કવિને થયા કરે છે. કબીર કહે છે:

જસ કા તસ તું અનપઢ ઠહરા,
ભેર ભયી તબ કાહે ક્કહરા,
......
બૂલા રહી હૈ તુઝે કબસે તેરી ‘સુબ્હેબનાસ’?”

મંદિર-મસ્જિદ-રામ-રહીમનો/જોડિયા ઈશ્વરનું ‘ઊંવા ઊંવા કવિ ‘પાછલી ખટઘડીએ' સાંભળી શકે છે ને નરસૈંયાએ ગાયું છે તેમ ‘રાત રહે જ્યારે પાછલી ખટઘડી સાધુ પુરુષે સૂઈ ન રહેવું-’ કવિ હરીશ મીનાશ્રુનું આ જાગરણ સંત કબીર સાથે, કબીરની ચેતના સાથે પોતાની ચેતનાને જોડવામાં સિદ્ધ થાય છે. ને એક નવી ચેતનાનો-આશાનો સંચાર કવિચિત્તમાં થાય છે. આધ્યાત્મિકતાના રંગે રંગાયેલું કવિમાનસ કબીરના 'શબ્દ' 'શબ્દવારસા’ સાથે ઓતપ્રોત થઈ ગયું છે, એ એટલું પોતીકું છે કે,

ધાવણના રંગની ભાષામાં કબીર કશુંક બોલે છે
અમરતના દૂધિયા રેલાથી
મારા કાળજે સતસંગ જેવડી ટાઢક થાય છે
ઊગે છે પ્રવાહી અજવાળાં આંતરડામાં’

આ અંતરનો ઉઘાડ પુરોગામી કવિના શબ્દથી જ ચિત્તમાં થયો છે! આ ‘અજવાળાં પ્રવાહી' હોઈ ચૈતન્ય સમસ્ત સાથે કવિચિત્તને જોડી આપનારાં બન્યાં છે. કબીરની વાણી, પવિત્ર વાણીમાં કવિને પોતાનો ‘સતસંગ' જડી ગયો છે ને એનો પ્રભાવ, એનું ‘અજવાળું' ચિત્તના ઊંડાણ સુધી પ્રસરી ગયું છેને એમાંથી કવિની પોતાની ‘શબ્દજ્યોત' ઝળહળી ઊઠે છે. કબીરની હારોહાર, એમની વાણીની આંગળી પકડી ચાલતા કવિ પોતાના સર્જનકર્મ-સર્જનપ્રક્રિયા વિશે રસપ્રદ વાત માંડે છે. કવિનો શબ્દ તેથી જ 'કબીરમય' થવા ઇચ્છે છે. કબીરના શબ્દમાં તન્મય, કબીરની વાણીરૂપી 'અમરત'નો રેલો કવિકાળજે 'સતસંગ જેવડી ટાઢક’ પ્રસરાવનારો છે. કવિના ચિત્તમાં કબીરની હાજરી 'સહજ' છે. કબીરના સર્જકત્વને-સર્જનને- અર્થને બરાબર જાણી-માણી લીધા પછી કવિ દૃઢતાથી કહે છે કે,

કબીર કશું ધારતા નથી કેમ કે
એમના જમણા હાથનો નખ જ
શૂન્યને ખોતરીને સકળ સૃષ્ટિનો નિર્ધાર કરે છે.

અહીં કબીર અને અધ્યાત્મ, જીવના (સૃષ્ટિ સમસ્તમાં વ્યાપ્ત શિવતત્ત્વ સાથે ઓતપ્રોત થવાની, એકાત્મભાવ અનુભવવાની, કબીરે અનુભવેલી એવી અધ્યાત્મવાણીનું સત્ત્વ પ્રગટ થાય છે! કબીરનું સાતત્યપૂર્વક પોતાનામાં 'હોવું' કવિ અનુભવે છે પણ તોય કબીર તો જાણે કવિને કહે છે કે,

આ મારું પધારવું તે તો છે કેવળ તારું ધારવું
કવિચિત્તની આ પણ કેવી સંપ્રજ્ઞતા! વળી,

કબીર કહે તારું 'હોવું' તે આમ જુઓ તો ‘ખોવું’ છે જે 'છું’ હોય તે આસ્તે આસ્તે ‘હતો’ બની જાય છે. - સમજાય છે તને મારી વાત? મેં નકાર જેવી મુદ્રામાં હાજીયો પુરાવ્યો. પંચભૂતમાં વિલીન થયા પછી માનવદેહ 'હતો' બની જાય એ પરમ સત્યને પામીને કબીરની જે આધ્યાત્મિક યાત્રા હતી. સભાનતાપૂર્વક કેળવેલો સાધુત્વનો ભાવ હતો એનો મર્મ કવિ આમ પ્રગટ કરે છે! અસ્તિત્વની યાત્રાનો કેવો અર્થસભર આવિષ્કાર! 'બનારસ ડાયરી’ - ૪માં કવિ પોતાના અસ્તિત્વનો ઉત્સવ, અસ્તિત્વનો અર્થ ઊજવવા-પામવા મથે છે. કબીરનાં સાખી-શબદ-કવિતાનું સતત સ્મરણ છે મનમાં કવિના કબીરનું જન્મવર્ષ ઈ.સ. ૧૩૯૯, ને જ્યારે કવિનો જન્મદિન હોય છે ત્યારે કબીર કવિના જન્મદિનની વધામણી આપવા આવે છે એવી કલ્પના જ કેટલી રોચક છે! બથડેની મીણબત્તી બુઝાવી નાખતાં જ કબીર તો કવિને જાણે કહે છે.

તું તો તિમિરની ભલામણ કરે છે,
ક્ષુધા અને આયુધનો સરવાળો કરે છે ને
કાપાકાપી અને ઓગળવાનો અર્થ રચે છે.

પછી રમૂજ પણ સર્જાય છે. કબીર કટાક્ષ પણ કરે છે. આ સૃષ્ટિમાં હજી મરઘી-ઈંડાંની પ્રહેલિકા ઉકેલાઈ નથી ને આ જન્મદિનની ઉજવણી? જીવનની તાત્ત્વિક શીખ આપતાં કબીર કહે છે, હોલવાવું કપાવું ને ખવાવું- એ બધું તારી જાતને લાગુ પાડે તો ખરો. અહીં સ્વાભાવિક રીતે અભિધાનો નહીં વ્યંજનાનો અર્થ પામી શકાય છે. આધ્યાત્મિક ચેતનામાં 'હું' ભાવ ઓગાળી- પોતાની આગળ વધવાનું છે. આમ તો કવિ ભલે એમ વર્ણન કરે કે કબીર પોતાને કહી રહ્યા છે. પણ ખરેખર તો હરીશ મીનાશ્રુએ કબીરને આત્મસાતુ કર્યા છે અને આ હોલવાવાની, કપાવાની પ્રક્રિયામાંથી જાતને પસાર કરી છે એમાંથી આ સાત્ત્વિક પંક્તિઓ નીપજી આવી છે. સ્થળ માત્ર' બનારસ, ‘વિષાદ અને આનંદની આંખોવાળો એકાકી માણસ' કવિ હરીશ મીનાશ્રુની નિજતામાં સમરસ થયેલી કબીરવાણીનો પ્રભાવ આ રચનાઓમાં સતત વર્તાય છે. પાંચમી રચનામાં કવિ પરોઢનું તાજગીભર્યું જે વર્ણન કરે છે તે રમણીય છે. ભાષા બનારસી લહેજાવાળી પ્રયોજાય છે જે જરાય આગંતુક લાગતી નથી. કવિ તત્કાલીન સમયના સંદર્ભો પણ રચે છે. ટ્વિટર, ગૂગલ, ફેસબુક, લિન્કડ ઇનના ઉલ્લેખો દ્વારા કવિ કબીરને તત્કાલીન સમયમાં ખેંચી લાવે છે. કબીર તો આ બધાથીય પર છે, ને કવિને ઠપકો આપી બેસે છે. કાશીના 'સનાતની’ પક્ષીઓનો ટુઈટ્ ટુઈટ્ પછી કબીર સાથેના સંવાદોના વર્ણનમાં બનારસી હિંદીની છાંટ ભળતાં જીવંતતા સર્જાય છે. 'ગહેરાઈ'માં 'ડૂબકી' લગાવનાર કબીરને અત્યારના ટેક્નોલોજી યુગ સાથે કવિ જોડવાનો અહીં પ્રયાસ કરે છે. છઠ્ઠી રચનામાં કવિ અદ્ભુત દૃશ્યાવલિઓ રચે છે. કબીરના મસ્તક પર ઉદય પામેલો ચન્દ્ર કવિને કપાસના જીંડવા જેવો પ્રફુલ્લિત લાગે છે, એ જોઈને કવિને થયું.

ખરો ચન્દ્રમૌલિ તો આ બેઠો.
ચાંદનીના લીંપણવાળી ભીંતને અઢેલીને.
કાશીવિશ્વનાથને તો લોકો નાહક એ નામે ખીજવે છે.

કબીરની પ્રતિભાને છાજે એવું આ વર્ણન છે. કવિ કબીરસાહેબ સાથે સંવાદ આદરે છે ને પોતાની મૂંઝવણ રજૂ કરતાં કબીરસાહેબને કવિ કહે છે કે ‘દિવસ’ની તો થોડી થોડી ખબર પડે છે પણ આ 'રાત' સમજાતી નથી પોતાને. કબીરનો જવાબ: અંધકારનું આવરણ છવાતા ‘પંખીનો કર્બુર, મધુકામિનીનો શ્વેત, થડનો કથ્થાઈ મનુષ્યનો ઘઉંવર્ણ' આ બધું તો ઓગળી જાય છે રાત્રે પોતપોતાના વિકારોમાં. માટે કબીર સલાહ આપતાં સમજાવે છે કે, એટલે જાગરણ ઉજાસમાં આ રાત્રિને ધારી ધારીને જોયા કરવી એ જ એકમાત્ર ઉપાય છે

રાત્રિને સમજવાનો
ને પછી,
ગાઢ થતા જતા અંધકારમાં
એ ક્ષણે એટલું તો આછુંપાતળું સમજાયું કે
મને દિવસ પણ સમજાતો નથી.

'અંધકાર'માં જ તમે કંઈક પામી શકો, જાતને પામી શકો, એવું જે કહેવાય છે એ અહીં કવિની નિજયાત્રામાં સાબિત થતું ભળાય છે. કંઈક પામવાની, સમજણ મેળવવાની મથામણમાંથી જ કવિતા પણ પ્રગટતી હશેને! હજી 'સમજણ'ને પ્રાપ્ત કરવાની વાર્તા અઘરી છે એનો સહજ સ્વીકાર છે. સાતમી રચનામાં કબીર સાથે સંવાદ રચાય છે. સતસંગના આનંદનું પ્રતીતિજનક વર્ણન કવિ કરે છે. 'રાત્રિ’ ને 'જાગરણના ઉજાસ'માં તિમિરને સમજવાનો પ્રયાસ એમાં ‘જાગરણનું અજવાળું' જ ખપ લાગે એમ છે પણ વિડંબના એ છે કે દિવસ પણ જ્યાં સમજાતો નથી ત્યાં બીજી ક્યાં વાત કરવાની રહે છે? છઠ્ઠી રચનાની આ સંવેદના 'કવિતા' રચવા વિષે સાતમી રચનામાં પછી વાસ્તવની સંમુખ થાય છે ને 'વિનોદ' નિપજાવતાં કવિ કહે છે, પોતે કમૂરતાંમાં કવિતા લખવાનું શરૂ કર્યું હશે તે ખાસ કોઈ કવિ ગણતું નથી. અહીં કવિની જોકે નમ્રતા પ્રગટ થાય છે. વળી આચરકૂચર કલ્પના અને કલ્પન પ્રયોજીને કશુંક કવિતા જેવું રચી ‘કવિતામાં ખપાવી દેવા પરત્વે અહીં કટાક્ષ પણ છે, અંતે તો ‘ધૂમ્રવત્' થઈ જવું એ જ સત્ય છે. કલ્પના-કલ્પન બધુંય બાદ થઈ જાય પછી રહે છે માત્ર શેષ 'ઓગળવું', 'ઊડી જવું'. કબીરમાં, એમની રચનાઓમાં તો ઓતપ્રોત છે જ પણ સનાતની પરંપરા અને અધ્યાત્મનાં ઔઘ જ્યાં વર્ષોથી વહેતાં આવ્યાં છે એ બનારસી તહેઝીબની છાંટની સાથે એનું ગૌરવ પણ આ કાવ્યોમાં પ્રગટ થાય છે. ‘બનારસ ડાયરી' આઠમી રચના, અદ્ભુત! કવિ કલ્પના જાજરમાન. ભાષા ભાવાનુરૂપ ગંગાનાં જળ તો નિષ્કામ વહી રહ્યાં છે પણ કવિ પોતાની કામનાનો ત્યાગ કરી શકતા નથી ને છતાં ઝંખના તો મોક્ષની. તેથી તો ખેવૈયાને બક્ષિસ આપવી જ હોય તો મજધારે જઈ આપવી તો જ 'મોક્ષ' પ્રાપ્તિ થાય. પોતેય બક્ષિસ આપી તો છે પણ ‘નિર્વાણ' પ્રાપ્તિ હજી થઈ નથી. 'મોક્ષ' તો અમૂલ્ય, જેનો સોદો શક્ય નથી. કવિ સૂચકપણે અંતે કહે છે, સામે હવે ક્યાંય નથી ગંગા એ બની ગઈ છે કેવળ બનારસ ઘરાણાની આકાશગંગા. "ગંગા”નું પોતીકું સત્ત્વ, ઓજસ, ગૌરવ જાણે 'બનારસ ઘરાણા'માં સમરસ થઈ એકબીજાના પર્યાય સખા બની ગયા છે! આ આપણો 'અમૂલ્ય' આધ્યાત્મિક વારસો અને એનું ચિંતવન અને આજની સાંપ્રત સ્થિતિને કવિ શબ્દરૂપ આપી વર્તમાન સમયની ગંગાની સ્થિતિ તરફ પણ ગર્ભિત રીતે ઇશારો કરે છે. ધર્મ/વાદથી પર એવો બિનસાંપ્રદાયિકતાનો ભાવ કેવી સાકાર પામે છે નવમી રચનામાં :

આ તરફ કાશીવિશ્વનાથ
ઓ તરફ સારનાથ
ચારે તરફ ફેલાયેલા
નાથસંપ્રદાયના પરિઘની બહાર ઊભો છું
હું અનાથ
અચાનક આવીને મને નાથી લે છે કબીર.

કબીરની સંપ્રદાયથી પર આધ્યાત્મિક યાત્રાનો વ્યાપક પ્રભાવ કવિની ચેતનાએ આબાદ ઝીલ્યો છે અને વળી કબીર પોતાને 'નાથી' લે છે એમાં એક કવિનો અન્ય કવિ માટેનો-પ્રત્યેનો ઋણભાવ પણ પ્રગટ થતો જોવા મળે છે. દસમી રચનામાં હોવાપણાને, રાગદ્વેષ-આસક્તિને સમજવા મથે છે કવિ વણકરજીએ/કબીરે તો

સાંજ ઢળતાં જ બોબિન પર આખ્ખો દહાડો વીંટી લીધો
ને દીવેટે દીવેટે આચમની જેટલાં અજવાળાં ઉગાડ્યાં.

વણકરના દુન્યવી કાર્યને કવિ હરીશ મીનાશ્રુ અદ્ભુત રીતે વ્યક્ત કરે છે. અહીં કબીરનું દુન્યવી-કર્મ અને કવિ-કર્મ કેવાં એકમેકમાં રસાઈને 'કાવ્ય'નું રૂપ પામ્યાં અને એના દુનિયામાં કેવાં અજવાળાં પથરાયાં એની માર્મિક નોંધ છે. વિવિધ રંગોના દોરાધાગાની હાથસાળ પર રચાતી ભાત અને કબીરની આધ્યાત્મિક લીનતાના તાણાવાણાથી રચાયેલી કાવ્યભાતે સમરસતાની સાથે માનવીય મૂલ્યો અને આંતરચેતનાના પ્રાજ્ઞભાવથી જગતને કેટલું બધું જ્ઞાન-સંવિદ્ ધર્યું છે એનો મહિમા કાવ્યની જ કેડીએ ચાલતાં ચાલતાં કવિ હરીશ મીનાશ્રુએ કર્યો છે. અગિયારમી રચનામાં ગીતના લયને પ્રયોજી ભાવજગતને સાકાર કરે છે. રચના-૧૩નું બંધારણ પણ ‘ચદરિયા' જેવું છેને! એટલે અંગત અને બિનઅંગત (સામૂહિક)ના બે તાંતણાને ગૂંથવાની મથામણ કવિ કરે છે. કબીરને છાજે તેવી ‘તીખાશ' ને 'તોછડાઈ’ને કવિ ભાષા સાભિપ્રાય પ્રયોજે છે. કવિ કહે છે. two parallel texts interwoven with each other. એક અંતર્મુખ છે, બીજી બહિર્મુખ એક એકાગ્ર છે કબીરચેતના પર ને અન્ય કાશીની નગરચેતના પર. કવિતામાં બન્ને એકમેકના વિપર્યય રૂપ છે ને સંપૂર્તિ રૂપ પણ. બન્ને ભેગા મળીને કાવ્યનું એક પોત રચે છે.” આ રચનાની કેટલીક પંક્તિઓઃ


... એને કોઈ ભાગીરથી કહે તે પસંદ નથી
કાશીવિશ્વનાથની જટા પર નાછૂટકે પડતું મૂકેલું એની
હજુ સુધી વળી ન હોય કળ
એમ એનાં જળ શોધ્યા કરે છે ખોવાઈ ગયેલું નિજનામ.

*

કબીર વીજળીનો તાંતણો મ્હોમાં મમળાવે છે
ને પરોવે છે પળના છિદ્રમાં

*

તુલસીનું પત્ર, બાજરાનો દાણો ને ગોળની કાંકરી.
પેટપૂજા કરીને પીરના તકિયા જેવા એક પથરાને કબીર અઢેલે છે
ને એ પોચું ગાભલું બની જાય છે.

*

એક ચાદર હવે વણાઈ રહેવા આવી છે. સાવ સાદી સુતરાઉ, સફેદ.
ભાત ભરત વિનાની. ઘરાક આવે છે, મન કરીને મોંઘાં મૂલે વ્હોરે છે ને

*

મરજી મુજબની ભાત ને મરજી મુજબના ડાઘા પાડયા કરે છેઃ
શું થાય? બિચારાને મને છે તે...?

ગંગાની નિજત્વ શોધતી હયાતી, કબીરનું ગંગાસતીથી પેલે પારનું લાધેલું દર્શન, કબીરની આધ્યાત્મિક ચેતનાથી પીગળી જતી કેટલીય જડતા. મનની ચંચળતાનું વાસ્તવિક રૂપ - આ બધું કવિ કેવી અસરકારક રીતે નિરૂપે છે: આ કાવ્ય કવિની દૃષ્ટિએ સ્થળ કવિતામાંથી મર્મસ્થળકવિતા રૂપે ઉત્ક્રાંત થાય છે. ઉર્દૂમાં એક ગૂઢ શબ્દ છે: 'લા-મકાં’ ‘બનારસ ડાયરી' પણ એ પ્રાચીન નગરીનાં બત્રીસે લક્ષણોના આલંબને એ મુકામની પેલે પારની, સ્થલાતીતની - લા-મકાંની વાત પણ કરવા ચાહે છે. કબીરની પાત્રગત હાજરી ને હરફર એ નગરીના બત્રીસલક્ષણા લેખે અત્યંત સહજ અને સ્વાભાવિક છે. ભાષાના ચેતાતંતુઓ દ્વારા અગમ્ય ચૈતસિકને અને ચિન્મયને પામવાની મથામણ રૂપે એ કાવ્યશ્રેણી જોવી રહી 'ક' કવિતાનો, કે કબીરનો કવિની કલમ નિજ કવિતા – ચેતના અને કબીરચેતના ભંનેનો સમાસ કરવા કટિબદ્ધ બને છે. 'કબીર'નું સાધુત્વ-સર્જકત્વ કવિને માત્ર પ્રભાવિત નથી કરી ગયું પણ પોતાની ચેતનાને કવિ કબીરની ચેતના સાથે જોડી 'કવિતા'નો 'આધ્યાત્મિકતા'નો એક અનુબંધ રચવા મથે છે. કબીરની વાણી, કબીરનો સંદેશ, કબીરનું તત્ત્વચિંતન અને સૌથી વધુ તો સંસાર પ્રત્યેની કબીરની ફકીરી, ઈન્સાન તરીકેનો કરુણાભાવ અને કબીરની એક આધ્યાત્મિક 'ઓરા'ના લવબદ્ધ પ્રદેશમાં કવિ સહજતાથી જ્યારે પ્રવેશે છે ત્યારે કવિની પોતાની પણ એક થોડા' મૂઠી ઊંચેરા' થવાની શરતે પ્રવેશે છે. કવિ પોતે કબીરના સર્જનના ઉત્તમ ભાવક પણ રહ્યા છે તે કવિના સર્જનમાં 'ભળાય’ છે. બે સમય, બે ભાષા, બે પ્રદેશ, બે કવિ. બે કાળખંડનું સમરસપણું-એકત્વ અહીં ગુજરાતી ભાષામાં એકદમ રસાત્મક શૈલીમાં—વાણીમાં આપણને જડે તે ભાવક તરીકેની આપણાંય સદ્નસીબ! કવિની 'માટી' કોરી નથી, ભીની છે - લથબથ છે. એમાં કાવ્યબીજ વવાય ને પાંગરી ઊઠે છે. એ લીલીછમ કાવ્યવેલને કવિએ અધ્યાત્મના અમીરસથી સીંચીને ઉછેરી છે! કબીરે કહ્યું છે, “ઝરા સી ગરદન ઝુકા, ઔર દેખ લે.” આ નમ્રતાનો ગુણ, અહમ્નો ત્યાગ ને માયાને વિખેરી પછી કંઈક પામવા મથતા જીવનો આ એક આધ્યાત્મિક પ્રવાસ 'યાત્રા' બની જાય છે અહીં કવિતારૂપે! સરળ-સહજ પણ પઠનથી મંજુલ ભાસે એવી પદાવલિ અને તાજગીસભર રમ્ય શબ્દાવલિથી મઢિત આ કવિતા ગુજરાતી પદ્યમાં આ સમયમાં તદ્દન નોખી ને જુદી તરી આવે છે. હરીશ મીનાશ્રુની એક કવિ તરીકેની ઊંડી નિસબતથી આ કાવ્યફાલ મ્હોરી ઊઠયો છે નામે બનારસ ડાયરી. ડાયરી તો નોંધ માટે હોય - ડાયરીમાં નોંધ ટપકાવાય, રોજનીશીય લખાય અને કવિતા પણ. કવિતા જ્યારે રોજેરોજે, શ્વાસેશ્વાસે કવિમાં, કવિના લોહીમાં વહેતી હોય એવે ટાણે એ ડાયરી ‘બનારસ ડાયરી' કાવ્યસંગ્રહનું રૂપ ધારણ કરે. અધ્યાત્મનગરી બનારસના સાંસ્કૃતિક વારસા અને માહાત્મ્યની ગંગાની પવિત્રતાનો ઓજસપૂર્ણ આવિષ્કાર, મોક્ષ મુક્તિનું ભારતીય સત્ત્વ, કબીરની શાન્ત વાણી, આ સર્વથી ઓપતી, સર્વનું નિજ ચેતનામાં રૂપાંતરણ કરતી આ રચનાઓ અદ્ભુત છે! ‘ચન્દ્ર વિષે ચાટૂક્તિઓ' અંતર્ગત ૧૫ રચનાઓ છે. અહીં ચન્દ્ર કેન્દ્રમાં છે ને અન્ય કિરદારો પણ એમાં વર્ણવાયા છે. આ રચનાઓ વાંચતાં પ્રશિષ્ટતાનો અનુભવ થાય છે. ચન્દ્રનો પરંપરાગત અર્થ, લોકઅનુભવ, લોકમાન્યતા વગેરેનો પણ અહીં સહજ વિનિયોગ છે. કવિ કહે છે તેમ કોઈ રચના ‘નર્મ-મુદ્રા' તો કોઈ ‘મર્મ-મુદ્રા’ તો કોઈ 'ઊર્મિકાવ્ય' જેવી છે. અહીં ચંદ્રની સાથે સાથે શિશુ, ભૂખ્યાં બાળ ચિત્રકર કવિ, આધેડ પુરુષ, સેલ્સમેન, વ્યથિત પુરુષ, ખીલવાળી કન્યા, વ્યાકુળ નાયિકા વગેરે પાત્રો દ્વારા કવિ પોતાની 'ચાટૂક્તિઓ' પેશ કરે છે. કવિનો અને ચન્દ્રનો વિસંવાદ' પણ અંતે ગૂંથાયેલો છે. પ્રથમ રચનામાં શિશુનું પ્રશિષ્ટ વર્ણન, બીજી રચનામાં ભૂખ્યાં બાળકોનું કરુણ વર્ણન, ત્રીજી રચનામાં સાંપ્રત કવિમાનસ પર તીખો કટાક્ષ વેધકતાથી નિરૂપાયો છે. ચોથી રચનામાં 'સુખિયા' આધેડ પુરુષનું સુખ કંઈક આ રીતે બયાં થાય છે.

ભલે
ઢળી ગઈ હોય
આ હીંચકાની ઉંમર
પણ હજી એવી ને એવી છે એની હીંચ

પાંચમી રચનામાં 'અસંખ્ય પિક્સેલવાળા ચન્દ્રનો' કોલાજ રચવા મથતા ચિત્રકારનું નિરૂપણ છે. છઠ્ઠીમાં વેપારવણજ કરનાર રઝળુ વેપારીનું ચિત્ર મળે છે. ખીલવાળી કન્યા, વિષયાક્ત પુરુષ, પ્રણયભંગ પ્રેમીનાં ચિત્રો પણ આ રચનાઓમાં મળે છે. શ્રેણી, કાવ્યશ્રેણી કરવા પાછળ કવિનો હેતુ એ કે જુદા જુદા દૃષ્ટિકોણથી કેન્દ્રીભૂત વિષયને પામવો, ઉકેલવો.. ચન્દ્ર વિષેની આ રચનાઓ પરંપરામાં ચન્દ્ર વિષયક રચાયેલી રચનાઓથી સ્વાભાવિક રીતે નોખી છે. આધુનિક સમયમાં ચન્દ્રનું કવિચિત્તમાં જે ભાવરસાયણ જાગે છે તે રોમેન્ટિસિઝમથી પર છે છતાંય ભાવકને રસાનુભવ આપનારું છે. ‘કવિતા વિષે ચાટૂક્તિઓ' અંતર્ગત બાર રચનાઓ. પ્રથમ ચાટૂક્તિઃ

કરુણાભર્યા
હાડકાના દાગતરની જેમ
કવિતા સર્જરી કરે છે.
ને કાળજીપૂર્વક
બદલે છે દુખિયારી કીડીના ઘૂંટણના સાંધા

કવિ હરીશ મીનાશ્રુ 'કવિતા' વિષે ગંભીર છે. ગંભીરતાપૂર્વક વિચારે પણ છે. કવિતાનું મૂલ્ય શું? ‘કવિતા'ની પરિણતિ શેમાં? બળવાન કલ્પન દ્વારા કવિ કવિતાના વજૂદને, કવિતાના કર્મને અહીં પ્રસ્તુત કરે છે. દુખિયા શબ્દ ઘણું સૂચવી જાય છે. કવિતા કલા જીવનની સંઘર્ષકેડીમાં સુકૂન આપે છે. માનવીના દુખનું કેથાર્સિસ કરે છે આ કવિતા. અન્ય રચનામાં કવિ કવિતાના 'સાત્ત્વિક’ મૂલ્યને ખોલી આપે છે. કવિતાનું કામ તો સૃષ્ટિના 'સત્ય'ને ઉજાગર કરવાનું છે ને તો જ એ ટકે પણ છે. ત્રીજી રચનામાં કવિ કવિતાની ભૂમિકા, કવિતાની હેતુ અને એના કર્મને વધુ સ્પષ્ટ કરે છે. કવિતાનું કામ 'આશ્વાસન' ધરવાનુંય છે! હૃદયના ઊંડાણ અને લોહીના લયનો ઝબકાર જેમાં હોય એ જ ‘કવિતા,’ એ જ ટકે, પાંચમી રચનાઃ

કવિતા
ખરેખર તો હોય છે
ક્ષુધા
જઠરમાં તાપણું કરી ટાઢ ઉડાડતી
ને તરસ
ઝરડાંઝાંખરા ને કંથારાં ઉગાડતી કંઠમાં
પણ
દૂરથી એ
એવી રીતે ચળકે છે
જાણે ઘઉંનો દાણો, શિયાળું તડકામાં
જાણે જળનું ટીપું, મરુ થળના વટેમારગુની
કેડ બાંધી ભંભલીમાં
એની સરખામણીએ તો મૃગજળ વધારે ભલાં હોય છે.

આ 'કવિતા' કેવી આકરી કસોટી કરે છે, કેવી આકરી તાવણીમાંથી પસાર કરે છે ને છતાં હાથ આવે ને સરી જાય છે, એની વેધક રજૂઆત છે. કવિતા જડમાં ચેતન સંચિત કરી શકે અને જીવતાને વધુ જિવાડે. પૌરાણિક કથામાં રાજાને બત્રીસ પૂતળીઓનાં દૃષ્ટાંતો ટાંકીને કવિ કવિતાના મર્મને વેધકતાથી ખોલી આપે છે. કવિતાની 'સ્વયં'ની રચના પ્રક્રિયા અને ફળશ્રુતિ તો એ અને એમાં કે તરસ્યા લોકને કવિતા પાણીના ટીપામાં છેદ કરી અંદર ‘મીઠો ગરભ' ને 'પવન' ઠાંસી ઠાંસીને ભર્યા હોય એવા કિફાયતી પરપોટા વેચે. કવિતા 'શાંતિદૂત' બની શકે, બનવું જોઈએ. શાશ્વત-સનાતન છે સારી કવિતા ને એનો 'નાશ' શક્ય નથી. કવિતાની કુમાશ, સચ્ચાઈ ને ખુમારીને દર્શાવતી કવિ કહે છેઃ

છેવટે જ્યારે જપ્ત કરવામાં આવે છે
કતલનું હથિયાર
ત્યારે એ હોય છે
એકાદ પલાશનું ફૂલ, લોહીના લયથી ખરડાયેલું.

- માટે તો જીવનના ‘ધબકાર'માંથી ‘પીડા'ના 'પુષ્પ'માંથી રચાય છે કવિતા. મ્હોરે છે કવિતા. કવિતા તો હંફાવેય છે અને કવિને કાળઝાળ સત્યની/વાસ્તવની સન્મુખ ઊભો પણ કરે છે. સુંવાળાપણું કવિતાના પ્રદેશમાં વજર્ય છે. કઠોર-વરવી વાસ્તવિકતાનેય 'કલા'માં રૂપાંતરિત કરતું સત્ય છે 'કવિતા' કવિ જણાવે છે. ઝીણવટથી જોશો તો જણાશે કે

સાઇકલને પમ્પ મારતાં એ માણસ જે રીતે
હાંફી જાય છે, દરરોજ
એ જ રીતે અત્યારે આ કવિતા હાંફી રહી છે.
અને,
છે તો કેવળ માટી

- ને એનો વર્ણ પણ ‘માટી’ જેવો છે! માટીના ઉપમાન દ્વારા કવિ ઘણું સૂચવે છે. કવિતા પણ તમને તમારામાં 'રોપી' આપે છે, તમને ‘ઉગાડે' છે. તમારો ચેતોવિસ્તાર કરે છે. કવિતાનું સર્જન અને ભાવન બંને કપરાં ચઢાણ સમાન છે, ધૈર્યની સાથે સંયમ પણ જરૂરી છે, તો 'કાવ્યયાત્રા'નાં સુફળ મળે જ મળે, બંને પક્ષે. આવી કવિતા અંતે તો 'શાંતિનું વહન કરે છે. અલૌકિક આનંદ ધરે છે. ‘માણસો: અતડા-મળતાવડા', અતડા માણસો અને મળતાવડા માણસો કેવા હોય એનાં લક્ષણો રસપ્રદ રીતે કવિ વર્ણવે છે. કવિનું ઓબ્ઝર્વેશન અને માણસમાત્રમાં જીવંત રસ કેવા ધારદાર ને ઊંડાં છે એનાં પ્રમાણો અહીં મળ્યાં છે. વર્ણનો દ્વારા. ઉપમાઓ દ્વારા કવિ બંને પ્રકારના માણસોનાં જાણે સાક્ષાત ચિત્રો સર્જે છે. વળી બંને પ્રકારના માણસો કેવા હોય એ વર્ણવવા કવિ જે ઉદાહરણો આપે છે તે અત્યંત પ્રતીતિજનક છે.

બારી સાથે ભીંત જેવો અજુગતો વ્યવહાર કરે છે.
પીઠ દેખાતી હોવા છતાં
એમને ધબ્બો મારી શકાતો નથી.
આવા અતડા માણસોનો દેખાવ ને વ્યવહાર ન સમજાય અને ન ઊકલે એવો હોય છે. વળી એ તો પાલી ભાષામાં કોતરાયેલા શિલાલેખ જેવો દેખાવ ધરાવતા હોય છે.
‘અતડા માણસો’માંથી આ પંક્તિઓ જ મૂકું:
દૂરનાં સગાંઓને એ ટિકિટ ચેકરને જોતા હોય એમ જોઈ રહે છે
ને પેન્સિલને અણી કાઢતી વખતે
એમનાથી અણીના સમયે અણી બટકી જાય છે. હરહંમેશ
ને બચી જાય છે પેન્સિલનું બુઠ્ઠું અતડાપણું.

મળતાવડા માણસો સ્વભાવે રસિક હોય છે. પ્રકૃતિ, ભાષા, સમાચાર બધા પ્રત્યે જીવંત રસ, જીવનમાત્રમાં ઊંડો રસ અને સમભાવ ધરાવતા આવા માણસો પ્રત્યેક વસ્તુમાં ઓતપ્રોત થવા તત્પર હોય છે. મળતાવડા માણસો જે ફૂલોનેય નામ દઈને બોલાવે ને પાંદડીઓને ખીજવેય ખરા, કરુણ સમાચાર વાંચી દુખી થઈ જાય છે ને ભળી જાય છે ‘વ્યંજનમાં લવણની જેમ' તો ક્યારેક વ્યંજનમાં સ્વરની જેમ’માં કવિએ કેવી નોખી ઉપમા પ્રયોજી છે: આવા માણસો સંઘર્ષ કરી જાણે છે. ભાષાને એના અર્થોને નાણી જાણે છે. ને આકરી મહેનતેય કરી જાણે છે. સંગ્રહની આ રચના અદ્ભુત છે. કવિ બંને પ્રકારના માણસોનાં જે લક્ષણો વર્ણવે છે એ અત્યંત સ્વીકાર્ય લાગે છે અને ભાવક પક્ષે અચરજ-આનંદની સાથે એવું Feel થયા વગર રહેતું નથી કે હા, સાચે જ. સાચે જ આવા માણસો આવા જ હોય છે! ‘પેઢીનામું' (ગૃહસ્થસંહિતા-શેષ-૧) આત્મનેપદી રચના છે. કાવ્યનો ઉપાડ ‘મારા' શબ્દથી થાય છે જેમાં સ્વજનો સાથેની કવિની આત્મીયતાનો ભાવ છલકે છે. પોતાના પિતા અને પુત્ર, ત્રણ પેઢી વચ્ચેનો નાતો સુંદર રીતે કવિ જોડે છે. ભૂતકાળમાં બાપુજીના પગની રસોળી અને એની પીડાનું સ્મરણ પોતાને તો છે જ પણ કવિના દીકરાએ પણ કવિમાં એક 'રસોળી' શોધી કાઢી છે તે 'કવિતા' લખવાની ને એને પંપાળ્યા કરવાની કવિ રસપ્રદ વર્ણન કરે છે કે બચપણમાં પોતે એક લખોટી ગળી ગયેલા તે એ ‘ધારણા'માં આવીને બેસી ગઈ છે. પુત્ર પૂછે છે ‘એ દુખે ખરી?’ કવિ કહે છે 'ના' કારણ 'હું તો કવિતા લખું છું ને, મને ખબર નથી, કદાચ છેને દુખતી હોય ક્યારેક ક્યારેક તો અથવા હરહંમેશ... ને કવિ 'કવિ' હોવાની પોતાની પ્રતિષ્ઠા કરતાં કહે છે. આ અમારી વંશાવળીની જિનેટિક સમસ્યા છે. લખોટી જેવડી પીડા અને એની આળપંપાળ.... ‘પીડા’ અને એ પીડાને ઉછેરી જીવતી કરવી કવિતા રૂપે, એનું કવિતામાં રૂપાંતરણ કરવું! વળી કહે છે કવિ કે બાપુજીના ધોતિયાની ચીપી ચીપીને સરસ વળાયેલી પાટલીને જોઈ જોઈને પોતે ‘કાફિયા’ મેળવતાં શીખી ગયેલા. શરીરમાંની રસોળી અને કવિચિત્તમાં ધારણામાં આવીને બેઠેલી રસોળી, રસોળી રૂપી પીડા અને એને સર્જનપ્રક્રિયા સાથે જોડીને કવિ 'કવિતા'નો સ-રસ ઘાટ રચે છે. કવિનો ‘ધારણા' સાથેનો અનુબંધ અને પીડા જે કવિતા રચવા પ્રવૃત્ત કરે છે એનું માર્મિક નિરૂપણ અહીં છે. ‘પુત્રવધૂને’(ગૃહસ્થસંહિતા શેષ-૨), ભાગ્યે જ ગુજરાતી કવિતામાં-ભાષામાં જોવા મળતી પુત્રવધૂ માટે લાગણીભીની શ્વશુર સ્નેહની અભિવ્યક્તિ. શ્વશુર નહીં પણ પુત્રવધૂ માટે દીકરી હોય એવી પિતાની લાગણીનો ધોધ. એના આગમન પછી ઘરના વાતાવરણમાં આવેલા આનંદની, જીવંતતાની કવિ નોંધ લે છે. પુત્રવધૂની દૈનિક ક્રિયાઓ, ઘરમાં - રસોડામાં એનું સતત કાર્યરત હોવું, જીવંત રીતે કાર્યશીલ રહેવું અને એનાં વર્ણનો મૂર્ત દૃશ્યો ખડાં કરે છેઃ

રત્નાકરની સ્મૃતિને સૂકવીને
લવણની અમસ્થી ચપટીમાં રૂપાંતર કરી મૂકતી
તર્જની અને અંગૂઠાની અટપટી જુગલબંદી
ખેલંદાની જેમ
રસોઈઘરમાં ઘૂમતા તારા રસિક હાથ
રાસનો ચોક અને રસોઈઘરનો ચોકો
હવે ઉભય તદાકાર.
પુત્રવધૂના હાથે બનતી રસોઈ-રસમય ને સ્વાદિષ્ટ, તેથી કવિ વર્ણન કરે છે,
મને કહેવા દે
તારા થકી
નવી જ વ્યંજના પ્રાપ્ત થઈ છે.
મારા કુળની ક્ષુધાને.
અહીં પ્રથમ ખંડ પૂરો થાય છે જે બીજા ખંડના અંત સાથે અનુસંધાન રચી એક અદ્ભુત કાવ્યવર્તુળ રચે છે.
મને કહેવા દે;
તારા થકી
નવી જ વ્યંજના પ્રાપ્ત થઈ છે
મારા કુળની તૃપ્તિને

આમ કુળમાં, વંશવેલો આગળ વધવાની એંધાણીઓને અને બાળકના જન્મ પછી ઘરના વાતાવરણમાં ઉમેરાયેલા નવા 'ધબકાર' અને 'રંગ'ને કવિ અહીં શબ્દબદ્ધ કરે છે. આ આનંદ પરમ આનંદથી સ્હેજ પણ ઓછો નથી કવિને મન! ‘ક્ષુધા' અને 'તૃપ્તિ'ને પ્રાપ્ત થયેલી આ નવી વ્યંજનાની 'ભાળ' કવિને થાય છે એનો રોચક અનુભવ ભાવક પક્ષે પણ અનુભવાય છે. સંબંધો, ઘર-સંસાર, સંસારની માયા, સંબંધોનું ગૌરવ આ બધાં સંવેદનો- કવિહૃદયની સંવેદનાની સચ્ચાઈમાંથી પ્રગટ થયાં હોઈ એ સહજ સ્વીકાર્ય લાગે છે. આ બન્ને રચનાઓ 'પંખીપંદારથ' કાવ્યસંગ્રહના 'ગૃહસ્થસંહિતા’ કાવ્યગુચ્છની પૂર્તિરૂપ રચનાઓ છે. કવિ આ રચનાઓને એવી સુંદર રૂપે ધરી ચૂક્યા છે કે એના અલગ લેખો પણ કરી શકાય. 'ઊડવા વિષે'. રચના. કવિતા 'દેખંદા-પરખંદા'ના હાથની જણસ છે. ‘ઊડવું’ -ઉડાન દેખાય છે કવિને એ એમની સૂક્ષ્મનિરીક્ષણ દૃષ્ટિ અને પર્યાવરણપ્રિયતા તાદાત્મ્ય સૂચવે છે. શું ઊડતું ‘દેખાય' છે કવિને એની રસપ્રદ યાદી છે. કવિ ખપ પડ્યે સજીવારોપણ અલંકારનો વિનિયોગ કરે છે. આ ‘ઊડે' છે તે કોણ છે એનું સહજ કુતૂહલ-જિજ્ઞાસા છે. ઉડાન છે ગોફણના ‘પાંખાળા’ પથ્થરની, ચાડિયાએ ભરી સભામાં ઉડાડી મૂકેલા પ્રસ્તાવની, રાગ આશાવરીમાં ભૂલા પડેલા ચંડૂળની, પંગુ પુષ્પોના ઊડતા નિઃશ્વાસની, લોકગીતમાં ટોડલે બેઠેલા મોરની ઉડાન.... માયામલકના ઊડતા પોપટ, મેના, ડોડા ફાટતાં જ ઊડવા માંડતાં 'બીજ' નક્ષત્રો. નિહારિકાઓ, ચંદ્ર, નદી, ઈશ્વરોની અફવા, ઊડતો પૂર્વગ્રહ... ને, હજીય ઉડ્યા કરે છે કોઈ મધ્યકાલીન કવિનો ચકચૂર પ્યાલો, કંઠોપકંઠ ઊડવાની કુંઠાથી બળે છે અફીણના બંધાણીના દુર્બોધ ડોળા ઊડવાની ઉત્કંઠાથી ધૂપિયામાં જળે છે ગૂગળ ને ગૂગલના લીલાવિગ્રહમાં નવરાધૂપ નૂરેચશ્મના ઉડનખટોલા... અહીં અંતે તો 'ઉડાન' મહત્ત્વની છે કે કંઈક ‘ભાળી’ જાય છે એવા દેબંદા- પરખંદા જ ‘ઉડાન’ ભરી શકે છે... કવિતાકલાનો અત્યંત ઉચ્ચ સ્તર અહીં સિદ્ધ થાય છે. ગુજરાતી કવિતા પણ એક નવીન 'ઉડાન' આદરે છે કવિ હરીશ મીનાશ્રુનાં આ કાવ્યો નિમિત્તે. કવિ સ્થૂળ, સૂક્ષ્મ પદાર્થોના ઉડ્ડયનને ગતિને, રહસ્યને, સૌંદર્યને વર્ણવી અંતે પ્રેમ વિષે વાત કરે છે. પ્રેમનું ઉડ્ડયન વર્ણવતાં કવિ કહે છેઃ ને પ્રેમ?- એ ઊડું ઊડું કરે છે ઉડાડે છે ને ઊડી જાય છે... * જાગૃતિ પર સ્વપ્નના ઓઘરાળા મૂકીને/અજવાળું અને અરીસા જટિલ બનવા માંડે છે. મનુષ્યની જુદી જુદી અવસ્થાઓમાં મનુષ્યની ચેતના કેવી કેવી માર્મિક ક્ષણોમાંથી પસાર થાય છે અને કંઈક એકેલવા મથે છે એનો વેધક ચિતાર કવિ આપે છે. 'ઊઘડવા વિશે', રચનામાં કશુંક ઉથાડવાના લાખ પ્રયત્ન છતાંય ઊઘડતું નથી ને જે ઉઘાડું જ રહે છે તે તો ઠીક જાણે પણ 'આંસુ' ઊજીને જે ઉઘાડવું પડે ને જે 'કશુંક' ઊઘડતું જ નથીની સામે છેડે જે વાખેલું જ ન હોય છતાં એને ઉઘાડવાની નોબત આવે એવી આ માનવ નિયતિને કવિ કેવી રસપ્રદ રીતે નિરૂપે છે!: જે વસ્તુ વાખેલી નથી એને ઉઘાડવાની નોબત આવે છે. ક્યારેક, દાખલા તરીકે : ચીતરેલું તાળું.... જે જાતને સ્વયંને ‘ઉથાડા' પાડી દે એને ઉઘાડવાની હિંમત નથી હોતી એ કઠોર કડવી વાસ્તવિકતા છે. જે સ્વયં ઊઘડે છે તે વિષે કહે છેઃ દશે દિશામાં ઊઘડી જાય છે તે કંઠ હોય છે અથવા સૂર્ય અથવા ચન્દ્ર અથવા ફૂલ અથવા પ્રેમ અથવા વિરહ... જે સૌને પોતાના પ્રકાશથી, વાણીથી, હૂંફ અને સુગંધથી અને સાથે પીડાથી પણ રસિત કરી દે છે એવાં તત્ત્વોના સ્વયંપ્રકાશનો કવિ અહીં મહિમા કરે છે. વળી ઈંડું અને ઇચ્છા એ બે એવાં કે જે કેવળ ને કેવળ બહારની તરફ ઊઘડે છે તેની રજૂઆત કવિ માર્મિકતાથી કરે છેઃ ઈડું અને ઇચ્છા ઊઘડે છે કેવળ બહારની તરફ એ ઘડે છે સ્વયંને, ઊઘડે છે અને ઉપાડનારને હિસ્સેદાર બનાવી મૂકે છે. પડળ પિંડ અને પીડાનું. સૃષ્ટિસંચારની આ સમસ્ત પ્રક્રિયાનો મર્મ પણ અહીં કેવો ઉઘાડ પામ્યો છે. જિજ્ઞાસા અને કુતૂહલ જેનાં જીવંત છે, સમસ્ત સૃષ્ટિ સાથે જેનો પળેપળનો જીવન અનુબંધ છે ને જેના ચિત્તમાં પીડાની જ્યોત સતત ઝળહળતી રહે છે એ ‘આત્મા’નો જ આવો બળૂકો અવાજ 'કવિતા' બની પ્રગટે બલકે એવો અવાજ જ 'કવિતા’ રૂપે ઉઘાડ પામે છે એનાં પ્રમાણો હરીશ મીનાશ્રુની આ જ નહીં ઘણીખરી રચનાઓમાં મળે છે. કવિ કહે છે. “ઊડવા વિષે કે ઊઘડવા વિષે- જેવી કવિતાઓમાં કાવ્યવસ્તુ બનવા ધારતા જે તે શબ્દ – ‘ઊડવું' કે 'ઊઘડવું'-ની ક્રિયાપદગત અભિધા જ ચાલકબળ બની રહે છે, ઊડવું કે ઊઘડવું - માંથી જ નવા નવા અર્થતંતુ વિકસતા રહે છે ને અભિવ્યક્તિના બળે ઊડીને કે ઊઘડીને કલ્પનનું ચરિત્ર ધારણ કરે છે." ‘વાંધાઅરજી' રચના ખૂબ રસપ્રદ છે. અરજી અનેક પ્રકારની હોય પણ આ છે 'વાંધા અરજી’ છે તો ગદ્યકૃતિ છતાં એની લયબદ્ધતા એનું સબળ પાસું છે 'વાંધો' જેવા સામાન્ય જેસ્ચર સંદર્ભે આ રચના ઘણું કહી જાય છે. કેટલાકને કીડી તો કેટલાકને કીડીનાં ચરણ ને એમ લંબાતી જતી વાંધાજનક ક્રિયાઓની યાદી... ને એમ કેટલાકને કીડી ઉપર કટક સમાન આ 'કવિતાની' સામે વાંધો કીડીની જેમ ચટકા ભરતી કવિતા સામે વાંધો... કવિતાનું રણઝણવું અને ઝાંઝરમાં ફેરવાઈ જતી કવિતાની સામે વાંધો... રસપ્રદ વધુ તો એ કે, 'કેટલાકને એમની જાણ બહાર કીડી, ઝાંઝર, ચટકો, ઈશ્વર ને કવિતા એકાકાર થઈ રહ્યાં છે એની સામે વાંધો છે. આ 'વાંધાઅરજી’માં કવિ જુદા જુદા પ્રકારના વાંધાની રજૂઆત તો કરે છે પણ અંતે કહે છે. આ તમામ વાંધાઓ સામે કીડીને કે ઈશ્વરને કોઈ જ વાંધો નથી. ઈશ્વર કૈં સુનાવણી કરતો નથી, એ કેવળ સાંભળે છે. આમ સાદું લાગતું ઈશ્વર વિશેનું આ વિધાન ઘણું સૂચક છે! પણ, 'કીડી'ને પણ 'અંગત ઈશ્વર' છે પછી ભલે એની સામે કેટલાકને વાંધો હોય! આ 'વાંધાઅરજી'ની કવિએ પોતે જ કહ્યું તેમ કોઈ ‘સુનાવણી' કરનાર નથી. ‘કીડી'નું ‘કીડી'પણું અહીં સિદ્ધ કરી શક્યા છે તે એની નિજતા દ્વારા ને એના પોતાના 'અંગત ઈશ્વર'ના ઉલ્લેખ દ્વારા. Fresh લાગે એવો આ કલા-કસબ કેવી નોખી નોખી ભાત લઈને આંખ અને પછી હૃદયને પછી સમસ્ત ચેતનાને તરબતર કરે છે! ‘ફોબિયા', રચનામાં ભીડનું અને ભીડની ‘પીડ'નું વર્ણન છે. ટ્રેનની ભીડ- સમગ્ર ભીડનું નિરૂપણ ધીમે ધીમે જુદા જુદા પ્રવાસીઓ પર ફોકસ કરતું જઈ જે તે મુસાફરની વ્યક્તિગત ઓળખ, એની identityને ચિત્રિત કરે છે, ટ્રેન અંતે તો પ્રતીક બની જાય છે. અહીં પીડા છે, કટાક્ષ પણ છે! ‘ક્યાંય ન જઈ રહેલી આ સહસ્ત્રભુજાળી ટ્રેનમાં’ લોકો ક્યાં જતા હશે? એવું વિસ્મય કવિને છે. કવિ ફૂટનોટમાં આ ‘તત્કાલ બુકિંગ વિન્ડો પર એક ગુજરાત, દુ:સ્વપ્ન' જેવા પેટા શીર્ષક વિષે લખે છે: "Siderodromophobia, ochophobia અને osmophobia જેવી અટપટી તબીબી સંજ્ઞા ધરાવતી, અનુક્રમે ટ્રેનની મુસાફરી, ટોળાં અને ગંધની અજ્ઞાત ભયગ્રંથિની કવિતા, ગુજરાતી જણ માટે”. જીવન પણ આ સમયમાં એક દુઃસ્વપ્ન જ છેને!? કાવ્ય ભાષાગત રીતે ઘણું વિશિષ્ટ બન્યું છે. જેમ કે, ‘ઠાંસોઠાંસ, ભડોભડ ભરડો લેતી આ ભીડ, બારેમાસ' કે 'બેગબિસ્તરાબક્સાપાઉચપડીકાં ને પોટલાં’ જેવી પંક્તિઓ તો ‘ભૂંગળામણ જેવા શબ્દપ્રયોગો જોતાં કવિની શબ્દપ્રયોગસૂઝ, સાંપ્રત સમયને ઉપસાવવા યોગ્ય શબ્દપ્રયોગથી રચાતી આવતી ભાત, કાવ્યપ્રવાહને લયબદ્ધ રાખી વાકૃપ્રવાહને જીવંત રાખતું ભાષાનું વિશિષ્ટ રૂપ કવિ મનહર મોદીનું સ્મરણ કરાવે છે. અને કટાક્ષ/ વેધક કટાક્ષ પ્રશ્નથી રજૂ થાય છે જે રાજેન્દ્ર શુક્લની ‘સ્વવાચક શોધ' રચનાનું સ્મરણ કરાવે છેઃ ...પણ જ્યાં પહોંચવાનું છે તે સ્થળની જોગવાઈ જ ક્યાં છે રેલવે બજેટમાં?


એતદ્ ઓક્ટો-ડિસે. ૨૦૧૭, પૃ.૪૯થી ૬૩