નારીસંપદા : ટૂંકી વાર્તા/અરુણોદય

અરુણોદય

પ્રિયંકા જોષી

“રામી, ઝટ કર્ય ની. આવ્યાં જમાદાર લખાવવા આપવો સે. માર ઈને કે'વું હું?" "આવું સું મારી બેન, બે-તેણ કલાક હાસવી લે બાપ." તેણે ફોન કબજામાં સેરવી દીધો. માંડ માંડ ટેમ્પોમાં ચડી. સામસામે ત્રણ-ત્રણની સીટ પર ચાર-ચાર જણ બેઠાં હતાં. જેમતેમ વચ્ચે જગ્યા કરીને એ નીચે બેસી ગઈ. બેસતાં જ દિવસોનો થાક અને ઉજાગરો તેની પાંપણ પર ઢળી પડયા. ઊંચે દેખાતી બારીમાંથી સાંજનું અજવાળું વાટ સંકોરતું હતું. તેની બંને બાજુ આઠ-આઠ પગની કિલ્લેબંધીમાં જાણે એ કોકડું વળેલું બટકણી ઢાલવાળું જીવડું બની ગઈ. માંસખાઉં મોં જેવી બદબૂ છોડતા, ગંધાતા; પાતળા, મધ્યમ, જાડા પગ પર પીળચટ્ટા, કાબરચીતરા આકાર દેખાતા થયા; કાળાં ભીંગડાં ઊપસી આવ્યાં. સરકતી ચીકણી શેવાળ જેવી ઠંડી જીભના લપકારા તેના પગ, કમર, સાથળ પર.. તે નિઃસહાય બનીને વધુ ને વધુ સંકોચાવા લાગી. અચાનક ફોન રણક્યો. તેની આંખો જાગી; શરીર સફાળું સાબદું થયું; કિલ્લેબંધી પાછળ હટી ગઈ. “રામલી, તું કયે આવીસ? આ જમાદાર બચાડી ડચકાં લેતી સોકરીનું લોઈ પી ગ્યો સે. દાક્તર સાયબનું'ય હાંભળતો નથ. સોડીને કોઈ હખે મરવા'ય નથ દેતું.” નજર સામે કાજલ ભર્યું ભર્યું હસી અને પછી મોં ફેરવી ગઈ. તેણે આંખોને ચસોચસ ભીડી દીધી. બારીમાંથી માતાજીની દેરીની નાની લાલ ધજા પસાર થઈ. ઊતરતી વેળા કાયમની થેલી લેવા હાથ લંબાયો. ‘ખાલી'ને અડકતાં હાથ ભોંઠો પડયો. એ નીચે ઊતરી. પોશ પોશ પડેલા વરસાદથી માટી ગારો થઈ ગઈ હતી. રસ્તો ભૂંસાઈ ગયો હતો. કાદવવાળા ઘાસમાં ખોવાઈ ગયેલો રસ્તો ફંફોસતી રામી ઘડીક સાડીની કોર પકડતી તો થડીક છાતી પરનો છેડો સરખો કરતી. ઓછા અજવાળામાં એ વિના થોભ્યે ડગલાં માંડતી હતી. અધરસ્તે શેઢાની કોરે ઝાંખરાની આડશેથી તેને એક ઓળો ઊંચકાતો દેખાયો ને વળી બેસી ગયો. હથેળીમાં આવી ગયેલા કાળજાને સંભાળતી રામી ભમણી ઝડપે રસ્તે પડી. બીજી ઘડીએ ઓળાને હાથ ઊગી આવ્યા હોય તેમ એને પૂંઠેથી ધક્કો માર્યાં. સાડીનો છેડો પડી ગયો. ઓળાને દાંત ફૂટી આવ્યા. વળી, તગતગ્યા, ખડખડયા અને પાછા અંધારામાં ભળી ગયા.

"ટેસને કોઈ આદમી માણા મેકલી નો દઈ ધનીમાસી? ઠેઠ પાટિયેથી એકલી હાલતી આવું સું.", માંડ શ્વાસ મેળવતાં તેણે પરસેવો લૂછ્યો.

"તન ડોહીને કોણ હવ વતાવતું'તું! ને અટાણે દી આયથમે કોણ નવરું હોય? વાળું-બાળું કરવાનુંય ઠામૂકું રય ગ્યું'સ હંધાયન? હવ ઈ માથાકૂટ મેલ્ય ને માંય ઘરમાં જા." “હારું તઈ પાણી ઊનું કરવા મેલો." “અટાણે તો સૂલે ખીસડી મેઈલી સ. પસે મેલુ સવ." સંયા ને ઐસે મુઝે દેખા કિ મૈં પાની પાની.. પાંચ-દસ વરસનાં બે છોકરાં ઓસરીમાં બેઠાં બેઠાં મોબાઈલમાં ગીત જોતા હતા. નાનો ત્યાંથી ઊભો થઈને એની પાસે આવ્યો. “હારું થયું તમે આવી ગ્યાં. હવ તમ જલદી બેનને બાર લાવી ઘો.” “હાવ, પોચકીનો થા મા. એક દીધી હોય ને! બાપાએ હું કીધું'તું, ભૂલી ગ્યો?" મોટાએ હાથ ઉગામ્યો. “બેનવાળો મોટો નો જોયો હોય તો! ખાવા બેહો બેય સાનામુના." “હેં માસી, સોડી સે ઈવું કોણે કીધું?” “ઓલા ઉસાબેન નથી! એણે. એણે તો ઓછા પૈસામાં પડાવી દેવાનું'ય કીધું પણ રાં'ની માયની જ નઈ. મેં તો ધડ દઈન કય દીધું'તું, હું તો કાંય કયશ કરવાન નથ. આ તો એન માએ તન મોયકલી. હવ તું જાયણ ને તારા ગામની સોડી.”

રામી બારણું ખોલીને ઊભી રહી. ખાટલા પર પડેલો એક ઊપસેલો આકાર થોડી થોડી વારે ઊંચોનીચો થતો હતો. તેના ઉપરતળે થતા શ્વાસથી હાંફતો ઓરડો પણ સુવાવડીના પીળા પડી ગયેલા ચહેરા જેવો ફિક્કો, નિસ્તેજ, એના લમણાંની નસો ફૂલી જતી હતી; જીવ પર આવી જઈને એ મોઢું ભીડી દેતી હતી. રામીની સોડમાં એણે ઊંડો શ્વાસ ભર્યો. પિયરની માટીની સુગંધમાં એને મા સાંભરી આવી. “રામી.” “બોલ ને સોડી! બે-બે સોકરાં જણ્યાં પસે હેની બીક લાગે સે તને, હૈ?” "માર સોડીને બા'ર નથ લાવવી." “હું કે'સ. પેલી થઈ સો? મરી જાવું સ તારે?" “આ લોક રોજ રોજ એને વિતાડે એના કરતાં.. હું ને ઈ બેય .." ખુલ્લી બારીમાંથી ધસી આવેલા વીજળીના ચમકારામાં ભારતીનો અવાજ ઓઝપાઈ ગયો. તેણે નર્યા હેતથી ભારતીના માથે હાથ ફેરવ્યો.. "ઈ કાંય આપડા હાથમાં સે?” આખું ઘર જંપી ગયું હતું. મધરાતના સુમારે આભમાં વીજવાદળની હડિયાપટ્ટી જામી હતી. ભારતીનો કણસાટ ઠેબે ચડયો હતો. આમ પણ એને સાંભળનાર હતું કોણ? હતી એકમાત્ર રામી. તેણે મમતાથી ભારતીના પેટ પર હાથ ફેરવ્યો. પડખાં દબાવીને બાળકની સ્થિતિ જોઈ. બંને પગ ઢીંચણમાંથી વાળીને બાળકને આવવાનો રસ્તો મોકળો કર્યો.

અભેરાઈ પર મૂકેલા બીડીના બંડલમાંથી તેણે એક બીડી લીધી; સળગાવી; ખાટલાને અઢેલીને બેઠી. એને લાગ્યું કે જાણે કોઈ એની બીડી ઝૂંટવી રહ્યું છે. ભીની આંખે એણે બીડી હોલવી નાંખી. ધુમાડામાં આકાર લેતું કોઈ વર્ષો જૂનું દૃશ્ય જોતી હોય તેમ તેની આંખો સ્થિર થઈ ગઈ. “હાંભળ સોડી, આવી જ રાતે 'માડી કૃપા'ની ડેલીએથી હું એક 'જાકારા'ને છાતીએ વળગાડીને હાલી નીકળી'તી. અજાણી વાટ પકડીને નવે ગામ જઈને નવેસરથી જીવી. ઈ 'જાકારા'નું અસ્સલનું નામ'ય રાયખું 'કાજલ'. કોઈની મેલી નજર નો લાગઅ ન અટલે 'કાજલ'. ભણાવી-ગણાવીને અસ્સલની માસ્તરાણી બનાવવી'તી. પણ થ્યું હું? ગામના ઉતાર જેવા સોકરાંવે માર કાજલીને.. તો'ય તમ લોકને સોકરાં ખપે છે! કમજાત મરદજાત.”, રામી થૂંકી. "સેલ્લે આદમીનું દિમાગ તો બે પગની માંય જ ને!” અતિશય પીડાથી ભારતીની કાયા ખેંચાતી હતી; ઊંચકાઈને પછડાતી હતી. "ઓય રામલી! હું બકવા કરે સે. આ અભાગણીને કાયઢ હવ માંયથી. જીવ લેહે મારો." રામી તરત ઊભી થઈ. એટલામાં ફોન વાગ્યો. એ ચમકી. ક્યારનુંય ખાળી રાખેલું આંસુ આખરે આંખમાંથી દદડી પડયું. એણે ફોન કાઢ્યો; જમીન પર જોરથી પછાડ્યો. એણે બે ઘડી એ મૂંગા થઈ ગયેલા ફોનને જોયા કર્યું, પણ તેમાં હવે ચેતન ન હતું. ભારતીની બૂમોથી એ સજાગ થઈ. એની પાસે ગઈ. પીડાથી થથરતાં સાથળોને એણે ટેકો આપ્યો. બાળકનું માથું બહાર આવતું દેખાતું હતું. મા અને બાળક બંનેમાં હવે ધીરજ રહી ન હતી. બળ કરીને તેણે પડખા અને પેડુમાંથી બાળકને નીચેની તરફ ધકેલ્યું. એક.. બે.. ત્રણ.. બેજીવા ઓરડામાં ત્રીજો જીવ અવતર્યો. રામીના હાથમાં લોહીથી લથબથ માણસનું બચ્ચું હતું. લાડવા જેવડું માથું, કૂણી કાકડી જેવા હાથ-પગ અને . અને ! બે પગ વચ્ચે એ જ માંસનો લોચો! પુરુષનું એ દિમાગ જે તેને માણસ મટાડીને જનાવર બનાવી દે! તેની આંખ સામેનું દશ્ય તત્ક્ષણ ખરડાઈ ગયું. લોહીના ખાબોચિયાની ચોતરફ કાટાળા બાવળ ઊગી નીકળ્યા. પાગરણ તો છોડો, ડિલે એક સાજું લૂગડુંય નહીં. એ મારી કાજલી.. નાળ કાપવા લંબાયેલો હાથ જીવાદોરી તોડવા તત્પર થયો. ઓરડાની ચારેય ભીંતો સ્તબ્ધ બની ગઈ. બે વેંતના પુરુષ-શરીરની નિયતિ એ સ્ત્રીના હાથમાં હતી. આ દેઈને હાલ જ ટૂંપી નાંખું, પસી જી થાય ઈ. ખાટલા પર બેસુધ ભારતી છુટકારાનો દમ લેતી હતી. ભારતીન હાહુંને જગાડીને સોકરો આયવાના ખબર દઉં તો અડધી રાતે લાપસીનાં આંધણ મેલાસે. ને પસે! પસે મોટો થઈન હરાયા ઢોરની ઘોયડે ફાયટતો ફર્યસે બીજો એક અરજણ, બીજો એક વિહો. છટ્ ! તિરસ્કારથી રામીએ એને ભોંય પર મૂકી દીધો. બાળકનું રુદન ભેજવાળી ભીતે ભટાકતું પટકાતું રહ્યું. એ ખુલ્લી બારી પાસે આવી ઊભી. પવનના સુસવાટા અને મેઘના પડકારાને વીંધીને એનું રુદન રામીના હૃદય પર પોતાની નવજાત મુક્કી મારતું હતું. રામીએ તેને ઉપાડ્યો; આમતેમ ફેરવ્યો. તેના નિઃસહાય હાથપગ ભેગા કરી ખોળે લીધો. નિરાધાર શરીર ધરપતથી ધબકવા લાગ્યું. તેના ચહેરા પર વિશ્વાસનું સ્મિત રમતું હતું. કોરા કાગળ જેવી તેની આંખોમાં ઘણુંબધું ભરી લેવાનું કુતૂહલ તબકતું હતું. રામીને એ કોરા કાગળ પર આ સમાજના નહીં, પોતાના અક્ષર પાડવાનું મન થઈ આવ્યું. તે ઊઠી; બારણું ખોલ્યું; ઉંબરે આવી ઊભી. શીતળ વાયરાની સંગાથે વહેલી પરોઢનું વાણું વાયું. તેણે મમતાથી એ ‘અરુણ’ને કૂણા કપડામાં લપેટ્યો અને ઉગમણે ચાલી નીકળી.