નારીસંપદા : ટૂંકી વાર્તા/ઓળંગવું

ઓળંગવું

રીના મહેતા

એ સોફા પર બેઠી અને તરત જ એને એમ થયું કે એ જાણે Pregnant છે. એની બેસવાની રીત પણ થોડી વાર માટે પલટાઈ ગઈ. પોતાના પેટની અંદર જાણે કંઈક ઝીણું ઝીણું ફરકતું હોય એવું તો એને બરાબર અનુભવાયું નહીં. પણ, બસ, આવી કલ્પના જ એને એકદમ સુખદ લાગી. ‘પૂર્વી...’ કોઈએ એને બૂમ પાડી અને એ સભાનતાપૂર્વક ધીમે ધીમે ઊભી થઈને ચાલવા લાગી. એની ચાલ પણ જરા જુદી થઈ ગઈ હોય એમ એને પોતાને થયું. હમણાં હમણાંથી પૂર્વીના મનમાં વારંવાર આવું થઈ આવતું. એને આવી કલ્પના કરવામાં છૂપો રોમાંચ અને આનંદ થતા. આમ તો, થોડા દિવસથી એની બહેન ડિલીવરી માટે ઘરે આવી હતી. એના ચહેરા પર છલકાતી આભા, એનું બદલાઈ ગયેલું આખું વ્યક્તિત્વ જોઈ પૂર્વીના મનમાં અમુક વાર કશુંક થઈ આવતું અને બહુ બધા જણની વચ્ચેય એ દૂર નિખિલની સમીપ સરી જતી... ના, નિખિલ એને એકદમ વીંટળાઈ વળતો ચોમેરથી. આમ તો એને મળ્યે કેટલા બધા મહિના વીતી ગયા હતા દર વખતની જેમ. જ્યારે પણ એ આવે ત્યારે કોઈ વૃક્ષને અઢેલીને એ બેઠો હોય અને એની છાતીસરસી પૂર્વી હોય. વાતાવરણ સાવ જ બદલાઈ ગયું હોય. નિખિલ જોરથી એનો હાથ દબાવી દે અથવા ચુંબન કરી કહે : ‘કેટલા મહિના થઈ ગયા આપણને મળ્યાંને ! જો તું ગઈ વખતે મારી વાત માની ગઈ હોત અને આપણે મળ્યાં હોત તો...’ પછી હસીને પૂર્વીના નાનકડા પેટ પર હાથ મૂકી કહેતો : ‘તારું પેટ આટલું મોટું થઈ ગયું હોત...!’ એ શરમાઈને પછી ખોટી-ખોટી ગુસ્સે થઈ જતી. અને ત્રીજી જ ક્ષણે મૌન. અંદર કંઈક ઘૂંટાવા લાગતું દર વખતની જેમ. નિખિલની આંખોમાંય એવી જ ઘૂટન છલકાવા લાગતી. આવી બધી કલ્પનાઓ કેવી સુખ અને સુખનો દરિયો ભરેલી લાગતી અને થોડી જ પળોમાં ખાલીખમ સુકાઈ ગયેલી નદીના પટ ઉપર તિરાડો ઊપસી આવી હોય એવું મન થઈ ઊઠતું. આવી તૂટેલી ઉદાસ ક્ષણોમાં નિખિલ એની હથેળીને પીંછાની જેમ પંપાળવા લાગતો ત્યારે એનો સ્પર્શ બધી જ વેદનાઓને ઠારી દેતો થોડી વાર માટે. એમનું એકમેકને ચાહવું – આટલી પ્રબળતાથી, એ એમનીય કલ્પના બહારનું હતું. અચાનક એક દિવસ એ મળ્યો અને ગઈ કાલે રાતે કશોક ઝાટકો લાગ્યો હોય એમ પૂર્વી પથારીમાં બેઠી થઈ મનોમન ચિત્કારી ઊઠી : પાંચ વર્ષ ! પાં...ચ વર્ષ પસાર થઈ ગયાં. આટલાં વર્ષોમાં તો કેટલું બધું બની જાય એક માણસની જિંદગીમાં ! એ રડી પડી આ કિનારા વગરના સંબંધની વચ્ચે ઘૂમરાતા વમળમાં ચકરાતાં-ચકરાતાં. શરૂઆતનાં એક-બે વર્ષને બાદ કરતાં છેલ્લાં ત્રણ વર્ષમાં તો નિખિલે સેંકડો વાર એક જ વાત પૂર્વીને કરી છે : શારીરિક સંબંધની. પહેલાં તો પૂર્વી ડઘાઈ જતી. પછી નિખિલ સમક્ષ દલીલો કરતી અથવા એને અકળાવનારું મૌન જાળવતી. પણ પછી ધીમે ધીમે પરિપક્વ થયા પછી એ માનતી કે નિખિલને પૂરો અધિકાર છે. પ્રબળ પ્રેમની ઉચ્ચતમ કક્ષાએ ગયા પછી એમાં કોઈ પણ પાપ જેવું જણાતું નહોતું. એમાં શરીરની વાત માત્ર શરીર પૂરતી મર્યાદિત નહોતી. છેક મન-હૃદય અને આત્માના કોઈ ઝીણા અણુ સુધી પહોંચતી હતી. પણ પૂર્વીથી કશુંક ઓળંગીને જવાતું નહોતું. એનું ઓળંગવું એક હવામાં થીજી ગયું હતું. સામે રસ્તાની જગ્યાએ માત્ર શૂન્યાવકાશ એને જણાતો. એના ગળામાં ડૂમો બની કશુંક અટકી ગયું હતું. પૂર્વી કંઈ જ નક્કી કરી શકતી નહોતી આ સંબંધના ભાવિ વિશે. તેથી કદાચ કે પછી સ્વભાવગત ભય, ખચકાટ, સંસ્કાર વગેરેને લીધે બધું પાર કરીને એક છેડે પહોંચી શકતી નહોતી. નિખિલને એ વારંવાર ના પાડતી – પોતાને શરમ આવે એ હદ સુધી એની વાત ટાળી દેતી, લંબાવી દેતી, ક્યારેક માની જતી, હા પાડતી અને છેક છેલ્લી ઘડીએ કોઈ ને કોઈ રીતે છટકી જતી. ફરી પેલું ઓળંગવું હવામાં અધ્ધર ઝૂલવા માંડતું. ક્યારેક નિખિલ એને લગભગ કરગરીને કહેતો : ‘તું મને સમજતી કેમ નથી? મારી માનસિક સ્થિતિ કેવી થતી જાય છે એ તું જાણે છે? આ કંઈ મારી માત્ર શારીરિક જરૂરિયાત થોડી છે?’ ના, એય સમજતી હતી કે આ કોઈ શારીરિક જરૂરિયાત નથી. એને પત્ની છે. બાળક છે. અને... એ બધાંથી, એ બધાંથી દુનિયાની છેક દૂર એક ખૂણામાં – એક ટપકા જેટલી જગ્યામાં પૂર્વી સાથેનો સંબંધ છે. ટપકું ભલે માત્ર ટપકું જ છે, પણ એ છે ખરું. એ ટપકાના નાનકડા વર્તુળમાં જ એ પૂરેપૂરો-સાચકલો માણસ બની શકતો, ઊઘડી શકતો, પાંખડીએ પાંખડીએ ખીલી શકતો, કશા છોછ વિના પૂર્વીને ચાહી શકતો, એના શરીરનાં રોમેરોમને ચાહી શકતો.

*

પૂર્વીએ બંધ બારી ખોલી. એની બહેન હજી નિરાંતે ઊંઘતી હતી. ઊંઘમાં પણ એના ચહેરાની તાજગીસભર આભા અકબંધ હતી. એની સાડીનો છેડો સહેજ ખસી ગયો હતો. એના પેટની ઊજળી ત્વચા અને તેની નીચે ફરકતું બાળક... નિખિલે ઘણી વાર પૂછ્યું હતું : ‘તું મા બનશે મારા બાળકની?’ સુખ અને દુઃખનો ભાવ ત્યારે એકસાથે અનુભવાતો, એ છોભીલી પડી જતી. ફરીથી કશુંક ડુમાતું-ડુમાતું એના ગળામાં, છાતીમાં અટવાતું-સલવાતું-ગૂંચવાતું જતું. એ બારી પાસેથી ખસીને અંદર આવી. એની બહેન હવે જાગી ગઈ હતી. એના આખા શરીરમાં મનને ગમી જાય એવી અલસતા છવાઈ ગઈ હતી. બહેન પથારીમાંથી જેમતેમ ઊભી થઈ બહારના ઓરડા તરફ ચાલવા માંડી. એ જ ક્ષણે પૂર્વીએ આંખ બંધ કરી દીધી. અને તરત જ પોતાના શરીરમાં પેલી અલસતા હળુહળુ પ્રવેશતી અનુભવી. આખું શરીર જાણે વાદળ જેવા ભારથી ઊડતું હતું. જાણે નિખિલનું બાળક એના પેટમાં... ફરીથી એ જ સુખદ કાલ્પનિક અનુભૂતિ... અને એ પેલા અસ્તિત્વ ન ધરાવતા બાળકની આંગળી ઝાલીને કશુંક ઓળંગી રહી હતી... બાળકની કલ્પનાની વાત એણે નિખિલને પત્રમાં લખી નહોતી. પૂર્વીને મનમાં જરા હસવું આવ્યું. પોતે જરા દંભી તો ખરી જ. આમ તો આ આખી વાત સીધી અને સરળ હતી છતાં એણે એનો તાંતણો દૂર સુધી, તૂટી જવાની હદ સુધી ખેંચ્યે જ રાખ્યો. જ્યારે પણ નિખિલ એને બે ખભેથી મજબૂત રીતે પકડી-હચમચાવીને એની આંખમાં સીધું તાકીને પૂછતો કે, ‘બોલ ! તું શા માટે ના પાડે છે?’ ત્યારે એની પાસે કોઈ જવાબ ન રહેતો. એ નીચું જોઈ જતી, પછી રડી પડતી. ધીમે ધીમે એને પણ ખ્યાલ આવતો જતો કે એ કેટલી પીડા અને વલખાં આપી રહી છે નિખિલને. પૂર્વીની કલ્પના કર્યા વિના નિખિલ એની પત્નીને સ્પર્શી પણ ન શકતો. બહુ છિન્નભિન્ન થઈ ગયું હતું એનું મન અને સહન કરવાની હદ પર આવી ગયો હતો એ. આમ તો નિખિલ થોડો કઠોર-જોહુકમી કરે એવો હતો. અધિકારપૂર્વક ઘણી વાર ખીજવાઈ જતો. પણ પછી લાચારીપૂર્વક ચૂપ થઈ જતો. એની આંખોની અદર લાલલાલ આંસુ તગતગતાં. પૂર્વીને ત્યારે એનો ડર પણ લાગતો. એક પુરુષ જ્યારે એક સ્ત્રીને ખૂબ ચાહતો હોય અને એ શરીર દ્વારા વ્યક્ત કરવા માંગતો હોય ત્યારે આટલાં બધાં વર્ષ કેવી રીતે પસાર થઈ ગયાં? કેવી રીતે? પૂર્વીને ખબર પડે એ રીતે નિખિલ તૂટતો જતો હતો એક છેડેથી અને બીજે છેડેથી પણ. એક તરફ પૂર્વીનું લાંબા સમય સુધી ન મળવું અને બીજી તરફ પત્ની સાથેનું વેંઢારવું પડતું જીવન. એ બે છેડાની વચ્ચે નિખિલની સુક્કાભઠ્ઠ રણમાં જાગતી એકમાત્ર લીલીછમ ઇચ્છા. એ ઇચ્છા પણ કદાચ પીળી પડતી જતી હતી. નિખિલ ઘણી વાર પૂર્વીને ચેતવતો હોય એમ કહેતો કે ક્યારેક મને લાગે છે કે મારો રસ આમાંથી પણ ઊડતો જશે. એ પહેલાં તું... જીવન નીરસતા, કંટાળો અને એકધારાપણાથી ખેંચાઈ ખેંચાઈને લકવાગ્રસ્ત બનતું જાય છે... કોઈ સુંદર છોકરી જોઈ ક્યારેક મનમાં... પણ પછી તું યાદ આવતી રહે છે. મારે તું-તારું શરીર જોઈએ છે. તારું આ શરીર. આ શરીરમાં આખરે શું છે વિશેષ? માત્ર એ જ કે એ પૂર્વીનું છે. એવું યે નહોતું કે નિખિલ બીજી છોકરીઓ તરફ આકર્ષણથી નિર્લેપ હતો. આવી વાત એ પૂર્વીને કરતો ત્યારે પૂર્વી જાણતી કે નિખિલ માટે પૂર્વી – પૂર્વી છે. નિખિલે બે-ત્રણ વાર મિતાનો ઉલ્લેખ કર્યો હતો. એ કહેતો કે મિતા પણ સુંદર છે. મારી સાથે વાત કરવાનું એને ગમતું લાગે છે... આવી વાત સાંભળી પૂર્વીને મજા પડતી. એ હસતી, ચિઢાતી નહીં. વચ્ચે ફોન પર એક વાર નિખિલે પૂછ્યું હતું કે, ‘એની સાથે ફ્રેન્ડશીપ કરું?’ પૂર્વીએ હસી પડતાં કહ્યું કે, ‘મને શો વાંધો હોય?’ નિખિલ એને ચાહતો હતો એ વાત આગળ આ બધી બાબત સાવ ક્ષુલ્લક હતી. નિખિલ એક વાર મિતાને મળવા ગયો પછી વચ્ચે ઘણા દિવસ સંપર્ક તૂટેલો રહ્યો. પછી એક દિવસ નિખિલે ફોન પર પૂર્વીને કહ્યું : ‘મજામાં છે ને?’ પૂર્વીએ હા પાડી. ‘પણ હું નથી’, નિખિલે કહ્યું અને પૂર્વીને ફાળ પડી. ‘કેમ શું થયું?’ પૂર્વીએ અધીરાઈથી પૂછ્યું. ત્યારે નિખિલે કહ્યું : ‘મેં મિતાની વાત કરી હતી ને !’ ‘હા, પણ તેનું શું?’ ‘અમે ઘણી વાર મળીએ છીએ. એ તો મારા પ્રેમમાં પડી ગઈ છે !’ એ ખડખડાટ હસી પડી. ‘હવે આપણે ક્યારે મળીએ છીએ? તું જલ્દી બોલાવી લે મને અને યાદ રાખ – આ વખતે તો હું તારી વાત માનવાનો જ નથી...’ પૂર્વીએ ફરી ખડખડાટ હસીને ફોન મૂકી દીધો. ફરી પેલું ઓળંગવું ઝૂરતું ઝૂરતું એની પાસે ખસતું ખસતું આવ્યું. એ ઑફિસના પોતાના ટેબલ પાસે આવી ઊભી રહી. બારી તરફ જોતાં મોટું આકાશ દેખાયું. એને મનમાં ન સમજાય એવી લાગણી થઈ. મિતા... બીજી જ પળે પૂર્વીને આટલું લાંબું અંતર એક જ સેકંડમાં ઓળંગીને નિખિલને વળગી પડવાનું તીવ્રપણે મન થઈ ઉઠ્યું. એણે નિખિલને તરત જ પત્ર લખ્યો. એમાં મિતાની વાતને સાહજિક રીતે લીધી હતી. નિખિલે લખ્યું : હવે પેલી વાત? તું આ કારણે ના તો નહિ પાડે ને? મૂરખ તદ્દન ! કશું સમજતો જ નથી...! પૂર્વી પત્ર છાતીસરસો ચાંપતાં બબડી અને મનોમન કૂણી કૂંપળ જેવું હસી પડી.

*

બહુ દિવસ પછી એ સાંજે પૂર્વી ઘરમાં એકલી હતી. બારણાને અઢેલીને ઊભા રહી તેણે માથું સહેજ ઢાળી દીધું. મનમાં કશુંક ખટકવા માંડ્યું. એ બારણા પાસેથી ચાલીને હીંચકા સુધી આવી અને ધીમે રહીને બેસી પડી – લગભગ એની બહેનની જેમ જ. એને મિતા તરફ સહેજ અણગમો જાગ્યો અને શમી ગયો. પૂર્વીએ ખભા ઉપર એક પરિચિત સ્પર્શ અનુભવ્યો, પછી ગાલ પર, હોઠ પર, આખા શરીર પર. જાણે નિખિલ હીંચકા પર એની બાજુમાં બેસીને પૂછતો હતો : ‘આપણું બાળક તારા જેવું સુંદર જ આવશે, ખરું ને?’ પછી જાણે પૂર્વીના ઉપસેલા પેટની અંદરના ધબકારને સાંભળવા એ કાન માંડતો... ને પૂર્વી એને વળગી પડવા ગઈ. પણ હીંચકો તો સાવ ખાલીખમ હતો. એમના બાળકના હોવા-જન્મવાની જેમ. ડૂસકું ખાળતાં જાણે ઊલટી થતી હોય એમ પૂર્વી વૉશબેઝિન તરફ દોડી ગઈ. ગઈ કાલે પૂર્વી બહેનની સાથે ચાલવા ગઈ. વાતો કરતાં કરતાં ધીમે ધીમે ચાલતાં ચાલતાં એને એકદમ થઈ આવ્યું કે એ છેલ્લા દિવસોમાં નિખિલનો હાથ પકડી ચાલી રહી છે. બંને એકમેકમાં તલ્લીન છે. આજુબાજુથી કેટલાય લોકો પસાર થઈ રહ્યા છે. અને એમાંથી કોઈકને એમના સુખની ઇર્ષ્યા આવી જાય છે. એ એની બહેનનો હાથ પકડીને રસ્તાની એક તરફ ઊભી હતી. ટ્રાફિક એટલો બધો હતો કે રસ્તો ઓળંગાતો જ નહોતો. વાહનો સડસડાટ પસાર થયે જતાં હતાં. એનું માથું ચકરાવા લાગ્યું. ટ્રાફિક ઓછો થતાં રસ્તો ઓળંગતી વેળા પૂર્વીને યાદ આવ્યું કે નિખિલનો બહુ દિવસથી ફોન નથી આવ્યો. એ રસ્તાની પેલી તરફ ઝૂરવા લાગી. અંદર કશુંક બળવા લાગ્યું. રાતે એ બહેનની બાજુમાં ચત્તી સૂતી હતી. એની બહેનની જેમ જ. છત તરફ તાકતાં એ નિખિલ બાજુ પડખું ફરી. નિખિલના બંને હાથ એના શરીર ફરતે વીંટળાઈ ગયા. ‘તું એને પહેલી વાર જોશે ત્યારે?’ નિખિલે જવાબ આપવાને બદલે પૂર્વીના પેટ પર ચુંબન કર્યું. પૂર્વી ફરીથી પડખું ફરી અને એને ફરી યાદ આવ્યું કે નિખિલનો ફોન નથી આવ્યો... ‘હલો...’ બીજે દિવસે બધું બહુ ઓળંગીને એક અવાજ આવ્યો. ફોનનું રિસીવર એણે કાનસરખું દાબી દીધું. ‘કેમ છે?’ નિખિલે પૂછ્યું. એનો અવાજ જરા ધીમો હતો કે પછી લાઇન બરાબર નહોતી? ‘બસ મજામાં’, પૂર્વી બોલી અને એને ફરી સુખદ અનુભૂતિ યાદ આવી. એ કશુંક કહેવા ગઈ. પણ એના શબ્દને ઓળંગી જઈને નિખિલે કહ્યું : ‘પૂર્વી ! મારી વાત સાંભળે છે ને?’ ‘હા, બોલ ને...’ નિખિલ જાણે કાનમાં બોલતો હોય એમ પૂર્વીને થયું. ‘મેં મિતાની વાત કરી હતી ને?’ ‘હા, તેનું શું?’ – પૂર્વીને આવું કશું સાભળવાનું મન નહોતું થતું. એને થયું કે નિખિલ બીજી કોઈ સારી વાત કરે. રોમાંચથી રુંવાડાં ખડાં થઈ જાય તેવી. માદક હસી પડાય તેવી. ‘હું અને મિતા અવારનવાર મળતાં રહ્યાં હતાં,’ નિખિલનો અવાજ જરા તરડાયેલો હતો. પૂર્વી પહેલાંની જેમ જ હસી ખોટેખોટું ચિઢાવા ગઈ. ફોનમાં ગૂંચળાવાળા વાયરમાં એણે પેનને અંદર નાંખી પસાર કરવા માંડી. નિખિલે ફરી પૂછ્યું : ‘સાંભળે છે ને?’ પૂર્વીએ જરા મોટેથી હા પાડી ને કહેવા ગઈ કે હું... એણે પેટ પરનો સાડીનો છેડો સરખો કર્યો. નિખિલે કહ્યું : ‘મિતા અને હું ગઈ કાલે સાવ એકલાં જ મળ્યાં હતાં ને અમારી વચ્ચે... અમારી વચ્ચે...’ ફોનનો વાયર ઝૂલવા લાગ્યો અને એનાં ગૂંચળાંની વચ્ચેથી પેનને બહાર કાઢતો પૂર્વીનો હાથ સ્થિર થઈ ગયો. પૂર્વી ધીમે ધીમે ખુરશીમાં બેસી પડી. એને લાગ્યું કે પોતાને ગર્ભપાત થઈ રહ્યો છે.