નારીસંપદા : ટૂંકી વાર્તા/ગર્વ

ગર્વ

હેમાંગિની અ. રાનડે

શંકરલાલ ગૅલેરીમાંથી નીચે જોઈ રહ્યા હતા. ત્યાં બગીચાની દીવાલ પાસે નાની એવી મેદની જામી છે. બધાં જમીન પર પડેલી કશીક વસ્તુ ધ્યાનથી જુએ છે. ‘શું છે ત્યાં?’ સવારની ચા પી —પરવારી, ભીની મૂછો પર હાથ ફેરવતા—ફેરવતા શંકરલાલે કૉલોનીના સેક્રેટરી મધુભાઈને સાદ કર્યો. ‘આજે રવિવારે સવારે બગીચામાં શાની મિટિંગ જામી છે, મધુભાઈ?' ભીડમાંથી બે-ચાર ગરદન ઊંચકાઈ. એ આંખોમાંની ગંભીરતા જોઈ શંકરલાલ કંઈક ચોંક્યા. વાત મશ્કરીની નથી લાગતી. ધોતિયાનો છેડો સંભાળતા, યશોદાને: ‘જરી નીચે જઈ આવું છું' કહેતાં જલદીથી દાદરો ઊતરી, ભીડની બહારના ગોળાકાર પાસે આવી પહોંચ્યા. ભીડ તદ્દન ચુપ હતી. એમને શંકા થઈ. પગના પંજા પર ભાર નાખી સહેજ ઊંચા થઈ અંદર જોવાનો પ્રયત્ન કર્યો. નીચે કંઈક પડ્યું હોય એવું લાગ્યું. કંઈક નાનકડું, એકાદ ફૂટ જેટલું પણ નહીં હોય. શું છે? ‘શું છે?' એમનો અવાજ આપમેળે દબાઈ ગયો. પાસે ઊભેલા છોટાલાલે એમની તરફ જોઈને કહ્યું, ‘બાળક. બાળક છે.’ ‘બાળક?’ ‘હા, તાજું જન્મેલું.' ભીડમાંથી કોઈકે જાણકારી આપી. ‘બાળક! નવજાત! નાળે નથી કપાઈ. અહીં પડ્યું છે, આ આબરૂદાર કૉલોનીના બગીચામાં! રામ! રામ! આટલું કરપીણ કામ કોનું હશે? કોનું પાપ હશે આ?’ શંકરલાલ ભીડને ઠેલી આગળ વધ્યા. એમના પગ પાસે બાળકનું શબ પડ્યું હતું. ગુલાબી, કોમળ. નાળ અને ગર્ભની ઓર પણ ત્યાં જ પડી'તી, શંકરલાલના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ. મધુભાઈએ એમની તરફ જોઈ લાચારીથી બન્ને હાથ ફેલાવી કહ્યું, ‘જુઓ છો ને શંકરલાલ? કરે કોઈ, ભરે કોઈ. હવે આનું કરવું શું?’ ‘પોલીસમાં ખબર કરો, બીજું શું થાય?’ છોટાલાલે સલાહ આપી. ઊર્મિલાબહેન પાસે જ ઊભાં હતાં, ‘કોઈક આને ઢાંકો તો ખરાં. અરેરે...! જોયું નથી જાતું.’ સાડીનો છેડો આંખ પર મૂકીને એમણે ડોક હલાવી. શંકરલાલના ખભા પર હતો એ નેપ્કિન ફેંક્યો. એ બાળકના શરીર પર તો પડ્યો, પણ મોઢું ઉઘાડું જ રહી ગયું. મિસિસ દેસાઈએ નમીને બાળકના માથા સુધી નેપ્કિન ખેંચી લીધો. મોઢું લૂછવાના નાનકડા નેપ્કિનથી બાળકનું આખું શરીર ઢંકાઈ ગયું! મડદા પાસે ચોકીદારને ઊભો રાખી મધુભાઈએ તાકીદ આપી, ‘જોજે, ધ્યાન રાખજે. કૂતરું બિલાડું તાણી ન જાય.’ શંકા-કુશંકા કરતી મેદની પણ છંટાઈ ગઈ. શંકરલાલ ઉપર આવ્યા. કૉલોનીની કઈ કુંવારી ભારે પગે હતી? શંકરલાલે માથે હાથ ફેરવ્યો. આવડા અમથા જીવને આમ ઉપાડીને ફેંકી દેવું! અરેરે! આટલું ઘાતકીપણું? લોકોમાં દયા-માયા કંઈ બાકી રહી છે કે નહીં? ત્યાં યશોદાએ પૂછ્યું, ‘કોનું હતું?’ ‘શું ?' શંકરલાલ ચોંક્યા. ‘એ બાળક?' ‘તને કેમ ખબર પડી, ત્યાં બાળક હતું?' યશોદાએ મોઢું બગાડ્યું. છેલ્લાં પાંત્રીસ વરસથી જ્યારે-જ્યારે એને પુરુષોની અક્કલ પર દયા આવતી, એનું મોઢું આમ જ બગડતું!' 'હવે રાખો—રાખો. મને આંખ્યું નથી?' ‘કોણ જાણે કોનું છે? હવે તો પોલીસ તપાસ કરશે ત્યારે ખબર પડશે.' યશોદાએ નિઃશ્વાસ નાખ્યો. ‘હું કહું છું કે ન્યાય નથી ઈશ્વરના દરબારમાં. કોઈ તો બાળકની રાહમાં આખી જિંદગી મીટ માંડીને બેઠું રહે, અને કોઈ આમ જનમ દઈને ફેંકતું ફરે?' શંકરલાલે પત્ની ભણી જોયું. ‘હવે તારો લવારો પાછો શરૂ થઈ ગયો, હૈં?’ એમના અવાજમાં ગુસ્સા કરતાં સ્નેહ વધારે હતો. આટલાં સુખમાં પણ યશોદાને એક વાતનું દુઃખ હતું. ભગવાનની આરાધના પછી પણ એની કૂખ ફળી નહીં. જુવાનીમાં આ વાતને લઈ યશોદા રોજ કકળાટ કરતી. હવે કોક-કોક વાર જ આ દુઃખમાં ભરતી આવે છે, પછી થોડીવારમાં ઓસરી જાય છે. બાળક ન હોવાનો વસવસો શંકરલાલને પણ છે. પણ પુરુષ દુ:ખ ઉપર કાબૂ રાખી જાણે છે. વળી ઘરથી બહાર નીકળે ત્યારે બીજી ચિંતાઓ ક્યાં ઓછી છે? એટલો વખત ક્યાં મળે છે કે શંકરલાલ નિરાંતે બેસીને પોતાનું દુઃખ વાગોળ્યા કરે? થોડીવાર પછી જોયું તો યશોદાએ આંખો લૂછી, અને તે રસોડા તરફ નીકળી ગઈ. હવે જરીક વારમાં યશોદા સ્વસ્થ થઈ જશે. દીવાનખાનામાં શંકરલાલે સોફા ઉપર બેસી છાપું ઉપાડ્યું. રવિવારની સવારે આરામથી દુનિયાની ખબરો વાંચી શકાય છે. પગની પાની પસવારતાં, અંગૂઠાનો નખ પજવતાં એમણે સાદ કર્યો, 'સાંભળે છે? જરીક ગરમ ચા મોકલજે.' યશોદાના હોંકારથી સમજાયું કે તે હવે બિલકુલ સ્વસ્થ થઈ ગઈ છે. છાપું વાંચી, ચા પી, નાહી-ધોઈ પૂજા—પાઠ પછી શંકરલાલ ગૅલરીમાં ગયા. નીચે ચોકીદાર નથી, એમના નેપ્કિન વડે ઢંકાયેલું પેલું નાનકડું શબ પણ નથી. હશે! એમણે મન મનાવ્યું. શંકરલાલ જમવાની રૂમમાં આવ્યા, થાળી પીરસી યશોદા એમની રાહ જોઈ રહી હતી. એમનું મનગમતું બટાટાનું શાક અને પતરવેલી જોઈ શંકરલાલ ખુશ થઈ ગયા. રવિવારનું બપોરનું જમણ જરી નિરાંતે થાય. પછી અંગમાં સુસ્તી ભરાઈ જાય. ત્યારે સૂવાની મજા આવે. સાંજે શંકરલાલ ક્લબમાં જાય છે, જ્યાં દોસ્ત- બિરાદરો સાથે વાતોના તડાકા, ઠઠ્ઠામશ્કરી, પાનાં અને સહેજ ખાવું-પીવું! રાતે શંકરલાલ જમતા નથી. થોડુંક વાંચી, દૂધ પીને સૂઈ જાય છે. અઠવાડિયામાં એકાદ દિવસ આમ મનની મરજી ન સચવાય, તો જીવનમાં કંટાળો ઊભરાઈ આવે! વામકુક્ષીની તૈયારીમાં પલંગ પર પડ્યા, કે યશોદા આવી. “સાંભળ્યું?' ભૂમિકા બાંધતી યશોદા બોલી. ‘હું અહીં અંદર પડ્યો છું. સાંભળું કેવી રીતે?’ શંકરલાલે ટીખળ કરી. ‘એ આપણી કૉલોનીમાંથી કોઈનું નો'તું.’ ‘એ……એ શું?’ સવારવાળી વાત મગજમાંથી નીકળી ગઈ હતી. ‘એ...બાળક...મરેલું.’ ‘એમ? તને કોણે કહ્યું?' અમનેય ખબર પડે છે હોં. સોના હમણાં આવી'તીને, એ કે'તીતી.' ‘અચ્છા? કોલોનીમાં કોને ત્યાં બાળક આવવાનું છે, એનો હિસાબ સોના પાસે રહે છે શું?' ‘આ લોકો ઘેર-ઘેર કામ નથી કરતાં? બપોરે બધી મળીને નીચે બેસે છે ને અંદરોઅંદર બાતમી આપે છે.’ ‘જાસૂસોનું ખાસ્સું જાળું ફેલાવી રાખ્યું છે ને શું? પણ એ જવા દે. અહીંનું બાળક નહોતું તો આવ્યું ક્યાંથી? શંકરલાલે પડખું ફેરવ્યું. ‘કોણ જાણે. સોના એ બાબત કંઈ બોલી નહીં. કદાચ પોલીસ...’ ‘કોઈએ બહારથી નાખ્યું હશે?’ ‘એવું લાગે તો છે.’ ‘શું જમાનો આવ્યો છે! આ ચોકીદાર આખો દિવસ શું કરે છે? નજર રાખવાનું એનું કામ છે. સાળા મફતનો પગાર ખાય છે.' પૂછોને તમારા મધુભાઈને. સોના કે'તીતી…’ ‘ચાલો, હવે બસ કરો. મને ઊંઘ આવે છે.’ શરીરને વધુ આરામથી ફેલાવી શંકરલાલે સંતોષનો લાંબો શ્વાસ ખેંચ્યો. બપોરની ઊંઘ એટલે શું! સુખ જ સુખ! સોના કે'તીતી! આ સોના યશોદાની માથે ચઢાવેલી કામવાળી છે. છેલ્લાં પંદર-વીસ વરસથી કામ કરે છે. જે દિવસે કામ પર ન આવે તે દિવસે યશોદાના હાથ-પગ ઠંડા પડી જાય, રસોડું ડામાડોળ થઈ જાય. વચમાં એક—બે વાર સોનાએ લાંબી રજા લીધી, ત્યારે યશોદા રોઉં રોઉં થઈ ગઈ હતી. શંકરલાલ હસી પડ્યા. હોય એ તો. કુદરતનો નિયમ છે. કામનું માણસ હોય, એની ઉપર જ માયા ઊપજે ને! ગયે વરસે સોનાના દીકરાએ કંઈક લફડું કરેલું, ત્યારે સોના કેટલી ગભરાઈ ગઈ હતી! ત્યારે યશોદાનાં વેણ ખાતર શંકરલાલે એને હજારેક રૂપિયાની મદદ કરી હતી, ગામ જવા. ત્યાં જઈ દીકરાની પેરવી કરવા. સોના પણ શેઠ-શેઠાણીનું માન રાખે છે. જરૂર વગર રજા નથી લેતી. ન છૂટકે જવું પડે તો બદલીમાં બીજી કામવાળી રાખી જાય છે. ગયે વરસે પેલી કામવાળીને સોના જ રાખી નહોતી ગઈ? અચાનક શંકરલાલ પરસેવે રેબઝેબ થઈ ગયા. હાંફળા-ફાંફળા બેઠા થઈ ગયા. હા, શું નામ હતું એનું? રેખા… હા, રેખા જ તો. યશોદા બાજુમાં સૂતી હતી એણે પૂછ્યું, ‘શું થયું, હેં? ઊંઘ પૂરી થઈ ગઈ? પાંચ મિનિટમાં? સૂઈ જાઓ, હજુ બે જ વાગ્યા છે.' યશોદા ક્યારેક પતિને માની જેમ શિખામણ આપે છે. શંકરલાલને છાતી ભીંસાતી લાગી. ‘રેખા... હા, રેખા જ હતી. એ...’ પછી તો જાણે શંકરલાલના હ્રદયનું સ્પંદન અચાનક થંભી ગયું! રેખા કામ પર ક્યારે આવી હતી? ગયે વરસે જ તો. ગયે વરસે ક્યારે? કેટલા મહિના થયા એ વાતને? બાપ રે! કયું ભૂત વળગ્યું હતું શંકરલાલને એ દિવસે? એ બપોરે શંકરલાલ જમીને સૂતા હતા. યશોદા ક્યાંક લગ્નમાં ગઈ હતી. રેખા આવી, બારણાં પાસે ઊભી રહી. ‘કામ થઈ ગયું છે શેઠ, જાઉં છું. બારણું બંધ કરી લ્યો.' શંકરલાલે તકિયા પરથી માથું ઊંચકીને જોયું. બસ! એ એક ક્ષણમાં કાબૂ જતો રહ્યો. શરીરનું જાણે બધું લોહી બે પગની વચ્ચે ઊછળી આવ્યું. ઘરઘરાતા સાદે રેખાને કહ્યું, ‘ટેબલ પરથી માથું દુખવાની ગોળી જરીક આપ તો, માથું ફાટી જાય છે.' રેખાએ ગોળી આપી, અને પછી… અરેરે! કેટલું ગંદું કામ થઈ ગયું આ શંકરલાલથી. આ...આ પોતાની પથારી ઉપર જ... એમ જુઓ તો શંકરલાલ દૂધે ધોયેલા માણસ નથી. બાળક ન થયું એ બિના પર ઘણી વાર યશોદાએ એમને સમજાવેલા. પણ બીજા લગ્નની વાત પર કદીયે ધ્યાન ન આપ્યું. હા, ક્યારેક જીભનો સ્વાદ બદલવા ખાતર અહીં-તહીં મોઢું મારી લીધું છે. પણ કોઈ સ્થાયી બંદોબસ્ત નથી કર્યો. એ એમનો સ્વભાવ નથી. યશોદા પ્રત્યે એટલા વફાદાર તો શંકરલાલ જરૂર ગણાય. એ દિવસની પૂરી વાત એ ભૂલી પણ ગયા હતા. કેમ ભૂલી ગયા? અને આજે જ? આજે એ બધું એકાએક કેમ યાદ આવી ગયું? હૃદયના ખૂણેખાંચરે એમના મનમાં ડર પેસી ગયો છે શું? પોતે ગુનેગાર છે? યશોદાના ગુનેગાર? શંકરલાલે ધોતિયાના છેડાથી મોં લૂછ્યું. યશોદા ઊંઘમાં હતી. શંકરલાલ યશોદાનું મોઢું જોવા લાગ્યા. અહા! કેટલો વિશ્વાસ છે યશોદાને! જો એ જાણી જાય, એને ખબર પડી જાય કે... શંકરલાલનું કાળજું ફફડી ઊઠ્યું. એ દિવસ પછી રેખા કામ ઉપર નહોતી આવી. બે—ચાર દિવસો પછી સોના પાછી આવી ત્યારે શંકરલાલે પશ્ચાત્તાપ કરી લીધો હતો. પોતાને આ અપરાધભારથી સર્વથા મુક્ત સમજી લીધા હતા. આ બનાવ પછી ત્રણેક મહિને એક સાંજે શંકરલાલ ઘરમાં એકલા હતા ત્યારે રેખા આવી હતી. એને જોતાવેંત શંકરલાલ ગભરાઈ ગયા હતા. “શું છે? બાઈ ઘરમાં નથી.' ‘મારે તમારું કામ છે, શેઠ.' 'શું છે? પૈસા બાકી છે?' ‘બાકી તો છે શેઠ, પણ પૈસા નહીં.' એનું હાસ્ય વિકટ હતું! ‘શું કહેવા માગે છે તું હૈં?’ અવાજ ચઢાવીને શંકરલાલે પૂછ્યું. નોકરોની સાળાઓની જગ્યા પગ નીચે જ હોવી જોઈએ: શંકરલાલને આ પારંપરિક શિખામણની નક્કરતા આટલી તીવ્રતાથી આ પહેલાં ક્યારેય નો'તી જણાઈ. રેખાએ પેટ પર હાથ મૂક્યો. શંકરલાલ બાઘાની જેમ હાથ જોઈ રહ્યા. 'મારા પેટમાં છોકરું છે.'

હતપ્રભ થઈ ગયા શંકરલાલ. બળજબરીથી એમણે પેટ પરની નજર રેખાના ચહેરા ભણી ફેરવી. ઊંડો શ્વાસ લઈને બોલ્યા, 'ચાલ! નીકળ બહાર, બેશરમ. મને બિવડાવવા આવી છે? ક્યાંક ઉકરડામાં આળોટી હશે હરામખોર. ફસાવવા માંગે છે?’ રેખાએ એકવાર શંકરલાલ તરફ જોયું, પછી મોઢા પર થૂંકી. ‘તારે બારણે મૂકી જઈશ, એ યાદ રાખ.' સાળી નાલાયક. જાણે મારું જ છોકરું હોય. મને બિવરાવીને પૈસા ઉઘરાવવા છે? અરે, થવું હોત છોકરું, તો અત્યાર સુધીમાં ન થઈ ગયું હોત?’ એ ઘડીએ બાળકનો અભાવ શંકરલાલને સાલ્યો નહોતો. આજે શંકરલાલ મૂર્તિની જેમ પથારી પર બેઠા વિચાર કરી રહ્યા છે: ‘ક્યાંક એ નવજાત બાળક—વેંત જેવડું… રેખા તો નહીં નાખી ગઈ હોય?’ અને પછી તો શંકરલાલને ઊંઘ ન આવી તે ન જ આવી. ચામાં પણ મજા ન પડી. સાંજે ક્લબમાં પણ રંગ ન જામ્યો. પાનાંમાં નહીં, પીવા-ખાવામાં નહીં; મિત્રો સાથેના તડાકા, ઠઠ્ઠા-મશ્કરીમાં પણ નહીં. ક્યાંય રસ ન આવ્યો. શંકરલાલ આજે બહુ બેચેન હતા. વીલે મોઢે શંકરલાલ પાછા ઘેર આવ્યા. યશોદા ટી.વી. જોતી હતી. ‘દૂધ લેશો ?’ ‘ઊંહું.’ ‘શું થયું? માથું દુઃખે છે?’ વાત વધારવા નહોતા માંગતા શંકરલાલ. ઈશારાથી ના કહી અંદર ગયા. યશોદા સાડીના છેડામાં ચાંદીનો ગરમ ગ્લાસ પકડીને આવી. પલંગ પર બેસી ગ્લાસ સામે ધર્યો. ‘ખબર છે? પોલીસે શું કહ્યું તે?' ‘શું?' શંકરલાલની છાતી જાણે કોઈકે ભીંસી નાખી. ‘પોલીસે પંચનામું કર્યું, કહ્યું કે કોઈએ બહારથી ફેંક્યું લાગે છે. પછી કહે કે લઈ જઈએ છીએ. અમે જ બધું પતાવી લઈશું. આવડા નાનકડા જીવની તે શી હોય ક્રિયાકર્મ? દાટી દેશે ક્યાંક. તમારા મધુભાઈએ એમને સો રૂપિયા આપ્યા. શંકરલાલની છાતી પરથી જાણે કોઈએ મણભરની શિલા ઉપાડી લીધી. ઘૂંટડે-ઘૂંટડે સ્વાદ લઈ એમણે દૂધ પીધું. યશોદા કહેતી ગઈ, ‘સોના કે'તીતી, કેટલું સુંદર બાળક હતું! એકદમ જાણે કળી ગુલાબની.' શંકરલાલના મનમાં સ્મિત જાગ્યું: ‘બાળક કોનું?’ યશોદાએ નિઃશ્વાસ નાંખ્યો, ‘આપણુંયે હોત એવું બાળક.’ શંકરલાલે ખાલી ગ્લાસ પાછો આપ્યો. શંકરલાલ અમથા-અમથા ગભરાતા રહ્યા વરસો સુધી. ફૅમિલી ડૉક્ટરે સલાહ આપેલી કે તેઓ પોતાની ડૉક્ટરી તપાસ કરાવી લ્યે. તો મનમાં ક્યાંક સંદેહનું બીજ નંખાઈ ગયું હતું. એમને લાગતું કે જો દોષ એમના શરીરમાં હશે તો? અને દરેક વખતે ડૉક્ટરી તપાસની વાતને એ ટાળી નાખતા. પણ આજે એમનું મન પોકારી ઊઠ્યું, શંકરલાલ! વાંઝિયાપણાનો દોષ તમારામાં નહોતો, હોં કે! યશોદા એની ધૂનમાં બોલતી ગઈ, ‘હવે શો ફાયદો. ઉંમર નીકળી ગઈ.’ એણે લાંબો શ્વાસ લીધો. દૂધ પી મૂછો લૂછતી આંગળીઓ મૂછ પર તાવ દેવા લાગી.— ‘મારી ઉંમર નથી નીકળી ગઈ યશોદા — હજુ નહીં.’ ગર્વથી શંકરલાલની છાતી ફુલાઈ ગઈ.