નારીસંપદા : ટૂંકી વાર્તા/ભણકાર

ભણકાર

પારુલ કંદર્પ દેસાઈ

‘મૌલી, ઊઠવું નથી? જો, ટાઈમ થઈ ગયો છે.' આલોકનો અવાજ સાંભળીને ઊંઘરેટી આંખો સાથે મારો હાથ બાજુમાં ગયો તો જાણે કે ખાલી કૂવામાં ડોલ પડી ! 'અરે ! આલોક ક્યાં! આટલો વહેલો તો એ કોઈ દિવસ ઊઠતો નથી. હંમેશાં પહેલાં મને ઉઠાડે અને હું બ્રશ કરી ચા મૂકું પછી જ મહાશય ઊઠે ને બૂમ પાડે : 'ચા તૈયાર છે !' પણ આજે આલોક અહીંયાં ક્યાં છે? એ તો ગઈ રાત્રે જ બહારગામ ગયો છે એની કંપનીની મિટિંગ માટે. તેણે કહ્યું હતું ‘તુંય ચાલ મૌલા, પિન્ટુ અને ચિન્કી પણ પ્રવાસે ગયાં છે. તું અહીં શું કરીશ એકલી? 'પણ ત્યાંય હું શું કરીશ? તું તો આખો દિવસ મિટિંગમાં હશે ને હું હોટલમાં એકલી એકલી બોર થાઉં. એના કરતાં મારે ઘઉં ભરવાના છે ને મસાલા ને અથાણાંય બાકી છે. છોકરાંઓ નથી તે શાંતિથી હું થોડુંક તો પતાવી દઉં.' ‘જેવી તારી મરજી, પણ મૌલી, તું ક્યારેય એકલી રહી નથી. ‘તો શું છે? હું કંઈ નાની છોકરી થોડી છું? હસતાં હસતાં મેં કહ્યું હતું ને બૅગ ભરીને, આલોકને નાના બાળકની જેમ તૈયાર કરીને ગઈ રાત્રે જ સ્ટેશને મૂકી આવી હતી. ઘરે આવીને પથારીમાં પડી એવી જ ઘસઘસાટ ઊંઘી ગઈ. ને સવારે આલોકના અવાજની આ ભ્રમણા. મને હસવું આવ્યું. માનવીનું મન કેવું પરવશ બની જાય છે એની પોતાની ટેવોથી? એને ખબર પણ ન પડે એમ રચાતું જાય છે વમળ ને એમાં ઊંડે ને ઊંડે… આલોક નથી તોય એનાથી હું મુક્ત બની શકતી નથી! મુક્તિ... હા, આજે મુક્ત છું. સાવ નચિંત. ન આલોક, ન પિન્ટુ-ચિન્કી. નદીનાં ઊંડાં જળમાં ડૂબકી લગાવી સપાટી પર પાછી ફરતી વ્યક્તિના જેવી નકરી હળવાશનો અનુભવ થયો. ન તો આજે આલોક માટે વહેલાં રસોઈ કરવાની છે. ન તો પિન્ટુચિન્કીને સ્કૂલે મોકલવાની દોડધામ. તો પછી આ ખાલી દિવસો જશે કેમ? શું કરીશ બે દિવસ સુધી હું? અફાટ વિસ્તરેલા રણ જેવા આ સમયને કેવી રીતે ભરીશ હું? કોઈ બોલે : સિમ સિમ ખૂલ જા–અને ગુફાના દ્વારના પથ્થરો ખસી જાય. અણધાર્યો છૂપો ખજાનો હાથ લાગે એમ જ છેક ભીતરથી અવાજ આવ્યો. ના, ઘઉં અને મસાલા —અથાણાંને ગોલી મારો આ બે દિવરા! આ દિવસો તો મારા છે. માત્ર મારા એટલે કે અમોલા ગુપ્તાના. મારા નામ જેવા જ અમૂલ્ય. સહેજ રફ- ખરબચડી સપાટીવાળા કોરા કેન્વાસ જેવા છે આ દિવસો. તેના પર જેવાં ચિત્રો દોરવાં હશે, દોરી શકાશે! પસંદગીના, માત્ર મારી એકલાની પસંદગીના રંગો એમાં પૂરી શકાશે... પણ હાલ તો મુક્તિને માણતા જીવ, ઊંઘી જા. કાયમનું પાંચ વાગ્યાનું સવાર ભલે આજે સાત વાગ્યે પડવું હોય તો પડે. આજે તો એ પણ મુક્ત છે; મારી જેમ સ્તો ! પડખું ફરીને આંખો બંધ કરીને જંપી જવા કર્યું, પણ ઊંઘ ન આવી. બારીના પડદા ખોલીને જોયું તો સવારનું આકાશ મને આમંત્રણ આપતું હતું. હું ચાલવા નીકળી પડી. કેટલાંય નામી—અનામી ફૂલોની સુગંધ લઈ ને વહી આવતી હવા. સૂરજના કિરણે કિરણે નાનકડા બાળકની જેમ સંતાઈ જતો અંધકાર. આલોક નિયમિત ચાલવા જાય છે. શરૂઆતમાં તો હુંય સાથે જતી. દરિયાની ભીની રેતમાં આલોકનાં મસમોટાં પગલાંમાં મારાં પગલાં મૂકી કહેતી, 'જો, આમ જ સમાઈ ગઈ છું હું તારામાં.' આજેય આલોક કહે છે, ‘મૌલા, મૂકને આ બધું. ચાલ થોડું ચાલી આવીએ.' પણ પિન્ટુ અને ચિન્કીના જન્મ પછી એ શક્ય રહ્યું ન હતું. સવારમાં ઊઠીને બ્રશ કરાવવાથી માંડીને તૈયાર કરી સ્કૂલે મોકલવાની પળોજણમાં પેલી સવાર ને મોર્નિંગ વૉક ક્યાંય ખોવાઈ જતાં. જોકે હવે તો પિન્ટુ અને ચિન્કી મોટાં થઈ ગયાં છે. હવે હું જઈશ આલોક સાથે ચાલવા. પણ… પણ તેનાં પગલાંમાં પગલું મૂકીને નહીં, બલકે તેનો હાથ પકડીને તેની સાથે જ કદમ—બકદમ ચાલીશ હવે… ઘેર આવીને ચાનું પાણી મૂક્યું. ખાંડ નાખતાં હાથ અટકી ગયો. ‘ના આજે તો દોઢ જ ચમચી. આદુ અને ચાનો મસાલો પણ.’ આલોકને મસાલાવાલી ચા ન ભાવતી. તે કહેતો. ‘આદુની સાથે મરચા અને કોથમીર પણ નાંખને!” ચાનો કપ લઈને હીંચકા પર બેઠી. પગની ઠેસ વાગતાં હીંચકો ઝૂલવા લાગ્યો. મને ખૂબ ગમતો આવો ઝૂલતો હીંચકો. એટલે જ આલોક ગુપચુપ લઈ આવ્યો હતો અને મને ઊંચકીને બેસાડી, કેવી, ઝૂલાવી હતી ! પણ પછી ભાગ્યે જ હીંચકા પર બેસવાનો સમય મળ્યો છે. હીંચકો સવારસાંજ ઝૂલ્યા કરતો હોય રાતત. બેસનારાં બદલાતાં રહેતાં હોય, પણ તેમાં હું ન હોઉ ક્યારેય. મને હીંચકા પર બેઠેલી જોઈ સામેવાળાં લીલાબહેને બૂમ પાડી. કેમ અમોલાબહેન આજે તો એકલાં છો ને? એમ કરજો, રસોઈની કડાકૂટ ન કરશો. મારે ત્યાં આવજો. આપણે સાથે જમીશું.’ લૂંટાઈ જતા ધનને કોઈ કંજૂસ બચાવે એમ મેં ઉતાવળે માથું ધુણાવી ના પાડી. અત્યારે કશું બનાવવાની ઇચ્છા થતી નથી. કાલનું થોડુંક વધ્યું છે ને નાસ્તોય પડ્યો છે ખાસ્સો, પણ સાંજે બનશે માત્ર મારા માટે, મને અતિશય ભાવતાં મૂઠિયાં. મેથીની ભાજી નાખેલાં મૂઠિયાં બફાતાં હોય અને એની જે સુગંધ આવે એની લિજ્જત તો જેણે માણી હોય તે જ જાણે. પંદર વર્ષ પહેલાંની સ્મૃતિ તાજી થઈ. આલોકને મૂઠિયાં ભાવે, પણ બાફેલાં નહીં, તળેલાં અને ખાસ્સા સીઝેલાં. તે કહેતો, ‘મૌલુ, મૂઠિયાંને કાચાંપાકાં તળીને પછી સીઝવવામાં આવે તેના જેવું ટેસ્ટી બીજું શું હોઈ શકે? પણ મારી, બાફેલાં મૂઠિયાંની સુગંધ અને તેને કાચા તેલ સાથે ખાવાની લિજ્જતનું શું?—એવો સવાલ ઊભો થાય એવો તો સમય પણ ત્યારે ક્યાં હતો? એ સમય તો હતો સ્વીકારનો, નર્યા— નરદમ સમર્પણનો એક નશો ચડયો હતો સર્વાર્પણનો. મદહોશ થઈ જવાયું હતું જાણે. કેન્દ્રમાં હું હતી, પણ એની બધી ત્રિજ્યાઓ આલોક સુધી જ પહોંચતી હતી. મારી આજુબાજુ ચસોચસ હતું આલોકનું વર્તુળ. આલોક અને આલોકના સંસારની દેખભાળ એ જ મારી દુનિયા હતી. એની બહારનું વિશ્વ સાવ અર્થહીન હતું મારે માટે. મને ઓળખતા મિત્રો અચરજભરી નજરે જોઈ રહેતા. એ ભલે સમર્પણ હતું પણ એક પીલામાંથી બીજાં પીલાં ફૂટે એમ જ મારામાંથી ફૂટેલું. મેં ઇચ્છેલું હતું. એ વર્તુળની અંદર મારું જીવન છલોછલ હતું. એ ક્ષણો આજેય એટલી જ જીવંત, એટલી જ તાજી હતી. વલોણું વલોવી તારવેલાં તાજા માખણ જેવી તો પછી આજે આમ એકલા પડતાં હાશકારો, મુક્તિના શ્વાસની મજા કેવી? ને પેલી વાતે એક અરુપરુ અકળામણ શેની? કોઈ નથી તો કેમ આજે સારું લાગે છે? મુક્તિનો, ઉલ્લાસભર્યા ઉત્સવનો કેમ અનુભવ થાય છે? કારણ કે 'અમોલા, મૂળે તું પેલી વર્તુળબદ્ધ દુનિયાનો જીવ નથી. ક્યાંક ઊંડેથી ગોરંભાયેલો એક અવાજ સંભળાયો ને હું ચોંકી ઊઠી. તું છે અમોલા ગુપ્તા, જેના પેઈન્ટિંગને કૉલેજમાં દર વર્ષે ફર્સ્ટ પ્રાઇઝ મળતું હતું. જેને એના ડ્રોઇંગટીચરે કહ્યું હતું: અમોલા, તારામાં મૌલિક કલ્પનાશક્તિ છે. રંગ અને રેખાની સૂઝ છે. તું આ જ રીતે કામ કરે તો ભવિષ્યે જરૂર સારી ચિત્રકાર બની શકે. આલોકે પણ કેટલી બધી વાર કહ્યું હતું. ‘અમોલા, ચિત્રો દોર તને ગમતું એ કામ છે. પણ મારી ક્ષણો તો હતી માછલીઘરમાંની માછલી જેવી. જીવંત, તરવરતી, સુરક્ષિત, પણ બદ્ધ. ઘર, બાળકો, સગર્ગાસંબંધીઓ, વ્યવહારોમાં વહેંચાયેલી. હા, ક્યારેક પિન્ટુ અને ચિન્કીને ડ્રોઇંગબુકમાં ચિત્રો દોરી આપતી ત્યારે એ બંને આંખો પહોળી કરીને જોઈ રહેતાં, મમ્મીએ તો હાથ આમ કર્યો, પેન્સિલ આમ ચલાવી ને ત્યાં હાથી ને મોર દોરાઈ ગયા !

સાવ સાચા સોનાના દિવસો હતા એ. સતત જાણે કે માથે સુવર્ણની ઝીણી રજ ઝરમરતી હતી અને શણગારાઈ ઊઠતાં હતાં અમે બંને. પછી તો પિન્ટુ, ચિન્કી... ને કળાયેલ મોરની જેમ કૉળી ઊઠયું હતું જીવનરસમસ્ત! પણ ક્યારે એ મોરની કળા સંકેલાઈ ગઈ, પીંછાં ખરી પડ્યાં, કેવી રીતે આ બધું સાવ રુટિન ઘસડબોળો બની ગયું? ક્યારે આવી ગઈ ભારેખમ આ એકવિધતા ને સ્થગિતતા. ક્યાં ગયો પેલો રોમાંચ! પર્વત પરથી ઢળતાં પાણીની જેમ વહી ગયાં પંદર પંદર વર્ષો. અમોલામાંથી બની ગઈ હું મૌલી-મૌલા. માત્ર મૌલુ ને મમ્મા-મમ્મી. ના, હવે આ રીતે નહીં જીવું. મારા જીવનને નવું વહેણ આપીશ. કંડારીશ નવી કેડી અને બની જઈશ પંદર વર્ષો પહેલાં હતી એવી મૂળ અમોલા—-અમૂલ્યા. પિન્ટુ અને ચિન્કીને તો હવે પાંખો આવી ગઈ છે. ભલે ઊડે આકાશમાં સ્વૈર એમની રીતે આલોકને પણ કહી દઈશ. તારું બધું તું જાતે કરી લે. હવે હું માત્ર ચિત્રો દોરીશ તો શુભસ્ય શીઘ્રમ્. આજથી જ શરૂઆત કેમ ન કરું? આજે ધાણી અને હળદર કે ઘઉં-ચોખા લેવા નહીં. ચિત્ર માટેની સામગ્રી ખરીદવા જ કેમ ન જાઉં? સ્ટેશનરીના સ્ટોરમાંથી કેન્વાસ, રંગ, પીંછી હાથમાં લેતાં જ રોમાંચની સાથે પોતીકાપણાનો અનુભવ થયો. જાણે કે કેટલાંય વર્ષો પછી ખોવાયેલી વ્યક્તિ મળી હોય એમ આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. ઝડપથી બહાર નીકળી સીધા આર્ટગેલેરી જવા માટે રિક્ષા કરી. એક સ્કૂલબસની પાછળ રિક્ષા ઊભી રહી. બસમાંથી છોકરાંઓ પાછળ દફતર ભરાવી કૂદકા મારતાં ઊતરતાં હતાં. અરે, જાળવીને… મારાથી બોલી જવાયું. પિન્ટુડો આવો જ તોફાની. જાણે કે એક જ પગલામાં ધરતીને માપી લેવી હોય તેમ લાંબા કૂદકા મારે. ચિન્કી ડાહી. એને વાંચવાનો ખૂબ શોખ, પણ બંનેમાંથી એકેયને ચિત્રકલામાં રસ નહીં. ત્યાં જ રિક્ષાવાળાએ કહ્યું. બહેન આર્ટગેલેરી આવી ગઈ. પૈસા ચૂકવી અંદર ગઈ. ‘આ આર્ટગેલેરી, મારો સ્વપ્નપ્રદેશ. આ શહેરમાં મારાં ચિત્રોનું પણ પ્રદર્શન યોજાશે એવી ઝંખના આજે ફરી વાર જાગી ઊઠી. રંગોની છાલકથી આંખો અંજાઈ ગઈ. અત્યાર સુધી ક્યાં ખોવાઈ ગઈ હતી આ પરિચિત દુનિયા. હંઅ... આ જ છે મારું રિયલ વર્લ્ડ. આ રંગ અને રેખાઓ જ છે મારી સાચી જિંદગી. હુંય અંશ છું આ મહાસાગરનો. એનાથી અલગ નથી કશું મારું અસ્તિત્વ. આ પંદર વર્ષો તો આંખ ઝબકતાંની સાથે સાપની કાંચળીની જેમ સરી જશે ને હું બનીશ ચિત્રકાર અમોલા. ધીમે ધીમે હું મારી એ પૂર્વપરિચિત દુનિયામાં ફરવા લાગી. ઠેર ઠેર જિન્સ અને ટી-શર્ટનાં ઝૂમખાં. પેલો યુવાન હાથમાં હથોડી અને ટાંકણું લઈને શિલ્પમાં મસ્ત-વ્યસ્ત છે. પણે કેન્ટીન પાસે હાથમાં કપ અને સેન્ડવિચ લઈ ઉગ્રતાથી ચર્ચા કરતું ટોળું ઊભું છે. તો વળી, જાતને સાવ ભૂલી જઈને, મનમાં દોરાયેલા ચિત્રને કૅન્વાસ પર સાકાર કરવા મથતાં આ યુવક-યુવતીઓ. અચાનક એક જગ્યાએ થંભી જવાયું. એક યુવક તન્મય થઈને, એકાગ્રતાથી એના ચિત્રમાં આકાશના રંગોને પૂરી રહ્યો હતો, પણ ક્યાંય કશુંક ખૂટતું હતું. ધ્યાનથી જોયું તો વાદળોની ઘેરાશ ઓછી પડતી હતી. ‘એકસ્યૂઝ મી’ કહી પીંછી હાથમાં લીધી અને બેચાર કર્વઝે લીધાં ન લીધાં ત્યાં એ જ આકાશમાં જળભર્યાં વાદળો દોડવા લાગ્યાં. ‘થેંક્યું વેરી મચ મેડમ. તે યુવકે નમ્રતાથી કહ્યું. 'આય'મ સાગર.’ પણ એને જવાબ કોણ દે? હું તો પહોંચી ગઈ હતી મારા વિસ્મૃત અતીતની પેલી સૂક્ષ્મ ક્ષણોમાં… આ જ. સેઈમ આવી જ સિચ્યુએશનમાં આલોક સાથે મારો પરિચય થયો હતો. આ જ રીતે હું ચિત્ર દોરતી હતી અને સમીર આલોકને લઈ આવી પહોંચ્યો હતો. જોકે સાગર જેવી નમ્ર હું તે સમયે ન હતી. મારાં પૂર્ણ થવા આવેલા ચિત્રને એક—ધ્યાનથી જોઈ રહેતા આલોક પરના ગુસ્સાને વ્યક્ત કરું ત્યાં જ સમીરે કહ્યું હતું ‘આ છે આલોક. મારો મિત્ર અને આ છે અમોલા.’ યેસ, યેસ, આઈ એમ અમોલા. જેનું કોઈ મૂલ્ય ન થઈ શકે એવી અમોલા — મેં ત્રણેય અક્ષરો છૂટા પાડીને મારું નામ દોહરાવ્યું હતું. ‘આઈ એગ્રી વિથ યુ' તેણે હસીને કહ્યું હતું. ‘મારે તમારા મૂલ્ય સાથે કોઈ તકરાર નથી. મારે તો માત્ર એટલું જ કહેવું છે કે આ રેખાને તમે અહીં સુધી લંબાવો ! તો જ ચિત્ર પૂર્ણ બનશે. ‘તમે ચિત્રકાર છો?' કંઈક ઉપેક્ષાભર્યા અવાજે મેં પૂછ્યું હતું. ‘ના, માત્ર ભાવક છું. ચિત્રો જોવામાં, તેને ફિલ કરવામાં મને રસ પડે છે.' આલોકે શાંતિથી કહ્યું હતું. ‘કોઈની સલાહને અનુસરીને ચિત્ર દોરવાની મને ટેવ નથી.’ મેં લગભગ તિરસ્કારથી કહ્યું હતું. આલોક ચાલ્યો ગયો હતો. એના ગયા પછી ચિત્રની સામે ધ્યાનથી જોતાં જ મને થયું કે આલોકે કહેલી રેખાને મારે લંબાવવી જ પડશે. એ પછી એ ચિત્રને કૉમ્પિટિશનમાં ફર્સ્ટ પ્રાઈઝ મળ્યું હતું અને આલોકે લંબાવેલી રેખા મને પણ વીંટળાઈ વળી હતી. અરે, આમ જ સાંજ પડી ગઈ. વળી, આલોક… આલોક અહીંયાં નથી તોય હું એનાથી છૂટી શકતી નથી. જો મારે ચિત્રકાર થવું હશે તો આ સ્મૃતિયાત્રામાંથી મુક્ત થવું જ પડશે. મારાં મનગમતા કાર્ય માટેની ક્ષણો શોધવી જ પડશે. રાત્રે એકદમ વિચાર આવ્યો. આજે તો હું ધાબા પર સૂઈશ. આકાશ, તારાઓ અને ચંદ્રને જોતાં જોતાં આંખો મીંચીશ. આલોકને ધાબા પર સૂવું ન ગમતું. 'જો તો મૌલી, આજે તો પવન પડી ગયો છે. અથવા તો ‘આજે તો આકાશ વાદળછાયું છે. વરસાદ પડશે તો ઊંઘ બગડશે કે પછી ‘બાપ રે, કેટલો બધો પવન છે આજે!' રોજ ને રોજ તેનાં જુદાં જુદાં બહાનાંથી કંટાળીને આખરે મેં આકાશ, ચંદ્ર અને તારાઓ સાથેની મૈત્રીનો મારો શોખ છોડી દીધો હતો, પણ આજે તો ધાબા પર પાણી છાંટી આવી ને પછી પથારી કરી સૂતાં સૂતાં આંખ ન મળી ત્યાં સુધી આકાશ સામે જોયા કર્યું, પણ અડધી રાત્રે એકદમ ઊંઘ ઊડી ગઈ અને વળી, આલોક, પિન્ટુ અને ચિન્કી વીંટળાઈ વળ્યાં. થાકીને નીચે ગઈ અને આંખોને જોરથી બીડીને નક્કી કર્યું કે કાલે તો હું ચિત્ર દોરવાનું શરૂ કરીશ જ. આ ત્રણેયમાંથી કોઈનેય યાદ નહીં કરું. સવારે વહેલાં ઊઠી, ઝટપટ પ્રાતઃકર્મોથી પરવારીને, બારણાં બંધ કરી, ફોનનું રિસીવર નીચે મૂક્યું. રંગ અને પીંછી લઈ હું કૅન્વાસ સામે બેઠી. બે ક્ષણ કૅન્વાસ સામે જોઈ રહી. મારા મનમાં નહીં દોરાયેલું ચિત્ર પ્રત્યક્ષ થવા લાગ્યું. કૅન્વાસનો વધારાનો ભાગ ક્રમશઃ લોપાવા લાગ્યો અને આખું ચિત્ર ઊપસી આવ્યું. મેં રંગોનું મિશ્રણ કર્યું અને હાથમાં પીંછી લીધી ત્યાં જ અવાજ સંભળાયો: મમ્મી, આજે શનિવાર છે, મારે જવાનું મોડું થાય છે. આટલું હોમવર્ક તો તપાસી દે!

વાર્તા અને વાર્તાકાર :

પારુલ કંદર્પ દેસાઈ (૨૯-૧૨-૧૯૬૧)

એક વાર્તાસંગ્રહ :

1. એક ડગલું આગળ 14 વાર્તા

‘ભણકાર’ વાર્તા વિશે :

પરણીને બધી રીતે સુખી હોય, પતિ પ્રેમાળ હોય, પત્નીના વિકાસમાં દિલથી રસ લેતો હોય તો પણ સ્ત્રીએ લગ્ન પછી ઘણું જતું કરવું પડે છે, ઘણી બધી બાબતે મન મારવું પડે છે, એનું એકમાત્ર કારણ એટલું જ કે તે સ્ત્રી છે. પારુલ દેસાઈની વાર્તા ‘ભણકાર’ સ્ત્રીના આવા સૂક્ષ્મ સ્તરના પ્રશ્નને સ્પર્શે છે. પતિના જગતમાં પોતાની જાતને પ્રેમવશ સમાવી દેતી અમોલા વર્ષો પછી એકલી પડે છે ત્યારે સાવ નાની નાની વાતો મોટી થઈને યાદ આવે છે. પોતે સારી ચિત્રકાર હતી. પતિએ ઘણીવાર એને ચિત્રો દોરવાનું કહ્યું પણ હતું. પણ અમોલા પાસે સમય જ ક્યાં હતો? બે બાળકો, એમનો ઉછેર અમોલાનાં ઘણાં વર્ષો ખાઈ ગયો છે. એના પોતીકા શોખ, પોતીકું વિશ્વ આ બધી ધમાલમાં ક્યારે છૂટી ગયું એની અમોલાને સરત પણ નથી રહી. લગ્ન પછી પુરુષની જિંદગીમાં બહુ ઝાઝો ફરક નથી પડતો, પણ સ્ત્રીનું જીવન ધરમૂળથી બદલાઈ જાય છે. બાળકોના જન્મ પછી આલોક મોર્નિંગ વૉક માટે જઈ શકતો, પણ અમોલા નિશાળ, નાસ્તો, બાળકોને તૈયાર કરવાં વગેરેમાં અટવાઈ ગઈ હતી. પતિને મસાલાવાળી ચા ન ભાવતી, બાફેલા મૂઠિયાં ન ભાવતાં, અગાશીમાં સૂવું ના ગમતું... એટલે અમોલાએ પણ આ બધું જતું કરેલું. વાતો તો સાવ નાની, નજીવી હતી છલોછલ પ્રેમ વચ્ચે, સ્નેહસભર જીવનમાં વગર નોંધ્યે જ આવું બધું સ્વીકારાઈ ચૂક્યું હતું. અને તોયે બે દિવસ માટે સાવ એકલી પડેલી અમોલાને પતિ-બાળકોની ગેરહાજરી ગમે છે. જિંદગીમાં આવી ગયેલી એકવિધતા-સ્થગિતતા એને કઠે છે. પોતાની અંદરની મૂળ અમોલાને શોધવામાં જોકે એ વિફળ જ રહે છે. અહીં વાત સ્ત્રીના શોષણની કે એવા કશાની નથી. સંપૂર્ણ સ્નેહસભર જિંદગીમાં, ખરેખરા અર્થમાં સાથી કહેવાય એવો પતિ મળવા છતાં સ્ત્રીની જિંદગી લગ્ન પછી બદલાઈ જાય છે એ આપણી સામાજિક હકીકત છે. મા બન્યા પછી સ્ત્રીના ભાગે ઘણું બધું છોડવાનું આવે છે. પ્રેમવશ, પ્રકૃતિવશ સ્ત્રી આ બધું કરે પણ છે. છતાં કોઈ એકાદી ક્ષણ એવી આવશે જ, જ્યારે સ્ત્રીને પોતે શું કરી શકી હોત, ક્યાં પહોંચી શકી હોત એવો વિચાર ડંખશે. આમાં ક્યાંય ફરિયાદ કે આક્રોશ નથી. સામાજિક હકીકતનું કલાત્મક બયાન છે બસ.

નોંધપાત્ર વાર્તાઓ :

અરીસો, અંદર-બહાર, નિસબત, વિપર્યાસ, એક ડગલું આગળ, ગ્રહણ